Sunday, May 5, 2013

અમદાવાદ "સેન્શેશનલ" બુક ફેઅર : રસપ્રદ, રોચક, રોમાંચક !

શનિવારે 4થી મેનાં રોજ અમદાવાદમાં આયોજીત નેશનલ બુક ફેઅરમાં જવાનું બન્યું. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી પ્રકાશકોના 300થી વધુ સ્ટૉલ્સ, ક્યાંય કશી અગવડ ન પડે એવું સ્વીડિશ બૉલબેરિંગ જેવું સફાઈદાર આયોજન, મેળામાં ફરતાં ફરતાં તરસ્યા થયેલાં વાચકો માટે મફત શરબત ("મફત" શબ્દ ઑપરેટિવ છે!) પીરસતી પરબ, પુસ્તક-પ્રચાર, કેમ્પેઈનિંગ માટે હાથમાં પ્રેમથી પેમ્પલેટ્સ અને સૂચિપત્રો થમાવતાં રીડર-ફ્રેન્ડલી વૉલંટિયર્સ મારા માટે આ મેળાનાં મુખ્ય આકર્ષણો હતાં. પ્રમુખ પ્રકાશકોના સ્ટૉલ્સ પર ડૅબિટ/ક્રેડિટ કાર્ડથી પુસ્તકો ખરીદી શકવાની સરાહનીય સગવડ હતી.

ગુજરાતી પ્રકાશકોમાં નવભારત સાહિત્ય મંદિર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, આર. આર.શેઠ, ઈમેજ, અરુણોદય, નવજીવન ટ્રસ્ટ, પ્રવીણ પ્રકાશન, રન્નાદે પ્રકાશન, ગુજરાતી સાહિત્ય પરિષદ મુખ્ય હોવા ઉપરાંત, અભિયાન, ચિત્રલેખા અને સાયબર સફર મેગેઝિન્સનાં સ્ટોર તથા ઘણી વખત સફારી મેગેઝિનમાં જેની જાહેરાત જોવા મળતી હોય છે એ ખગોળશાસ્ત્રના રસિકો માટેના સાધનો વેચતાં અંકુર હૉબી સેન્ટરના સ્ટૉલ નોંધનીય હતાં.

બેશુમાર વૈવિધ્ય ધરાવતાં આ બુક ફેઅરમાં બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધીની ત્રણ કલાકની ટૂંકી મુલાકાતનો સમય લઈને આવ્યાનો ઘણો અફસોસ થયો. રન્નાદે, નવજીવન, ઈમેજ, પ્રવીણ પ્રકાશન જેવા સ્ટૉલ્સ પર વધારે સમય વીતાવી ન શક્યાનો વસવસો છે. ત્રણેક કલાકની લટારમાં જે થોડાંઘણાં પુસ્તકો આંખમાં વસી ગયા અને ખરીદ્યાં એ આ પ્રમાણે છે: (સૂચિની સાથે કેટલાંક પુસ્તકોનું ટૂંકું વિવરણ કૌંસમાં લખ્યું છે)


1. પ્રથમ પુરુષ એકવચન (સુરેશ જોષી) (અવર્ણનીય અદભુત લલિત નિબંધો)
 
2. સ્વામી આનંદ (ચંદ્રકાંત શેઠ)
 
3. ચંદ્રકાંત બક્ષી અને મધુરાયની નવલકથાઓમાં નગરજીવન (ડૉ. ગિરિજાશંકર જોષી) 

4. સ્વામી અને સાંઈ (હિમાંશી શેલત) (સ્વામી આનંદ - મકરંદ દવેના પત્રો)
 
5. ગુજરાતી આત્મકથાલેખન (ચંદ્રકાંત ટોપીવાળા) (40થી વધુ ગુજરાતી લેખકોના આત્મકથનાત્મક સંસ્મરણોનાં અંશોનું સંકલન)
 
6. અનુવાદ : સિદ્ધાંત અને સમીક્ષા (રમણ સોની) (બિનસાહિત્યિક વિષયોનું ભાષાંતર કરતો હોવા છતાં એક ટ્રાન્સલેટર તરીકે મને રસ પડે એ સ્વાભાવિક છે)
 
7. નિબંધવિશ્વ (સુરેશ દલાલ) (લલિત, પ્રવાસ, હાસ્ય, ચરિત્ર, સ્મૃતિચિત્રો, આત્મકથનાત્મક, આરોગ્ય, સાહિત્ય, પત્રકારત્વ, સામાજિક, આધ્યત્મ, ચિંતન, દર્શન વગેરે વર્ગો હેઠળ સેંકડો પ્રથમકક્ષ ગુજરાતી લેખકોના નિબંધોનું અફલાતૂન સુપર દળદાર કલેક્શન)
 
8. વિજ્ઞાનને હજુ ઘણી વાર લાગશે (ભાલચંદ્ર દવે) (જી. આઈ ગુર્જિફના મનોવિજ્ઞાન વિષયક લેખો)
 
9. સુરેશ જોષી : કેટલીક નવલિકાઓ (નીતિન મહેતા)
 
10. અવિસ્મરણીય 1 અને 2 (ઈશા-કુન્દનિકા) (સમર્પણ સાથે ટાઈ-અપ થયા અગાઉ જ્યારે માત્ર નવનીત નામનું સામયિક હતું ત્યારે તેમાં સંગ્રહાયેલી અવિસ્મરણીય વાચન સામગ્રીનો રસથાળ, બે ભાગ પ્રકટ થયાં છે, કુલ 7 ભાગ પ્રકટ કરવાનો ઉપક્રમ છે)
 
11. છીપનો ચહેરો ગઝલ (અમૃત ઘાયલ, મકરન્દ દવે) (ગઝલનું સ્વરૂપ, પરંપરા, ગઝલ વિશેના અભ્યાસલેખો, છંદશાસ્ત્ર, ચુનંદા ગઝલકારોની રચનાઓથી સમૃદ્ધ અને તરબતર કરી મૂકે એવું પુસ્તક)
 
12. ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (ચીનુ મોદી) (ચીનુ મોદીના ઊંચા અને કડક ટેસ્ટની પરીક્ષામાંથી પાર થયેલી ગઝલોનું માતબર કલેક્શન)
 
13. અતૃપ્તિ ભીતરની (સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજી) (અનેક ભૌતિક સગવડો વચ્ચે ખાલીપો અનુભવતા માણસ માટે માર્ગદર્શન, ઓશોના શિષ્યની કલમે)
 
14. ગુલાબદાસ બ્રોકરની વાર્તાસૃષ્ટિ (ભરત પરીખ)
 
15. ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ (વિનોદ અધ્વર્યુ) (29 ગુજરાતી સર્જકોની વાર્તાઓનું સંપાદન)
 
16. ગઝલ લોક (ડૉ. રશીદ મીર) (ગઝલ વિષયક અભ્યાસ લેખોનું સંકલન)
 
17. ગઝલ: રૂપ અને રંગ (રઈશ મનીઆર) (ગઝલના સ્વરૂપનો પરિચય મેળવવા ઈચ્છતા નવોદિતો માટે)

"મોટીવેશનલ"નાં નામે મોટા મોટા વેશ લઈને સુફિયાણી પણ અમલબજાવણી માટે અવ્યાવહારિક હોય એવી વાતો પીરસતાં ગ્લોસી મુખપૃષ્ઠોથી ખડકાયેલાં આંખ આજી દેતા પુસ્તકોના સ્ટૉલ્સને મેં દૂરથી જ નમસ્કાર કર્યાં. આવા પુસ્તકો માટે હવે Withdrawal Symptom બહુ તીવ્રતાથી વિકસી ચૂક્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પર ગમી જાય એવા દુર્લભ પુસ્તકોનું કલેક્શન મળી જશે એવી આશા ઠગારી નીવડી અને "લતા શું બોલે" વાર્તા વાંચવાની વર્ષોથી રહેલી ઉત્સુકતાને સંતોષવા માટે "ગુલાબદાસ બ્રોકરની વાર્તાસૃષ્ટિ" એ એકમાત્ર પુસ્તક આ સ્ટૉલ પરથી ખરીદીને આગળ વધી ગયો. ભગવતીકુમાર શર્માના પુસ્તક "સમયદ્વીપ" તરફ નજર પડતાં જ ચંદ્રકાંત બક્ષીએ ગુજરાતી સાહિત્યના નવાં પુસ્તકો વિશે લખેલા એક કટાક્ષ લેખમાં ઉલ્લેખ કરેલ કાલ્પનિક પુસ્તક "મયદ્વિપકલ્પ"ની યાદ આવતાં ચહેરાં પર સ્મિત રેલાયું.

ઈમેજ પબ્લિકેશન્સના સ્ટૉલના પ્રવેશદ્વાર પાસે રાખેલ એલસીડી સ્ક્રીન પર સુરેશ દલાલનાં એક જૂના પ્રવચનનો વિડિયો નિહાળવાની મજા આવી. લગભગ દરેક પ્રમુખ પ્રકાશકો, સંસ્થાઓ, ટ્રસ્ટનાં સ્ટૉલની બહાર પોતપોતાના વિષયને અનુરૂપ મલ્ટીમિડિયા પ્રેઝન્ટેશન ધ્યાન ખેંચતું હતું. ઈમેજ પબ્લિકેશન્સ તરફથી બુકમાર્ક તરીકે સુરેશ દલાલનાં મને બહુ જ ગમતાં અને હલબલાવી નાંખતા પેરેગ્રાફનું બુકમાર્ક મેળવીને બુક ફેઅરની મુલાકાત સાર્થક થઈ હોવાની લાગણી થઈ.


આ પુસ્તક મેળામાં શરબત સિવાય મફત મળતી બીજી વસ્તુ એ બાયબલ સોસાયટી ઑફ ઈન્ડિયા દ્વારા ખ્રિસ્તી ધર્મનાં પ્રચાર-પ્રસાર માટે અપાતી કેટલીક પુસ્તિકાઓ છે. હું Agnostic ખરો પણ મારો અભિગમ બહુધા non-blasphemous હોય છે એટલે ધાર્મિક બાબતો વિશે વધારે લખવાનું જોખમ ખેડતો નથી. (:p)


ગુજરાતી પ્રાઈડ વેબસાઈટનાં (www.gujaratipride.com અને www.nichetechsolutions.com) સ્ટાફ  દ્વારા એન્ડ્રોઈડ અને આઈફોન માટે વિકસાવાયેલી ગુજરાતી ઍપ્લિકેશન્સ (જેમ કે વાર્તા, ઉખાણા, શાયરી, કવિતા, કહેવત, સુવાક્ય) ડાઉનલોડ કરવાની માહિતી આપતું બ્રોશર મેળવીને આનંદ થયો કે બદલાતી ટેકનોલોજી સાથે અપગ્રેડ થઈને કદમ મિલાવવામાં ગુજરાતી પ્રકાશન ઉદ્યોગ પાછળ નથી. આ સિવાય ટેકનોલોજી અને જ્ઞાનનો સમન્વય કરતી ગુજરાતની સર્વપ્રથમ સંપૂર્ણ ઑનલાઈન ઈ-બુક લાયબ્રેરી (www.ebookpublisher.in) વિશે પણ ઉપયોગી માહિતી મેળવી. અમદાવાદમાં આવેલી બ્રિટિશ લાયબ્રેરી દૂર રહેતાં લોકો માટે પણ સુલભ બની શકે તે માટે www.library.britishcouncil.org.in પર મુકરર ફી ભરીને ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા વિવિધ વિષયોની 70,000થી વધુ ઈ-બુક્સ, 7,000 ફુલ-ટેક્ષ્ટ ઈ-જર્નલ્સ અને 7000 જર્નલ ઍબ્સ્ટ્રેક્ટ્સ ઍક્સેસ કરી શકાય તે માટે ભરીને આપવાના ફૉર્મનું પણ વિતરણ થઈ રહ્યું છે.

છેલ્લે, મારી સાડા ત્રણેક કલાકની બુક ફેઅરની વિઝિટને એક જ વાક્યમાં આટોપી લેતો સાર આપવો હોય તો કહી શકાય કે, અમદાવાદનો નેશનલ બુક ફેઅર fairly sensational ("fair enough to create sensations") છે અને કંઈપણ ખરીદવાના આશય વિના માત્ર લટાર મારવા આવનારને પણ પોતાની સાથે કંઈક ભાથું લઈને જવા માટે મજબૂર કરે એવો રસપ્રદ, રોચક અને રોમાંચક છે. 

ફિલહાલ તો, અગલે બરસ તૂ જલદી આ ! :)

7 comments:

  1. Tamaru sundar varnan vanchi m lagyu k hu pan e book fair ma jane fari rahi chu. Loko nu dhyan akarshi le teva Attractive titles wali pustako vache thanda sharbat no anand mani rahi chu..... :-)

    ReplyDelete
  2. એક મિત્ર એ આ ' નેશનલ બુક ફેઅર' વિષે જે રીતે નારાજગી વ્યક્ત કરી એને હું મેળામાં ગયા વગર આ રીતે કહું - અહી લોકલ (ગુજરાતી) અને ઇન્ટરનેશનલ (અંગ્રેજી) ભાષાના પુસ્તકો મળે પણ હિન્દીનાં ?!?!

    ^ આ એક હળવી વાત સિવાય કહું તો મકરંદ દવેને સ્વામીએ લખેલ એક પત્ર હમણાં બે દિવસ પહેલા જ (સ્વામી આનંદના નિબંધોમાં) વાંચ્યો।।ગમ્યું।

    ગુર્જિફ વાળું પુસ્તક પણ આમ ગમશે।।એની બધી વાતો સાથે સહમત થવું મુશ્કેલ લાગે પણ કંઈક અલગ એન્ગલ જોવા જરૂર મળશે।

    ReplyDelete
    Replies
    1. Will read both books and share views afterwards. :)

      Delete
  3. 'લતા શું બોલે'- વાહ!

    અને, આવા પુસ્તકમેળા મારા નસીબમાં કેમ માણવા મળતા નથી? :)

    ReplyDelete
    Replies
    1. Bangalore ma thi ahmedabad shift thai jaao..:)

      Delete
  4. નેહલ ભાઈ તમારી કેટલીક પોસ્ટ ઓરકુટ ઉપર વાંચી હતી ને હમણા ફેસ બૂક ઉપર ફરતા તમારી બ્લોગ ની કડી મળી . એક નવો સરસ બ્લોગ વાંચવા માટે મળ્યો . આપની બૂક ફેર ની પોસ્ટ અમારા જેવા મુંબઈ નિવાસીઓ માટે નિશાશો નાખવી ગયી તો તમારો એહવાલ જાણે જાતેજ મુલાકાત લીધી હોય તેમ આનંદ પણ કરાવી ગયી .

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for your appreciative comments. I guess, book fair in Mumbai are held at even larger scale than this ! :)

      Delete