Pages

Friday, May 31, 2013

બર્થ-ડેનું બખડજંતર

ગઈકાલે 30મી મેનાં રોજ બ્રહ્માંડમાં આવેલી અબજો આકાશગંગાઓ પૈકીની એકની બાહરી સરહદમાં આવેલા એક અત્યંત સામાન્ય સરેરાશ તારાના એક પૃથ્વી નામનાં નગણ્ય ગ્રહ પર અસ્તિત્વના 33 વર્ષ પૂરા કર્યાં. શતાયુ થવાનાં કે 100 વર્ષ પૂરા કરવાનાં બમ્પર બોનાન્ઝા ઑફર જેવા વડીલોનાં આશીર્વાદ આપણને બાળપણમાં 100થી વધુ વખત મળી ચૂક્યા હોય છે, એટલે 100 વર્ષનાં આયુષ્યનું એક બૅન્ચમાર્ક જેવું ધોરણ રાખીએ તો કહી શકાય કે મારું એક તૃતીયાંશ આયુષ્ય પૂરું થયું. બે તૃતીયાંશ આયુષ્ય બાકી છે એવું નહીં કહું કારણ કે મને હંમેશા ઊંચે ઊડવા માટે વિમાનની શોધ કરનાર આશાવાદી માણસ કરતાં નીચે હેમખેમ ઉતરાણ કરાવનાર પેરેશૂટની શોધ કરનાર નિરાશાવાદી વધારે મહાન લાગ્યો છે. ભાઈ, એ તો જેવી જેની માનસિકતા. કોઈને અડધો ભરેલો ગ્લાસ જોવો હોય, કોઈની નજર અડધા ખાલી ગ્લાસ પર હોય. નરેન્દ્ર મોદીની જેમ પાણી ઉપરાંત હવાનું વધારાનું ફેક્ટર જોતી સુપર સકારાત્મક દ્રષ્ટિ બધાં પાસે થોડી હોય? (બાય ધ વે, એક આડવાત: ત્રણ મહિનાં પહેલાં SRCC ખાતેની નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળ્યા પછી બાલાજી વેફર્સની પેકેટમાં ભરવામાં આવતી અડધી હવા સામેની મારી ફરિયાદ દૂર થઈ ગઈ છે!).

મારા જેવા હંમેશાં લો-પ્રોફાઈલ, એકાંતપ્રિય અને બિન-સામાજીક તત્વ તરીકે કુટુંબીજનોમાં પંકાયેલાં જીવને કશું પણ રંગેચંગે ઉજવવાનું ન ગમે એ સ્વાભાવિક છે.  પછી એ લગ્ન હોય કે જન્મદિવસ! :P. લગ્ન અને જન્મદિવસ બંનેમાં સામ્ય એ છે કે જે વ્યક્તિ આ પ્રસંગનાં કેન્દ્રસ્થાનમાં હોય એ ગમે તેટલી સાદાઈથી અને શાંતિથી દિવસ ગુજારવા ચાહે, પણ આસપાસના કોલાહલપ્રિય ઉત્પાતિયા જીવોની માંગણીને માન આપીને સેલિબ્રેશનમાં ઘણી વખત પરાણે ખેંચાવું પડતું હોય છે. 

જન્મદિવસની બાબતમાં બહુમતી લોકો બહુ ઈમોશનલ હોય છે. અટેન્શન સીકિંગ (ધ્યાનખેંચુંવૃત્તિ)નાં આ જમાનામાં અમુકને બર્થ-ડે વિશ ન મળે તો નાના બાળકની જેમ રિસાઈ જાય છે. કોણેકોણે મને આ વખતે વિશ કર્યું કે ન કર્યું એની કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ જેવી ઝીણવટપૂર્વકની યાદી મનમાં સંઘરી રાખે છે અને જેમણે વિશ કર્યું હોય એટલા લોકોને જ વળતી વિશ મોકલવી એ એમની ગ્રીટિંગ પેટર્ન હોય છે. 5 વર્ષની ઉંમરે 55 માણસોના ટોળાં વચ્ચે મીણબત્તીઓ હોલવીને રંગેચંગે ઉજવેલા જન્મદિનનું એ ઉંમરે એક આગવું સ્થાન હશે. પણ પાકટ ઉંમરે આવું બધું કરવું નરી બાલિશતા લાગે છે. બાળસહજ જિજ્ઞાસાવૃત્તિ અને વિસ્મયકારક દ્રષ્ટિને હૃદયનાં એક ખૂણામાં અકબંધ રાખીને વ્યક્તિત્વમાં ક્રમશ: કેટલો ઠહરાવ, પ્રગલ્ભતા (મેચ્યોરિટી) આવી? જીવનમાં ઊભા થતાં પ્રશ્નો અને સંઘર્ષોના સમાધાન માટે કોઈ નવી દ્રષ્ટિ કે અભિગમ વિકસ્યો? માંહ્યલાંને ઢંઢોળતા આવા સવાલોનું સરવૈયું કાઢતાં સ્મિતની જેટલી વધારે સિલક મળે તેટલું જીવ્યું સાર્થક ગણાય!

જતાં જતાં....

પૂછ એને કે જે શતાયુ છે, 
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે. 
શ્રી સવા બારણે લખ્યા કર તું, 
શબ્દથી બીજું શું સવાયું છે. 
આંખમાં કીકી જેમ સાચવ તું, 
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે. 
આપણો દેશ છે દશાનનનો, 
આપણો માંહ્યલો જટાયુ છે. 
તારે કાજે ગઝલ મનોરંજન, 
ને મારે માટે તો પ્રાણવાયુ છે.

                                                                   -મનોજ ખંડેરિયા

No comments:

Post a Comment