Pages

Wednesday, June 19, 2013

મંગળ-અમંગળ : જ્યોતિષ વિષે શ્રી વિનોદ ભટ્ટનાં હાસ્યલેખો

બે અઠવાડિયા પહેલાં આણંદના સાર્વજનિક પુસ્તકાલયમાંથી જ્યોતિષ વિશેના વિનોદ ભટ્ટનાં હાસ્યલેખોનું પુસ્તક "મંગળ-અમંગળ" લાવ્યો અને સ-રસ (રસપૂર્વક) વાંચી ગયો. હકીકતોની સાથે પોતાના આગવાં હ્યુમરનો ઍન્ગલ ઉમેરીને લખવાની વિનોદ ભટ્ટની શૈલી જ્ઞાન સાથે ગમ્મત આપે છે. પ્રસ્તાવનાથી લઈને છેલ્લાં લેખ સુધી મને જે કંઈપણ સ્પર્શી ગયું તેના અંશો ટાઈપ કરવાની જહેમત ઉઠાવીને અહીં રજૂ કરું છું. ઓવર ટુ મંગળ-અમંગળ !

(1) પ્રસ્તાવના:

આથી, હું વિનોદ ભટ્ટ, આજરોજ સત્ય, સંપૂર્ણ સત્ય તેમ જ ભેળસેળ વગરના આઈ.એસ.આઈ. માર્કાના શુદ્ધ સત્યના સોગંદ ખાઈને જાહેર કરું છું કે 'મંગળ-અમંગળ' હાસ્યલેખોનું પુસ્તક છે અને અંગત રીતે આ પુસ્તક લખવા પાછળ વાચકને હસાવવા સિવાય વધારે કશું જ મને અભિપ્રેત નથી. 'ચિત્રલેખા' જેવાં સામયિકોમાં અમુક લખાણના મથાળા પર ખૂણામાં નાના અક્ષરે એવું લખવામાં આવે છે કે 'આ જાહેરખબર છે.' એ પ્રમાણે આ પુસ્તકના નામને કારણે કોઈના મનમાં થતી ગેરસમજ ટાળવા જણાવું છું કે આ હાસ્યરસનું પુસ્તક છે, જ્યોતિષવિજ્ઞાનનું નથી. અલબત્ત, આ પુસ્તક વાંચતી વેળાએ હસવાની જવાબદારી વાચકોના શિરે છે એવું કહેવાનો મારો આશય નથી.આ જાહેરાત કરવા પાછળનું કારણ એ છે કે મારા ગ્રહો આજકાલ ખરાબ ચાલી રહ્યા છે એટલે બનવા જોગ છે કે 'મંગળ-અમંગળ' જેવું પુસ્તકનું શીર્ષક વાંચીને કોઈ વાચક તે ખરીદે ને તેને જ્યોતિષશાસ્ત્ર અંગેની જોઈતી એક પણ વિગત તેમાંથી ન જડે એટલે છેતરાયાની લાગણી સાથે સીધો તે ગ્રાહક સુરક્ષા મંડળ પાસે જઈને ફરિયાદ કરે કે આ લેખકે મારા મનમાં એવી ખોટી સમજ ઊભી કરેલી કે આ પુસ્તક જ્યોતિષ અંગેનું છે, પણ આમાં એમાંનું કશું જ નથી, એટલું જ નહીં, આ વાચતાં મને એક પણ વખત હસવું નથી આવ્યું. આમ આ પુસ્તક દ્વારા મને છેતરનાર લેખકે આ પુસ્તકની ખર્ચેલ કિંમત તથા તે વાંચવા પાછળ મેં બગાડેલ સમય જેટલી નુકસાની મને ચૂકવવામાં આવે.

કહેવાય છે કે આપણા ખ્યાતનામ (હવે સદગત) કવિ ઉમાશંકર જોશી અમેરિકા ગયા ત્યારે તેમનો કાર્યક્રમ ગોઠવનાર આયોજકે તેની પરિચિત બહેનને આમંત્રણ આપ્યું કે આજે સાંજે મારે ત્યાં ઉમાશંકર જોશી આવે છે. તમે ચોક્ક્સ આવજો. આ આમંત્રણનો સ્વીકાર કરતાં એ સ્ત્રીએ આયોજકને પૂછેલું કે સાથે મારા જન્માક્ષર લેતી આવું? જોશી જેવી અટક અને મહાત્મા જેવાં વિશેષણ ધરાવનારા તરફ પ્રજાનો ભક્તિભાવ વધી જતો હોય છે.

હતાશ માણસો અને હોશિયાર જ્યોતિષીઓ આ પૃથ્વી પર હશે ત્યાં સુધી જ્યોતિષશાસ્ત્રનો વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી, રેશનાલિસ્ટો પણ નહીં.

(2) સૂર્ય-શનિનો યોગ:

જાતક જો ગુજરાતી લેખક હોય તો એ સતત એવું ફીલ કર્યા કરે કે મેં ગુજરાતીમાં આટઆટલાં વરસ ઘાસ કાપ્યું એને બદલે મરાઠી, બંગાળી કે હિન્દી ભાષામાં લખ્યું હોત તો ત્યાંના લોકો મને ઊંચકીને (જીવતો ઊંચકીને) ફરતા હોત. મારી હયાતીમાં મારાં બાવલાં મુકાયાં હોત, પણ આ કમબખ્ત ગુજુ પ્રજાને મારી સહેજ પણ પડી નથી. આ ત્રણમાંની એકેય ભાષા એને આવડતી ન હોય, અરે, શુદ્ધ ગુજરાતી લખતાંય મોંઢે ફીણ આવી જતાં હોય તોપણ જાતક આ પ્રકારની ગ્રંથિથી પીડાયા કરે.


આ લેખ લખવા બેઠો છું ત્યાં જ સૂર્યનાં સીધાં કિરણો મને દઝાડવા માંડ્યા છે. સૂર્યની અશુભ દ્રષ્ટિથી બચવા લેખ અહીં પૂરો કરું છું...


(3) ચન્દ્ર વિશે:

આજે જે રીતે માફિયાઓ વગદાર પોલિટિશિયનો સાથે ઘરવટ સંબંધો બાંધી પોતાનાં ધાર્યાં કામ કરાવી શકે છે એ રીતે એક જમાનામાં રાક્ષસો પણ અમુક દેવોને સાધી તેમની પાસેથી મનવાંછિત ફળ મેળવતા. એક દંતકથા પ્રમાણે વૃત્ર નામના રાક્ષસને અમર થવાની ઘેલછા જાગી એટલે ભગવાન ઈન્દ્ર પાસે જઈ તેણે પ્રાર્થના કરી કે કૃપા કરીને મને અમરતત્વ બક્ષી દો. પદ્મશ્રી કે પદ્મવિભૂષણની જેમ આ પ્રકારના ઍવોર્ડ્ઝ સહેલાઈથી આપી શકાતા હશે, કેમકે ઈન્દ્રે તરત જ સર્જરી દ્વારા તેના શરીરનો અમુક ભાગ કાઢી તેમાંથી ચન્દ્ર બનાવ્યો, પણ ચન્દ્રમાં શિથિલ ચારિત્ર્ય જેવા રાક્ષસી ગુણો ટક્યા હોય કે ગમે તે કારણ હોય, પણ બૃહસ્પતિની પત્ની તારા સાથે વ્યભિચાર કરવાને કારણે ચન્દ્ર કલંકિત બની ગયો. તેના પર પર્વતો જેવા જે કાળા ડાઘ દેખાય છે એ જ તેનું કલંક છે. તેને કલંકિત થવાની હૉબી હોય તેમ ઈન્દ્ર અને અહલ્યાના અવૈધ સંબંધમાંય તેણે મદદ કરી હતી. ઈન્દ્રે તેને અમર કરી દીધો એનું ઋણ ચૂકવવા, ઈન્દ્રને ઓબ્લાઈજ કરવા તે વહેલો-બીફોર ટાઈમ આથમી ગયો એટલે અહલ્યાના પતિ ગૌતમઋષિ નદીએ સ્નાન કરવા અડધી રાતે ઘરમાંથી બહાર નીકળી ગયા. ઈન્ડિયન પીનલ કોડમાં આને ગુનામાં સામેલગીરી કહેવામાં આવે છે. આ સામેલગીરી બદલ ગૌતમે ચન્દ્રને કલંકિત કે બ્લૅક લિસ્ટેડ જાહેર કરી દીધો.

પૃથ્વીના મુકાબલે ચન્દ્ર પરના તમામ પદાર્થો છગણા હળવા થઈ જાય છે. પરિણામે અહીંની જેમ માણસ ત્યાં પડી જતો નથી. તે ખુરશીમાં બેઠો હોય તો એમાંથી તેને સહેલાઈથી પાડી શકાતો નથી. ઉપરાંત ચન્દ્ર પર પડી જનારને વધારે પ્રમાણમાં વાગતુંય નથી. આથી ત્યાં અસ્થિભંગના કિસ્સા નહીંવત બને છે. એટલે ત્યાં ઑર્થોપેડિક ડૉક્ટરો માટે રળવાની તકો ઘણી ધૂંધળી છે. ચન્દ્ર પર હવા નથી અને અવાજ પણ સાંભળી શકાતો નથી. આ કારણે પ્લેબેક સિંગર્સ ત્યાં સ્ટેજ શો માટે જાય તો ધરમધક્કો પડે. મિમિક્રી આર્ટિસ્ટો માટે પણ બજાર નથી. હા, માઈમ કરતો કલાકાર કદાચ ચાલી જાય. ત્યાં ઘાસ, વૃક્ષો વગેરે ઊગતાં નથી. આથી માણસ વડે ઘાસચારામાંથી પોતાનો ખોરાક મેળવી શકાતો નથી તેમ જ વધુ વૃક્ષો વાવો જેવી ઝુંબેશ પર્યાવરણવાદીઓ ચલાવી શકે તેમ નથી.

અમાસ-અમાવસ્યાની રાતે સૂર્યના તેજમાં ચન્દ્ર ઢંકાઈ જાય છે એટલે દેખાતો નથી. જૂની પેઢીનાં ઘણાં ઘરોમાં સાસુઓની ધાકમાં પુત્રવધૂઓ આજે પણ ઢંકાઈ જાય છે ને પાછી લાજ કાઢીને પોતાના અસ્તિત્વને જાતે જ ઢાંકી દે છે એમ !

ચન્દ્રની કળાની વધઘટ પ્રમાણે ગુનાખોરીમાં પણ વધઘટ થતી હોય છે. પૂનમે ગુનાખોરોને ગુનો કરવાનું પ્રોત્સાહન સ્વયંભૂ રીતે પ્રાપ્ત થાય છે. ચોરલોકો આમ તો પૂનમની રાતના અજવાળાથી ડરતા હોય છે એટલે તે ચોરી કે લૂંટ સિવાયના અપરાધ કરે છે. અને જે લોકોમાં ગુનો કરવાની ત્રેવડ નથી, તાકાત નથી એવા કેટલાક લોકો પૂનમના દિવસે, સમાજ તરફના વેરભાવથી, ઝનૂનપૂર્વક કવિતાઓ કરે છે.

ચન્દ્ર-મંગળનો પ્રતિયોગ હોય એવી વ્યક્તિ ખાવા-પીવાની શોખીન હોય છે [આમાં ખાવા-પીવાનું ઘણીવાર આગળ-પાછળ હોય છે.] એમાંય ફરસાણ અતિપ્રિય. આ જાતકની બીજી ખાસિયત એ હોય છે કે જમવામાં તે પ્રથમ પંગતમાં બેસવાનું પસંદ કરે છે. [પહેલી પત્રાળી સવા લાખની], વરઘોડામાંય તેને આગળ ચાલવાનું ગમે છે [જેથી વિડિયો કૅસેટમાં અચૂક દેખાય], સરઘસમાં વચ્ચે રહે છે [જેથી કંઈ ગરબડ થાય તો નાસતાં ફાવે] અને સ્મશાનયાત્રામાં છેલ્લે [આ કારણે નનામી ઊંચકવાની લપમાંથી બચી શકાય.]

ડ્રાઈવિંગમાં અન્ય વાહનોને પાછળ પાડી દઈને, ઓવરટેક કરીને આગળ નીકળી જવાની જીદ મનમાં કાયમ રહે છે અને ઓવરટેક કર્યાથી જ મોટા ભાગે જાતકનું અશાંત મન શાંત થાય છે. પણ આ કારણે કોઈક વાર બધાંથી આગળ, જ્યાંથી યુ ટર્ન લઈ પાછા ફરી શકાતું નથી એવા મુલકમાંય પહોંચી જવાય છે.

ચન્દ્રનો એક દિવસ આપણા ચૌદ દિવસ જેવડો મોટો છે - આનો અર્થ એવો થાય કે ત્યાં જો માણસો વસવાટ કરે ને સરકારી કચેરીઓ સ્થપાય તો કર્મચારીઓનો પગાર દર બે દિવસે કરવો પડે, આપણા ફેબ્રુઆરી મહિનાની જેમ ત્યાં અઠ્ઠાવીસ દિવસનો મહિનો ગણાય. લેણદાર પાસેથી બે દિવસના વાયદે લીધેલ પૈસા અહીં અઠ્ઠાવીસ દિવસ સુધી વાપરી શકાય.

(4) નીલ આર્મસ્ટ્રૉંગ અને ચન્દ્ર :
1969માં ચન્દ્ર પર ગયેલા નીલ આર્મસ્ટ્રૉંગ અને એલ્વિન ઑલ્ડ્રિનની કુંડળીનો અભ્યાસ કરીને નક્કી કરવું જોઈએ કે તેમનો ચન્દ્ર સદોષ હતો કે નિર્દોષ ! ચન્દ્ર પરથી પાછા ફર્યા બાદ તેમનો ચન્દ્ર સુધરેલો કે બગડેલો!

પતિ બહારગામથી આવે ત્યારે તેની પત્ની રિવાજ મુજબ પૂછતી હોય છે કે મારા માટે શું લઈ આવ્યા? એ રીતે ચંદ્ર પરથી પાછા ફરેલા આર્મસ્ટ્રૉંગની સ્ત્રીએ પણ તેને પૂછ્યું હશે કે 3,65,192 કિલોમિટર ફરી આવ્યા, ત્યાંથી મારા માટે શું લઈ આવ્યા? 'ધૂળ ને ઢેફાં' આર્મસ્ટ્રૉંગે હસીને જવાબ દીધો હશે ત્યારે ખીજમાં તે સ્ત્રી બોલી હશે :'આ તો પાઉડર જેવી ઝીણી માટી છે, આનાથી તો વાસણ પણ ન મંજાય.'

આર્મસ્ટ્રૉંગમાં જરાય સંવેદનશીલતા હોત તો તેણે ચંદ્ર પરની ધૂળને બૂટ પર ઊંચકવાને બદલે એ ધૂળ પોતાના માથે ચડાવી ગણગણ્યો હોત :

ચંદ્રની ધૂળથી માથું ભરી લઉં આર્મી,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

(ઉપરની કાવ્યપંક્તિમાં આર્મી એટલે કે આર્મસ્ટ્રૉંગ.)


(5) મંગળ:

મંગળ સૂકો ને વેરાન પ્રદેશ છે, ત્યાં વસતિ નથી, માત્ર ઢેખાળા જ છે. જો ત્યાં વસતિ હોત તો ત્યાં સરકાર પણ હોત ને પોલીસ પણ હોત. પોલીસ સાથેની અથડામણમાં ત્યાં મોટી અનુકૂળતા એ થાય કે પોલીસને મારવા લોકોને પથરા શોધવા જવું ના પડે. પથરા જ માણસને શોધતા આવે એટલા વિપુલ જથ્થામાં ત્યાં પથરા છે.

લાલચટ્ટક રંગનાં મંગળનાં ચિત્રો ટીવી પર દેખાડવામાં આવ્યાં ત્યારે તે લાલને બદલે લીલાં દેખાતાં હતાં - આને જ મંગળની લીલા કહી શકાય ! અત્યારે ત્યાં પાણી હોવાનું માલૂમ પડ્યું નથી. ત્યાં જો પાણી હોત તો સારું થાત, કેમકે જ્યાં પાણી હોય ત્યાં પોરા-જીવજંતુ પણ થવાનાં એટલે જે લોકોને પાણીમાંથી માત્ર પોરા શોધવામાં જ રસ છે તેમની શોધકવૃત્તિને પ્રોત્સાહન મળત.

મંગળ પર ગુરુત્વાકર્ષણ બળ નથી. વિજ્ઞાની ન્યૂટન ખરેખર સદભાગી હતો. કેમ કે તે પૃથ્વી પર જન્મ્યો હતો. એના માથા પર સફરજન પડ્યું એટલે એ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી શક્યો. બાકી મંગળ પર હોત તો તે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી શક્યો જ ન હોત. ત્યાં કશું જ પડતું નથી. સરકાર પણ નહીં પડતી હોય. ત્યાંની દરેક ચીજ વસ્તુઓનું વજન ત્રીજા ભાગનું થઈ જાય છે એવું વિજ્ઞાનીઓનું કહેવું છે. આથી 100 કિલો વજન ધરાવતી સ્ત્રી વગર ડાયેટિંગે 66 કે 67 કિલોની થઈ જવાની. તો તો પછી હિન્દી ફિલ્મનો હીરો ત્યાં વજનદાર હીરોઈનને ઊંચકીને હાંફ્યા વગર સ્ફૂર્તિથી દોડી શકશે.

સ્ત્રીમાં ઉત્પન્ન થતી સેક્સ (કામવાસના) મંગળ સંભાળે છે, જ્યારે પુરુષના મનમાં જે વિષયવાસના જાગે છે તે શુક્ર સંભાળે છે. આનો અર્થ એવો નીકળી શકે કે ગ્રહો પણ ડિવિઝન ઑફ લેબર અર્થાત શ્રમ-વિભાજનમાં માને છે.

મેં આ લેખ એક જ્યોતિષિ મિત્રને વંચાવ્યો. મને થોડી બીક હતી કે મંગળમહારાજ વિશે કંઈક યદવા તદવા લખાઈ ગયું હોય તો તે ક્રોધે ભરાઈને મારું ધનોતપનોત કાઢી નાખે. એક લેખ તેણે બે વખત ઝીણવટથી વાંચ્યો. પછી મારી સામે જોઈ કહ્યું : 'વિનુ, મંગળમાં બબ્બે ચન્દ્ર હોવાનું શોધાયું છે એ રીતે બબ્બે મંગળ પણ હોઈ શકે. એક તો અમેરિકાએ જેના પર યાન મોકલ્યું છે એ ને બીજો જ્યોતિષશાસ્ત્રવાળો મંગળ. લે, આ ધાણાની દાળને મસૂરની દાળ ગણી ફાકી જા - એટલે દૂર બેઠેલ મંગળને ક્યાં ખબર પડવાની છે કે તેં કઈ દાળ ફાકી?

(6) બુધ:
બુધ પર દિવસે 770 ફેરનહીટ ગરમી પડે છે અને રાત્રે માનવશરીરનાં હાડકાંનો ભૂકો થઈ જાય એવી અસહ્ય ઠંડી પડે છે. આથી અહીંથી કોઈને બુધ પર ધંધો કરવા જવાનું મન થાય તો એ લોકો દિવસના ભાગમાં બરફ, આઈસક્રીમ, ઠંડા પીણાં, ફ્રીજ, એસી, કૂલર્સ વગેરે વેચી શકે અને એ જ લોકો રાતે ગરમ કોટ, સ્વેટર્સ, ધાબળા તેમજ રૂમ હીટર્સનો ધંધો અનાયાસે સફળતાથી કરી શકે.

બુધ પર વાદળો ઘેરાતાં નથી એટલે કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને એ વાતે નિરાંત રહેશે કે ત્યાંના કોઈ કવિ કાલિદાસને 'મેઘદૂત' લખવાની પ્રેરણા નહીં મળે એટલે તે ટેક્સ્ટબુક બની અભ્યાસક્રમમાં નહીં આવે. આમ 'મેઘદૂત' ગોખવામાંથી વિદ્યાર્થીઓને આપોઆપ મુક્તિ મળી જશે.

બુધના જન્મની એક કથા એવી છે કે કશ્યપમુનિને ધનુ યાને ધનગૌરી નામની પત્ની હતી. અને તેમને રજ નામનો પુત્ર હતો. તેનાં લગ્ન વરુણની પુત્રી જોડે થયાં. સંસ્કારી હોય કે અર્ધસંસ્કારી, પણ પતિ-પત્ની વચ્ચે નાની-મોટી વાતે તકરાર થતી જ હોય છે. પતિને બતાવી આપવા જ કદાચ રજની પત્ની એક દિવસ નદીમાં કૂદી પડી. શક્ય છે કે એ સમયમાં ચંદ્ર ફાયર બિગ્રેડમાં માનદ સેવાઓ આપતો હશે. તેને આ છોકરીને પાણીમાંથી જીવતી બહાર કાઢી લાવવાની કામગીરી સોંપવામાં આવી. ચંદ્ર પાણીમાં પડ્યો, પણ દીકરી હાથ લાગી નહીં, અને બદલે એક પુત્ર પાણીમાંથી આવ્યો, જેનું નામ બુધ પાડવામાં આવ્યું. જાતિ-પરિવર્તનનો કદાચ આ પ્રથમ કિસ્સો હશે. પણ ત્યારથી બુધને એક નપુંસક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, એટલે તો બુધમાં બુધવાર નથી એમ કહેવામાં આવે છે. તેનામાં કોઈનું અહિત કરવાની તાકાત નથી. તે નિર્દોષ હોવાને લીધે આમ તો તેને શુભ માનવામાં આવે છે. (સામેથી આવતા વ્યંઢળને પણ આ જ કારણસર આપણે શુકનવંતો માનીએ છીએ.)

ભગવાન રજનીશને તો કદાચ ખબર પણ નહીં હોય કે તેમની કુંડળીમાં પણ મંગળ-બુધનો ગાઢ સંબંધ હતો. અને જેમની વાણીમાં સૉક્રેટિસ જેવો જાદુ છે એવા આપણા અટલ બિહારી બાજપાઈ ત્રણ ત્રણ વખત વડાપ્રધાન થઈ શક્યા, તેમની કુંડળીમાંય મંગળ-બુધ પ્રગાઢ રીતે જોડાયેલા છે. તેમને પત્ની ભલે ન મળી, પણ મંત્રમુગ્ધ કરે એવી વાણી મળી. શક્ય છે કે વાચાળતાનું વરદાન તેમને સ્ત્રી નહીં મળવાને લીધે જ પ્રાપ્ત થયું હશે, કે પછી વિકસ્યું હશે. બાકી જો તે પરણ્યા હોત તો માત્ર એક આદર્શ શ્રોતા જ બની રહ્યા હોત, આપણે એક ઉત્તમ વક્તા ગુમાવ્યો હોત.

પન્નાનું નંગ ગ્રહણ કરવાથી વજન વધે છે, શરીર પુષ્ટ બને છે. આ કારણે ડાયેટિંગ કરનાર જાતકે આ નંગ ધારણ કરવા અગાઉ પોતાના ફેમિલી ડાયેટિશિયન તેમ જ ફેમિલી જ્યોતિષી એ બન્નેની સલાહ લેવી હિતાવહ છે.

(7) ગુરુ

ગુરુને અધ્યાત્મ જોડે સંબંધ છે, એટલો શુક્રને પાર્થિવ ભોગવિલાસ અને સુખસમૃદ્ધિ સાથે છે. આમ તો બંને સામસામે છેડે છે, છતાં બંને ભેગા થાય તો સંભોગથી સમાધિ સુધી પહોંચી શકાય છે. આ કામ આપણે ત્યાં ભગવાન રજનીશે કર્યું છે. તેઓ શુક્રને ગુરુની ઊંચાઈ સુધી લઈ ગયા છે.

(8) શુક્ર
ઝાઝાં બાળ, જય ગોપાળ એ આમ તો શુક્રનું જ સૂત્ર છે. શુક્રની શક્તિથી માણસ કાં તો બ્રહ્મચારી બને છે અથવા તો વિલાસી થાય છે. ક્યારેય વિશ્વામિત્ર પણ બની જાય છે. આને બાવાનાં બેય બગડ્યાં એમ કહેવાય.
શુક્રથી પ્રભાવિત જાતક સારો તબલચી પણ બને છે અને પછી અમુક વિશિષ્ટ કિસ્સામાં તે જે સારા ગાયકની સંગત કરતો હોય એ ગાયકની ભાર્યાને ભગાડી જાય છે.

કિંતુ, કુંડળીમાં શુક્ર આઠમા કે બારમા સ્થાને, અશુભ ગ્રહોની દ્રષ્ટિમાં કે અશુભ શનિ સાથે પડેલો હોય ત્યારે યુવાની જાતકને છોડીને માઈલો દૂર ચાલી જાય ત્યાં સુધી એને સ્ત્રીનો મેળાપ થતો નથી. પરીકથાઓના સર્જક હાન્સ એન્ડરસનની કુંડળીમાં આવા જ ગ્રહો પડ્યા હોવા જોઈએ, કેમ કે હાન્સ એન્ડરસન એક પણ પરીને પામ્યા વગર ઊડી ગયેલો. ત્રણેક સ્ત્રીઓ એના જીવનમાં આવેલી ખરી, પણ એ ત્રણેય એને રાખડી બાંધવા જ તૈયાર થયેલી, પરણવા તો એક પણ નહીં. શુક્ર વગરનું જીવન એ મીઠા વગરની રસોઈ જેવું બેસ્વાદ હોય છે એવી લાગણી સાથે એન્ડરસન ગુજરી ગયેલો.

શુક્રના આશીર્વાદ માણસને શ્રીમંત બનાવે છે અને અઢળક ધન રેલાતું હોય ત્યાં શરાબ અને સુંદરી - વાઈન ઍન્ડ વુમન શરૂઆતમાં સંકોચ સાથે પાછળના દરવાજેથી અને ત્યાર બાદ આગળના બારણેથી બેધડક પ્રવેશે છે અને પછી કાયમ માટે રહી પડે છે. વ્હિસ્કી અને શિવાઝ રિગલ માટે ધનિકનું ઘર પિયર સમાન છે. શુક્ર શરૂઆતમાં મંગળને ઉછેરી વારંવાર શરાબના ઘૂંટડા પિવડાવે છે અને પછી નશામાં રહેવાની ટેવ પાડે છે. શુક્રને નશામાં રહેવાનું અધિક પસંદ છે. માદકતા તેને ઘણી પ્રિય છે. કદાચ આ જ કારણે શરાબ અને સુંદરીને સગાં ભાઈ-બહેન માનવામાં આવ્યાં છે.

(9) શનિ :

શનિ સગપણમાં યમનો મોટો ભાઈ હોવાનું મનાય છે, યમ માણસને એક ઝાટકે પતાવી દે છે, આ શનિ ટીવી પરની લાંબી સિરિયલની જેમ રિબાવી રિબાવીને મારે છે... હિન્દી ફિલ્મોમાં કેટલાંક પાત્રો વિલન તરીકે જ શોભતાં હોય છે, એ રીતે આકાશમાં વિહરતા નવ ગ્રહોમાં એક તગડા ખલનાયક તરીકે શનિ રીમોટ કન્ટ્રોલથી માણસોનાં સુખો પર નિયંત્રણ કરે છે. જોકે શનિનું નંગ વીંટીમાં જડી દેનાર સોનીઓ એવી ફરિયાદ ક્યારેય નથી કરતા કે અમને શનિ નડે છે. હા, આ ગ્રહની વીંટી પોતાના માટે બનાવનારને કેટલીક વાર શનિ તેમ જ સોની એ સાથે નડે છે, પણ એ પાછી જુદી વાત થઈ. 

આ શનિ નામનો ગ્રહ ઑફિસે નોકરી કરવા જતા સરકારી કર્મચારી જેવો અત્યંત ધીમો છે. તેની ચાલ ગજગામિનીને ઝડપી કહેવડાવે તેવી હોવા છતાં તેનું વાહન ગજને બદલે કાગડો છે. તે સૂર્યથી 88 કરોડ 60 લાખ માઈલ દૂર છે. સ્વભાવે તે ચીકણો ને ચોંટું હોવાને લીધે દરેક રાશિમાં તે અઢી વરસ સુધી રહી જાય છે. ને 30 વર્ષે આખી રાશિમાળા પૂરી કરે છે. ભાડવાતની જેમ જે ઘરમાં રહે છે તેમાં નુકસાન કરે છે, સાથે પાસ-પડોશના ગ્રહોને પણ પજવે છે. તે રીઝે તેને ન્યાલ કરે છે ને જેના પર ખીજે તેની ખાલ ખેંચી નાખે છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય એક રાશિ પર એક મહિનો નિવાસ કરે છે, ચન્દ્ર કોઈ હોટેલમાં ઊતરતો હોય એ રીતે એક રાશિ પર માત્ર સવા બે દિવસ રહે છે. મંગળનો મુકામ દોઢ મહિનો હોય છે. પણ આ શનિ સૌથી વધારે 30 મહિના -અઢી વરસ સુધી એક જ ઘરમાં વસે છે. એનું એક કારણ કદાચ એ હશે કે સ્વભાવે ધીમો ને આળસુ હોવાને લીધે જલદી ઘર બદલતા કંટાળતો હશે. આપણે ત્યાં લીવ એન્ડ લાઈસન્સ અગિયાર માસ ને અમુક દિવસોનું હોય છે એ રીતે શનિ અન્ય રાશિઓ પર અઢી વર્ષના કરારથી રહેતો હોવો જોઈએ.

આ શનિ પાસે પોતાની માલિકીના કહી શકાય એવા 23 ઉપગ્રહો છે. કોઈ ઈન્કમટૅક્ષ અધિકારીને થશે કે શનિએ તેના આ ઉપગ્રહો વેલ્થટૅક્ષના રિટર્નમાં બતાવ્યા હશે! સૂર્યમાળા કરતાં પણ વધારે સભ્યો તે ધરાવે છે. 'ઓછા બાળ જય ગોપાળ'વાળું સૂત્ર ત્યાં પહોંચ્યું નહીં હોવાથી શનિનો પરિવાર ખાસ્સો બહોળો છે.

(10)  રાહુ :
કેટલાક માફિયા દુબઈમાં બેઠાં બેઠાં મુંબઈ અને દિલ્હીમાં આતંક મચાવે છે એ રીતે, આ રાહુ એટલો બધો બળવાન છે કે ગ્રહણટાણે તે સૂર્ય અને ચન્દ્રને ગ્રસી લે છે, નિર્માલ્ય કરી નાખે છે. આડી લાઈનના માણસની પેઠે રાહુ વક્રગતિએ ચાલે છે એ બધાં જાણે છે. સૂર્ય તેમજ ચન્દ્ર સાથે તેને દુશ્મની કેમ થઈ એ માટેની દંતકથા એવી છે કે વિવિધ પક્ષો સરકાર ચલાવવા યુતિ રચે છે એ રીતે અમૃત મેળવવા સમુદ્રમંથન કરવા માટે દેવ-દાનવોએ યુતિ રચી હતી. (જોકે આ તુલનામાં ફરક એટલો છે કે સરકાર બનાવવા કાજે યુતિ કરનાર દરેક પક્ષ પોતાને દેવ અને બીજાઓને દાનવ માનતો હોય છે.) કોઈ મોટો લગ્ન-સત્કાર સમારંભ ચાલતો હોય ત્યારે કેટલાંક લોકો સુંદર-સુઘડ કપડાં પહેરીને વગર આમંત્રણે ઘૂસી જાય છે એ રીતે રાહુ પણ અમૃતની લાલચે છદ્મવેશે અમૃત પીનારાઓની પંગતમાં ગોઠવાઈ ગયો. તે સ્ટ્રૉ વડે અમૃતની સીપ લેતો હતો એ જ ઘડીએ સૂર્ય-ચન્દ્રની નજરની અડફેટે તે ચડી ગયો. ધાર્યું હોત તો આ બંને ભેગા થઈને રાહુને બોચીએથી પકડીને આ અમૃતપાર્ટીમાંથી બહાર હાંકી શકત, પણ આ પાર્ટીના તે યજમાન નહોતા અને કદાચ ત્યાંય આપણા સરકારી તંત્રની પેઠે બધુંય થ્રુ પ્રૉપર ચેનલ ચાલતું હશે એટલે તેમણે ભગવાન વિષ્ણુ પાસે જઈ તેમના કાનમાં કહી દીધું કે એક તો અમૃત ઓછું છે ને ગળતું જામ છે... અમૃત પીનારાઓમાં આ ખુદાબક્ષ રાહુ ઘૂસી ગયો છે. અમારી ફરજ તો તમારું ધ્યાન દોરવા પૂરતી જ છે, અને ભગવાન વિષ્ણુએ પોતાના ખિસ્સાવગા એવા સુદર્શનચક્રથી રાહુનું માથું વાઢી નાખ્યું. પણ ત્યાં સુધી તો રાહુના ગળા સુધી અમૃત પહોંચી ગયું હતું. તેના ધડ અને મસ્તક છૂટાં પડી ગયાં, પણ તે અમર થઈ ગયો. મસ્તકનો ભાગ રાહુ રહ્યો અને નીચેનો ભાગ કેતુ તરીકે ઓળખાયો. એટલે આમ તો એક જ શરીરના રાહુ અને કેતુ બે કટકા છે. રાહુ મસ્તકમાં રહે છે ને તેની છાપ માથાભારેની છે. વિષ્ણુને ખબર આપનાર સૂર્ય-ચન્દ્ર જેવા ખબરી યા બાતમીદારો પર ત્યારનો રાહુ ગુસ્સે છે. આ બંને તેના કટ્ટર વેરી છે. 

(11) હર્ષલ :
આ ગ્રહ હર્ષલ હજી નવો નવો છે એ કારણે જ્યોતિષીઓ તેમ જ કર્મકાંડી બ્રાહ્મણો તેનો પરિચય બરાબર કેળવી શક્યા નથી. આથી એમને ખબર નથી કે એલેક્ઝાન્ડ્રા નંગની વીંટી કયા હાથની કઈ આંગળીએ પહેરવી, હર્ષલને રાજી કરવા બ્રાહ્મણોને કયા વારે, શેનું ને કેટલું દાન કરવું, કયા રંગનાં વસ્ત્રો પહેરીને પૂજા કરવી, વગેરે વગેરે. પણ આ ગ્રહ લીલા રંગનો છે એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે એટલે બ્રાહ્મણને દાનમાં લીલા રંગના ઈમ્પોર્ટેડ ગૉગલ્સ આપવા હિતાવહ ખરા કે કેમ? વગેરે વિગતો શોધવી બાકી છે, પણ આ લખનારને એવી પાકી શ્રદ્ધા છે કે રાહુ, કેતુ, શનિ અને મંગળ જેવા કમાઉ દીકરાઓમાંથી સમય કાઢીને પણ પંદરથી વીસ વર્ષમાં જ્યોતિષીઓ હર્ષલને પ્રસન્ન રાખવાનાં વિધિવિધાનો શોધી કાઢશે અને જાતકને કહી પણ શકશે કે આ વિધિ કરાવવાથી જાતકને એન્જિનિયરિંગ કૉલેજમાં વગર ડોનેશને એડમિશન મળી જશે, કમ્પ્યુટર લાઈનમાં આગળ વધવું હશે, વિદેશમાં નોકરી કરવી હશે તો સામેથી અપોઈન્ટમેન્ટ ઑર્ડર તેમજ એચ-વન વિઝા મળી જશે. ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અને શહેર પર ભારે બૉમ્બમારો થશે તો પણ જાતકના ઘર પર બૉમ્બ નહીં પડે ને ટેલિફોનમાં વધુપડતા રોન્ગ નંબરો પણ નહીં આવે...

(12) નેપ્ચૂન :
કોઈ માણસ બગાસું ખાતો હોય ત્યારે જ એના મોંમાં પતાસું એકાએક જઈ પડે તો તે ચોક્કસ રાજી થાય, સિવાય કે એને ડાયાબિટીસ થયો હોય. આ નેપ્ચૂન ગ્રહનું પણ બરાબર આવું જ થયું છે. હર્ષલ નામના વિજ્ઞાનીએ 1781માં યુરેનસની શોધ કરી અને આ યુરેનસ વિશે વધુ વિગતો જાણવા તેની સામે દૂરબીન માંડીને જોવામાં આવ્યું તો દૂરબીનની અડફેટે નેપ્ચૂન ચડી ગયો. તે ઈસવી સન 1846માં શોધાયો, તેની ઉંમર 154 વર્ષની ગણાય, પણ ગાંધીજી કરતાં તે માત્ર 23 વર્ષ જ મોટો કહેવાય. હા, તે મોટો ખરો, પણ મહાન નહીં. જોકે તેને ખબર નથી, કિન્તુ તે આપણી અસ્મિતાનું જીવંત સ્વરૂપ છે. તેને વિશે તેમજ અસ્મિતા અંગે આપણે અંધારામાં હતા. અસ્મિતા જેવો શબ્દ નર્મદને કદાચ તેણે જ સુઝાડ્યો હશે, જે ત્યારબાદ કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્યમાં ચલણી સિક્કાની જેમ ચલાવ્યો, જે આજેય ચાલે છે. આ નેપ્ચૂન આમ તો અંગ્રેજી નામ છે, પણ આપણે ત્યાં તે વરુણદેવના નામે ઓળખાય છે. તેને ગુરુ તેમજ શુક્રનો વિસ્તાર કહ્યો છે. તે મહાજ્ઞાની છે. તે કવિઓનો કવિ અને લેખકોનો લેખક છે. એ અર્થમાં તે કવિવાર રવીન્દ્રનાથ ટાગોર છે અથવા તો ગુજરાતી લેખક સુરેશ જોશી છે. આ બન્ને સાહિત્યકારો લેખકો માટે લખતા હતા એટલે ક્યારેક તો પોતાને પણ ન સમજાય એવું અઘરું લખી નાખતા.

(13) કાલસર્પયોગ:
મદારીઓ સાપને ટોપલીમાંથી બહાર કાઢે છે એટલી જ સરળતાથી જ્યોતિષીઓ રૂપિયા સાતસો એકથી માંડીને તે સિત્તેર હજાર એક લઈને જાતકની કુંડળીમાંથી કાળ અને સર્પ બન્નેને બહાર કાઢી આપે છે. ડાયાબિટીસ ઈન્સ્યુલીનને ગાંઠે છે એ જ રીતે કાલસર્પયોગના પ્રણેતા રાહુ-કેતુ મંત્રને જ ગાંઠે છે માટે તેમને પ્રસન્ન રાખવા મંત્રોની મદદ લેતા રહેવું.

તમારા કાલસર્પને શાંત કરવાની વિધિ કરનાર તમારા જ્યોતિષી બ્રાહ્મણનો કોઈ સગો નાસિકત્ર્યંબક રહેતો હોય અને ત્યાં જવાનું તે કહે તો ચોક્કસ જવું - એમાં વિશેષ કશું ગુમાવવાનું નથી. આના વિકલ્પે નર્મદા કિનારે ચાણોદ કરનારી, પ્રભાસ પાટણ અને છેવટે ત્યારે ત્યાંનું ભાડું ભલે એટલું સસ્તું નથી રહ્યું તોપણ સિદ્ધપુર જઈને જે તે વિધિ કરાવી લેવો. અને આવું બધું પરવડતું ન હોય એવા જાતકો માટે સમૂહ યજ્ઞોપવિત અથવા તો ગ્રુપ ટ્યુશનની જેમ નર્મદાકિનારે, એક સાથે 80થી 100 જેટલા કાલસર્પયોગથી પીડાતા માણસોને બસમાં ભરીને આ વિધિ માત્ર રૂપિયા 750 લઈને (જેમાં બસ-ભાડું, ચા-પાણી, બપોરનું ભોજન વગેરે આવી જાય) કેટલાક પ્રોફેશનલ બ્રાહ્મણો સંપન્ન કરે છે તેમાં જોડાઈ જવું - કાલસર્પ નર્મદાના પાણીમાં સસ્તામાં સરકી જશે.

(14) વાસ્તુશાસ્ત્ર:
જો મકાનનો ઢાળ નૈઋત્ય દિશા તરફનો હોય તો ધનનો નાશ થાય છે. અલબત્ત નાશ થવા માટે પણ ઘરમાં ધનનું હોવું જરૂરી છે.

(15) નોસ્ટ્રાડેમસની આગાહીઓ:

નોસ્ટ્રાડેમસના પ્રભાવનો પ્રચાર એટલો બધો થઈ ગયો છે કે જ્યોતિષમાં નહીં માનનારાઓ પણ તેણે ભાખેલા ભવિષ્યકથન રસપૂર્વક વાંચે છે. કહે છે કે, આ આર્ષદ્રષ્ટા પાસે કાચનો એક મોટો ગોળો હતો. તેમાં તેને જે કાંઈ દેખાતું એ બધું તેણે અપદ્યાગદ્ય શૈલીમાં આગાહી રૂપે લખી નાખ્યું. શક્ય છે કે કવિ ન્હાનાલાલને અપદ્યાગદ્ય શૈલીનાં કાવ્યો લખવાની પ્રેરણા નોસ્ટ્રાડેમસમાંથી મળી હોય.

(16) જ્યોતિષની આગાહીઓ:

1995માં હું ગંભીર બીમારીમાં પટકાયો હતો ત્યારે મુંબઈના એક જ્યોતિષીએ ભાખ્યું હતું કે જાતકના બચવાના ચાન્સિસ માંડ બેથી ત્રણ ટકા છે, બાકી આ માંદગીમાંથી તે બચી જશે તોપણ 'ગુડ ફૉર નથિંગ' જેવું જ સમજવું, હલનચલન કે શારીરિક કામ કરવાની ક્ષમતા ગુમાવી દેશે. એ માંદગીને આજે 7 વર્ષ થયાં, પણ ત્યારથી આજ દિન સુધી મારું માથુંત નથી દુખ્યું - હા, મારા કારણે બીજાઓનાં માથાં દુખતાં હશે, પણ એ તેમનો પ્રશ્ન છે.

(17) રાજકારણીઓ અને જ્યોતિષ:

જ્યોતિષ એ શ્રદ્ધાનો વિષય છે. પૉલિટિશિયનોને જેટલી શ્રદ્ધા તેમના હાઈકમાન્ડમાં નથી હોતી તેટલી, કદાચ તેથીય વધારે શ્રદ્ધા જ્યોતિષમાં હોય છે. જે લોકોને ખુરસી નથી મળી તે લોકો તેમને ખુરસીયોગ ક્યારે થવાનો છે એ જાણવા જ્યોતિષી પાસે દોડી જાય છે ને જેમને બેસવા માટે ખુરસી મળી છે તેમને ખુરસીમાંથી કોઈ પાડી ન નાખે એ અંગેનું માર્ગદર્શન મેળવવા જ્યોતિષીને પકડે છે - ખુરસી ન છૂટે એ વાસ્તે જ્યોતિષીને પકડે છે.

(18) મંગળ કે શનિવાળો જાતક દુ:ખી થાય જ એવું કંઈ નથી. પરણવાથી એ તો આમ પણ દુ:ખી થવાનો જ હોય છે. આમાં ગ્રહોને દોષ દેવા જેવો નથી. તમારે ત્યાં દીકરો જન્મે કે દીકરી, તમને પ્રમોશન મળે કે ન મળે, લાંચ લેવાના છટકામાં પકડાયા બાદ તમે નિર્દોષ છૂટો કે જેલવાસ વેઠો, તમને પ્રધાનપદ મળે યા ન મળે, તમને નખ્ખોદિયો વારસો મળે કે બીજાને મળે એમાં અહીંથી લાખો-કરોડો માઈલ દૂર બેઠેલી ગ્રહોને શો રસ પડે! કોઈ માણસ મહેસાણામાં સ્થાયી થાય કે તે માન્ચેસ્ટરમાં કાયમી વસવાટ કરવા ઊપડી જાય, પુરુષને સુલક્ષણા પત્ની મળશે કે સૉક્રેટિસને મળી હતી એવી કર્કશા મળશે, જાતક હાર્ટએટેકથી ગુજરી જશે કે ડાયાબિટીસને કારણે અવસાન પામશે - આ બધું જોવાની કયા ગ્રહને ફુરસદ છે?

(19) શુકન-અપશુકન:
શુકનમાં માનનારાઓ બિલાડી આડી ઊતરે તો એને અપશુકન ગણે છે, પણ ખરેખર તો બિલાડીનું સામે આવવું એ ઉંદર માટે અપશુકન ગણાય, ને મ્યુનિસિપલ કૉર્પોરેશનની કૂતરા પકડવાની કૂતરાગાડી સામે મળે તો કૂતરા માટે અપશુકન કહેવાય. આ બધું સાપેક્ષ છે. આપણા ભૂતપૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને મેં એક વાર પૂછેલું કે તમે પૉલિટિશિયનો કોઈ સારા કામ માટે બહાર નીકળતા હો ને એ જ વખતે કોઈ બિલાડી આડી ઊતરે તો તમે એને અપશુકન ગણી પાછા વળી જાવ ખરા? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બિલાડી આડી ઊતરે તો અમને કંઈ ન થાય, જે કંઈ થાય તે બિલાડીને જ થાય. આ રીતે એકવાર મને આડી ઊતરેલી બિલાડી તરત જ એક ટ્રક નીચે ચગદાઈને મરી ગઈ હતી. 

ઘરનો ઉંબરો ઓળંગી બહાર જવા તૈયાર થતાં ઉપાડેલો પગ એકાએક અટકી જાય તો બહાર જવાનું મુલતવી રાખવું, સિવાય કે આર્થરાઈટિસની બીમારીને કારણે જ પગ અટકી ગયો હોય.

જતાં જતાં.... 

નાની ભીખ મંદિરની બહાર બેસીને મંગાય જ્યારે મોટી ભીખ માંગવા મંદિરની અંદર જવું પડે.

(મંગળ-અમંગળના એક પાન પર કોઈ વાચકે પેનથી લખેલું વાક્ય) 

1 comment:

  1. સરસ! મજા આવી. :)

    ReplyDelete