Tuesday, July 23, 2013

હું, ચંદ્રકાંત બક્ષી.....

નાટક.... કળાનો મેં અત્યાર સુધી સૌથી ઓછો માણેલો એક પ્રકાર... પૃથ્વીના પેટાળમાં પ્લેટિનમ જેમ અત્યંત અલ્પ પ્રમાણમાં છે તેમ મેં મારા જીવનમાં જોયેલાં "તખ્તા પરના નાટકો"ની સંખ્યા વાંચેલી સાહિત્યકૃતિઓ કે જોયેલી ફિલ્મોની સંખ્યાની સરખામણીએ નહિવત છે. નાનપણમાં સરદાર પટેલ યુનિવર્સિટીના હિન્દી વિભાગનાં પ્રૉફેસર નવનીત ચૌહાણે દિગ્દર્શિત કરેલું "ખયાલ ભારમલી" નામનું નાટક એ મેં જોયેલું જીવનનું સૌપ્રથમ નાટક હતું. પણ એ વખતે સાહિત્ય કે કળા તો શું જીવનનાં જ સ્વરૂપની પૂરી સમજણ ન હોય એટલી કાચી વય હતી એટલે નાટક સમજાવવાનો કે યાદ રહેવાનો ખાસ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. (એમ તો હજી પણ ક્યાં કળા-સાહિત્ય કે જીવનના સ્વરૂપને સમજવાની સમજણ વિકસી છે? એવો આડસવાલ કે આડો સવાલ અણિયાળો અંતરાત્મા ઉઠાવી રહ્યો છે.)

1 મે 2013ના રોજ ગુજરાત સ્થાપના દિને આણંદમાં કલાકાર દામોદર રામદાસી દ્વારા ભજવાયેલું "યોદ્ધા સન્યાસી સ્વામી વિવેકાનંદ" જોયું હતું. એ પછી અઢી મહિનાનાં ગાળામાં 21 જુલાઈએ અમદાવાદમાં "હું, ચંદ્રકાંત બક્ષી" નાટક જોવા ગયો. યોગાનુયોગ બંને નાટકો મોનો-ઍક્ટ હતાં. આજે ચંદ્રકાંત બક્ષીના જીવન પર આધારિત નાટક વિશે વાત કરવી છે.



ચંદ્રકાંત બક્ષી... આનંદથી ઝૂમી જવાય અને આદરથી ઝૂકી જવાય એવું એક ખમતીધર નામ. વર્ષોથી એકનાં એક બીબાઢાળ સાહિત્યવર્ણનોને કારણે ક્રિએટીવિટીનો શૂન્યાવકાશ સર્જતા કૉમામાં સરી પડેલાં ગુજરાતી સાહિત્યને શૉક ટ્રીટમેન્ટ આપીને મૌલિક વિચારોનો ટ્રૉમા આપનાર લેખક એટલે ચંદ્રકાંત બક્ષી. એમનો પરિચય આપવાની કોશિશ કરવી એટલે આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ અથવા હેમિંગ્વેને અસ્તિત્વવાદ સમજાવવાની હિંમત કરવી. 



એક સાથે અમુક ગ્રહોની દુર્લભ યુતિ સર્જાય અને અદભુત ખગોળીય ઘટના આકાર લે એમ દિગ્દર્શક, લેખક, અભિનેતા (મનોજ શાહ, શિશિર રામાવત, પ્રતીક ગાંધી)નું યોગ્ય કૉમ્બિનેશન થતાં એક કાયમી સ્મૃતિના બીજ રોપી જતું નાટક જોવાનો લહાવો મળ્યો. જેઓ ચંદ્રકાંત બક્ષીના નામથી અજાણ હોય અથવા એમનું સાહિત્ય બિલકુલ ન વાંચ્યું હોય એવા નવી પેઢીના લોકો સમક્ષ અભિનેતા પ્રતીક ગાંધીએ અત્યંત સફાઈથી અને સરળતાથી ચંદ્રકાંત બક્ષીના સમગ્ર જીવનની ઝરમર એક પછી એક પર્તની જેમ સહજતાથી ઊઘાડી આપીને સમગ્ર ઑડિયન્સને બક્ષીમય બનાવી દીધું. નાટક જોયા પછી ચંદ્રકાંત બક્ષી સાથે નવી પેઢીના ઘણાં નવા વાચકો ઈન્સ્ટન્ટ કનેક્ટ થઈ ચૂક્યા હશે એમાં કોઈ બેમત નથી. 

ચંદ્રકાંત બક્ષીનો જન્મ, ફૅમિલી બેકગ્રાઉન્ડ, પાલનપુર અને કોલકતા વચ્ચે ફંગોળાઈને ઠરીઠામ થવા મથતી જિંદગી, સાહિત્યમાં પ્રવેશ, પત્ની બકુલાબહેન સાથે લગ્ન નક્કી થયાની પળ, માર્ક્સિસ્ટ વિચારધારાનો પ્રભાવ, માતા સાથે થતાં મતભેદ અને મનભેદ, કોલકતા છોડીને અમદાવાદ આવ્યા પછી રમખાણોને કારણે રાતોરાત ખોલ્યા વિનાનો સામાન લઈને મુંબઈની પકડેલી વાટ, કુત્તી વાર્તાનો કેસ, પેરેલિસિસ જેવી ક્લાસિક કૃતિએ આપેલાં સુખ અને દુ:ખ, ઈનામ વિતરણ કમિટિ સામેનો આક્રોશ, તૂટન અને ઘૂટન સામે નાહિમ્મત થયા વિના ખુદ્દારી અને ખુમારીથી આપેલી લડત, અન્ય લેખકોની જેમ મૂડ અને માહોલના ચેનચાળા અને નખરા કર્યા વિના અને ક્યારેય બ્રેક પાડ્યા વિના અવિરતપણે  લખવામાં જાળવેલી સ્વયંશિસ્ત, પ્રિન્સિપાલ અમૃતલાલ યાજ્ઞિક દ્વારા સાધના કૉલેજના પ્રિન્સિપાલ તરીકે કાઢી મૂકવામાં આવ્યા બાદ શરૂ થયેલો કાનૂની સંગ્રામ, ગુજરાતી લેખકને શૅરિફના હોદ્દા સુધી પહોંચાડતો અકસ્માત, સેક્સ-સ્ત્રી-દારૂબંધી વિશેના નેવર-બીફોર નિર્ભીક વિચારો, જીવનનાં છેલ્લાં તબક્કામાં અમદાવાદમાં પુત્રી સાથે સ્થળાંતર, પત્નીના અવસાન બાદ જીવનમાં વ્યાપેલો ખાલીપો, અહંકાર અને ઓમકારને એક જ કક્ષાએ મૂકીને ગુજરાતી સાહિત્યની સલ્તનતનાં બાદશાહ તરીકે ખુદને બિનહરીફ રીતે નિ:સંકોચ જાહેર કરવાનો હુંકાર... વેદના, સંવેદના, અપમાનબોધ, સિદ્ધિ, પ્રસિદ્ધિ, કામિયાબી, ખુદ્દારીના સંમિશ્રણથી ભરપૂર ઘટનાપ્રચૂર જીવનમાં છેલ્લે કહેવું કે It was a lark ! મજા પડી ગઈ! બાલ્કનીના તડકામાં તરતા સલ્ફ્યુરિક મિજાજની વિખ્યાત પંક્તિ સાથે નાટક પૂરું થયું ત્યારે બક્ષીબાબુના જલદ વિચારોથી તરબતર થઈ ગયેલાં મનમાં વિચારોનાં પડઘા ડૂબી જવાને બદલે ગૂંજી રહ્યા હતાં.

લેખક શ્રી શિશિર રામાવતે બક્ષીબાબુની વિરાટ અને વિરલ પ્રતિભાને ન્યાય મળે એવી બખૂબી રીતે ઉપરની બધી જ ઘટનાઓની વટપૂર્વક અને ચીવટપૂર્વક ગૂંથણી કરી છે. આજે પણ ચંદ્રકાંત બક્ષીનું ચલણી નામ ચિક્કાર સંખ્યામાં આટલી મેદનીને ચુંબકની જેમ ખેંચી લાવી શકે છે એનો અહેસાસ આ નાટક જોઈને વધારે બળવત્તર થયો. બક્ષીના પંચલાઈન સમાં ડાયલોગ્ઝ પર થતો તાળીઓનો ગડગડાટ અને હજીપણ કેટલાંક વિરોધીઓના પેટમાં રેડાતાં તેજોદ્વેષના ઉકળતા તેલના કડકડાટનું સમાંતર અને સમસામયિક અસ્તિત્વ ટકી રહેશે... બહરહાલ, ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી બક્ષીનું સાહિત્ય જીવશે.

No comments:

Post a Comment