Monday, August 19, 2013

ચંદ્રકાંત બક્ષી : સલ્ફ્યુરસ મિજાજનાં ફ્યુઅરિઅસ, ફરોશસ અને સરફરોશ લેખક

20 ઑગસ્ટ 2013, ચંદ્રકાંત બક્ષીની 81મી જન્મજયંતિ...

ચંદ્રકાંત બક્ષી. આ નામ કાને પડતાં જ ગુજરાતી વાચકોનાં મનમાં એક સાથે કેટલાંક આઘાત-પ્રત્યાઘાતના વમળો સર્જાય. બક્ષી એટલે એક ટાવરિંગ પર્સનાલિટી. ગગનચુંબી સ્કાયક્રેપરના સૌથી ટૉપ ફ્લોર પર નજર કરવા માટે ડોક તાણવી પડે એમ ચંદ્રકાંત બક્ષીની વૈચારિક ઊંચાઈને માપવા માટે બહુ ઊંચે સુધી મીટ માંડવી પડે. લેજેન્ડ શબ્દનો ઉપયોગ એમના માટે કરવાનું મન થાય પણ 2001માં બક્ષીબાબુના લેખનની સુવર્ણ જયંતિ નિમિત્તે જય વસાવડાએ લખ્યું હતું કે, "લેજેન્ડ મરે છે એટલે બક્ષીને લેજેન્ડ ન કહી શકાય". વાત સાચી પણ છે. એમની નવલકથાઓ, વાર્તાઓ, કટાર લેખોને દાયકાઓ વીતી ગયા હોવા છતાં વાસીપણું આભડી શક્યું નથી. 1500 વર્ષથી કાટ લાગ્યા વિના અડીખમ ઊભેલાં દિલ્હીનાં લોહસ્તંભ અને બક્ષીની કલમનું મૂળ તત્ત્વ એક જ હોવું જોઈએ. જીવાતાં જીવનના પ્રવાહોને પારખીને વાચકોના મનમાં વિચારકંપ સર્જી શકનાર લેખકનું ભલે દૈહિક નિધન થાય, પણ ચૈતસિક રીતે એ હંમેશા વાચકોના મનમાં સદા સરતાજ બની રહે છે.

સ્મૃતિના આધારે અને ગુજરાતી બુક્સ વેબસાઈટ પર આપેલી લેખકોની યાદીના આધારે ગુજરાતીમાં ચંદ્રકાંત નામવાળા લેખકો આટલાં છે : ચંદ્રકાંત બક્ષી, ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત ટોપીવાળા, ચંદ્રકાંત પટેલ, ચંદ્રકાંત શાહ, ચંદ્રકાંત મહેતા, ચંદ્રકાંત વાગડિયા, ચંદ્રકાંત પંડ્યા, ચંદ્રકાંત દેસાઈ, ચંદ્રકાંત અમીન, ચંદ્રકાંત આનંદપરા, ચંદ્રકાંત ત્રિવેદી, ચંદ્રકાંત પરમાર, ચંદ્રકાંત પાઠક, ચંદ્રકાંત રાવ, ચંદ્રકાંત રાઠોડ અને ચંદ્રકાંત ઠક્કર.  પરંતુ આમાં શાશ્વત કીર્તિને વરેલું રસપ્રદ અને ચર્ચાસ્પદ નામ એક જ છે : ચંદ્રકાંત બક્ષી !


પડઘા ડૂબી ગયા...1957માં લખાયેલી આ નવલકથા સાથે ગુજરાતી સાહિત્યનાં નવલકથાવિશ્વમાં ચંદ્રકાંત બક્ષીનો પ્રવેશ થયો ત્યારથી આજ દિન સુધી એમના વિધ્વંસક અને વિસ્ફોટક વિચારોના પડઘાં ડૂબ્યા નથી, બલકે હજીપણ ગૂંજી રહ્યા છે. ચંદ્રકાંત બક્ષીને સમર્પિત બ્લૉગ "બાકાયદા બક્ષી", એમના ક્યાંય ન મળતાં આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકો ઈ-બૂક્સ તરીકે વહેતા મૂકવાનો ઉપક્રમ, એમના જીવન પર આધારિત નાટક "હું, ચંદ્રકાંત બક્ષી"નું તાજેતરમાં થયેલું મંચન....ચાહકો સાયબર વર્લ્ડ અને વાસ્તવિક વિશ્વમાં બક્ષીબાબુના વૈચારિક અસ્તિત્વને જીવંત રાખી રહ્યા છે. સતર્ક વાચકો ખુશકિસ્મત લેખકોને મળે છે એવું એમણે એમની એક ડિટેક્ટિવ નવલકથા "હનીમૂન"ની પ્રસ્તાવનામાં લખ્યું હતું. જો કે, આપણાં જેવા વાચકોની ખુશકિસ્મતી છે કે આપણને બક્ષીબાબુ જેવા લેખક મળ્યાં જેમના દાયકાઓ પહેલાંનાં લખાણમાં આજે પણ એટલી જ તાજગી વર્તાય છે. હજી થોડાં મહિનાઓ પહેલાં જ અમદાવાદમાં ફતેહપુરા, પાલડી વિસ્તારમાં એક માર્ગ આગળથી પસાર થતો હતો ત્યારે ત્રણેક મધ્યવયસ્ક મિત્રો અહોભાવથી ચંદ્રકાંત બક્ષીની કલમનાં ચુંબકીય આકર્ષણની વાતો કરતાં હતાં એ અનાયાસે કાને પડતાં ચહેરા પર ચમક આવી જવી સ્વાભાવિક હતી.

ઉસ્તાદ વિલાયત ખાન અને ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન સિતાર પર કોઈપણ રાગ છેડે ત્યારે પોતાના પાક્કાં ઈમ્પેકબલ (impeccable) પર્ફૉર્મન્સથી જે તે રાગના નિષ્ણાંત હોવાની એક અમીટ છાપ મૂકી જાય એ જ રીતે બક્ષીબાબુ એમની કટારમાં કોઈપણ વિષય હાથમાં લે ત્યારે જે તે વિષયને ન્યાય આપતી અનન્ય માવજત દ્રષ્ટિગોચર થયા વિના રહે નહીં. નવલકથા, ટૂંકી વાર્તા કે કટાર લેખો - બક્ષીબાબુએ લેખનનાં જે સ્વરૂપમાં ખેડાણ કર્યું એ સ્વરૂપને એક નવી ઊંચાઈ બક્ષી. "જહાં હમ ખડે હોતે હૈ, લાઈન વહીં સે શુરૂ હોતી હૈ"... લેખના અંતે મૂકાતો ટેઈલપીસ હોય કે કૉલમ સાથે પ્રગટ થતો લેખકનો ફોટો હોય, બિગ બીનાં આ વિખ્યાત ડાયલોગની જેમ બક્ષીસાહેબ નવો ચીલો ચાતરે એટલે અન્ય લેખકો અનુસરણ કરવા પ્રેરાય.

ધીમી ગતિએ આગળ વધતો વાર્તાપ્રવાહ,  પ્રોટૅગનિસ્ટ પર હાવી થઈ જતું પોતાનું જ વ્યક્તિત્વ, વગેરે માઈનસ પૉઈન્ટ્સને કારણે ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓના વાચકોની સંખ્યા એમના કટાર લેખોના કાયલ કમ્પલ્ઝિવ વાચકોની સંખ્યાની સરખામણીએ ઓછી રહી. જો કે, આ ખામીઓને નજરઅંદાજ કરીએ તો પણ એમણે નવલકથાઓમાં પ્રયોજેલા રૂપકો, બિમ્બો, પ્રતીકો, લોકાલનાં વર્ણનો અને પાત્રો વચ્ચેનાં રસપ્રદ સંવાદોમાંથી ચકોર વાચક કંઈક ને કંઈક વિલક્ષણ અને વિચક્ષણ અવલોકનોનું અત્તર પામ્યા વિના રહી ન શકે. કુટુંબવત્સલ પિતા અને પત્નીવ્રતા પતિ તરીકેનું  શિસ્તસભર સુખી અને સફળ સાંસારિક જીવન જીવનાર ચંદ્રકાંત બક્ષીએ એમની નવલકથાઓમાં સમાજનાં બંધનો ફગાવીને જીવતાં બળવાખોર પાત્રો સર્જ્યા છે એ રસપ્રદ વિરોધાભાસ  નોંધનીય છે. કેસર, ચંદન, કસ્તૂરીના કદરદાનો મર્યાદિત હોય એમ બક્ષીબાબુની નવલકથાઓ ખાસ વાચક વર્ગ સુધી મર્યાદિત રહી. પલ્પ ફિક્શનની ખાટીમીઠી પીપરમીંટ ચૂસવામાંથી ઊંચા ન આવતા વાચકો બક્ષીબાબુની નવલકથાઓને મૂલવવામાં વામણાં સાબિત થાય એ દેખીતી વાત છે. એકતા કપૂરની ટીવી સિરિયલ્સના લંબાયે જતાં ઍપિસોડ્સની જેમ પંદરસોથી બે હજાર પાનામાં ફેલાયેલાં બબ્બે ત્રણ-ત્રણ ભાગોમાં નવલકથાનો અતિશય લંબાણપૂર્વક બિનજરૂરી પથારો અને ઠઠારો કરનારા લેખકોની વચ્ચે બક્ષીની ચુસ્ત અને કૉમ્પેક્ટ સાહિત્યકૃતિઓ એક સુખદ અપવાદ બની રહેશે.

2001માં એક લેખમાં એમણે લખેલું કે મૃત્યુને પાંચ-સાત વર્ષ દૂર ઊભેલું જોઈ શકું છું. મૃત્યુ હાર્ટ-અટૅકથી થશે એવો સંકેત પણ એમણે આપેલો. બરાબર પાંચ વર્ષ પછી 2006માં એમણે એમના વિચારકંપની તો-ફાની દુનિયામાંથી વિદાય લીધી. જીવનને સભરતાથી અને સહજતાથી ભરપૂર જીવી શકે એવી સિદ્ધ વ્યક્તિ જ કદાચ આટલી સચોટતાથી મૃત્યુની આગાહી કરી શકે એવું હું માનું છું. બક્ષી જેવા ગ્રેટ માણસને રિગ્રેટ શાનાં? સ્વ. સુરેશ દલાલ, ભગવતીકુમાર શર્મા, તારક મહેતા જેવા લેખકોની જેમ ડિક્ટેટ કરીને અન્ય મદદનીશ પાસે લેખો લખાવવાની નોબત આવે એવી મોહતાજીની ક્ષણ પહેલાં જ બક્ષીબાબુની કલમે વિરામ લઈ લીધો.

1952નાં સંઘર્ષના દિવસોમાં બક્ષીબાબુએ મુંબઈના દવાબજારમાં સલ્ફાડાયઝીનના ડબ્બા ઉપાડીને મ્યુનિસિપાલિટીમાં આપવા જવાની નોકરી કરી. સલ્ફાડાયઝીન એ એક ચેપમાં બેક્ટેરિયાનો ખાત્મો કરતી દવા છે. જેની આડઅસરોમાં ઉબકાં, પેટમાં ગરબડ, ભૂખ મરી જવી અને ચક્કરનો સમાવેશ થાય છે. સલ્ફાડાયઝીનથી સમકાલ (છેલ્લી નવલકથા) સુધીની સફરમાં બક્ષીબાબુના સાહિત્યનું વિવેચન કરવા નીકળી પડેલાં માયોપિયાથી પીડાતાં અલ્પદ્રષ્ટિ બબૂચક વિવેચકોને અહીં લખેલી બધી આડઅસરોનો અનુભવ થયો. સલ્ફ્યુરસ મિજાજનાં ફ્યુઅરિઅસ (furious), ફરોશસ (ferocious) અને સરફરોશ લેખક ચંદ્રકાંત બક્ષીની કલમમાંથી નીકળતી તેજાબી મિજાજની ધુમ્રસેર દાયકાઓ સુધી લાખો વાચકો માટે વાચનનાં પ્રાણવાયુ સમાન બની રહી.

મનમાં ઘૂમરી લેતાં અમર્યાદ વિચારોના વ્યાપને વાચા આપવા માટે બક્ષીબાબુને ગુજરાતી શબ્દોના પાયદળમાં યોગ્ય અભિવ્યક્તિ કરી શકાય તેવા શબ્દોની ખોટ વર્તાઈ એટલે એમણે ઉર્દૂ-હિન્દીના વેધક શબ્દોની પલટનને વિચારોની રણભૂમિમાં લડવા માટે મોકો આપ્યો. ખુદને ગુજરાતી સાહિત્યની પરંપરાના એક સૈનિક તરીકે ઓળખાવનાર બક્ષીબાબુને 81મી જન્મજયંતિએ એમના 181 પુસ્તકોની અખૂટ વૈવિધ્ય ધરાવતી વાચન સામગ્રી નહીં પણ વિચારોનો પલીતો ચાંપતી વાચન જામગરી માટે સલામી !

No comments:

Post a Comment