Sunday, August 4, 2013

ફ્રેન્ડશિપ ડેનો બેલ્ટ કે રક્ષાબંધનની રાખડી?

ફ્રેન્ડશિપ ડે.... ફેસબુકનાં ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ અઠંગ અફીણી યુઝર્સ માટે સ્ટેટસ અપડેટ્સની ઝડી વરસાવવાનું વધુ એક નિમિત્ત ! કોઈ હૈયામાંથી વહેતાં મૈત્રીભાવના પવિત્ર ઝરણાંની વાત કરશે, તો કોઈ જુલિયસ સીઝરની પીઠમાં સીઝરને બદલે ખંજર હુલાવી દેનાર દગાબાજ મિત્ર વિશે હેમેન શાહની પંક્તિઓથી અભિવ્યક્તિ કરશે, કોઈ રમેશ પારેખની જેમ મિત્રોને ચુંબનની ઢગલી સાથે સરખાવીને ખરેખરાં હોઠોને બદલે શબ્દોથી ચુંબન કરીને ભાગી જશે...જેટલી વ્યક્તિઓ એટલી અભિવ્યક્તિઓ ! વર્ષો પહેલાં કોઈ અંગ્રેજી ક્વોટનું ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું કે આખી દુનિયા બહાર જતી રહે ત્યારે ઘરમાં આવે એ સાચો મિત્ર. જો કે મને આ ક્વોટ મિત્ર કરતાં કૉલ ગર્લની વ્યાખ્યા માટે વધારે બંધબેસતું લાગે છે. જસ્ટ કિડિંગ ! :)

મજાક બાજુમાં રાખીએ તો, દોસ્તી એટલે મારા માટે સાઝેદારી અને સમજદારીના સમાંતર સહ-અસ્તિત્વ સાથેનો સંબંધ. પ્રેમ કરતાં પણ દોસ્તીને હું વધારે માનની નજરે જોઉં છું. પ્રાયમરી સ્કૂલમાં ભણતી વખતે રિસેસમાં બાંકડાં પર બાજુમાં બેઠેલાં મિત્રે પ્રેમથી એક વાર ખભાં પર હાથ મૂક્યો, ત્યારે દોસ્ત પડખે બેઠો હોવાની હૂંફનો અહેસાસ શું છે એ પહેલી વાર સમજાયું હતું. મુગ્ધાવસ્થામાં પ્રથમ વખત થયેલો વિજાતીય વ્યક્તિના સ્પર્શનો રોમાંચ તો બાદમાં આવે. એટલે મૈત્રીને હંમેશાં પ્રેમની આગળ મૂકવા માટેનું મારી પાસે આ એક નક્કર કારણ છે. મૈત્રી એક પાસપૉર્ટ છે જે પ્રેમનાં વિઝા અપાવવામાં મદદ કરે છે. વિઝા અરજીનો સ્વીકાર પણ થઈ શકે અને નકાર પણ થઈ શકે, પરંતુ પાસપૉર્ટ એક ઓળખનાં પુરાવા તરીકે આપણને હંમેશાં સાથ આપે છે. એવી રીતે મિત્ર એટલે આપણને આપણાં સાચાં સ્વરૂપની ઓળખ કરાવતો જીવતો જાગતો દસ્તાવેજી પુરાવો !

મિત્રો તરેહ તરેહનાં હોય છે. ચીપ મજાક અને ટિપ્પણીઓ પર તાળી આપીને સૂર પૂરાવતાં તાળી મિત્રો, ભોજનમાં કંપની આપતાં થાળી મિત્રો, તાળી આપીને છટકી જતાં હાથતાળી મિત્રો, પાળી પર સાથે બેસીને ગાળાગાળી કરનારાનાં પાળી મિત્રો, પરીક્ષામાં રાત્રે વાંચવા માટે કંપની આપતાં રાતપાળી મિત્રો...આપણાં માટે ગુરખાની જેમ લડી લેનારાં નેપાળી મિત્રો...તોફાનમાં સાથ આપતાં ખેપાની મિત્રો.... શરારતમાં સપોર્ટ કરતાં શેતાની મિત્રો....સો ઑન ઍન્ડ સો ફૉર્થ....

'ભાગ મિલ્ખા ભાગ'માં રમખાણમાં સ્વજનો ગુમાવનાર, એથ્લેટિક્સની ટ્રેનિંગ દરમિયાન ક્યાંક બીજે લગ્ન કરીને શિફ્ટ થઈ ગયેલી પ્રિયાનો પ્રેમ ગુમાવનાર, અને આર્મીનાં કોચ સાથે ગોઠી ગયા પછી નેશનલ લેવલના કોચ સાથેની ટ્રેનિંગથી જૂના કોચનો સાથ ગુમાવનાર મિલ્ખા સિંઘ હતાશ થઈને એનાં કોચ કમ દોસ્તને કહે છે કે, "સબ, પીછે છૂટતેં જા રહે હૈ...".... જીંદગીનો પ્રવાહ જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ જ્યાંથી મિત્રતાની ગંગોત્રી શરૂ થઈ હતી એવા જૂનાં મિત્રો છૂટતાં જાય છે અને નવાં મિત્રો ઉમેરાવાની, બાદ થવાની કે યથાવત રહેવાની પ્રક્રિયા ચાલુ રહે છે. મૈત્રીની લાગણી કેન્દ્રમાં સ્થિર રહે છે, મિત્રોનું વર્તુળ નાનું મોટું થઈને ફરતું રહે છે, બદલાતું રહે છે.

પુરૂષ-પુરૂષની દોસ્તી અને પુરૂષ-સ્ત્રીની દોસ્તીમાં મને ક્રોનિક પેઈન અને ઍક્યુટ પેઈન જેવો તફાવત લાગે છે. ક્રોનિક પેઈન કે બિમારી લાંબો સમય સુધી ચાલે છે ઍક્યુટ પેઈન બહુ રિબાવે છે પણ એની આવરદા ઓછી હોય છે. ચૅટમાં એક મિત્રે પૂછ્યું હતું કે સ્ત્રી અને પુરૂષ વચ્ચે આજીવન શુદ્ધ દોસ્તીનો સંબંધ શક્ય છે? એના પર વિચાર કરતાં જવાબ જડ્યો કે કોઈક ચોક્કસ સમય સુધી દોસ્તી જેવો સંબંધ રહી શકે, એ પછી ક્યાંક ને ક્યાંક કૉમ્પ્લિકેશન્સ ઊભા થવાની શક્યતા સાવ નકારી શકાતી નથી. વિજાતીયતાની પારસ્પરિક વિરોધિતાને કારણે દોસ્તીના બીજમાંથી પ્રેમનાં ફણગાં ફૂટતાં વાર લાગતી નથી.

ભારત જેવા દેશમાં ગમતી છોકરીને પામવા માટે છોકરાઓએ દોસ્તીના પ્રસ્તાવથી શરૂ કરવી પડે છે. પ્રેમની મંઝિલ પામવા માટે દોસ્તી એક ગેટ-વે બને છે. "કુછ કુછ હોતા હૈ" ફિલ્મમાં શાહરુખ કહે છે કે "પ્યાર દોસ્તી હૈ" એને સાકાર કરવા માંગતા હોય એમ પ્રેમની પતંગને પકડવા માટે લોકો ફ્રેન્ડશિપના લંગસિયા અને ઝંડા લઈને દોડતા હોય છે. દોસ્તી અને પ્રેમ એ બંને લાગણીઓ વરસાદમાં પલળેલી કામણગારી કન્યાની ત્વચા પર ચપોચપ ચોંટી ગયેલા ભીના વસ્ત્રોની જેમ એકબીજા સાથે સજ્જ્ડ જોડાયેલી લાગણીઓ છે. પણ ફ્રેન્ડશિપ માટે બાંધવામાં આવેલો ફ્રેન્ડશિપ બેલ્ટ આગળ જતાં લગ્નનાં મીંઢળ અને નાડાછડીનું સ્વરૂપ લે એની સફળતાની ટકાવારી વાતાવરણમાં પાંખી હાજરી ધરાવતાં હિલિયમ, નિયોન, આર્ગોન જેવા ઉમદા વાયુઓની ટકાવારી જેટલી હોય છે.

ફ્રેન્ડશિપ ડેનો બેલ્ટ નસીબમાં ન હોય તો 17 દિવસ પછી રાખડી બંધાવવા માટે રક્ષાબંધનનો તહેવાર નજીક ઊભો જ છે. ભગવાને સમજી વિચારીને જ માણસ પાસે આ બંને તહેવારો નજીકનાં સમયગાળામાં રખાવ્યા હશે! ;)

દરમિયાન, સૌને ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છાઓ !

No comments:

Post a Comment