Pages

Friday, October 18, 2013

નવા ટૉપ-ટેન ઈનામો : ગોબેલ્સ પ્રાઈઝ, બુચર પ્રાઈઝ, ભારત નંગ, ફિલ્મ-અફેર ઍવોર્ડ....

વિશ્વભરમાં છાશવારે જાતજાતનાં ઈનામો, પુરસ્કારો, ઍવોર્ડ્ઝની જાહેરાત થતી રહેતી હોય છે. નોબેલ પ્રાઈઝ, પુલિત્ઝર પ્રાઈઝ, કલિંગા પ્રાઈઝ, બૂકર પ્રાઈઝ, જ્ઞાનપીઠ પુરસ્કાર, ભારત રત્ન વગેરે વગેરે. માનવજાતના ઈતિહાસમાં અગણિત ક્ષેત્રોમાં પ્રદાન કરતી વ્યક્તિઓ એટલી બધી છે કે દરેકના પ્રદાનને બિરદાવવા માટે જેટલાં ઈનામોનું દાન કરીએ એટલું ઓછું પડે. અમુક ક્ષેત્રો અને એમાં કાર્યરત મહાનુભાવોની તો ક્યારેય નોંધ પણ લેવાતી નથી એટલે મને લાગે છે કે વાહવાહી મેળવવામાં કોઈ રહી ન જાય એ માટે નીચે મુજબ થોડાંક નવા ઈનામોની જોગવાઈ કરવી જોઈએ:   

(1) ગોબેલ્સ પ્રાઈઝ: જૂઠ્ઠાણાંઓ આચરવાની શ્રેષ્ઠ ક્ષમતા માટે શરૂ કરી શકાય તેવું પ્રાઈઝ. દર વર્ષે ચુનંદા રાજકારણીઓ, સાધુબાવાઓ, ધર્માત્માઓમાંથી કોઈ એકની પસંદગી કરી શકાય. જૉસેફ ગોબેલ્સ એ જર્મન સરમુખત્યાર હિટલરનો પ્રચારમંત્રી હતો અને દ્રઢપણે માનતો હતો કે એક જૂઠનું વારંવાર પુનરાવર્તન કરવાથી તે સત્ય બની જાય છે.

(2) બુચર પ્રાઈઝ: કતલખાનામાં જે તે વર્ષે મહત્તમ પ્રાણીઓની હત્યા કરવાનો વિક્રમ ધરાવતાં કોઈ કસાઈની આ માટે પસંદગી કરી શકાય.

(3) બૂઝર પ્રાઈઝ: વર્ષ દરમિયાન મહત્તમ જથ્થામાં દારૂ ગટગટાવી જનારી વ્યક્તિનું આ ઍવોર્ડથી સન્માન કરી શકાય. દારૂ પીને ઘરેલુ હિંસામાં ફાળો આપતા પતિને અગ્રતાક્રમ આપી શકાય.

(4) ભૂખ્ખડ પ્રાઈઝ: એક જ બેઠકે સૌથી વધારે ખાવાનું ખાઈ શકે તેવી ખાઉધરી વ્યક્તિને આ પુરસ્કારથી નવાજી શકાય.

(5) કૂકર પ્રાઈઝ:  શ્રેષ્ઠ રસોઈ બનાવતી ગૃહિણીનો આદર કરવા માટે આ ઈનામ ઠીક રહેશે.

(6) મલિંગા પ્રાઈઝ: વિજ્ઞાનમાં પ્રદાન બદલ યુનેસ્કો દ્વારા કલિંગા પ્રાઈઝ આપવામાં આવે છે તો લઘરવઘર હેરસ્ટાઈલ સાથે સૌથી ઝડપી દડો ફેંકી શકતા કોઈપણ બૉલર માટે મલિંગા પ્રાઈઝ કેવું રહે?

(7) ખંડપીઠ પુરસ્કાર: જેમ જ્ઞાનપીઠ પુરસ્કાર ભારત દેશનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે એ રીતે અદાલતોમાં કોઈપણ કેસનો ઝડપી નિર્ણય લઈને ન્યાયોચિત ચુકાદો આપે તેવા ન્યાયાધીશોની બનેલી બેન્ચ એટલે કે ખંડપીઠને આ પુરસ્કાર આપી શકાય.

(8) ભારત નંગ: કોઈપણ સમસ્યાનું ઠંડે કલેજે વિશ્લેષણ કરીને દલીલ કરવાના બદલે ગોકીરો મચાવીને વિરોધ પર ઉતરી આવતી ભારતીય પ્રજામાં રત્નો ઓછાં અને નંગો વધારે છે. નમૂનેદાર વ્યક્તિઓ ઓછી અને નમૂનાઓ વધારે છે. એક શોધો અને હજાર નંગો મળી રહે છે. એમાંથી શ્રેષ્ઠને પસંદ કરીને ભારત નંગ જાહેર કરી શકાય.

(9) ફિલ્મ-અફેર ઍવોર્ડ:  જે તે વર્ષની ફિલ્મોમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે બેસ્ટ ઍક્ટર, ઍક્સ્ટ્રેસ, સપોર્ટિંગ ઍક્ટર, ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, ગીતકાર, શ્રેષ્ઠ નવોદિત કલાકારોનું સન્માન કરતાં ફિલ્મફેર ઍવોર્ડથી કોણ અજાણ્યું હશે? પરંતુ સમાચારોમાં વર્ષ દરમિયાન જે ફિલ્મી કલાકારોનાં પ્રેમ પ્રકરણોએ સૌથી વધારે ઉત્સુકતા જગાવી હોય એમના માટે ફિલ્મ-અફેર ઍવોર્ડ શરૂ કરી શકાય.

(10 તાયફા ઍવોર્ડ: બોલીવૂડ સાથે સંકળાયેલા લોકોને સન્માનિત કરવા માટે દર વર્ષે વિશ્વના કોઈને કોઈ સ્થાને યોજાતા આઈફા ઍવોર્ડથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. જો કે તમાશા અને તાયફામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર માટે તાયફા ઍવોર્ડ શરૂ કરી શકાય. દેશની કોઈપણ વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે થતી મારામારી કે ન્યૂઝ ચેનલના પડદે બેવફા પતિ કે પ્રેમિકાની ધોલાઈ કરતી પત્ની સુધીના દ્રશ્યોમાંથી પસંદગી કરી શકાય.

જતાં જતાં....

કોઈ વૉન્ટેડ ગુનેગારને પકડવાં માટે એના માથાં પર ઈનામ રાખ્યું હોય એને શું કહેવાય?

સર-પ્રાઈઝ!

No comments:

Post a Comment