Wednesday, February 12, 2014

રેલ્વે બજેટ પાસેથી શું અપેક્ષા છે?

દર વર્ષે રેલ્વે બજેટમાં જાતજાતની લોભામણી જાહેરાતો થતી હોય છે, જેનો અમલ "જેટ" સ્પીડે થવાને બદલે ગોકળગાયની ગતિથી થાય છે અથવા તો બિલકુલ થતો જ નથી. ભાડાં વધારીને સામે એવી સુવિધા આપવાને બદલે જનતામાં લોકપ્રિય થવા માટે ભાડાં ઘટાડીને દુવિધા વધારવાનું જ કામ થતું હોય છે. હાલાંકિ, યે હાલાકી કભી કમ નહીં હોતી. છુક છુક ગાડીની ખરાબ હાલત જોઈને કુછ કુછ હોતા હૈ ! શતાબ્દી, રાજધાની, કર્ણાવતી અને એ પ્રકારની બીજી "ઍલિટ" ક્લાસની ટ્રેનોને બાદ કરતાં ઘણી ખરી ટ્રેનોમાં લઘુ કે ગુરૂ કોઈપણ પ્રકારની શંકા-આશંકા કરવાનું મન ન થાય એવી હાલત જોઈને પાયખાનાને હાયખાના કહેવાનું મન થાય. સ્વચ્છતામાં જ પ્રભુતા વસે છે એ સૂત્રને પકડીને ચાલીએ તો ભારતીય ટ્રેનો એ બાબતમાં ટોટલી નાસ્તિક કહેવાય ! પછી એમાં ગમે તેટલાં શ્રદ્ધાળુ ભજનિકોનો સંઘ ભજનો ગાતો ગાતો પ્રવાસ કરતો હોય તો પણ ત્યાં પ્રભુતા હંમેશા પારોઠના પગલાં ભરતી હોય છે. 



કુલડીમાં ચા પીરસવાના દેશી ગિમિક કરતાં રેલ્વે મંત્રીઓ રેલ્વેમાં ચાલતાં ભ્રષ્ટાચારની બાબતમાં કુલડીમાં ગોળ ભાંગતા હોય છે. IRCTCની વેબસાઈટ પર ઑનલાઈન ટિકિટ બુકિંગની સગવડ આવ્યા પછી રેલ્વેની બારીએ રિઝર્વેશન માટે ફૉર્મ ભરીને લાઈનમાં રાહ જોવી પડતી નથી પણ સર્વર સર્વથા ડાઉન હોવાને કારણે એ બધી ધક્કામુક્કી હવે ઑનલાઈન થઈ ગઈ છે. ધક્કામુકીનો અનુભવ હવે ફિઝિકલને બદલે વર્ચ્યુઅલ બન્યો છે ! :P

કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે એવા હરીન્દ્ર દવેના જગવિખ્યાત  ક્વોટને બદલીને રેલ્વે માટે એવું કહી શકાતું નથી કે "કોઈ સર્વિસ પ્રોવાઈડર દ્વારા પૂરી પાડવામાં આવતી ફેસિલિટી ઓછી હોતી નથી, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે!" સત્યાગ્રહમાં કોઈ ન્યૂઝ ચેનલની કરીના કપૂર જેવી  રૂપાળી રિપોર્ટર ભૂલથી ભૂલી પડીને રસ્તામાં મને મળી જાય અને રેલ્વે બજેટ પાસેથી તમારી શું અપેક્ષા છે એવા પ્રશ્નો પૂછે તો મારો શું જવાબ હોય? એ આ પ્રમાણે છે:

(1) રેલ્વેમાં મફત વાઈ-ફાઈ સુવિધા શરૂ કરો. ગયા વખતના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી પછી શતાબ્દી અને કર્ણાવતીમાં દરેક વખતે સેમસંગ ગેલેક્સી સ્માર્ટ ફોનમાં ચાતક જેમ વરસાદના ટીપાંની રાહ જુએ એમ મેં મોબાઈલમાં વાઈ-ફાઈના સિગ્નલ ઝીલવા પ્રયત્ન કર્યા પણ મિસ્ટર ઈન્ડિયાની જેમ ક્યારેય વાઈ-ફાઈ નેટવર્ક દેખાયું નહીં. ફેકિંગ ન્યુઝવાળા મજાકમાં કહે છે એમ વાઈ-ફાઈ શરૂ થાય તો ટીસીને ઑનલાઈન લાંચ બેન્ક ટ્રાન્સફરથી આપવામાં સુગમતા રહે.

(2) મુસાફરોને લાંબી મુસાફરીમાં રિચાર્જ કરવા માટે ડબ્બાની બહાર દરેક સ્ટેશન પર ચાનાં ચાર્જીંગ પોઈન્ટ હોય છે. એ જ રીતે ડબ્બામાં આગળ પાછળની બે સીટોની વચ્ચે મોબાઈલ કે લેપટૉપ ચાર્જ કરવા માટે એક કૉમન ચાર્જીંગ પોઈન્ટને બદલે બે ચાર્જીંગ પૉઈન્ટ હોય તો આગળ બેઠેલાંને પોતાનો પ્લગ કાઢીને આપણો પ્લગ ભરાવવા માટે વિનંતી કરવાનો સંકોચ દૂર થઈ જાય.

(3) ઑનલાઈન રિઝર્વેશન કરાવતી વખતે "Book my tickets only if all the passengers are allotted seats in the same coach" એવું ઑપ્શન આવે છે. એટલે કે સાથે મુસાફરી કરતાં અન્ય પરિચિત મુસાફરોને પણ એક જ ડબ્બામાં સીટ આપવામાં આવે. આમાં સુધારો કરીને એક બીજું ઑપ્શન ઉમેરવા જેવું છે. "Book my tickets only if a beautiful girl is allotted a seat next to me!" :D. આઈનસ્ટાઈનની થિયરી ઑફ રિલેટિવીટી મુજબ કદરૂપી સ્ત્રી સાથે વીતાવેલી એક મિનિટ એક કલાક જેવી લાગે છે અને સુંદર સ્ત્રી સાથે વીતાવેલી એક કલાક પણ એક મિનિટ જેવી લાગે છે એટલે મુસાફરીમાં કોઈ સુંદરી સાથે હોય તો એ બહાને આઈનસ્ટાઈનની થિયરી ઑફ રિલેટિવીટીને થિયરીમાંથી પ્રેક્ટિકલ તરીકે સાકાર થતી જોઈ શકાય અને સમય પણ સારો પસાર થઈ જાય ! ;)

No comments:

Post a Comment