Sunday, February 23, 2014

"જીન"ની માફક પત્નીની બધી ખ્વાહિશો પૂરી કરતાં "વર"ને વર્જિન કહેવાય !

કોઈની જિંદગી સાથે રમત કરવા કરતાં શબ્દો સાથે રમત કરવી હંમેશા ગમે છે. આજે શબ્દકોશની સરહદની બહારના થોડાં વધુ ખેપાની શબ્દોની નવી વ્યાખ્યાઓ સાથે હાજર છું: 

અર્થઘુટન: આપણે જે બોલીએ એનું સામેની વ્યક્તિ એવું અર્થઘટન કરે જેનો અર્થ આપણને બિલકુલ અભિપ્રેત ન હોય ત્યારે જે ઘુટન કે ગૂંગળામણ થાય છે તેને અર્થઘુટન કહે છે.

એવરેજ: જિંદગી જીવવા માટે જેમને ખાસ "લીવરેજ" (લાભ, એડવાન્ટેજ) મળ્યું ન હોય તેવા સામાન્ય લોકો.

ગંધારાધોરણ: ધારાધોરણોમાં જ્યારે ગંદકી પ્રવેશે ત્યારે એ ગંધારાધોરણ બની જાય છે.


ચીમકી: ચમકી જવાય એવી ધમકી.

ચોપડિયો ચાંચડ: અંગ્રેજીમાં પુસ્તકિયા કીડાં માટે બુકવર્મ નામનો શબ્દ છે. ગુજરાતીમાં ચોપડિયો ચાંચડ એનો સૌથી યોગ્ય પર્યાય લાગે છે.

ડાયરો: ડાયરીનું પુંલ્લિંગ સ્વરૂપ.

દામ્પત્ય: આમ તો લગ્નજીવન સાથે સંબંધિત સમાનાર્થી શબ્દ છે, પરંતુ હૃતિક-સુઝાન જેવા ઘણાં હાઈ-ફાઈ સિલેબ્રિટી યુગલોમાં છૂટાં પડ્યા બાદ વળતર તરીકે જે જંગી રકમ ચૂકવવી પડે છે એ જોતાં દામ્પત્યનો અર્થ આવો કરી શકાય: દામ મળી ગયા એટલે પત્યું...!!

નાઈટમેર (Nightmare): આમ તો આ દુ:સ્વપ્ન માટેનો અંગ્રેજી શબ્દ છે, પરંતુ mareનો અર્થ ઘોડી પણ થાય એ જોતાં રાત્રે ફરવા અને ચરવા નીકળવાની શોખીન નિશાચર ઘોડીને નાઈટમેર કહી શકાય.

પરચૂરણ: આપણું નહીં તેવું અન્ય વ્યક્તિનું ચૂરણ.

પરલોકસંગીત: ગરબાં, ડાયરા, લોકગીતો વગેરે લોકસંગીતના પ્રકારમાં આવતાં હોય છે, પરંતુ ગાયનના બધાં પ્રકારોથી અદકેરૂં ઊંચું સ્થાન ધરાવતાં શાસ્ત્રીય સંગીતને પરલોકસંગીત કહી શકાય.

બાગબાન: બાગને બાનમાં લેતાં લોકો. ક્યારેક બાંકડાં કે લોન પર બેઠેલાં પ્રેમીપંખીડાં તો ક્યારેક એમને ડંડા મારીને ભગાડવા આવતાં હવાલદારો બાગને બાનમાં લે છે.

ભગવા: સંસારથી "ભાગવા" ઈચ્છતા લોકો દ્વારા પહેરવામાં આવતાં વસ્ત્રોનો એક રંગ.

મીટાહારી: માફકસર ખાતાં હોય એવા લોકો માટે મિતાહારી શબ્દ છે, પરંતુ જે માંસ એટલે કે મીટ ખાતાં હોય એમને મીટાહારી કહેવાય?

મૂઢાર્થ: સમજવામાં મુશ્કેલ પડે, મોઘમ હોય, રહસ્યમય અર્થ છુપાયેલો હોય એને ગૂઢાર્થ કહેવાય, તો મૂઢ વ્યક્તિ દ્વારા કાઢવામાં આવતા ખોટા અર્થને મૂઢાર્થ કહી શકાય.

રૉ માંસ : પ્રણય માટેના રોમાંસ શબ્દમાં રો પર ભાર મૂકવાથી એ રૉ માંસ એટલે કે કાચું માંસ થઈ જાય છે.

વર્જિન: "જીન"ની માફક પત્નીની બધી ખ્વાહિશો પૂરી કરતાં "વર"ને વર્જિન કહેવાય !

શિવસૈનિક: વેલેન્ટાઈન ડે નિમિત્તે કાર્ડ ગિફ્ટ્સની દુકાનોમાં તોડફોડ હોય કે પાકિસ્તાની કલાકારોનો કાર્યક્રમ ભારતમાં ન કરવા દેવાના કોડ હોય કે પરધર્મી ચિત્રકારની આર્ટ ગેલેરીમાં ભાંગફોડ હોય કે બધી લેન્ડમાર્ક જગ્યાઓના નામ શિવાજીના નામે રાખવાની માથાફોડ હોય.....મુંબઈની અસ્મિતા અને શિવાજીને લગતાં મુદ્દાઓ અંગે વાતવાતમાં શિવજીની જેમ ત્રીજું નેત્ર ખોલીને વિનાશનું તાંડવનૃત્ય કરતાં સૈનિકોને શિવસૈનિકો કહે છે.

શૅમ્પેન: શેમ (શરમ) અને પેઈન (દુ:ખ) એક સાથે અનુભવાતાં હોય તેવી કરૂણ સ્થિતિ.

સફરજન: જેમને ખૂબ યાતનાઓ ભોગવવાની આવતી હોય (suffer કરતાં હોય) એવા લોકોને સફરજન કહે છે.

એન્ડલાઈન
ઘણી વખત શબ્દોને ઊલટ સૂલટ કરવાથી કેવી રીતે સહજતાથી સત્ય મળી જતું હોય છે એનું એક ઉદાહરણ:

લોભ-ભલો: જેનામાં લોભ ન હોય એ ભલો આદમી.
મદ-દમ: મદ વગરનાં માણસમાં કંઈક દમ છે એમ માનવું.

No comments:

Post a Comment