Friday, February 28, 2014

સૂરોત્તમ પુરુષોત્તમ - સુગમ સંગીતના સંગીન ચાહકો માટે સર્વોત્તમ પુસ્તક !

શાસ્ત્રીય સંગીત અને ગઝલ ગાયકીના દિગ્ગજ નામોના સંગે રહીને ગુજરાતી ગઝલગાનને ગરિમા બક્ષનારા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતના કળા ક્ષેત્રમાં એક આંબી ન શકાય એવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. કાંચનજંઘા, K2, અન્નપૂર્ણા જેવા શિખરો વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ દરેક આરોહકનું અલ્ટીમેટ લક્ષ્ય તો એવરેસ્ટને જ આંબવાનું હોય છે એ જ રીતે સુગમ સંગીતના ગાયક બેન્ચમાર્ક તરીકે પુરુષોત્તમભાઈને સામે રાખીને પોતે ક્યાં છે અને ક્યાં સુધી જઈ શકે એનો આછોપાતળો ક્યાસ મેળવી શકે. કવિ તુષાર શુક્લે કહ્યું છે કે સુગમ સંગીતના ગાયકે PUC સર્ટિફિકેટ લેવું રહ્યું. પુરુષોત્તમ ઉપાધ્યાય સર્ટિફિકેટ! 15 ઑગસ્ટ 1934નાં દિવસે જન્મેલાં આ કલાકારે 2009માં 75 વર્ષ પૂરાં કર્યા ત્યારે આ અમૃત મહોત્સવ ઉજવવા માટે ઈમેજ પ્રકાશને ફેબ્રુઆરી 2010માં સુરેશ દલાલ, અંકિત ત્રિવેદી અને હિતેન આનંદપરાના સંપાદનનાં ત્રિવેણી સંગમ સાથે પુરુષોત્તમભાઈના સંગીતમય જીવનની સચિત્ર ઝલક આપતું પુસ્તક "સૂરોત્તમ પુરુષોત્તમ" પ્રકાશિત કર્યું હતું.  



સ્વ.સુરેશ દલાલે ચિત્રલેખાની ઝલક કટારમાં પુરુષોત્તમભાઈ વિશે લખેલા લેખથી શરૂ થતું પુસ્તક અંતમાં પુરુષોત્તમભાઈએ અનિલ ચાવડાથી હેમેન શાહ સુધીના કવિઓના સ્વરાંકન કરેલાં 650થી વધુ ગીતોની સૂચિ (કવિના નામ સાથે) સુધીના કુલ 200 પાનામાં સંગીત યાત્રાની એક અવિસ્મરણીય સફર પર લઈ જાય છે. 75મા જન્મદિનને પ્રતીકાત્મક સ્વરૂપ આપવા માટે આ 650થી વધુ ગીતોમાંથી 75 ગીતો ચૂંટીને તૈયાર કરવામાં આવેલી mp3 ડિસ્ક પણ પુસ્તકની સાથે ભેટ આપવામાં આવે છે. હંમેશા A1 ક્વૉલિટીનું સંગીત પીરસનારા પુરુષોત્તમભાઈનું આ પુસ્તક લંબાઈમાં A4 સાઈઝને પણ અતિક્રમી જાય છે. પુસ્તકમાં સંગીતથી ઉત્તરોઉત્તર સમૃદ્ધ બનતી જતી જીવનયાત્રાની ઝરમર આપતાં ચિત્રો છે, જેમની સાથે સંસ્મરણો વાગોળ્યાં હોય એવા મિત્રો પણ છે, સુવેનિયર તરીકે સાચવી રાખવા ગમે એવા એમને લખાયેલાં પત્રો પણ છે, અને અફકોર્સ વાજિંત્રો પણ છે ! પરિણામે આ પુસ્તક સચિત્ર જ નહીં, સમિત્ર અને સપત્ર પણ બન્યું છે. 



નાનપણમાં રંગભૂમિથી શરૂ થયેલી કળાની સફર છેવટે સુગમ સંગીતની 'રાગભૂમિ' પર આવીને સ્થાયી થાય છે. આ સફરમાં શ્રી દિલીપભાઈ ધોળકિયા, શ્રી અવિનાશ વ્યાસ સાથેના પરિચયને એમની આજની યશસ્વી કારકીર્દિનું આરંભબિંદુ કહી શકાય. કુટુંબીજનો, સાથી કલાકારો, સંગીત સહિતના અને સિવાયના ક્ષેત્રોની હસ્તીઓ સાથેના સંભારણાં, તસ્વીરો, પત્રો, દેશ-વિદેશમાં એમણે કરેલાં કાર્યક્રમોની આમંત્રણ પત્રિકાઓ... પુસ્તક પ્રકાશન માટે એમણે પ્રકાશકને આપેલી બધી જ વસ્તુઓને એવી સુઘડ અને સુરેખ રીતે ક્રમબદ્ધ કરવામાં આવી છે કે આ સચિત્ર પુસ્તક બનાવવા માટે પ્રકાશકે કરેલ નિષ્ઠાપૂર્વકનો શ્રમ સાર્થક થયો છે. આપણાં લગ્ન થયા પછી આપણાં માતા-પિતા દ્વારા સગા-વ્હાલાંઓને પરાણે આલ્બમ પકડાવીને ફોટાં જોવા માટે જે ત્રાસ ગુજારવામાં આવે છે એવા કોઈ ત્રાસનો અનુભવ આ પુસ્તકમાંથી પસાર થતી વખતે લેશમાત્ર થતો નથી.

ગુજરાતીમાં કદાચ આ પહેલું એવું પુસ્તક હશે જેની કિંમત કુલ પાનાની સંખ્યા કરતાં પોણાચાર ગણી (રૂ. 750) હોય. મોંઘું છે એટલે સંભવિતપણે ઓછું વેચાણ થતું હોઈ શકે જેના પરિણામે પુરુષોત્તમભાઈના કાર્યક્રમો થતાં હોય ત્યાં બધે જ પ્રમોટ કરવામાં આવે છે અને કરવું જોઈએ. (અરવિંદ વેગડાના રૉક ડાયરામાં કે ઓસમાણ મીરના રૉકિંગ ડાયરામાં થોડું પ્રમોટ કરાય?) કેસર-ચંદન-કસ્તૂરી અને એના કદરદાનોનો વ્યાપ આમ પણ મર્યાદિત જ હોય. સુગમ સંગીતના સંગીન ચાહકો માટે એક સંભારણાં જેવું સર્વોત્તમ પુસ્તક !

(નોંધ: સ્વ. સુરેશ દલાલે લખેલો પુરુષોત્તમભાઈ વિશેનો લેખ ફેસબુક પર મિત્ર +Rajni Agravatએ બનાવેલાં ગ્રુપ magic-of-music-સૂર-સંગતની લેખના અંતે આપેલી લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે: (એ માટે ફેસબુકમાં પ્રથમ લૉગ ઈન થઈને https://www.facebook.com/groups/music.megic/ લિંક પર ગ્રુપના મેમ્બર બનવું આવશ્યક છે)

લેખની લિંક: http://tinyurl.com/ps3oqhh )

2 comments: