Pages

Tuesday, February 4, 2014

પંડિત ભીમસેન જોષી : એક આવાઝ જો અમર રહેગી....

કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ કરીમખાનની વસંત રાગની ઠુમરી સાંભળીને જેમને શાસ્ત્રીય સંગીત શીખવાની લગની લાગી એવા પંડિત ભીમસેન જોષીને આજે વસંતપંચમીએ એમની 92મી જન્મજયંતિએ આદરાંજલિ આપતો લેખ મનસુખલાલ સાવલિયાના પુસ્તક ભારતના મહાન સંગીતકારોમાંથી સાભાર!

ધારવાર જિલ્લાના કડગ ગામમાં ઈ.સ. 1922માં જન્મેલાં પંડિત ભીમસેના જોષી કિરાણા ઘરનાના ઉત્તમ ગાયક ગણાય છે. કંઠ્ય સંગીતમાં એમની બરોબરી કરી શકે એવા બહુ જ ઓછા કલાકારો છે. સંગીતની ઉપાસના કરનારા શીલવંત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ભીમસેન, આનુવંશિક રીતે જ સંગીતકલાના સંસ્કાર લઈને આવ્યા હતાં. એમના દાદા પંડિત ભીમાચાર્ય, લબ્ધપ્રતિષ્ઠિત અને લોકપ્રિય કીર્તનકાર હતા. એમના પિતાશ્રી ગુરુરાજે ઉચ્ચ કેળવણી લીધી હતી અને અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાના ભજનો ગાતાં. પંડિત ભીમસેનમાં બાળપણથી જ સંગીત, સાહિત્ય અને કલાના આ સંસ્કારો પડ્યા હતા. બાલ્યકાળમાં પંડિત ભીમસેન જોષીના અંતરપટ ઉપર સંગીતના સંસ્કારની જે રંગભરી ચિત્રાવલી આલેખાઈ હતી તે સમય જતાં વધુ ઊજળી બની છે!

ભીમસેનની જ્યારે માત્ર સાત જ વર્ષની ઉમ્મર હતી ત્યારે તેણે તેના દાદા ભીમાચાર્યનો માળિયામાં મૂકી રાખેલો તાનપૂરો કાઢ્યો હતો. આજદિન સુધી કોઈએ એનો ઉપયોગ ન કરવાથી તેના ઉપર ધૂળનું આવરણ ચઢી ગયું હતું. પંડિત ભીમસેને તે હટાવ્યું. તાર મેળવ્યા અને તાનપૂરાના તાન સાથે મધુર સંગીતના સૂરો વહેતા કર્યા. જાણે દાદા ભીમાચાર્ય, ફરીવાર ભીમસેન બનીને આવ્યા. એના પિતા ગુરુરાજને પણ ભારે આશ્ચર્ય થયું. તેને પોતાના પુત્રમાં સંગીતના વિરાટ સ્વરૂપનાં દર્શન થયાં. કહેવાય છે કે પંડિત ભીમસેનના પિતાને એક રાતે સાક્ષાત ભગવાન નારાયણનાં દર્શન થયાં. સ્વપ્નમાં એ ભાવવિભોર બની ગયા અને મુખમાંથી નારાયણ શબ્દનો જાપ સરી પડ્યો અને તેઓ ઊંઘમાંથી જાગી ગયા. ત્યાર પછી ત્રીજા જ દિવસે ભીમસેનનો જન્મ થયો. જાણે સાક્ષાત વિષ્ણુ નારાયણનો દિવ્ય અંશ, પરિવારનો ઉદ્ધાર કરવા પ્રગટ્યો!

સાવ શિશુ અવસ્થામાં જ પિતાએ તેને रामाय रामचन्द्राय रामभद्राय नतोहम મંત્ર શીખવ્યો. આ રામમંત્રના જપ અને ગાનથી જ ભીમસેનમાં અલૌકિક શક્તિઓ જાગૃત થઈ! તેઓને સંગીતનું એવું જબ્બર આકર્ષણ હતું કે કોઈ ભજનમંડળી, ગાતી ગાતી પસાર થાય તો તેમાં તેઓ જોડાઈ જતા, સાથે ચાલ્યા કરતા, સાથે ગાયા કરતા, અને ચાલતાં ચાલતાં થાકી જાય ત્યારે રસ્તામાં સૂઈ જતા. પછી કોઈ ઓળખીતાં લોકો એને ઘેર મૂકી જતાં. આ ક્રમ નિયમિત થઈ ગયો હતો. તેથી એની ઓળખાણમાં મુશ્કેલી ના થાય તે માટે તેના પિતા, તેના ખમીસના પાછળના ભાગે નામ-સરનામાની કાપલી લખાવી રાખતા. સ્વાભાવિક છે કે જે બાળકમાં સંગીતની આવી મસ્ત ધૂન હોય તે મોટો થઈને મહાન સંગીતકાર થયા વિના રહે જ નહીં! એમની ઉમ્મર જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેને હારમોનિયમ શીખવવા માટે અગસક ચન્નપા નામના શિક્ષક પાસે મૂકવામાં આવ્યા. ત્યાં રાગ ભીમપલાસીથી એની તાલીમનો આરંભ થયો. પરંતુ કંઠ્યસંગીતની સાધના કરવાની અને તે માટે ગાયકીના કોઈ ધુરંધર ગુરુ ગોતવાની એને તાલવેલી લાગી. હવે ઘરની સીમાઓ એને સંકુચિત લાગવા માંડી. તેઓ મુંબઈ આવ્યા. ત્યાં સંગીતકલા દ્વારા થોડી મૂડી મેળવીને ત્યાંથી જાલંધર ગયા. ત્યાં પંડિત વિનાયકરાવ પટવર્ધનની મુલાકાત થઈ. તે પછી હુબલી સ્ટેશન ઉપર તેમને દેશપાંડેનો સંપર્ક થયો. તેમણે સુપ્રસિદ્ધ ગાયક સવાઈ ગાંધર્વને ભલામણ કરી અને તેમના કુશળ માર્ગદર્શનમાં ભીમસેન જોષીને સંગીતની સંપૂર્ણ શિક્ષા મેળવવાનો અવસર સાંપડ્યો.

પંડિત ભીમસેન જોષી : 4 ફેબ્રુઆરી, 1922 - 24 જાન્યુઆરી 2011


ભીમસેન જોષી, જ્યારે શાળાએ ભણવા જતા ત્યારે માર્ગમાં ગ્રામોફોન રેકોર્ડવાળાની દુકાન આવતી. ત્યાં ઉત્તમ સંગીતકારોની રેકોર્ડ વાગતી હોય તે સાંભળતાં ઉસ્તાદ અબ્દુલ કરીમખાનની બે રેકોર્ડ સાંભળી. એકમાં રાગ વસંતમાં શબ્દો હતા. 'ફગવા બ્રિજ દેખનકો ચલો રી'. બીજી રેકોર્ડમાં ઝીંઝોટી રાગની ઠુમરીના શબ્દો હતા, 'પિયા બિન નહીં આવત ચૈન' આ બન્ને રાગોએ એના મન ઉપર અલૌકિક અસર કરી. જીવનપર્યંત આ રાગોની સ્મૃતિ, કદી ભુલાતી નહીં. એના ગુરુના મુખેથી પણ જ્યારે આ રાગો સાંભળતા ત્યારે એ આનંદની સમાધિમાં લીન થઈ જતા!

ગુરુ સવાઈ ગંધર્વે એને તાલીમ આપવામાં કોઈપણ કચાશ રાખી ન હતી. સંગીતમાં સાવ સૂક્ષ્મ દોષ પણ ન આવવો જોઈએ એવો તેમનો આગ્રહ હતો. કહેવાય છે કે એકવાર સંગીતના કોઈ કાર્યક્રમમાં ગાતી વખતે પંડિત ભીમસેનથી અજાણતાં જા સહેજ ભૂલ થઈ ગઈ તો ત્યાં ઉપસ્થિત ગુરુ સવાઈ ગાંધર્વે સૂડી ઉપાડીને ભીમસેનના માથામાં મારી. માથામાંથી લોહી નીકળ્યું અને સાથે જ ભૂલ થાય તેવી અસાવધાની પણ નીકળી ગઈ. આવા પૂર્ણગુરુના સાન્નિધ્યમાં શિષ્યમાં પૂર્ણતા પ્રગટે એમાં શી નવાઈ? ભીમસેન જોષીની ગાયકીમાં મધુરતા, બુલંદી, રાગો ઉપરનું પ્રભુત્વ, બોલતાન વગેરેની અદભુત કલા હતી, જેના પ્રવાહમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતાં. તેમના શબ્દોચ્ચાર બહુ સ્પષ્ટ ન હતા. તેથી શ્રોતાઓને ગાયકીના શબ્દોની સમજ પડતી નહીં. કહેવાય છે કે એકવાર એમણે આ સંગીતમાં માત્ર એના નામ-સરનામાના શબ્દો ઘૂંટ્યા કર્યા છતાં શ્રોતાઓને ખબર પડી નહીં. સંગીતના મધુર સૂરો, આલાપ વગેરેની મનમોહક વર્ષા થતી હોય ત્યારે શબ્દો ગૌણ બની જાય છે!

ગુરુ સવાઈ ગાંધર્વ સ્પષ્ટ માનતા હતા કે તેના સંગીતનો વારસો, શિષ્ય ભીમસેન જોષી, સંભાળશે અને ઉજાળશે. તેમની આ માન્યતા સાચી પડી. તેમની સંગીત કલાએ, જાણકાર શ્રોતાઓના હૃદયમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની સંગીતસિદ્ધિની કદર રૂપે ભારત સરકારે તેમને 1972માં પદ્મશ્રી, 1985માં પદ્મભૂષણ, 1999માં પદ્મવિભૂષણ અને 2008માં ભારત રત્નનાં ઈલકાબથી નવાજ્યા હતાં. પંડિત ભીમસેન જોષીની સંગીતપ્રતિભાના ઘડ્તરમાં ત્રણ પરિબળોનો મહત્ત્વનો ફાળો છે: સંગીતની જન્મજાત શક્તિ, કઠોર પરિશ્રમ અને સમર્થ ગુરુઓની તાલીમ.

(Source : ભારતનાં મહાન સંગીતકારો : મનસુખલાલ સાવલિયા, પ્રવીણ પ્રકાશન)

સાથે સાથે મેં રેકર્ડ કરીને YouTube પર અપલોડ કરેલાં પંડિતજીના વીડિયો ક્લિપિંગ્ઝની લિંક:

(1) ભારત રત્ન પંડિત ભીમસેન જોષીને સમર્પિત કાર્યક્રમ: Tribute to Pandit Bhimsen Joshi


(2) પુરિયા ધનશ્રી અને કાફી રાગની ઠુમરી:


(3) ડીડી ભારતી પર પ્રસારિત થયેલાં મૌસિકી એક ખોજ કાર્યક્રમમાં કેટલાંક રાગોના ટૂંકી લંબાઈના પર્ફોર્મન્સ:
(4) ઉસ્તાદ રાશિદ ખાન સાથે જુગલબંધી: No comments:

Post a Comment