Monday, June 16, 2014

વર્ષા ઋતુ.... તુ રુ રુ તુ રુ રુ તુ રુ રુ તુ રુ... કહાં સે કરું મૈં લિખના શુરુ.....

જૂનાગઢ જિલ્લાનાં કોડીનારમાં 16 ઇંચ વરસાદ વરસે છે અને ક્યાંક કોઈ કોડીલી નારના હૈયામાં કામનાઓનો વરસાદ વરસે છે. જ્યારે અમારા શહેરમાં ઝરમર વરસાદ વરસે છે ત્યારે એવું લાગે છે કે પૃથ્વી પરના તૃષાતુર પુરુષોને તૃપ્ત કરવા માટે સ્વર્ગમાંથી ઈન્દ્રની અપ્સરાઓ સુરાહીઓ ભરીને અમૃતનો છંટકાવ કરી રહી છે. બીજી તરફ, જ્યારે ચેરાપુંજી બ્રાંડ મુશળધાર વરસાદ પડતો હોય ત્યારે એવું લાગે છે કે યમદૂતો ઉપરથી મોટાં મોટાં ટેન્કર ઠાલવી રહ્યાં છે.

વરસાદ એટલે એવી સીઝન જેમાં ક્રિકેટની મેચોને બદલે ટિટોડી ક્યાં કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે એના પર સટોડિયાઓ સટોસટ સટ્ટો રમવા માંડે છે. આખું વર્ષ છાંટોપાણી કરવા માટે ચાન્સ મારતા લિકર-લોલુપ ગુજરાતીઓ માટે વરસાદમાં છાંટોપાણીનો અર્થ બદલાઈ જાય છે. વરસાદના પાણી ભરાયા હોય એવા રસ્તાઓ પર ચાલતાં કે વાહન હંકારીને જતી વખતે આપણાં પર જે છાંટા ઊડે છે એ છાંટોપાણી કહેવાય છે.

વરસાદમાં બે ચીજો પૂરબહારમાં ખીલે છે: જમીન પર કીચડ-કાદવ અને ભીંજાતી સ્ત્રીઓનું માર્દવ! બંને એકસરખો ઉપદ્રવ કરે છે. કીચડ બહારથી કપડાંને મલિન કરે છે. સ્ત્રીનું માર્દવ ભીતરનાં દિલને બુઝાવી ન શકાય એવા દવની બેચેનીમાં તલ્લીન કરે છે! જૂન-જુલાઈની સીઝનમાં સરકારી પેન્શન ખાતાં વૃદ્ધો પેન્શન બંધ ન થાય માટે દર વર્ષે હયાતીનું ફૉર્મ ભરવા હાંફળાફાંફળા થાય છે, તો બીજી તરફ જુવાન હૈયાઓ કામાતુર થઈને યયાતિ જેવું ફૉર્મ મેળવે છે! 

જાન્યુઆરીથી એપ્રિલના પહેલાં ચાર મહિના અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના છેલ્લાં ચાર મહિના બાદ કરતાં જૂન-જુલાઈ-ઑગસ્ટ એ વર્ષની મધ્યમાં આવતો સમય કહી શકાય. ભરબપોરે જેમ સૂર્ય મધ્યાહ્ને તપે એમ માણસની કામવાસના વર્ષાઋતુમાં મધ્યાહ્ને તપે છે. આને 'બળતામાં ઘી હોમવું' એવું નહીં પણ 'પાણીમાં આગ લગાડવી' એવું કહી શકાય ! 

આ ઋતુમાં પાણીથી લથબથ સડકો પર ઘૂંટણ સુધી ચડાવેલા જીન્સ પહેરીને ફરતી છોકરીઓના ગૌરવર્ણા પગ પર ગૌર કરતાની સાથે જ એમની સાથે અન્ડર ધ ટેબલ અને અબોવ ધ લેબલ ફૂટસી (footsie) રમવાનું મન થઈ આવે છે અને આવો કામ-વિચાર કેટલો યોગ્ય છે એ બાબતે દિમાગ અને દિલની વચ્ચે ફૂટ પડે છે! પણ તમે જ કહો એની પોચી પાની સાથે છાનીછપની રમત કરવામાં પાછીપાની કરાય? 

વરસાદ એટલે હિન્દી ફિલ્મોમાં વરસાદમાં ભીંજાતી ભુજાઓ અને આલિંગનોમાં ભીંસાતા અંગોથી આવેગમય બનેલી નખરાળી નટીઓના ઈરોટિક ગીતોના વિઝ્યુઅલ્સનું મનન અને કવન કરવાની ઋતુ! હિન્દીમાં અભિવ્યક્તિ કરવી હોય તો કહી શકાય કે बारिश के साथ दो चीज़े बड़ी चुस्ती जे जुड़ी हुई है: भीगना और भोगना !  ઈરોટિકાની રો રો કે ટીકા કરનારા લોકો પણ બે ઘડી આવા ગીતો જોઈને લપસી પડતા હશે ! ટીપ ટીપ બરસા પાની  જોઈને રવિના-નુમા બક્સમ સ્ત્રીના સૌંદર્યને તત્ક્ષણ સીપ સીપ કરવાનું મન થાય છે! નિર્માતાઓને ફિલ્મમાં ઓછો ખર્ચ આવે એ માટે ગાંઠના પૈસા ખર્ચીને વસાવેલું રેઈન મશીન સાથે લઈને ફરતી શિલ્પા શિરોડકરના મરોડદાર કમર-કર સંમોહિત કરે છે. 'યલગાર'માં ભૂરી સાડી પહેરેલી નગમાને બૂરી નજરથી જોઈને સબૂરી ખોઈ નાંખતા સંજય દત્ત સાથે જળક્રીડા કરતાં જોઈએ ત્યારે કોંગ્રેસી હોવા છતાં નગમા સામેના બધા અણગમા ઓગળી જાય છે! 'યેહ દિલ્લગી'માં અક્ષય કુમાર સાથે વરસાદી ગીતમાં ઉત્કટ દ્રશ્યો આપનારી કાજોલ જેવી કોઈ છોકરીને આપણી સાથે વરસાદમાં ભીંજાવા માટે cajole (ફોસલાવવું) કરવાનું મન થાય ! (હું તો વીતેલી સદીનો માણસ છું, એટલે નવા જમાનાની હિરોઈનોના શૃંગારિક ઉદાહરણો સિફતતાપૂર્વક આપી શકતો નથી!) પણ આ તો રૂપેરી પડદો છે. અહીં ફિલ્મોની રંગીન કલ્પના અને જીવનની સંગીન વાસ્તવિકતાઓ વચ્ચેનું અંતર વીજળીના ગડગડાટથી પુરુષની બાંહોમાં ગભરાટથી લપાઈ જતી લલના અને વીજળી પડવાથી ઝાડ નીચે ઊભેલાં અજાણ્યા શખ્સના મૃત્યુની ખબર વાંચીને અનુભવાતી છલના જેટલું છે! પડદા પરની ફેન્ટસીને અસલ જીવનમાં મૂર્તિમંત કરવાનાં સ્વપ્નોનો અવારનવાર કડદો થઈ જતો હોય છે ! અહીં સ્પાઈડરમેન પાર્ટ-1માં ઊંધા લટકીને હોઠ સુધીનું માસ્ક ઉતારીને (ચુંબન કરતાં ફાવે એટલે!) સ્પાઈડરમેનની જેમ પ્રેમિકાને ચુંબન કરવા જઈએ તો સમાજમાં ફરતાં ઘણાં કરોળિયા રીતિ-રિવાજોની જાળમાં આપણને સપડાવવા માટે આતુર હોય છે ! 

વરસાદ ફિલસૂફી પણ શીખવે છે. કોઈપણ પ્રકારના કિનારે પહોંચવાના ધ્યેય વગર માત્ર રમતનો આનંદ મેળવતા બાળકો કાગળની નાજુક હોડીને વરસાદના પાણીમાં તરતી મૂકે છે એ વખતે હોડી વરસાદની થપાટો સામે ઝીંક ઝીલી શકશે કે કેમ એવી ગણત્રીઓ એનું નિર્દોષ મન કરતું નથી. આપણું જીવન પણ નાજુક કાગળની બનેલી હોડી જેવું છે અને સંઘર્ષમય જીવનમાં સમસ્યાઓના સતત વરસતા વરસાદની વચ્ચે કોઈ કિનારે પહોંચવાની અભિલાષા વિના સંસાર રમતમાં તરતાં રહેવાનો આનંદ લેવાનો છે. કાગળ જેટલો મજબૂત હશે એટલા આગળ જઈ શકશું! 

3 comments:

  1. હયાતી અને યયાતિ :) . . મસ્ત અ.કા અલ-મસ્ત લેખ .

    કાજોલ અને શિલ્પા'ને યાદ કરનારા આપ બ્રાંડ એમ્બેસડર " ટીપ ટીપ બરસા "વાળા રવિના'ને કેમ ભૂલી ગયા ? [ જોકે એમ્બેસડર અને રવિના બંને નિવૃત થઇ ચુક્યા છે ! ]

    ReplyDelete
  2. ટીપ ટીપ બરસા પાની જોઈને રવિના-નુમા બક્સમ સ્ત્રીના સૌંદર્યને તત્ક્ષણ સીપ સીપ કરવાનું મન થાય છે! (છઠ્ઠા ફકરામાં ચોથું વાક્ય !) :)

    ReplyDelete
    Replies
    1. ઉપ્પ્સ . . . જુવાની'માં જ મોતિયો !

      લોકો ઘણું ગપચાવી જાય છે , જયારે હું લીટી ગપચાવી ગયો !

      Delete