Pages

Friday, August 29, 2014

સોશિઅલ થવા માટેના ફાંફાં અને ચહેરા પર અસલામતીનું ફેશિઅલ

એકવાર એક મજાકિયું ક્વોટ લખ્યું હતું: "મેં બાળલગ્ન કરવાનો ગુનો કર્યો છે. હું બાળપણથી એકલતાને પરણ્યો છું. એક લતા મળી જાય તો એકલતા દૂર થઈ જાય!" (કોઈકે મજાકમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે કયા લતાની લતા ચાલશે?)

એકલતા શું છે? બધાથી ઘેરાયેલા રહેતાં હોય અને અલ્પ સમય માટે એકલા રહેવાનું થતું હોય ત્યારે માણસ ડંફાસ મારીને કહી શકે કે મારે એકલા રહેવાનું હોય તો વાંધો ન આવે. પણ આસપાસ કોઈ ન હોય ત્યારે એકલતાનો જે ખાલીપો ઘેરી વળે છે એને દૂર કરવા માટે એકલતાને આનંદદાયક પ્રવૃત્તિઓ વડે કાંતીને એકાંતમાં તબદીલ કરવાનું બહુ ઓછા લોકોને ફાવે છે. જરાક એકલા પડે એટલે બે મિનિટ પણ જંપીને બેસી ન શકતાં અને ધડાધડ ફોન નંબરો ડાયલ કરીને મિત્રો સાથે ગપ્પાગોષ્ઠિ કરીને ખાલીપો પૂરવાના હવાતિયા મારતાં લોકો જોયા છે. દુનિયાના ધારાધોરણો સાથેની વિસંગતતાને કારણે કે પોતાના નમૂનારૂપ વ્યક્તિત્વને કારણે અથવા તો આત્મરતિના અતિરેકને લીધે બીજાને ચાહવાની ક્ષમતા ગુમાવી દેવાને કારણે મોટી ઉંમર સુધી સાથી વિના રહી ગયેલાં લોકોને પોતાનું સર્કલ સતત વિસ્તારવા માટે સંબંધોની સાઈકલને પેડલ મારી મારીને મિત્રવર્તુળમાં ગોળગોળ ફરતાં જોયા છે. પાર્ટીઓ આપી આપીને કે પાર્ટીઓમાં ધાપી ધાપીને આસપાસ કથિત મિત્રવૃંદ ઊભું કરીને સોશિઅલ દેખાવા મથતા લોકોના ચહેરા પર એકલતાના ડરથી જન્મતી અસલામતીનું અદ્રશ્ય ફેશિઅલ થયેલું હોય છે. ઘણાને ઊછળી ઊછળીને મિલનસાર બનવાનો કે દેખાવાનો અતિસાર જેવો રોગ થયેલો હોય છે.

એકલતા શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ ખબર નથી, પણ એકલો માણસ ઘણી વાર અનુભવે એ આકુળતાની સાથે એકલતા શબ્દ ભાવનાત્મક સામીપ્ય ધરાવતો હોય એવું મને લાગે છે. સાથ વગરના માણસ માટે એકાકી શબ્દ છે પણ એકલતા અનુભવતા પુરુષને એકાકા નથી કહેતાં. એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના....સાથી વિના, સંગી વિના, એકલાં જવાના...બરકત વીરાણી 'બેફામ'ની સ્વ. દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલી આ રચનાનાં શબ્દો તો જ ખોટાં પડી શકે જો પ્રસૂતિ સમયે જોડિયા બાળકોનો જન્મ થાય અને સપરિવાર ક્યાંક જતી વખતે ગમખ્વાર અકસ્માતમાં બે કે વધુ લોકો એકસાથે મૃત્યુમાં હોમાઈ જાય.  

એકલતાની સ્થિતિ વિશે વિચાર કરતાં લાગ્યું છે કે પોતાના સુખ, આનંદ, મજા માટે જે માણસ બીજા પર જેટલો વધારે નિર્ભર રહે છે એટલો એ અંદરથી વધારે એકાકી હોય છે. મંચ પર કોઈ ગાયક કે અન્ય કલાકારનું પર્ફોર્મન્સ પૂરું થયા બાદ જેમ પ્રેક્ષાગાર ભેંકાર થઈ જાય છે એમ આવી વ્યક્તિની આસપાસની મનોરંજન મંડળી વિખેરાવાની સાથે એના મનમાં એકલવાયાપણું ઘનીભૂત થવા માંડે છે.

વ્હૉટ્સઍપ અને અન્ય મફતિયા સંવાદના માધ્યમો પ્રચલિત ન હતાં ત્યારે એક સરસ એસએમએસ આવ્યો હતો: Maximum time we are going to spend in life is with ourselves. So let us make ourselves as interesting as possible. જે સ્વયંથી સંતુષ્ટ હોય, સારા રસ-રુચિથી પુષ્ટ હોય એની એકાંત સાધનામાંથી જગતને ઉત્તમ વિચારોના પૃષ્ઠ મળતાં રહે છે. 

સોશિઅલ નેટવર્કિંગ સાઈટ્સ એકલતા દૂર કરે છે કે વધારી મૂકે છે? એકલતા દૂર કરવાનો આભાસ આપતી આવી સાઈટ્સનું એક હદથી વધારે વળગણ માણસના જીવનને દર્શનને બદલે બીજાનું ધ્યાન ખેંચવા માટેનું પ્રદર્શન બનાવી દે છે. ઑનલાઈન સ્ટેટસ અપડેટ્સ કે કમેન્ટ્સ કરતી વખતે ઘોડાની જેમ હણહણતી વ્યક્તિઓ રૂબરૂ મળે ત્યારે ગરીબ ગાયની જેમ નિસ્તેજ લાગે એવું બનતું હોય છે. ક્યારેક વર્ચ્યુઅલ મંચની આ આભાસી દુનિયામાંથી બ્રેક લઈને આયાસી દુનિયા સાથેની લિંક પર ક્લિક કરીને રિ-કનેક્ટ થવાની મજા પણ લેવા જેવી છે.

1 comment:

  1. એકલતા.... મારી માટે તો હંમેશા આનંદદાયક રહી છે અને પ્રિય પણ!

    http://marobagicho.com/2012/ekalta/

    ReplyDelete