Pages

Sunday, September 14, 2014

સૌરભ શાહના ત્રણ નિબંધસંગ્રહો : કંઈક ખૂટે છે/પ્રિય જિંદગી/મનની બાયપાસ સર્જરી

હા, મને ખબર છે કે આ ભાઈ એક જમાનામાં જબરદસ્ત એન્ટી-બક્ષી ક્રુસેડ ચલાવતાં હતાં, પણ આ એકાદ માઈનસ પૉઈન્ટને અવગણતાં સૌરભ શાહની કલમમાં દમ છે અને હમણાં એ ફેસબુક પર પુન:સક્રિય થયા છે ત્યારે રોજ મૂકાતાં એમના વખાણવાલાયક લખાણો વાંચીને એમના ત્રણ નિબંધસંગ્રહો "કંઈક ખૂટે છે", "પ્રિય જિંદગી" અને "મનની બાયપાસ સર્જરી" વાંચવા માટે પ્રેરાયો અને સારું, ગુણવત્તાસભર વાંચ્યાનો આનંદ થયો. વિષયોનું વૈવિધ્ય સારું છે. કલમમાં ખેંચાણ છે. રોજનો એક નિબંધ વાંચવો એવું નક્કી કરેલું એને બદલે એક અઠવાડિયામાં ત્રણેય નિબંધ સંગ્રહો વંચાઈ ગયાં. દરેક પુસ્તકની શરૂઆત ગુજરાતના અગ્રણી લેખકો, કલાકારો દ્વારા સૌરભ શાહના લખાણના વખાણની પ્રતિક્રિયાઓથી થાય છે. 

કુલ સિત્તેર લેખો ધરાવતાં ત્રણ પુસ્તકોમાંથી થોડું આચમન કરીએ:'કંઈક ખૂટે છે' પુસ્તકમાં પુસ્તકોના અર્પણની દુનિયામાં ખ્યાતનામ ગુજરાતી અને અન્ય લેખકોએ પોતપોતાના પુસ્તકો કોને અર્પણ કર્યા છે એની રસપ્રદ વિગતો છે. આ લેખનો એક નાનકડો નમૂનો અહીં વાંચી શકાશે:


અર્પણના બધાં ઉદાહરણોમાં મને રાધેશ્યામ શર્માએ 'ફેરો' નવલકથામાં લખેલી અર્પણપંક્તિ સૌથી વધારે ગમી. શર્માજીએ લખ્યું છે: "જેમનાથી પ્રભાવિત થયા વિના જેમને રંગે રંગાયો એ સુરેશ જોષીને અને જેમના રંગે રંગાયા વિના જેમનાથી પ્રભાવિત થયો તે નિરંજન ભગતને.

પ્રવાસ વર્ણનો વિશેના અદભુત માહિતીપ્રચૂર લેખમાં લગભગ બધાં જ પ્રમુખ પ્રવાસલેખકોના પુસ્તકો વિશે વાત કરી છે. જેમનું નામ પહેલી વાર આ લેખથી જાણ્યું એવા શિક્ષણકાર જયેન્દ્ર ત્રિવેદી વિશે લેખક લખે છે: 'નિસર્ગલીલા અનંત' એમનો સંસ્મરણાત્મક નિબંધસંગ્રહ છે જેમાં પ્રગટ થતી એમની નિરીક્ષણવૃત્તિ તથા ભારવિહીન લેખનશૈલી વાચકને તરત જકડી લે છે. 'યાત્રા: અંદરની અને બહારની' એમનો ટ્રાવેલોગ છે અને ભોળાભાઈ પટેલે ઉદાર કલમે આ પુસ્તકની દીર્ઘ પ્રસ્તાવના લખી છે. જયેન્દ્ર ત્રિવેદીની યાત્રાકથામાં બહારની યાત્રાને બદલે લેખકની અંદરની યાત્રા ટપકી પડે છે ત્યારે એ વાચકને ખલેલ પહોંચાડે છે. પ્રવાસવર્ણનોમાં વારંવાર પ્રવેશી જતો લેખકનો નોસ્ટેલ્જિયા, પોતાના ભૂતકાળ સાથેની રતિ, પ્રવાસવર્ણને પર્સનલ બનાવવાને બદલે રસક્ષતિ ઊભી કરે છે. 'યાત્રા:અંદરની અને બહારની' પુસ્તકનું પુનર્લેખન તથા પુન:સંપાદન કરીને એમાંથી બે અલગ અલગ પુસ્તકો બનાવવામાં આવે તો પિત્ઝાનો ઑર્ડર આપનાર વાચકને પિત્ઝા અને મસાલા ડોસાનો ઑર્ડર આપનારને મસાલા ડોસા મળી જ રહે. સંભાર સાથે પિત્ઝા ખાવામાં કે ટૉમેટો કેચઅપ સાથે મસાલા ડોસા ખાવામાં બહુ ઓછાને મઝા પડે.

જયેન્દ્ર ત્રિવેદીના ઉપરોક્ત બંને પુસ્તકો ઉપરાંત વિદુરવાણી ઑનલાઈન મંગાવવા હોય તો નીચેની લિંક પર મળી શકશે: (નિસર્ગલીલા અનંતના વખાણ વાંચીને મેં મંગાવ્યું છે.)

http://www.amazon.in/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=jayendra+trivedi

ચંદ્રકાંત બક્ષીના પ્રવાસ વર્ણનો વિશે લેખકશ્રીના વિચારો આ લિંક પરથી જાણી શકાશે:

http://bakshinama.blogspot.in/2014/08/blog-post_37.html

ઈનામોના સ્વીકાર-અસ્વીકાર વિશેનાં લેખમાં બક્ષીબાબુ વિશે તેઓ લખે છે કે ચંદ્રકાન્ત બક્ષીએ એક જમાનામાં એમની 'પેરેલિસિસ' નામની નવલકથાને મળેલું ત્રીજું અડધું ઈનામ નહોતું લીધું. આ મુદ્દા પર તેઓ આખી જિંદગી નામના મેળવતા રહ્યા.  જો કે આ વિધાન સાથે સંમત થઈ શકાતું નથી કારણ કે 'મહાજાતિ ગુજરાતી' લેખમાળાને 1985માં પ્રથમ ઈનામ આપવામાં આવ્યું ત્યારે એનો સૌજન્યપૂર્ણ સૈદ્ધાંતિક અસ્વીકાર કરીને બક્ષીબાબુએ આ નિવેદન પ્રકટ કર્યું હતું: "હું ચોક્કસ માનું છું કે ઈનામ એવા લેખકને આપવું જોઈએ કે જે જવાન હોય, જેની એકાદ કે બેચાર કૃતિઓ પ્રગટ થઈ ગઈ હોય, જેને જીવનના આ તબક્કે મૂલ્યાંકન, આદર, પુરસ્કાર અને બે હજાર રૂપિયા કામ આવી શકે પણ મારી કક્ષાએ પહોંચ્યા પછી (1985માં મારી ઉંમર 53 વર્ષ, લખેલાં પુસ્તકોની સંખ્યા: 54) એને પહેલાં નંબરના સરકારી સર્ટિફિકેટની બિલકુલ જરૂર હોતી નથી. પચીસ, ત્રીસ વર્ષ પહેલાં આ બધાનું કદાચ થોડું પણ મહત્ત્વ મારે માટે હોત, આજે નથી...મારા તરફથી એક જ પ્રાર્થના કરવાની છે કે ભવિષ્યમાં મને ગુજરાતી સાહિત્ય અકાદમીના કોઈ નંબરી ઈનામ માટેની સ્પર્ધામાં ગણશો નહીં. મને દોષભાવના થઈ રહી છે કે મેં કોઈ યુવા દલિત કવિ કે ઊગતી લેખિકા કે સમર્થ થઈ શકે એવા કોઈ કલાકારના હક પર તરાપ મારીને એને વંચિત રાખ્યો છે...મારે પહેલા નંબરના ઈનામની જરૂર નથી, ખરેખર.'

ડિક્શનરી વિશેના લેખમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ શબ્દકોષોની દુનિયા વિશે સરસ માહિતી આપી છે. અમુક શબ્દોના અર્થ આપણા મનમાં કેટલાં ખોટી રીતે રૂઢ થઈ ગયા હોય છે એની ઝલક તમને નીચેની લિંક પરથી મળી શકશે:

http://mehtanehal.blogspot.in/2014/08/blog-post_12.html

મુહમ્મદ મુસ્તફા ખાં 'મદ્દાહ' સંકલિત 'ઉર્દૂ-હિન્દી શબ્દકોશ'માંથી માહિતી મળે છે કે ઇતિહાસ કે ગઈ કાલની વાત તરીકે આપણે જે શબ્દ જાણીએ છીએ તે તવારીખ નામનો અરબી શબ્દ વાસ્તવમાં તારીખનું બહુવચન છે. ખૂબ બધી તારીખો એટલે ઇતિહાસ!

વાચક ભાગી ગયો છે કે લેખક ખાલી થઈ ગયો છે એવા એક લેખમાં સરસ વાત કરી છે: વાચક ક્યારેય મરી પરવારતો નથી. હા, લેખક મરી પરવારે એ શક્ય છે. લેખક જ્યારે જિંદગીમાં રસ લેવાનું ઓછું કરી નાખે છે ત્યારે આપોઆપ એનાં ઈનપુટ્સ ઘટી જાય છે. છેવટે આની અસર એના આઉટપુટ પર પડે છે. આઉટપુટની ક્વૉલિટી-ક્વૉન્ટિટી બેઉ કંગાળ થતી જાય છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એવો સીધો હિસાબ છે પણ કૂવામાં ક્યારે હોય? જ્યારે એમાં ઊંડાણ હોય, એમાંનો કચરો સતત સાફ થતો હોય અને સૌથી મહત્ત્વની વાત એ કે એના તળને બીજાં અનેક પાતાળ ઝરણાંનો લાભ મળતો હોય. આ તમામ શરતોનું પાલન ન કરી શકતો કૂવો ખાલી થઈને સુકાઈ ગયા પછી ફરિયાદ કરે કે હવે પાણી પીવા કેમ કોઈ આવતું નથી, એ જ રીતે ઊંચા ઊંચા સાહિત્યકારોએ ચર્ચા ઉપાડી છે: વાચકો ક્યાં ગયા બધા? 

લોકપ્રિયતાનો અંત એ જ સાહિત્યિકતાનો આરંભ છે? એ લેખના અંશો: જે લખાણમાં અમુક તત્ત્વો હોય એ જ શિષ્ટ સાહિત્ય એવા ભાગલા પાડતી અનેક થિયરીઓ પશ્ચિમી પંડિતોએ ઘડી કાઢી. ફ્રૅન્ચ, જર્મન અને સ્પેનિશમાંથી અંગ્રેજીમાં રૂપાંતરિત થતી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવતી આવી થિયરીઓ કે આવા સાહિત્યિક સિદ્ધાંતોને માપદંડ બનાવીને આપણા દેશી વિવેચકો નક્કી કરવા લાગ્યા કે કઈ કૃતિ લોકપ્રિય છે, કઈ શિષ્ટ છે. દેશી વિવેચકો પાસે મૌલિક વિચારણાનો છાંટોય નથી હોતો. વિદેશી વાતોને ચાટી ચાટીને તેઓ પોતાના અધકચરા જ્ઞાનને વધુ ગૂંચવણભર્યું બનાવે છે અને એની ક્લિષ્ટ રજૂઆત દ્વારા પોતાના થોડાક ડઝન વાચકો-શ્રોતાઓને વધુ ગૂંચવી મારે છે. સાહિત્યના સિદ્ધાંતો શીતળાની રસી જેવા નથી હોતા કે જે અમેરિકામાં કારગત નીવડે તે જ આફ્રિકામાં પણ સફળ નીવડી શકે. સાહિત્ય સામાજિક સંદર્ભોને લઈને સર્જાતું હોય છે. દરેક દેશ-કાળને એનો પોતાનો ઇતિહાસ, એની પોતાની સંસ્કૃતિ હોય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્જાયેલા યુરોપિયન સાહિત્યને વાંચ્યા પછી વિવેચકોએ જે થિયરી ઊભી કરી એના આધારે તમે સ્વાતંત્ર્યની લડત દરમિયાન સર્જાયેલા ગુજરાતી સાહિત્યનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકો? એમના સાહિત્યિક સિદ્ધાંતો એમના સાહિત્ય પૂરતા સીમિત હોય. 

ગુજરાતી બાળસાહિત્ય વિશેના એક લેખમાં લેખક સરસ કટાક્ષ કરે છે: 'અદેખો ચકલો'માં મૉર્નિંગ ઍલાર્મની ફરજ બજાવતા કૂકડાની ઈર્ષ્યા કરતો ચકલો એક દિવસ પોતે કૂકડાની જવાબદારી ઉપાડે છે ત્યારે એના ગળામાંથી માંડ ઝીણું ઝીણું ચીં...ચીં... નીકળે છે. ચકલાનું ઍલાર્મ કોઈ સાંભળતું નથી અને જંગલની દુનિયાનું રુટિન ખોરવાઈ જાય છે! (પોતાને બહુ ગ્રેટ માનતા ચકલાઓ માત્ર ગુજરાતી ભાષાના બાળસાહિત્યમાં જ નથી હોતા, પુખ્ત સાહિત્યમાં પણ હોય છે.)

નવલકથા લેખન વિશેના એક ખાસ લેખમાં નવલકથાકાર બનવા માંગતા લેખક વિશે કંઈક આવી વાત છે: વર્ષો પહેલાં એક નવોદિત લેખક મળવા આવ્યો હતો. એ નવલકથાકાર બનવા માંગતો હતો. મેં પૂછ્યું કે તેં કઈ કઈ નવલકથાઓ વાંચી છે? એણે કહ્યું કે મને વાંચવા કરતાં લખવાનો શોખ છે! ચક્કર આવી જાય એવો જવાબ હતો. ગુજરાતી ભાષાની ભારતીય ભાષાઓની અને વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓ વાંચ્યા વિના લેખક બનવા નીકળી પડનારાઓ સૂંઠના ગાંગડાય વિના ગાંધી થઈ જવા માગે છે. ઉત્તમ નવલકથાઓ વાંચ્યા પછી તમે પોતે એ કક્ષાનું સાહિત્ય સર્જી શકશો એવી કોઈ ગૅરન્ટી નથી. પણ વાંચ્યું હશે તો મનમાં એક માપદંડ ઊભો થશે અને 1થી 100ના આંક પર તમારી પોતાની કૃતિ કયા માર્ક સુધી પહોંચે છે તેની તમને ખબર પડશે, સુધરવાની તક મળશે.

પતિ દેશપાંડે અને પત્ની ઉપદેશપાંડે એ શીર્ષકના લેખમાં વિખ્યાત મરાઠી હાસ્ય લેખક પુ.લ.દેશપાંડે વિશે એમની પત્નીએ લખેલાં સંસ્મરણોનો સરસ ચિતાર આપ્યો છે. અન્ય એક લેખમાં મનોજ ખંડેરિયાના કાવ્ય 'આ સીધી વાટ છોડીને, ચાલ્યા જવાનો સાવ'નો વિસ્તારપૂર્વક રસાસ્વાદ કરાવ્યો છે.

'નારીવાદી લેખિકાઓ પુરુષની માન્યતા મેળવવા તડપે છે' એવા એક લેખમાં પોતાની અવગણના થતી હોવાનો ગુજરાતી લેખિકાઓને જે વાંધો પડ્યો છે એના વિશે સરસ રજૂઆત થઈ છે. લેખક લખે છે: વર્ષા અડાલજાને બાદ કરો તો કઈ લેખિકાએ કેટલું પ્રદાન કર્યું ગુજરાતી સાહિત્યમાં? ચાર કવિતાઓ લખવાથી કે ઉમાશંકર જોશીએ ખભા પર ટપલી મારી હોવાથી તમે કવયિત્રી થઈ જાઓ ખરાં? દીર્ઘ ઉપાસના, પાકું હોમવર્ક, હન્ડ્રેડ પર્સેન્ટ ડેડિકેશન અને અબોવ ઑલ ટેલન્ટ, ક્રિયેટિવિટી તથા ઓરિજિનાલિટી - આ બધું જ સાહિત્યસર્જનમાં જોઈએ. અને એ પછીય તમને ભોજિયોભાઈ પણ ગુજરાતીમાં ન ઓળખે એવુંય બને. 

આ લેખનો સૂર એવો છે કે કોઈ માનનીય વિવેચક સાહિત્યની વાત કરતી વખતે લેખિકાને યાદ ન કરે તેનાથી તમે હાંસિયામાં ધકેલાઈ જાઓ છો? રૅકગ્નિશન માટે આવા વલખાં શોભે નહીં.આ લેખમાં આગળ સૌરભભાઈ વિનોદિની નીલકંઠ (રમણભાઈ નીલકંઠના પુત્રી) અને સરોજ પાઠકને ઓવરરેટેડ લેખિકાઓ ગણાવતાં કહે છે: વિનોદિનીબહેનનાં માતાપિતા રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠ તથા દાદા મહિપતરામ રૂપરામ નીલકંઠ ખૂબ જ આગળ પડતા તથા જાણીતા અને પ્રભાવશાળી કેળવણીકાર તથા સાહિત્યકાર એટલે મોટા કુટુંબને હિસાબે વિનોદિનીબહેનને પણ અન્ય સાહિત્યકારો ખમ્મા ખમ્મા કરતા થઈ ગયા. સરોજબહેનનું જે કંઈ મર્યાદિત સર્જન છે તેમાંથી કાયમી યાદ રહે એવું જૂજ છે. આમ છતાં લેખન કરતાં વધારે પોતાની લાઈફસ્ટાઈલને કારણે સરોજ પાઠક સાહિત્યમાં વધુ ચર્ચાતાં રહ્યાં.

મનની બાયપાસ સર્જરી અને પ્રિય જિંદગી પુસ્તકોમાં માટલાના ઊંધિયાની મહેફિલ, મુંબઈ છોડીને બીજે ક્યાં રહેવા જઈ શકાય, ગુજરાતી ફિલ્મી ગીતો વિશેની અલભ્ય માહિતી, ચાણક્ય નીતિના અત્યારે લાગુ પડી શકે અને આઉટડેટેડ થઈ ગયા હોય એવા સૂત્રો, ઈન્કમ ટૅક્સ રિટર્ન, સાચી ભૂખની વ્યાખ્યા, ફોન પર વાત કરવાની મૅનર્સ, જનરલ નૉલેજ અને જનરલ ઈન્ફર્મેશન વચ્ચેનો ભેદ, જ્યોતિષશાસ્ત્રની નિરર્થકતા, ફાંસીની સજા, ઈચ્છામૃત્યુ સહિતના ઘણાં વૈવિધ્યસભર વિષયો આવરી લેવામાં આવ્યા છે.

સમગ્રપણે જોતાં, ત્રણેય નિબંધસંગ્રહો સૌરભભાઈના સૂક્ષ્મ અવલોકન અને રજૂઆતના ઊંડાણને કારણે એકથી વધારે વખત નિરાંતે વાંચવા ગમે એવાં છે. જતાં જતાં ત્રણેય પુસ્તકોમાંથી કેટલાક વિચારોદ્દીપક ક્વોટેબલ ક્વોટ્સનું આચમન કરીએ:

(1) શહેરો વિના દેશનો ઉદ્ધાર નથી થવાનો અને ગામડાઓ પછાત વર્ગની વસાહતો છે અને તે રાષ્ટ્રના નક્શા પર ફૂટી નીકળેલાં ગૂમડાં છે એવો ખ્યાલ પહેલેથી જ રોપવામાં આવે છે.

(2) સુરેશ દલાલે એક વખત કહ્યું હતું કે હરીન્દ્ર દવેને દરેક વ્યક્તિ અને દરેક ચીજમાં માત્ર સારું જ જોવાની ટેવ, એ તો બૅડમિન્ટનને પણ ગુડમિન્ટન કહીને બોલાવે.

(3) ગાંધીજીની જેમ મોરારજી દેસાઈ પણ પાકા સત્યવાદી. પરંતુ વાજબીપણું અને વાસ્તવિકતાને ઓળખીને સ્વીકારવાની દ્રષ્ટિ - આ બે ગુણ ગાંધીજીમાં વધુ. મોરારજીભાઈમાં આ ગુણો પૂરતા પ્રમાણમાં નહીં જેને કારણે તેઓ જક્કી કે જિદ્દી રાજપુરુષ તરીકે ખોટી રીતે વગોવાયા અને જાહેરજીવનની સફળતા પણ એમને મોડી તથા અપૂરતી મળી.

(4) ખૂબ જાણીતાં થયેલાં પુસ્તક વિશે ટીકા કરતાં પહેલાં એક સારા વાચક હોવાની પાત્રતા ટીકાકારમાં હોવી જોઈએ. કોઈ સારા દિગ્દર્શકની ફિલ્મ બકવાસ છે એવું બોલતાં પહેલાં ફિલ્મદર્શનની આપણી રુચિ ઘડાયેલી છે કે નહીં એ વિશે વિચારવું પડે. અન્યથા, એ ટીકાનું મૂલ્ય હાથ લૂછીને કચરાના ડબ્બામાં ફેંકી દેવાતા પેપર નૅપ્કિન જેટલું જ રહેવાનું.

(5) કશુંક સ્પર્શે ત્યારે ગમી જાય ને એ ઓસરી જાય ત્યારે કશુંક ખૂટતું હોય એવું ન લાગે ત્યારે જ ઉદાસીનતાનો સૌથી ઊંચો તબક્કો સર્જાય.

(6) વાત માત્ર અસાધ્ય રોગોની નથી. જેને નખમાંય રોગ ન હોય એવી વ્યક્તિને પણ જીવનમાંથી રસ ઊડી જઈ શકે છે. જે નથી કોઈ અંડરવર્લ્ડના ચક્કરમાં ફસાઈ, કે જે નથી કોઈ દેવામાં ડૂબી ગઈ, જે નથી કોઈ સંબંધોથી તૂટી ગઈ એવી વ્યક્તિને પણ વિચાર આવી શકે છે કે હવે મારે પૂર્ણવિરામ લાવી દેવું છે આ આયખાનું.

(7) ખગોળશાસ્ત્રનો ઉપયોગ લોકો પોતાનાં સાંત્વન, મનોરંજન કે ધંધા માટે કરતા થઈ જાય ત્યારે જ્યોતિષશાસ્ત્રનો જન્મ થાય છે.

(8) પહેલાં બચત કર્યા પછી તમામ પૈસા રોકડા આપીને ગાડી ખરીદીને ફેરવો અને પહેલાં ગાડી ફેરવવાનો આનંદ માણી લીધા પછી ત્રણ વરસ સુધી કમરતોડ હપ્તા ભર્યા કરો - આ બે પરિસ્થિતિ વચ્ચે જેટલો તફાવત છે એટલો જ ફરક કામ પછીના આરામ અને કામ પહેલાંના આરામમાં છે.

(9) ભૂતકાળનું કામકાજ જરા વિચિત્ર છે. ઈચ્છવા છતાં એ ભૂલી શકાતો નથી અને ઇચ્છવા છતાં એ પાછો પણ આવી શકતો નથી.

(10) ઈનામો વિશેનું એક સત્ય બદલાવાનું નથી. સાચા સાહિત્યકારને ઈનામો ન મળે તો પણ સાહિત્યકાર ભુલાઈ જતા નથી. ખોટા સાહિત્યકારને અઢળક ઈનામો મળે એ પછી પણ એ કોઈને યાદ રહેતા નથી.

No comments:

Post a Comment