Pages

Wednesday, October 29, 2014

ઊલટી હો ગઈ હેપ્પી ન્યુ યર દેખ કે.....કુછ ના દવા ને કામ કિયા!

હેપ્પી ન્યુ યર એટલે ફરાહ ખાને પ્રેક્ષકો પર કરેલો દિમાગી ઊલટીનો અભિષેક. કદાચ ઝ્યાં પોલ સાર્ત્રની નોશિઆ (Nausea) કિતાબ વાંચતી વખતે પણ આટલાં ઉબકાં નહીં આવતા હોય. એમઆરઆઈ અને સીટી સ્કૅનના મશીનમાં પરીક્ષણ દરમિયાન આડા પડતાં જેટલી ગૂંગળામણ નહીં થતી હોય એટલી મણ મણની ગૂંગળામણ આ ફિલ્મ જોતાં સિનેમા હૉલમાં થઈ. પેલા મશીનમાં તો પરીક્ષણ માટે દાખલ થવું પડે અને એનું પરિણામ પણ મળે જ્યારે આ ફિલ્મ તો ત્રણ કલાક સુધી ધીરજ અને શાલીનતાની આકરી પરીક્ષા કરે છે. 

એઈટ પૅક ઍબ્ઝ, થોડી ઘણી બેબ્ઝ અને ઝાઝી એબ (ખામી)નો ભેગ થઈને આ ફિલ્મ બની છે. ભ્રષ્ટ માણસને પોતાના હાથ નીચે કામ કરતો માણસ તો પ્રામાણિક જ જોઈએ એમ સ્થૂળકાય ડિરેક્ટરને ફિલ્મમાં હીરો તો પાછો પૅક-પ્રચૂર જ જોઈએ. જંક અને પંક (ગુજરાતીમાં પંક એટલે કીચડ અને અંગ્રેજીમાં punk એટલે ઘટિયા) જેવી ફિલ્મો બનાવો અને બે હજાર ટંકના રોટલા ખાઓ. 

ઓમ શાંતિ ઓમમાં જય ભારત મનોજ કુમારની મજાક ઉડાવીને સંતોષ ન થયો તો અહીં સરોજ ખાન જેવા સન્માનનીય કોરિયોગ્રાફરની આપત્તિજનક ઠેકડી ઉડાવવામાં આવી છે. ભાઈ-બહેન (ફરાહ-સાજીદ)નો ધંધો જ ગામ આખાની મજાક કરવા પર ચાલતો હોય એવું લાગે છે. બોલીવૂડમાં જેમને જોઈને આદર થાય એવી ભાઈ-બહેનની જોડી ઝોયા અને ફરહાનની કહેવાય. પણ અખ્તર બેલડી સામે મુકાબલો કરવાનું ગજું ખાન જોડીનું નથી.

દીપિકા બેહદ ચીપ ચીપ ચીપિકા લાગે છે. સુંદરલાલ બહુગુણાએ વૃક્ષો બચાવવા ચીપકો આંદોલન કરેલું. દીપિકાએ આખી ફિલ્મમાં ચીપિકાની જેમ ડોલન કર્યું છે. ઘણાં દ્રશ્યોમાં દીપિકાની હાજરીથી અજાણ શાહરૂખ એના માટે જે ખરાબ શબ્દો વાપરે છે એને એ સાર્થક કરવા માંગતી હશે. દુ:ખ એ વાતનું થાય કે શું કમર્શિઆલાઈઝેશન એટલી હદ સુધી વકરી ચૂક્યું છે કે પ્રતિભાશાળી કલાકારો આ હદે વેડફાવા માટે તૈયાર થાય?

આ ફિલ્મ જોવા કરતાં તો આણંદના આસપાસના ગામોમાંથી ટ્રેક્ટરો ભરીને લક્ષ્મી ટૉકિઝમાં આવતા અનુસૂચિત જાતિ/જનજાતિના લોકો સાથે બેસીને "કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી" જેવી લાઈવ ફિલ્મ જોઈ હોત તો એ અનુભવ વધારે સુખદ બની રહેત. ઉર્દૂ શાયર મીર તકી મીરની એક પ્રખ્યાત ગઝલના મત્લાની પ્રથમ પંક્તિ "ઉલ્ટી હો ગઈ સબ તદબીરેં..... કુછ ના દવાને કામ કિયા..." એને બદલીને કહી શકાય કે "ઊલટી હો ગઈ હેપ્પી ન્યુ યર દેખ કે.....કુછ ના દવા ને કામ કિયા!"

અત્યાર સુધી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર 123 કરોડ કમાઈ ચૂકી છે એ જોતાં કહી શકાય કે, "જેમ સત્ય બૂટની દોરી બાંધવા ફાંફા મારતું હોય ત્યાં સુધીમાં જૂઠ આખી દુનિયામાં ફરી વળે છે એ જ રીતે વિવેચકો રિવ્યુ લખવાની શરૂઆત કરે એ પહેલાં જ અમુક ફિલ્મો નકરો વકરો રળી લે છે."

1 comment:

  1. સજ્જડ રીવ્યુ !

    પણ આપ આ મુવી જોવા કેવી રીતે સપડાઈ ગયા ? પુત્ર'ના લક્ષણ પારણામાંથી , વહુના લક્ષણ બારણામાંથી અને મુવી'ના લક્ષણ ટ્રેઇલર'માંથી :)

    . . . હું છેલ્લે આવી રીતે રીતસર'નો ગૂંગળાઈ ગયો હતો , ઓમ શાંતિ ઓમ'માં !!! અને તે છેલ્લું બોલીવુડ મુવી હતું કે જેને હું આંખો બંધ રાખીને ટોકીઝ'માં ઝંપલાવી'ને જોઈ આવ્યો હતો !!

    ReplyDelete