Saturday, May 16, 2015

એક ઉંમર હોય છે....મુક્ત પદ્ય (નેહલ મહેતા)

એક ઉંમર હોય છે જન્મતી વખતે રડવાની,
અને જન્મ્યા પછી અન્યને રડાવવાની પણ,

એક ઉંમર હોય છે જનેતાને ધાવવાની,
અને બીજાને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાની પણ,

એક ઉંમર હોય છે પાપાને પગલે ચાલીને પા પા પગલી ભરવાની,
અને પગલી ભરતાં થયા પછી પાપ કરવાની પણ,

એક ઉંમર હોય છે ટૅડી બૅઅરને વળગીને સૂવાની,
અને જંગલના બૅઅર સાથે બાથ ભીડવાની પણ.

એક ઉંમર હોય છે પથારીમાં પેશાબ કરવાની,
અને પથારીમાંથી ઊભા થઈને પેશાબ પીવાની પણ,

એક ઉંમર હોય છે ઋતુસ્ત્રાવમાં આવવાની,
અને વગર ઋતુએ પણ પ્રેમનો સ્ત્રાવ કરવાની,

ક્યારનું આ શું ઉંમર પુરાણ માડ્યું છે દોસ્ત,
ઉંમરને લાયક થવાની પણ એક ઉંમર હોય છે!

(નેહલ મહેતા)

No comments:

Post a Comment