Tuesday, June 16, 2015

મારા કેટલાંક છૂટક શેર

એમનો ઉત્તર ન આવ્યો, મેં કશું પૂછ્યું નહીં,
આંખમાં આવી ગયેલાં આંસુને લૂછ્યું નહીં.

*      *      *     *     *

કેન્દ્રબિંદુ હોય છે ક્યાં ને અસર ક્યાં ક્યાં થતી?
દિલ મહીં ભૂકંપથી કંઈ કમ તબાહી થાય છે?

*      *      *     *     *

બધાં કરતાં રહ્યાં દાવો મને ઓળખતાં હોવાનો,
બધાં ભૂલી ગયાં કે હું જ મારાથી અજાણ્યો છું!

*      *      *     *     *

કરપીણ સ્વપ્ન જોયું હશે કોઇ રાતમાં,
લાલાશ ઊતરે તો નહીં આમ આંખમાં.

*      *      *     *     *

લાગણી પણ એંઠ તો થાય,
હદથી વધુ જો પીરસો પ્રેમ!

                                                                  *      *      *     *     *

ધારી'તી એક વાત મનોમન,
શી રીતે પ્હોંચી કાનોકાન?

                                                                 *      *      *     *     *

ભરીને જીવું છું જ્વાળામુખી મારા હૃદયમાં હું,
બળેલો જીવ છું કોઇને શાતા દઈ નથી શકતો!

*      *      *     *     *

પિંજરમાં આકાશ મળ્યું છે ઊડવા માટે,
આસપાસ પહેરો છે લોખંડી સળિયાનો!

*      *      *     *     *

નવો આજનો આ જમાનો નવો અહીંનો દસ્તૂર છે,
કરાવે નશામુક્ત એ ખુદ નશામાં થયા ચૂર છે.

*      *      *     *     *

મહાવરો જ કર્યો છે હજી તો ઉડ્ડયનનો,
કવાયતો શરૂ થઈ ગઈ છે પાંખો કાપવાની!

*      *      *     *     *

ઘણી વેળા ખરેખર એમ લાગે છે કે ભગવન બહુ જ વાંકો છે,
પછી એવું જણાતું કે મને સીધા હોવાનો વ્યર્થ ફાંકો છે!

                                                                  *      *      *     *     *

થયો છે સવાલોનો ફરીથી શરૂ મારો, 
જવાબો દીધા વિના નથી કોઇ પણ આરો!

                                                                *      *      *     *     *

બધી જગ્યાએ તારું શરમાળપણું તું અકબંધ રાખે છે, 
પાછી ફરિયાદ કરે કે કોઇ મારાથી ન સંબંધ રાખે છે!

No comments:

Post a Comment