Monday, July 27, 2015

કેટલાક સમાનતા ધરાવતા અશઆર

અલગ અલગ વિષયો પરના સમાન અશઆરનો સમૂહ લઈને ફરીથી હાજર થયો છું. ચાલો માણીએ:

(1) માણસ સ્વયમ પોતાનું નડતર:

2010માં આવેલી હોલીવૂડની સાયકોથ્રિલર ફિલ્મ 'બ્લૅક સ્વાન'માં એક સંદેશ હતો: The only person standing in your way is you. આ વિચારનો પડઘો પાડતાં કેટલાંક શેર: 

ક્યાંક શત્રુઓ નડ્યા છે, ક્યાંક મિત્રો પણ નડ્યા,
જ્યાં કશું નડતર નહોતું ત્યાં નડ્યો છું હું મને!
(ખલીલ ધનતેજવી)

પંડે પનોતી થૈ ગયા
ખુદને હવે નડીએ છીએ
(અદમ ટંકારવી)

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું
(શયદા)

खुद है अपनी सफ़र की दुश्वारी
अपने पैरों के आबले हैं हम
(जावेद अख़्तर)

(2) સીધી વાતને જટિલ બનાવવી:
બક્ષીસાહેબ કહેતા કે સહેલું લખવું અઘરું છે, અઘરું લખવું સહેલું છે, પણ કેટલાંક લોકોને સરળ વાતને ગોળગોળ ફેરવીને અઘરી ભાષામાં રજૂ કર્યા વિના ચેન પડતું નથી. આ વાત વ્યક્ત કરતાં બે શેર:

ક્યારેક સીધીસાદી સરળ વાત હોય પણ,
ચિંતકના હાથમાં ચડી ચૂંથાઈ જાય છે
(રઈશ મનીઆર)

જગતના તત્ત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે,
સરળ વાતો હું જ્યારે ચૂંથતા શીખી ગયો હોઈશ!
(જલન માતરી)

(3) પર્વત-પાંપણ:
પથ્થરોના ઘા સહન કરી જનાર માણસને ફૂલોની મુલાયમિયત જખ્મી કરે એવા શેર સાંભળ્યા હશે. પર્વતના પડકારો ઝીલનારો માણસ નજાકતભરી પાંપણોની સામે શરણાગતિ સ્વીકારી લે એ ભાવ વ્યક્ત કરતા શેર જોઈએ:

પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો
(ખલીલ ધનતેજવી)

ગની પર્વતોની સામે રહ્યું છે આ શીશ અણનમ,
કોઇ પાંપણો ઢળી છે તો હું ઝૂકી ઝૂકી ગયો છું.
(ગની દહીંવાલા)

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
(રાજેન્દ્ર શુક્લ)

(4) મનુષ્યમાં ઊંડાણનો અભાવ:

નવાઈ છે કે ઊંડાણોય છીછરાં નીકળે,
કોઇ મનુષ્યની અંદર ડૂબી શકાતું નથી
(રમેશ પારેખ)

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં?
એક વેંત ઊતરો ત્યાં તો તળિયા આવે!
(અશરફ ડબાવાલા)

(5) જીવનની કહાણી: 

તૂટક તૂટક કહો તો વિતક સુણાવી દઉં,
મને એ રામ કહાણી સળંગ યાદ નથી. 
(અમૃત ઘાયલ)

બેચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ?
(સૈફ પાલનપુરી)

(6) દીવાનગી-પાગલપન:

'ગની' દીવાનગીનું આટલું સૌજન્ય સ્વીકારો,
કે એણે જિંદગીને કંઈક અંશે બેફિકર રાખી
(ગની દહીંવાલા)

સમજદારીની કોઇ વાત સ્વીકારી નથી શકતો
કહે છે કોણ? પાગલને બંધન નથી હોતાં
(સૈફ પાલનપુરી)

મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?
સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે,
(જલન માતરી)

No comments:

Post a Comment