Monday, October 26, 2015

આદેશ શ્રીવાસ્તવ અને નુસરત ફતેહ અલી ખાન

(ફેસબુક પર 5 સપ્ટેમ્બર 2015ના રોજ સંગીતકાર આદેશ શ્રીવાસ્તવને આપેલી શ્રદ્ધાંજલિની પોસ્ટ)

વર્ષો પહેલાં ટીવી પર જોયેલું એ દ્રશ્ય સ્મૃતિપટ પરથી ખસતું નથી. 

ઝી ટીવીના 'સારેગામા' શોમાં એ વખતે પ્રજ્ઞાચક્ષુ ગાયક-ગાયિકાઓની સ્પર્ધા ગોઠવવામાં આવેલી. જજીઝમાં કુમાર શાનુની સાથે આદેશ શ્રીવાસ્તવ અને અન્ય કોઈ હતાં. એક પછી એક સ્પર્ધકો એવું કમાલ ગાતા હતાં કે કુમાર શાનુ અવાક બનીને જોઈ રહેલાં. 'ક્લાસિકલ મ્યુઝિક'ના રાઉન્ડમાં એક પ્રજ્ઞાચક્ષુ યુવતીનો ગાવાનો વારો આવ્યો અને આદેશ શ્રીવાસ્તવે એને પૂછ્યું, "ક્લાસિકલમાં શું શીખ્યા છો?"

"દ્રુપદ, ખયાલ, ટપ્પા, ઠુમરી. સર, આપ જો બોલે વો ગાઉંગી," સખત તાલીમ લઈને આવેલી સજ્જ યુવતીએ જવાબ આપ્યો.



"આપકો યે સબ આતા હૈ તો ફિર હમ કિસ લાયક હૈં કિ આપ સે કુછ પૂછે?" આદેશ શ્રીવાસ્તવે નિખાલસતાથી કહ્યું.

પેલી યુવતીએ વાતને વાળી લેતા ન્રમતાથી કહ્યું, "સર, યે તો આપકા બડપ્પન હૈ."

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સારું નામ હોય, પ્રતિભા ખોજવાના પ્રતિષ્ઠિત શોમાં જજની ખુરશી પર બેઠા હોય એ વખતે સ્પર્ધકને ઉદ્દંડતાથી કંઈક ગાવાનો "આદેશ" આપવાને બદલે નમ્રતાથી એની સામે પોતાની ત્રુટિઓના "વાસ્તવ"ને સ્વીકારનારા અને 50મું વર્ષ પૂરું કરીને બીજા જ દિવસે ફાની દુનિયાને કૅન્સર સામેના જંગમાં અલવિદા કહેનારા સંગીતકાર આદેશ શ્રીવાસ્તવને ભાવભીની શ્રદ્ધાંજલિ!

*                       *                             *                                  *                                     *

(ફેસબુક પર 13 ઑક્ટોબર 2015ના રોજ ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનને આપેલી સંક્ષિપ્ત અંજલિ)


બોલીવૂડમાં શિયાળ-જરખ, જરખ-વરુ અને વરુ-શિયાળ જેવી અગણિત સંગીતકાર જોડીઓ માટે ચોરી કરવાના મહાન સ્રોત ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાઁ સાહેબની આજે 67મી જન્મજયંતિ. આજે તો ગૂગલ પણ એવું ખીલ્યું છે કે સર્ચ ઍન્જિનના અંગ્રેજી અક્ષરોને ઉર્દૂ જેવી શીરી જબાનના હુરુફ-એ-અબજદ જેવો મરોડદાર વળાંક આપ્યો છે.

No comments:

Post a Comment