Pages

Wednesday, October 21, 2015

નિકટતા ઉપરછલ્લી અને આભાસી હોય ત્યારે (સૌરભ શાહ)

મંગળવાર, 20 ઓક્ટોબર 2015ના રોજ મુંબઈ સમાચારની 'ગુડ મૉર્નિંગ' કૉલમમાં છપાયેલો સૌરભ શાહનો લેખ:

પાયાનો સવાલ એ છે કે માણસ બદલાય એટલે કે એના સ્વભાવ અને/અથવા એના વિચારોમાં પરિવર્તન આવે ત્યારે એ વિશે એને ફરિયાદ કરવી જોઈએ કે અભિનંદન આપવાં જોઈએ?

તમારી આસપાસની દુનિયા વિશે, તમારી આજુબાજુના લોકો વિશે તમે પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે શું વિચારતા હતા? પરણ્યા પહેલાં અને પરણ્યા પછી શું વિચારતા હતા? આજની તારીખે શું વિચારો છો? વિચારોમાં થતી તમારી પ્રગતિને તમારી આસપાસના લોકો સાંખી શકતા નથી. તેઓ તમારો પગ ખેંચીને તમને જ્યાં હતા ત્યાં ફરી પાછા લઈ જવા માગે છે. વિચારો કરતાં એમને વધારે કઠે છે તમારું વર્તન. પહેલાં તો કેટલી સારી રીતે વાત કરતા હતા, કેટલો બધો સમય મારી સાથે ગાળતા હતા, હવે તો ત્રણ મિસ્ડ કૉલ થાય તોય જવાબ આપતા નથી, આ ફરિયાદ એકદમ કૉમન છે. આવી ફરિયાદ કરતી વખતે આપણે એ શક્યતા તપાસવાની ભૂલી જઈએ છીએ કે કદાચ આપણે પોતે જ બદલાઈ ગયા છીએ જેને કારણે સામેવાળી વ્યક્તિ હવે આપણો ફોન ઉપાડતી નથી.

કોઈ વ્યક્તિની ખૂબ નિકટ આવી ગયા પછી શા માટે થોડા જ વખતમાં એ બદલાઈ ગયેલી લાગતી હોય છે? મેં તો એમને બિલકુલ એવા નહોતા ધાર્યા એવું વલય વહેલુંમોડું મનમાંથી પસાર થયા વિના રહેતું નથી. આવું થવાનાં કારણો શું? એક કારણ સમજાય છે. કઈ વ્યક્તિની તમે નિકટ અથવા ખૂબ નિકટ આવતા હો છો? બે પ્રકારની. કાં તો એ તમને અંગત લાગણીના ધોરણે ખૂબ ગમી હોય, કાં તમને એ વ્યક્તિ તમારા જીવનમાં, તમારી કારકિર્દીમાં કે તમારા ધંધા-કામકાજ-નોકરીમાં ઉપયોગી છે એવું લાગ્યું હોય. બેમાંથી કયા કારણસર તમે એ વ્યક્તિની નજીક આવો છો એ અહીં અગત્યનું નથી. કોઈ પણ વ્યક્તિની નિકટ આવતી

વખતે તમે એની તમામ નબળાઈઓ પ્રત્યે આંખ આડા કાન કરતા હો છો. લાગણીનો તાર જેની સાથે જોડાય છે એની નાનીમોટી ખરાબ આદતો શરૂમાં બિલકુલ કનડતી નથી અને કનડતી હોય તોય એના વિશે વિરોધનો સૂર પ્રગટ કરવાની લાપરવાહી હોય છે. આ લાપરવાહી છલકાઈ જતી લાગણીઓને કારણે કે ભાવવિભોર બની જતા મનને કારણે હોઈ શકે અને ફરિયાદ કરીશું તો જે કંઈ મળી રહ્યું છે તે પણ ઝૂંટવાઈ જશે એવી અસલામતીને કારણે પણ હોઈ શકે. આ ઉપરાંત, એ ગાળામાં સામેની વ્યક્તિને જોવાની દૃષ્ટિ જ કંઈક એવી થઈ ગઈ હોય જેને કારણે એનામાં રહેલા કોઈ દોષ, એની કોઈ એબ ધ્યાનમાં ન આવે. એ વ્યક્તિ પોતાના દોષ, પોતાની એબ છુપાવવા માગે છે એવું નથી, તમે જ એને જોવા નથી માગતા.

સમય જતાં સંબંધો સરળતાપૂર્વક સડસડાટ વહી શકે એવો તબક્કો આવે ત્યાં જ જાદુગરની ટોપીમાંથી એક પછી એક અવનવી ચીજો નીકળે એમ સામેની વ્યક્તિના સ્વભાવની તમામ ખોડખાંપણ એક પછી એક તમને દેખાવા માંડે. નાના નાના પ્રસંગો અને ક્ષુલ્લક કિસ્સાઓ દ્વારા એના સ્વભાવમાંના કાંકરા બહાર નીકળી તમને વાગવા માંડે. આ એ જ કાંકરા છે જે અગાઉ ત્યાં જ હતા, તમે ધાર્યું હોત તો એને જોઈ શકતા હતા, પણ તમે તે વખતે એને જોવા માગતા નહોતા. એથીય વધુ કડવું સત્ય એ છે કે તમારી આંખને એ કાંકરા હીરાના પાસાદાર ટુકડા જેવા લાગતા હતા. આવું થાય ત્યારે તમે હવે પહેલાં જેવા રહ્યા નથી એવી ફરિયાદ કેટલી વાજબી?

કેટલાક લોકો ખરેખર બદલાતા હોય છે. અગાઉ તેઓ અત્યારે છે એવા નહોતા, કારણ કે એવા થઈ શકવાનું એમને પોસાય એમ નહોતું. કેટલીક વ્યક્તિઓ સ્વભાવગત તોછડી, ઘમંડી અને સ્વકેન્દ્રી હોય છે. પણ સંજોગોને કારણે એમણે પોતાના આવા સ્વભાવનાં લક્ષણો દબાવી રાખવાં પડે છે. સત્તા કે કીર્તિ કે પૈસો અથવા આ ત્રણેય આવી જતાં તેઓ માનવા માંડે છે કે હવે જીવનમાં આગળ વધવા માટે વિવેકી બનવાની કે કોઈને ઉપયોગી થઈ પડવાની હવે જરૂર રહી નથી. માણસમાં જ્યારે આવો ભ્રમ જન્મે કે જિંદગીમાં હવે બીજા કોઈની જરૂર નથી ત્યારે એના સ્વભાવમાં જન્મજાત પડી રહેલાં કુલક્ષણો બહાર આવીને દેખાવા માંડે છે. આવા લોકો માટે કહેવાતું હોય છે કે તેઓ હવે બદલાઈ ગયા છે. વાસ્તવમાં હવે તેઓ જેવા હતા તેવા પ્રગટ થતા હોય છે.

‘લોકો બદલાય છે અને એકબીજાને કહેવાનું ભૂલી જાય છે’- અમેરિકન લેખિકા લિલિયન હેલમનનું આ વાક્ય અમેરિકાથી એક મિત્રે મોકલેલા પોસ્ટકાર્ડની પાછળ લેખિકાના ફોટા સાથે છાપેલું છે. લિલિયન હેલમને બદલાઈ જતા લોકોમાં અગાઉ ઉલ્લેખેલા બે પ્રકારના નહીં પણ ત્રીજા જ પ્રકારના લોકોની વાત કરી છે જેમાં આપણા સૌનો સમાવેશ થઈ જાય છે. માણસો ખરેખર બદલાઈ જતા હોય છે અને એકબીજાને કહેવાનું ભૂલી જતા હોય છે કે અમે બદલાયા છીએ. નવા વિચારો, નવી માહિતી, નવા સંજોગો અને જૂના વિચારો-માહિતી-સંજોગોનું નવું અર્થઘટન- આ તમામને કારણે માણસના બાહ્ય સ્વભાવમાં ધીમું પણ ચોક્કસ પરિવર્તન આવે છે. એના વ્યક્તિત્વની લાક્ષણિકતા સમો એનો અંદરનો સ્વભાવ એનો એ જ રહે છે. જેમ કે ઉદાર માણસ ઉદાર અને કૃપણ વ્યક્તિ કૃપણ. પરંતુ જે મનોભાવો વાણી દ્વારા વ્યક્ત થાય છે એમાં પરિવર્તન આવ્યા વિના રહેતું નથી. જેમ કે: અધીરાઈને ઠેકાણે ઠાવકાઈ.

જે વ્યક્તિની નિકટ આવ્યા હોઈએ એની સાથેની નિકટતા ઉપરછલ્લી અને આભાસી હોય ત્યારે એના સ્વભાવના માત્ર ઉપલા એક-બે પડનો જ પરિચય થતો હોય છે. એ પડ જ્યારે ઊખડી જાય છે કે જ્યારે એના પર બીજાં પડ ચડે છે ત્યારે એ વ્યક્તિ બદલાઈ ગયેલી લાગે છે. સતહી સંબંધો, સપાટીછલ્લા સંબંધો ન હોય તો પણ અંતરના ગર્ભ સુધી પહોંચ્યા પછી સંબંધો બંધાયેલા હોય તો આવી તકલીફ બહુ પડતી નથી. આવા સંબંધો હોય તો વ્યક્તિમાં આવેલું દરેક પરિવર્તન સહ્ય બને છે.

બધા જ બદલાય છે, પણ જે સભાન રહીને બદલાય છે તે પોતાની મૂળ માટી સાચવી રાખી શકે છે. બદલાયા વિના આગળ નથી વધી શકાતું. બદલાવું પડે છે કારણ કે જેવા બનવું છે એવા સ્વરૂપે ભગવાન પણ આપણને જન્મ નથી આપતો. બદલાતી વખતે કોઈકને કશુંક તૂટવાનો અવાજ સંભળાય કદાચ. ઇંડાનું કોચલું તૂટતી વખતે, પંખીનું બચ્ચું બહાર આવતું હોય ત્યારે, એવો એવો અવાજ આવતો હશે જે કદાચ આપણા સુધી પહોંચતો નહીં હોય કારણ કે આવા અવાજો વિનાશક સૂર લઈને નથી આવતા. આવા સર્જનાત્મક અવાજો, ભલે પછી એ કશુંક તૂટવાના કેમ ના હોય, જરૂરી હોય છે જિંદગીમાં. કારણ કે એને તો મહત્ત્વ કોચલાની અખંડિતતાનું નથી હોતું, એને તોડીને બહાર આવતી નવી સૃષ્ટિનું હોય છે.

આજનો વિચાર

ઈનામમાં મળેલી શાલ પાછી આપતા કવિ-લેખકોને શાલ ધોઈને પાછી આપવાની સાહિત્ય અકાદમીની વિનંતી.

- અધીર ન્યૂઝ નેટવર્ક

એક મિનિટ!

બીપીઓના એક ઈન્ટરવ્યૂમાં.

બૉસ: કૅન યુ સ્પીક ઇન બ્રિટિશ એક્સેન્ટ

ઉમેદવાર: યસ

બૉસ: સે સમથિંગ...

ઉમેદવાર: ડૂગના લાગાન ડેના પડેગા બુવન!

બૉસ: નિકલ હરામખોર.

No comments:

Post a Comment