Pages

Sunday, November 1, 2015

પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે (જિગર જોષી 'પ્રેમ')

તમે પ્હેલાં પાણીથી તમને દઝાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે,
તિરાડો બની જાય જે ક્ષણ પહાડો! - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

તમે એવું ધારીને જોયા કરો તો એ સંભવ છે બારી જ આકાશ થઈ જાય,
પરંતુ પ્રથમ એવું ધારી બતાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

આ નક્ષત્રો નભગંગા ખાબોચિયું છે ને એમાં કોઇ પગ પખાળી ગયું છે,
જ્યેં ધરતી લાગે બસ એક નાનો ખાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.


પ્રથમ આખા જગથી જે નીચે હો એવું બનાવો તમારું અલગ એક આસન,
પછી ત્યાંથી તમને તમે ખુદ પછાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

અહર્નિશ ક્ષિતિજે આ ઝૂલ્યા કરે એવો બાંધ્યો છે કોણે સમય નામે હીંચકો?
ઉઠાડો નહીં જોવા - ખુદને જગાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

તમે વૃક્ષને જ્યાં-જ્યાં મારો કુહાડો; ઉઝરડાને બદલે નવી ડાળ ફૂટે,
ચલાવી શકો એ રીતે જો કુહાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.

ખીલે જે રીતે ફૂલ ક્યારીના ખોળે; ખૂલે જે રીતે એની સૌ પાંદડીઓ
'જિગર'! શ્વાસનાં એમ ખોલો કમાડો - પછી શબ્દનાં સૌ રહસ્યો ખૂલે છે.
                                                                                           - જિગર જોષી 'પ્રેમ'

No comments:

Post a Comment