Pages

Friday, January 1, 2016

લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર (શિરીષ પંચાલ): ભાગ-2

ગુજરાતી ભાષામાં અત્યારે એમ તો ઘણા લોકપ્રિય નવલકથાકારો છે. આ બધાએ એ જોયું કે જો પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો તેમણે સતત લખવું પડે. દર અઠવાડિયે વર્તમાનપત્ર તો પઠાણી ઉઘરાણી કરીને પોતાનો હપ્તો ઉઘરાવવા ઊભું હોય એવા સંજોગોમાં નવલકથાકારે એટલું જોયું કે જે વાચકો માટે તે લખી રહ્યો છે તેમની સ્મરણશક્તિને મર્યાદા છે એટલે એક વખત નવલકથાનું જે માળખું તૈયાર કર્યું હોય તે જ માળખું બીજી નવલકથામાંથી વાપરવાથી કશું નુકસાન જવાનું નથી. આ વાત અમુક અંશે રોબર્ટ લુડલમની પાછલી નવલકથાઓને પણ લાગુ પડે છે. એ રીતે જ્યોર્જ સિમેનનને આપણે દાદ એટલા માટે આપવી પડે કે બસોઅઢીસો નવલકથાઓમાં પુનરાવર્તનનું તત્ત્વ નહિવત્ છે એવું તેના જાણકારો કહે છે. આપણા ગુજરાતી નવલકથાકારોમાં અશ્વિની ભટ્ટ સાવ જુદા તરી આવે છે. તેમને વરેલી લોકપ્રિયતા પાછળ કયાં કારણો રહેલાં છે? પશ્ચિમમાં નવલકથાકારને ઘણા બધા ખેલ કરવા પડતા હોય છે. જાહેરખબરો, અવલોકનો, મુલાકાતો, પત્રકારોને પાર્ટી વગેરે વગેરે. જ્યાં સુધી આ બધું ન થાય ત્યાં સુધી લોકપ્રિયતા વરતી નથી. 'વન હન્ડ્રેડ યર્સ ઑવ્ સોલિટ્યુડ'ના સર્જક ગેબ્રિયલ માર્ક્વેઝ જેવાને પણ આવું બધું કરવું પડતું હતું. આપણાં સમૂહમાધ્યમો અને ત્યાંનાં સમૂહમાધ્યમોની ભૂમિકાઓ જુદી છે. અશ્વિની ભટ્ટને આવું કશું કરવું પડ્યું હોય એવું લાગતું નથી. તો પછી તેઓ વિશાળ વાચકવર્ગને પોતાનો કેવી રીતે કરી શક્યા છે?

અહીં તેમની 'આશકા માંડલ' કે 'ઓથાર' જેવી એકબે નવલકથાને કેન્દ્રમાં રાખીને આ ઘટનાને તપાસવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે આપણા સર્જક સામે ફરિયાદ એ છે કે તેનું અનુભૂતિજગત સાંકડું છે. અમેરિકન યુરોપીઅન કૃતિઓની સામે આ કૃતિઓ ફિક્કી લાગે છે. અશ્વિની ભટ્ટે જાસૂસી નવલકથાઓના અનુવાદો કરીને પોતાની કલમને ધાર કાઢી છે. એ બધી કૃતિઓના લેખકો કેવી ઈન્દ્રજાળ ઊભી કરે છે અને એવી ઈન્દ્રજાળ ઊભી કરવી હોય તો કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ તે વાત પણ તે પૂરેપૂરી જાણે છે. આ નવલકથાઓના લેખન માટે તેમણે બરાબરનું ગૃહકાર્ય કર્યું છે. 'ઓથાર' નવલકથાની પૃષ્ઠભૂ 1857ના બળવા પછીની છે. ભલે બહુ દૂરનો ભૂતકાળ ન હોય છતાં એ નવલકથાને ઐતિહાસિક કહી શકાય. નવલકથા મધ્યપ્રદેશમાં આવેલા જાનોર રાજ્યના રાજકુમારના મોઢે કહેવડાવવામાં આવી છે. કંપની સરકારનો ઇતિહાસ, હિંદુસ્તાનના પહેલા વિપ્લવનો ઇતિહાસ, મધ્યપ્રદેશની વિસ્તૃત ભૂગોળ અને દેશી રજવાડાં તથા અંગ્રેજ અમલદારોની રહેણીકરણી: આ બધાં વિશેની પ્રમાણભૂત જાણકારી અહીં છે. એવી જ રીતે 'આશકા માંડલ' નવલકથાની પૃષ્ઠભૂ રાજસ્થાનના રણપ્રદેશની છે; તેમાં પણ પ્રથમ વિશ્વયુદ્ધની આસપાસના સમયથી વાર્તાનો આરંભ તો કરવામાં આવ્યો છે પણ વાર્તાનું વસ્તુ ફરી પેલા વિપ્લવ સુધી વિસ્તરે છે. એક રીતે કહીએ તો એક નવલકથા માટેનું વાચન બીજી નવલકથા માટે કામ લાગે છે. પણ પૃષ્ઠભૂ બદલાય છે. અહીં ભેડાઘાટને બદલે રાજસ્થાનનો રણવિસ્તાર છે તો 'લજ્જા સંન્યાલ' નવલકથાની પૃષ્ઠભૂ થોડે અંશે મુંબઈ અને મોટે ભાગે ખંડાલા ઘાટની આસપાસની તથા દૂર દૂરના દરિયાકાંઠાની છે. પશ્ચિમની લોકપ્રિય નવલકથાનો લેખક વાચકને યુરોપ, અમેરિકાનાં સ્થળોની સેર કરાવે છે, અશ્વિની ભટ્ટ પણ ગુજરાતી વાચકને એના ચિરપરિચિત વાતાવરણમાંથી બહાર કાઢે છે. અહીં માત્ર વાર્તા કહેવામાં આવતી નથી; વાર્તાની સાથે સાથે જે સ્થળ, જે સમય, જે માનવીઓની વાતો આવે છે તે જીવંત થઈ રહે એ રીતે બધાંની માંડણી કરવામાં આવે છે. દસ્તાવેજી વિગતો પૂરેપૂરી ઉપયોગમાં લે છે. આગળ જોઈ ગયા તે પ્રમાણે આ લેખકો ભાગ્યે જ વાસ્તવવાદી ઢાંચાઓનો ઉપયોગ કરે છે. નવલકથાકાર આ વાચકોને બેવડી રીતે - સમય અને સ્થળની દૃષ્ટિએ - પલાયન થવામાં મદદ કરે છે. પશ્ચિમમાં અત્યારે ખૂબ જ લોકપ્રિય ગણાતા એલેસ્ટર મેક્લીન્સ, રોબર્ટ લુડલમ, સિડની શેલ્ડન, હેરલ્ડ રોબીન્સ જેવાઓનું ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, અર્થકારણ, વિનાશક શસ્ત્રો વિશેનું જ્ઞાન અદભુત છે. એક જમાનામાં અગાથા ક્રિસ્ટીએ શાસ્ત્રીય ભૂમિકાએ નહીં પણ સહજ ભૂમિકાએ માનવચિત્તનાં અજવાળાં અંધારાં પોતાની કૃતિઓમાં પ્રગટાવ્યાં હતાં. હા, ત્યાં મારફાડ વાચકોને જકડી રાખે છે અને એના વાચનથી આપણને માનવમન વિશે ઘણુંબધું જાણવા મળે છે. અત્યારે વળી તે યુવાવર્ગમાં લોકપ્રિય થઈ રહ્યાં છે. દાયકાઓ પહેલાં પી.જી.વુડહાઉસ બહુ વંચાતા હતા. તેમની કૃતિઓમાં અંગ્રેજી કવિતાનાં ખાસ્સાં અવતરણો જોવા મળશે. (રમણલાલ દેસાઈની નવલકથાઓમાં ન્હાનાલાલ અને કલાપીના અવતરણો નિયમિત રીતે જોવા મળતાં ન હતાં?) એવી જ રીતે 'સેપર' નામના બ્રિટીશ નવલકથાકારે પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના સમયને આવરી લેતી અસામાન્ય કથાવેગવાળી નવલકથા લખી હતી. અશ્વિની ભટ્ટ ઇતિહાસ અને ભૂગોળ વિશે અસામાન્ય જ્ઞાન ધરાવે છે અને વાચકોને એ જ્ઞાન વડે જીતવાનો પ્રયત્ન કરે છે. તેઓ જે નાયકનાયિકાનાં પાત્રો ઊભાં કરે છે તે અસામાન્ય તો છે જ, સાથે સાથે વાચકોને માટે તો લેખક પોતે પણ અસામાન્ય પ્રતિભા ધરાવતા માનવી તરીકેની પોતાની છાપ ઉપસાવવા મથે છે. આવી છાપ અન્ય સમકાલીન ગુજરાતી લોકપ્રિય નવલકથાકારોએ ઉપસાવી નથી.

'આશકા માંડલ' નવલકથાનો આરંભ સનસનાટીભરી ઘટનાથી કરવામાં આવે છે. 'મેકબેથ', 'હેમ્લેટ', 'રોમિયો ઍન્ડ જુલિયેટ', 'કીંગ લિયર' વગેરે નાટકોનો આરંભ શૅક્સપિયર આવી સનસનાટીભરી ઘટનાઓથી જ કરે છે ને? આ સર્જકની વિશિષ્ટતા એ છે કે શરૂઆતની આવી ઘટનાઓ બિનજરૂરી બની રહેવાને બદલે નાટકના હાર્દ સાથે ગુંથાઈ જાય છે. વાચકોને પહેલેથી છેલ્લે સુધી જો જકડી રાખવા હોય તો આવી ઘટના ખૂબ જ કામ લાગે. 'આશકા માંડલ' પણ હમીરગઢના રાજકુમાર સિગાવલના મોઢે કહેવામાં આવી છે. ભારતનાં રજવાડાંનો ઇતિહાસ તો કહે છે કે મોટા ભાગના રાજાઓ વિલાસી, વ્યસની હતા. 'આશકા માંડલ' અને 'ઓથાર'ના નાયકો નથી લંપટ નથી વ્યસની. એનો અર્થ એવો નથી કે તેઓ નખશિખ અવ્યભિચારી છે. જે દુર્ગુણો છે તે સહ્ય, માફકસરની માત્રામાં છે. આ બધા નાયકો માત્ર વીર નથી, ઉદાર છે, નીતિવાન છે, કદરદાન છે, બુદ્ધિશાળી છે. જો વાચક સમક્ષ નાયકોને દુર્ગુણી બતાવવામાં આવે તો વાચકો તેમની સાથે તાદાત્મ્ય સાધી ન શકે. આ વાત આયન ફ્લેમિંગની કૃતિઓથી (જેમ્સ બોન્ડના ચરિત્રવાળી) માંડીને જેસન બોર્નને ચમકાવતી રોબર્ટ લુડલમની બહુ જાણીતી કથાત્રયીને પણ લાગુ પડે છે. અશ્વિની ભટ્ટ પણ એ જ પરંપરામાં રહીને પોતાના કથાનાયકોનું આલેખન કરે છે. સાથે સાથે ગુજરાતી સમાજમાં રહીને ગુજરાતી વાચકો માટે તે નવલકથા લખી રહ્યા છે એની સભાનતા લેખકમાં છે. એટલે અહીં પ્રગલ્ભપણે શૃંગારિક વર્ણનોનો આશ્રય લેવામાં નથી આવ્યો. આવાં વર્ણનો દ્વારા જ આપણા વાચકને વશ કરી શકાય એવી માન્યતાને અશ્વિની ભટ્ટ ખોટી પાડે છે (એમ તો એક જમાનાના અતિ લોકપ્રિય નવલકથાકાર મોહનલાલ ધામીમાં પણ શૃંગારિક સામગ્રીનો વિનિયોગ કરવામાં આવ્યો નથી. અર્લ સ્ટેનલી ગાર્ડનરનો નાયક પેરી મેસન ચુંબન આલિંગનથી પણ દૂર જ રહ્યો છે).

રખડવા નીકળેલા રાજકુમારને રણવિસ્તારમાં એક હાડપિંજર મળે છે, એના પરથી મળેલી ચીજવસ્તુઓ લઈ તે ઘેર આવે છે. આવી નવલકથાઓનો શોખીન વાચક આટલા સગડ પરથી તરત જ સમજી જાય કે અનેક પ્રકારનાં રહસ્યોવાળી દુનિયાનો હવે આરંભ થશે. લોકપ્રિય નવલકથાઓમાં તો અકસ્માતો બનવા જોઈએ. વાચક પણ આવા અકસ્માતોથી ટેવાયેલો હોય છે. એટલે રાજકુમારની ભાભી શ્રીદેવી પાસે એવી જ વસ્તુઓ છે અને એ વસ્તુઓ શ્રીદેવીના મામા શરનસિંહ માંડલની છે એ પુરવાર થાય છે. અશ્વિની ભટ્ટ જાણે છે કે જો વાચકોને નવલકથાના પ્રવાહમાં ઘસડી જવા હોય તો દંતકથા બની ગયેલું એકાદ પાત્ર ઊભું કરવું જોઈએ.

અશ્વિની ભટ્ટની લોકપ્રિયતાનું બીજું એક રહસ્ય આ નવલકથાપ્રકારમાં રહેલું છે. તેઓ અંગ્રેજીમાં જેને 'થ્રીલર' કહે છે તે પ્રકાર અજમાવે છે. ('ઓથાર'ને સ્થૂળ અર્થમાં થ્રીલર ન કહેવાય તો પણ એમાં એનાં લક્ષણોનો સમાવેશ તો કરે છે જ.) 'આશકા માંડલ'માં સખીરામનું ખૂન થાય છે અને મરતાં પહેલાં 'આશકા' બોલે છે; પાછળથી ખબર પડે છે કે આશકા શરનસિંહ માંડલની દીકરીનું નામ. 'ઓથાર'માં પણ એક અંગ્રેજ અમલદારનું ખૂન થાય છે અને એ મરતાં પહેલાં 'બાર ગર્લ' બોલે છે. ત્યાં પણ પાછળથી જાણ થાય છે કે 'બાર ગર્લ' દ્વારા સંતોજી બારનીશની પુત્રી સેનાનો તે ઉલ્લેખ કરવા માગતો હતો. આ પ્રકારની ભાત ઘણાબધા લોકપ્રિય નવલકથાકારોમાં પુનરાવર્તિત થતી હોય છે. 'આશકા માંડલ'માં વિક્રમસિંહને દેશદ્રોહી માની લેવામાં આવે છે પણ વાસ્તવમાં એ દેશભક્ત પુરવાર થાય છે. 'લજ્જા સંન્યાલ'માં જહાજમાલિકને જ ખૂની માની લેવામાં આવે છે પણ વાસ્તવમાં એ સજ્જન નીકળે છે. 'આશકા માંડલ'માં લક્ષ્ય છે રણમાં દટાયેલા ખજાનાની શોધનું; 'ઓથાર'માં પણ અંગ્રેજ અમલદારોને રસ છે નાનાસાહેબે સંતાડેલા ઝવેરાતમાં, અને એ ઝવેરાત વિક્રમસિંહે જાનોરના રાજમહેલમાં સંતાડી રાખ્યું છે. 'લજ્જા સંન્યાલ'માં પણ લક્ષ્ય છે જોસેફ નામના દેશદ્રોહીએ સંતાડેલા દારૂગોળાને શોધવાનું.

ધારાવાહી નવલકથાના મોટાભાગના વાચકોને તો પોતાની પાસે ફાજલ પડેલા અને જેમાં બીજી કોઇ પ્રવૃત્તિ કરી શકાય એમ નથી એવા સમયને વીતાવવા સિવાય બીજો કોઇ રસ નથી. એમની પાસે તો જો એક નવલકથાને સળંગ, સરખી રીતે વાંચવાનો સમય નથી તો એક જ લેખકની બીજી નવલકથાઓ સરખાવવાનો સમય વળી ક્યાંથી હોય?

બબ્બે ખૂનથી ચોંકેલા વાચકને પછી તો એ મોહપાશમાં વધારે ને વધારે બાંધવો પડે (અગાથા ક્રિસ્ટીની નવલકથા 'ઍન્ડ ધેન ધેર વર નન'માં સાતઆઠ ખૂન થાય છે, તેના પરથી ઊતરેલી હિન્દી ફિલ્મ 'ગુમનામ'માં પણ અનેક ખૂન થાય છે, પણ મૂળ નવલકથાની સંકુલ યોજનાને બાજુ પર મૂકી લાક્ષણિક હિન્દી સિનેમાનો મસાલો ત્યાં ભરવામાં આવ્યો છે, એવી જ રીતે 'રેબેક્કા' પરથી ઊતરેલી 'કોહરા'ને પણ પાણીપાતળી બનાવી દીધી હતી) એટલે પછી સખીરામની પત્નીનું અપહરણ, નાયક દ્વારા થતો પીછો અને ત્યાં અદભુત સૌંદર્ય ધરાવતી સોના ઉર્ફે આશકાનું નાયક સાથે મિલન; અને વળી હજુ તો પાત્રો સ્થિર થાય, વાચકો પાત્રોને બરાબર ઓળખે તે પહેલાં તો બાજી પલટાઈ જાય. વળી કોઇ ડાકુ અને પીટર નામનો અંગ્રેજ (એ વળી પાછો પંદર વરસની ઉંમરે શરનસિંહે જે અંગ્રેજને પરાજિત કરેલો તેનો જ દીકરો હોય) આશકાને ઉપાડી જાય, બદલામાં શરનસિંહે જે ખજાનો છુપાવ્યો છે તેના નક્શાની ખૂટતી કડીઓ માગે; એમાંની એક કડી આશકાના તાવીજમાં છુપાવેલી હોય; નાયક અને આ અપહરણકારો વચ્ચે સોદાબાજી થાય; નાયક નક્શાનો ટુકડો સળગાવી દે, (ગ્રેગરી પેક અને ઓમર શેરીફને ચમકાવતી 'મેકન્નાઝ ગોલ્ડ' યાદ આવી જાય, પાછળથી હોલીવુડે નક્શા અને છૂપા ખજાનાની ફિલ્મો ખાસ્સી બનાવી, દા.ત. નેશનલ ટ્રેઝરશ્રેણી, ઈન્ડીઆના જોનશ્રેણી), સખીરામના ખૂનીનું નામ નાયકના કાનમાં કહેવામાં આવે; ત્યાં જે હાજર છે તેમનાથી છુપાવવા નહીં, પણ વાચકથી છુપાવવા અને જ્યારે વાચકને જાણ થાય ત્યારે જે ચતુર હોય તેને ખ્યાલ આવે કે આમાં છુપાવવા જેવું કશું હતું જ નહીં. આ રીતે અશ્વિની ભટ્ટ વાચકને અધ્ધર જીવે રાખી શકે છે. છેવટે આ આખો રસાલો ખજાનાની શોધમાં નીકળી પડે છે, પણ રસ્તામાં તેમને અનૂપસિંહ અટકાવે છે. આમ ફરી એક વાર બાજી નાયકની તરફેણમાં આવી જાય છે, પણ થોડી વાર માટે જ. વાચક અપેક્ષા રાખીને જ બેઠો છે કે બધું સમૂંસૂતરું પાર નહીં પડે; એટલે બાજી બીજા એક ખૂંખાર કર્નલ હંટના હાથમાં જતી રહે છે. કારણ કે તેણે શ્રીદેવીને બાનમાં રાખી છે. આ રીતે નવલકથામાં ક્યારે બાજી કોના હાથમાં જતી રહેશે એનો કોઇ અંદાજ વાચક લગાવી જ ન શકે.

હવે આ આખો કાફલો રણની વચ્ચે આવેલા ભેદી સ્થળે જવા નીકળે છે, પણ વાસ્તવમાં તો લેખક વાચકોને રણની મુસાફરી કરાવે છે. આગળ કહી ગયા પ્રમાણે આનાથી રણપ્રદેશનું, ઢૂવાઓથી ઊભરાતી આ નપાણિયા ધરતીમાં સરજાતાં વમળોનું એક ચિત્ર મળે છે. આમ વાતાવરણ ખડું થાય છે, વાચકને પોતે બોરીવલીથી ચર્ચગેટ લોકલ ટ્રેનની મુસાફરીને બદલે તે ઊંટ પર સવાર છે એવી અનુભૂતિ થાય છે. ઉન્નતભ્રૂ વલણ ધરાવનારા આપણે સૌ આને 'વૈકલ્પિક મોજમજા' તરીકે ઓળખાવીએ એ જુદી વાત છે. જેવી રીતે પ્રેક્ષક 'ટેન કમાન્ડમેન્ટ્સ' કે 'મેકન્નાઝ ગોલ્ડ'માં ખોવાઈ જઈને જે અદભુત રોમાંચ અનુભવતો હતો તેવો જ અદભુત રોમાંચ તેને આ કૃતિ વાંચતા થાય છે. એક આશ્ચર્ય એ વાતનું છે ખરું કે હજુ અશ્વિની ભટ્ટની આવી નવલકથા પરથી ફિલ્મ બતાવવામાં આવી નથી! એલેસ્ટર મેકલીન્સની બધી જ નવલકથા પરથી ફિલ્મ ઊતરી છે. ઢંગધડા વગરની હિન્દી ફિલ્મો કરતાં આ નવલકથાઓના આધારે બનનારી ફિલ્મો અસામાન્ય પુરવાર થાય.

પરંતુ આ નવલકથા છે, રણપ્રદેશની મુસાફરીનું વર્ણન નથી. એટલે એમાં અવારનવાર દિલધડક પ્રસંગો આવવા જોઈએ. નાયક અને આશકાના પ્રેમપ્રસંગો અને એને સમાંતરે પૂરણની આશકા બાબતે નાયક સાથેની ઝપાઝપી તો થતી જ રહે છે, પણ વાચકોને એકદમ સ્તબ્ધ કરી દેવા રણપ્રદેશની સંઘારી જાતિના લોકો અને આ કાફલાની વચ્ચે ખૂનખાર લડાઈ બતાવવામાં આવી છે. આ દરમિયાન જ પીટરની પ્રિયતમા સાન્દ્રાનું અપહરણ થાય છે અને પાછળથી ઝાડ પર નિર્વસ્ત્ર હાલતમાં, આખા શરીરે ઘાવાળો, આંખોમાં બાવળની અનેક શૂળો ભોંકાયેલો દેહ મળી આવે છે. વાચકને વધુ સ્તબ્ધ કરવા રણપ્રદેશની અમાનુષી ઘટનાઓ પણ બનતી રહે છે. અહીં આલેખાયેલી આંધીના વર્ણન સાથે વિવેચકોએ કનૈયાલાલ મુનશીની 'જય સોમનાથ'ની આંધીના વર્ણનને સરખાવવું નહીં. ત્યાં સાથે સાથે ગુજરાતી ગદ્યની વિલક્ષણતા પણ પ્રગટે છે. નવલકથામાં છેલ્લે જ્યારે ખજાનો મળે છે ત્યારે દિલધડક દૃશ્યો સર્જીને વાચકોને અધ્ધર શ્વાસે પૃષ્ઠો ઉથલાવતા રાખ્યાં છે. આ પ્રકારની બધી જ રચનાઓનાં અંત આવા જ સુખદ હોવાના.

ભાગ-3 વાંચવા માટેની લિંક: http://mehtanehal.blogspot.in/2016/01/3.html

No comments:

Post a Comment