Pages

Monday, January 4, 2016

વાચકોએ ન્યૂઝપેપરમાં શું વાંચવાનું? (રોહિત શાહ)

ગરવું ગૂર્જર સાહિત્યના ઑગસ્ટ 2014ના અંકમાં છપાયેલો રોહિત શાહનો લેખ:

કોઇ પણ રાઈટર માટે અખબારી લેખન કરવું એ કાચા સૂતરના તાંતણા જોડીને બનાવેલી સીડી ઉપર ચઢીને આકાશ-આરોહણ કરવા જેટલું અઘરું કામ છે. દરરોજ લેખન માટે એક નવો ટૉપિક ખોળી કાઢવો અને પછી એ ટૉપિક વિશે નિર્ભિકપણે પોતાના વિચારો ઘૂંટવા એ કાંઈ જેવુંતેવું તપ નથી. વાચકો જે ન્યૂઝ કે જે ન્યૂઝસ્ટોરી ચા પીતાં પીતાં મોજથી વાંચે છે, એ ન્યૂઝ વાચક સુધી પહોંચાડવામાં પત્રકારે કેટકેટલાં કષ્ટ વેઠ્યાં હોય છે અને ભાગ્યે જ એને ખબર પડે છે. કૉલમ-રાઈટર અને પત્રકાર એવા રસોઈયા છે જે નિતનવી વાનગીઓ રાંધે છે. નવાઈની વાત એ છે કે એમની પાસે કોઇ રેડીમેડ રેસિપી નથી હોતી. જે કંઈ રૉ-મટિરિયલ મળી જાય એમાંથી સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી બનાવવી એ પત્રકાર અને કૉલમ-રાઈટરની માત્ર જવાબદારી જ નથી, કલા પણ છે.

હજારો-લાખો વાચકોના ટેસ્ટ જુદા જુદા હોય, મૂડ જુદા હોય અને તેમની અપેક્ષાઓય અલગ હોય. એ સૌને સંતુષ્ટ કરવાનું દરેક વખતે શક્ય નથી રહેતું. ક્યારેક વાચકો વહાલ વરસાવે તો ક્યારેક આક્રોશ ઠાલવે. કૉલમ-રાઈટરની સતત કસોટી થતી રહે છે. વાચકને એક ફાયદો છે કે કોઇ કૉલમ ન ગમે તો બે-પાંચ લીટી વાંચીને છોડી દઈ શકે, પણ લેખક એવું ન કરી શકે. એણે તો થાળી ભરીને વાનગીઓ પીરસવી જ પડે.

ક્યારેક જાનની બાજી લગાવીને તો ક્યારેય જાત પર જુલમ કરીને પત્રકાર માહિતી મેળવે છે. ભૂખ-તરસ, ટાઢ-તાપ-વરસાદ, સમયની તીવ્ર કટોકટી, કૉમ્પિટિશન, ફૅમિલી લાઈફ સામે ખતરો - કેટકેટલું વેઠીને અને કેટકેટલું જતું કરીને પત્રકારો અખબારની થાળીમાં વિવિધ વાનગીઓ ભરે છે, એની ખબર વાચકોને કદીય નથી પડતી.

પત્રકારત્વને દુનિયા કઈ રીતે જુએ છે એના કરતાં દુનિયાને પત્રકારત્વ કઈ રીતે જુએ છે એ વધારે ઈમ્પોર્ટન્ટ છે. પત્રકારત્વને ચોથી જાગીર કાંઈ મફતમાં નથી કહી. સમર્થ પત્રકાર પોતાની સ્વતંત્ર સરકાર ચલાવી શકે છે. સત્તાધારી નેતાઓ અને ભ્રષ્ટાચારીઓના તખ્તા ઉખાડી નાખવાનું કૌવત પણ પત્રકારની કૉલમમાં-કલમમાં હોય છે. જીવતા માણસનું બેસણું કરી નાખવાની અને મરી ગયેલા આદમીનેય હીરો બનાવી દેવાની તાકાત પત્રકાર પાસે છે. ન્યૂઝ આપવા એ પત્રકારની જવાબદારી છે અને ન્યૂસન્સ અટકાવવાં એ એનો ધર્મ છે. ન્યૂટ્રલ રહી શકવાની ત્રેવડ ન હોય એવી વ્યક્તિએ પત્રકારત્વના ક્ષેત્રમાં પગ પણ ન મૂકવો જોઈએ. ખોટી, અધૂરી અને પક્ષપાતી વિગતો આપવી એ પત્રકારનું ઘોર પાપ છે. એ દ્વારા એની ગેરલાયકી પુરવાર થાય છે.

પત્રકાર કે કૉલમ-રાઈટર હોવું એ બડા સદભાગ્યની વાત છે. વાચકો ઊંઘતા હોય ત્યારે વહેલી સવારે એમના ઘરમાં ઘૂસવાનો અધિકાર પત્રકારને મળેલો છે. પોતે એકસાથે હજારો-લાખો ઘરોમાં, ઑફિસોમાં, પુસ્તકાલયોમાં પહોંચી શકે છે. આ તક અને અધિકાર ત્યાં સુધી જ સેઈફ છે જ્યાં સુધી એ પત્રકાર ન્યૂટ્રલ રહે છે. જે પત્રકાર કે કૉલમ-રાઈટર પોતાની આ તક તેમ જ પોતાના અધિકારને સોદાબાજી કરીને અભડાવે છે એ મહાપાપી છે. હા, એક વાત છે કે પત્રકાર એ કાંઈ પરમાત્મા નથી. અનેક મર્યાદાઓ ધરાવતો અને અનેક મજબૂરીઓનો સામનો કરતો એક આમ આદમી જ હોય છે. એણે પણ ઘર ચલાવવાનું હોય છે અને એણે પણ ફૅમિલીને ખુશ રાખવાની હોય છે. પરંતુ એ માટે સિદ્ધાંતો અને મૂલ્યો અને આદર્શો ઉપર બળાત્કાર ન કરાય.

જોકે મને લાગે છે કે પત્રકાર અને કૉલમ-રાઈટર કરતાંય મોટું તપ તો વાચકો કરે છે. જેને રાષ્ટ્રગીત ગાતાંય નથી આવડતું (છતાં કૉંગ્રેસના અધ્યક્ષા બની બેઠેલાં) એવાં સોનિયા ગાંધીનો હેરડ્રેસર કોણ છે અને મુલાયમસિંહ યાદવ કોના માટે શું બોલ્યા એવા ન્યૂઝ વાંચ્યા વગર વાચકનું શું ખાટુંમોળું થઈ જવાનું? તોય એ વાંચે છે. એણે શું વાંચવું એ જાણે એના હાથની વાત જ નથી. સેન્સેક્સ સાથે મારે કશોય સંબંધ ન હોય તોય એ વિશે વાંચવાનું? ઐશ્વર્યા રાય-બચ્ચન એની દીકરીને નવડાવે છે કે નહિ એ મારે શા માટે વાંચવાનું? સચિન તેંડુલકર કોનો ભક્ત છે એ જાણીને મારે શું કામ? પરેશ રાવલે કઈ જગ્યાએ નવો બંગલો લીધો કે અનિલ અંબાણીને અથાણું ભાવે છે કે નહિ એ જાણીને આપણે શું કામ છે? તોય પત્રકારો એવી વાનગીઓ પીરસતા રહે છે અને વાચકોય વાંચતા રહે છે. સંસારના દરેક જીવને અખબાર અને ન્યૂઝ ચૅનલ વગર ચાલે છે, એકમાત્ર માણસને જ કેમ નથી ચાલતું? જ્યાં સુધી એ ન સમજાય ત્યાં સુધી આ કૉલમ અને આ ન્યૂઝપેપર વાંચતા રહો. નો-પ્રોબ્લેમ.

No comments:

Post a Comment