Pages

Monday, February 8, 2016

ચલતે ચલતે....બસ યૂં હી....

  1. સતત બહુ કામ રહેતું હોય એવા સંજોગોમાં અચાનક એકાદ-બે દિવસોનો અવકાશ વચ્ચે આવી જાય ત્યારે ફાજલ સમયનો પ્રોડક્ટિવ ઉપયોગ કેમ કરવો એ સમજાતું નથી. એ સમયનો ઉપયોગ કરવાનો કોઇ મનસૂબો ઘડી કાઢીએ એ પહેલાં જ કામના બોજની આગામી બૅચ મેઈલબૉક્સમાં ટકોરા મારતી ઊભી રહી જાય છે અને વ્યસ્તતાની ઘટમાળ અને હાથમાંથી સરી ગયેલા અમૂલ્ય ફાજલ સમયનો યોગ્ય ઉપયોગ કરી ન શક્યાના અવસાદ વચ્ચે જીવન ઝોલા ખાતું રહે છે. ક્યારેક એવો વિચાર આવે કે કામમાંથી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સાહિત્યસર્જન, ચિંતન, મનન, બ્લૉગ લેખન અને સંગીત સાધનાને સંપૂર્ણ સમય આપી શકાતો હોય તો કેવું સારું? 
  2. ટ્વિંકલ ખન્નાના પુસ્તક 'મિસીસ ફનીબોન્સ'નો જય વસાવડાએ રવિવારના લેખમાં સરસ આસ્વાદ કરાવ્યો છે. નજીકના ક્રૉસવર્ડમાં જઈને પુસ્તક વિશે તપાસ કરીશ. સાચા દિલથી કોઇ પુસ્તકનો આસ્વાદ કરાવતા લેખકની કલમમાં એ બળ હોય છે કે એણે જે પુસ્તક વાંચવાનું સૂચન કર્યું હોય એના વિશે વાચકના મનમાં તરત ખરીદીને વાંચવાની તાલાવેલી જાગે. બાકી, તો જીએલએફ જેવા મહોત્સવોથી માંડીને રાજ્યભરમાં સેંકડો જગ્યાએ ફરી ફરીને બાપડો-બચાડો ગુજરાતી લેખક પ્રમોશનલ ટુર પછી ઈમોશનલ થઈને નિચોવાઈ જાય ત્યારે માંડ માંડ એના પુસ્તકની નકલો ત્રણ ડિજીટ જેટલાં વેચાણનો આંકડો પાર કરે છે. ગુજરાતી લેખકને પુસ્તક લખ્યા પછી મોટી સંખ્યામાં એનું વેચાણ કરવા સખત જહેમત ઊઠાવવી પડે છે. અંગ્રેજી લેખકને અપ્રકાશિત પુસ્તક માટે ઍડવાન્સમાં જંગી રકમનું પેમેન્ટ મળી જાય છે.
  3. 6 ફેબ્રુઆરી 2016ના દિવ્યભાસ્કરમાં 'પ્રસૂતિ અને સંતતિ' શીર્ષકવાળા કાન્તિ ભટ્ટના લેખમાં એક વાક્ય વાંચ્યું કે રાજાઓ, સ્ત્રીઓ અને વગડામાં ઉગેલા દ્રાક્ષના વેલાઓનો સરખો સ્વભાવ છે...તેની ખૂબ નિકટ આવે તેને ભેટી પડે છે. આત્મીયતા સાધે છે. આ વિશે એટલું કહેવાનું કે આજના જમાનામાં હવે રાજાશાહી રહી નથી એટલે રાજાઓની તો ખબર નથી. સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો દ્રાક્ષના વેલાઓ નિર્જીવ છે. એની પાસે કાળીકૂબડી સ્ત્રી આવીને ઊભી રહે, કોઇ સુંદરી આવે કે ગમે તે આવે, વેલા પાસે ભેટવા માટે પસંદગીના વિકલ્પો નથી. (અપરિચિત) સ્ત્રીની ખૂબ નિકટ જવાથી એ ભેટી પડવાને બદલે તમને રોમિયો સમજીને ચપ્પલ લઈને તૂટી પડે એવી શક્યતા વધારે છે. આત્મીયતા ચોક્કસ સધાય છે, પણ એ સ્ત્રી સાથે નહીં, એના ચપ્પલ સાથે અને જેલની કોટડીમાં જમાદારના ડંડા સાથે! કોઇના ઘરે જઈએ ત્યારે યજમાન વિવેક ખાતર પૂછે કે ઠંડું ચાલશે કે કંઈ ગરમ લેશો? એ રીતે સ્ત્રીની ખૂબ નિકટ જવાથી ચુંબન ચાલશે કે આલિંગન લેશો? એવો પ્રેમનીતરતો પ્રસ્તાવ મૂકતી નથી.
  4. કોઇ બે સ્થળો વચ્ચે ટ્રેન શરૂ કરતા પહેલાં રેલ્વે વિભાગ એ લાઈનનો ફિઝિબિલિટી સ્ટડી કરે છે જેમાં એ લાઈન શરૂ કરવાથી આર્થિક ફાયદો થશે કે નહીં, બંને સ્થળો વચ્ચે નિયમિત આવ-જા કરનારા યાત્રીઓ મળી રહેશે કે નહીં વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈને ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ કેટલો વ્યવહારૂ છે એ જોવામાં આવે છે. એ જ રીતે મારા હૃદયના ઉદગમસ્થાનેથી (Origin) ઊમટેલી લાગણીઓનો પ્રવાહ તારા દિલ સુધી પહોંચીને મને પ્રેમની મંઝિલ (Destination) સુધી લઈ જવામાં સફળ થશે? વચ્ચે કોઇપણ જંક્શન પર રોકાવાની લાલચ જતી કરીને મારા દિલના ઉદગમસ્થાનેથી સીધા તારા દિલની મંઝિલ સુધી પહોંચાડતા પ્રેમના પાટાં બિછાવવાની સંભાવનાનો તાગ મેળવવા માટે આપણા સંબંધોનો હું ફિઝિબિલિટી સર્વે કરવા માંગું છું.

1 comment:

  1. "સતત બહુ કામ રહેતું હોય એવા સંજોગોમાં અચાનક એકાદ-બે દિવસોનો અવકાશ વચ્ચે આવી જાય ત્યારે ફાજલ સમયનો પ્રોડક્ટિવ ઉપયોગ કેમ કરવો એ સમજાતું નથી. એ સમયનો ઉપયોગ કરવાનો કોઇ મનસૂબો ઘડી કાઢીએ એ પહેલાં જ કામના બોજની આગામી બૅચ મેઈલબૉક્સમાં ટકોરા મારતી ઊભી રહી જાય છે અને વ્યસ્તતાની ઘટમાળ અને હાથમાંથી સરી ગયેલા અમૂલ્ય ફાજલ સમયનો યોગ્ય ઉપયોગ કરી ન શક્યાના અવસાદ વચ્ચે જીવન ઝોલા ખાતું રહે છે."
    બહુ સાચી વાત.

    ReplyDelete