16મી ઑક્ટૉબરે જયપુર ખાતે અને 30મી ઑક્ટોબરે નાગપુર ખાતે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં અનુક્રમે 359 અને 350 રનનું લક્ષ્ય આંબીને ભારતે વન-ડે ઈતિહાસના બીજા અને ત્રીજી હાઈએસ્ટ રન ચેઝમાં પોતાનું નામ નોંધાવ્યું. કહો કે જયપુર અને નાગપુરમાં રનનું રીતસર ઘોડાપૂર આવ્યું.
મોંઘવારી વધવાની સાથે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધે એમ છાશવારે બૉલિંગના લીરેલીરા ઉડાડતી અને સેંકડો બાળકોની જન્મદાતા હોય એવી અતિફળદ્રુપ સ્ત્રી જેવી પ્રોડક્ટિવ બૅટિંગ વિકેટ્સની સંખ્યા વધવાની સાથે હવે રનોના ઢગલાં, જંગી જુલ્મી જુમલાના ખડકલાં અને બૅટ્સમેનોના હાકલાં-પડકારાંના દ્રશ્યો સામાન્ય થતાં જાય છે. આપણાં એક કટાર લેખકને ઉત્તેજીત થઈને લાંબો લેખ લખવા માટે મજબૂર કરનાર માર્ચ 2006ની એક વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે એક દડો બાકી હતો ત્યારે 434 રનનું જે ગોડઝિલાકાય (હાથીકાય શબ્દ નાનો પડે!) લક્ષ્યાંક સર કર્યું હતું એ વન-ડે ક્રિકેટમાં ચેઝિંગની ચરમસીમા હતી. ક્લાઈમૅક્સ પછી આમ પણ કેટલું મૅક્સિમમ આપી શકો? ;)
ક્રિકેટનો સિનારિયો બદલાઈ ગયો છે. બૅટ્સમેન હવે રનોનાં ઢગલા ખડકીને જલસા કરે છે અને બિચારા બૉલરો નિર્દયતાથી ફરતાં સ્કોરબોર્ડની ભઠ્ઠીમાં ઝુલસ્યા કરે છે. ડે-નાઈટ મેચના પૂર્વાર્ધમાં બૉલર્સને ધોળે દિવસે તારા દેખાય છે અને ઉત્તરાર્ધમાં રાત્રે સૂતી વખતે બેફામ ઝૂડાવાનાં દુ:સ્વપ્નો આવે છે. બે આખલાંની લડાઈમાં ઝાડનો ખો નીકળી જાય અને બે ઉત્તર-દક્ષિણ વિચારધારાવાળા જાણીતાં લેખકોની લડાઈમાં ફેસબુક વૉલની ખો નીકળી જાય એમ હાઈસ્કોરિંગ મૅચમાં બિચારા બંને પક્ષના બૉલર્સનો કચ્ચરઘાણ નીકળી જાય છે. 70ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝના માઈકલ હોલ્ડિંગ, કોલિન ક્રૉફ્ટ, ઍન્ડી રૉબર્ટ્સ અને જોએલ ગાર્નર જેવા બૉલરોની ચંડાળ ચોકડી કે પછી પાકિસ્તાનનાં વકાર યુનુસ-વસિમ અક્રમ અને વિન્ડિઝનાં જ વૉલ્શ-ઍમ્બ્રોઝની પેસ બેટરીની જે ધાક હતી એવી કોઈ બેલડી કે ચંડાળ ચોકડી આજે જોવા મળતી નથી, બલકે મૅચનું પાસું પલટી નાંખતા ટ્રાન્સફૉર્મર જેવા બૅટ્સમેનની બટાલિયનનો આજે જમાનો છે.
આદિમાનવથી લઈને હવે ઍન્ડ્રોઈડની ઍપ્સ સુધીની ઉત્ક્રાંતિ કરનાર માનવજાત હવે ક્રિકેટમાં પણ નવા નવા લક્ષ્યાંકો સર કરવાની બાબતમાં ઉત્ક્રાંતિમાંથી પસાર થઈ રહી છે. 300ની આસપાસનાં લક્ષ્યાંકમાં જીતની કોઈ બાંહેધરી નથી. 250થી 300 વચ્ચેનું લક્ષ્યાંક અસલામતીની ભાવના લાવે છે. 250થી ઓછાં રન લજ્જા સાથે લઘુતાગ્રંથિ લાવે છે!
ચાર વખત ક્રિકેટનો વિશ્વકપ જીતનાર ઑસ્ટ્રેલિયા સામે વન-ડેમાં સૌથી પાંચ હાઈએસ્ટ રન ચેઝનાં અનિચ્છનીય વિક્રમો પણ નોંધાઈ ગયા છે એને નસીબની બલિહારી કહેવી? કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ !