હેલ્લો દોસ્તો, બ્લૉગની મુલાકાત લેવા બદલ આભાર !
અગાઉ મેં આ બ્લૉગનું નામ Blogger's Digest રાખ્યું હતું અને એની ટૅગલાઈન હતી: વાંચ્યું, જોયું, માણ્યું, પિછાણ્યું હોય એનું ચિંતન-મનન કરવા માટેનું અને મનપિંજરમાંથી વિચારોનાં પંખીઓને ઈન્ટરનેટનાં આકાશમાં ઊડતા મૂકવા માટેનું એક માધ્યમ માત્ર !! જો કે, ઘણાં સમયથી કોઈ મનોહર નામ શોધવાની કવાયત જારી હતી એટલે થોડાં સમય પછી નામ બદલીને "શબ્દશ:" રાખ્યું અને ટૅગલાઈન પણ બદલાઈ, પછી સાગર કિનારે દિલ યે પુકારે ગીતના શબ્દો પરથી "ब्लॉगर किनारे...." નામ રાખ્યું અને હવે છેલ્લે બ્લૉગનું નામ બદલીને उधार की ज़िंदगी શા માટે રાખ્યું છે તેની સમજૂતી એક અલગ બ્લૉગ પોસ્ટ લખીને આપી છે.
મનની ભૂમિ પર વાંચનનું ચણ નાંખું છું જેને ચણવા માટે વિચારોના પંખી આવે છે. એ વિચારોના પંખી એટલે આ બ્લૉગ પર મૂકાયેલી તમામ પોસ્ટ્સ! અગાઉ આ સ્પેસ પર લખી ચૂક્યો છું એમ મારા માટે બ્લૉગ એટલે પોતાના વિચારોને મર્યાદિત કે નગણ્ય પહોંચ ધરાવતી ડાયરીના પાનાઓની જંજીરમાંથી મુક્ત કરીને ઈન્ટરનેટના ઈન્ફર્મેશન હાઈ-વે પર ડિજિટલ પગલાં પાડીને વેબ-પ્રેઝન્સનો અહેસાસ કરાવવાની એક પદ્ધત્તિ. :)
મારું ભણતર સાયન્સ બૅકગ્રાઉન્ડનું છે. મેં ફિઝિકલ કૅમિસ્ટ્રી (Physical Chemistry)માં M.Sc. કર્યું છે, પરંતુ મારો વ્યવસાય Freelance Translator તરીકેનો છે એ એક રોમાંચક વિરોધાભાસ છે. અભ્યાસના મુખ્ય વિષય અને ઑક્યુપેશનને ખાસ લેવા-દેવા નથી. સાયન્સ ભણતાં ભણતાં શબ્દોની દુનિયામાં કઈ રીતે આવી ચડ્યો એના સ્ટાર્ટિંગ પૉઈન્ટનું પગેરું મને એક ઘટનામાંથી મળે છે. ગુજરાત સમાચારમાં સૌપ્રથમ વખત વિજય કોટકની આડી-ઊભી ચાવી શરૂ થઈ હતી એ વખતે હું ટીનેજર હોઈશ. પહેલવહેલી એ ચાવી ભરતી વખતે અમુક ખૂટતાં શબ્દો ભરવા મથામણ કરતો હતો ત્યારે પપ્પાએ મહામહિમોપાધ્યાય સ્વ. કેશવરામ કા. શાસ્ત્રીનો દળદાર બૃહદ ગુજરાતી કોશ લાવી આપ્યો. એમાંથી શબ્દો શોધી શોધીને ખાંખાખોળાં કરવાનો ખંત દિનચર્યા બની ગયો અને સાયન્સના સમંદરની સમાંતરે સાહિત્યના સાગરમાં પણ યથાશક્તિ યથામતિ સહેલગાહ કરતો થઈ ગયો. જય વસાવડા, સુરેશ દલાલ, ચંદ્રકાંત બક્ષી, ગુણવંત શાહ સહિતના સેંકડો લેખકોના વિચારો શબ્દસેતુના સથવારે મનમાં તરંગો બનીને ફરતા થયા. સંગીતની રૂચિ શબ્દ કરતાં પણ પહેલાં હતી અને આજે પણ યથાવત છે. શાસ્ત્રીય સંગીતના પચાસેક રાગોનું સ્વરૂપભાન છે અને કંઠ્ય તથા વાદ્ય સંગીતનાં જૂના-નવા ઘણા કલાકારોને દૂરદર્શન/ઈન્ટરનેટના માધ્યમથી સમયે સમયે સાંભળતો રહું છું. (મોહનવીણા વાદક પંડિત વિશ્વમોહન ભટ્ટનો પૌત્ર ખૂબ નાની વયે જ 200થી વધુ રાગો ઓળખી શકે છે!) સાહિત્ય અને સંગીત મારા માટે ડાબા-જમણા હાથ જેવા છે અને કયો હાથ કોનામાંથી ગૂઢ પ્રેરણા મેળવે છે એ અગમ્ય છે. ચાલતી વખતે લયબદ્ધ ગતિ કરતા બંને હાથની જેમ જીવનની ચાલમાં સાહિત્ય અને સંગીત સિન્ક્રોનાઈઝ્ડ મૂવમેન્ટથી જીવનને તાલબદ્ધ રાખે છે.
આટલી લાંબા પરિચય પછી ટૂંકમાં કહી શકું કે કળાની કાયમી કેફી કાયનાતમાં હું ચૂર રહું છું. લાંબા પ્રવાસમાં આપણે ઘણી વખત પોરો ખાવા માટે કે પગ છૂટાં કરવા માટે ગાડીમાંથી ઉતરીને થોડું ટહેલતાં હોઈએ છીએ. એમ વ્યવસાય અને સાંસારિક જીવનની જવાબદારીઓની રોજિંદી ઘટમાળથી યંત્રવત ચાલતાં જીવનમાં પોરો ખાઉં કે પેટછૂટી વાત કરવી હોય ત્યારે આ બ્લૉગમાં મનગમતી મોકળાશ મળે છે.
હું ઍન્ટી-સોશિઅલ નથી, પરંતુ ઍન્ટી-ઈડિયટ ચોક્કસ છું. ઓછા મિલનસાર અને અંતર્મુખી સ્વભાવને કારણે ઍક્ચ્યુઅલ વિશ્વમાં મારું મિત્રવર્તુળ અત્યંત સીમિત છે જ્યારે ફેસબુક જેવી સોશિઅલ નેટવર્કિંગ સાઈટ્સને કારણે વર્ચ્યુઅલ વિશ્વનું મિત્રવર્તુળ વ્યાપક બન્યું છે. ગુજરાતી છાપાંઓની પૂર્તિઓમાં ફેસબુકને વખોડતા લેખો લખીને એ જ લેખોની લિંક ફેસબુક પર મૂકીને લાઈક-કમેન્ટ્સ ઉઘરાવતાં દંભી લેખકોની કમી નથી ત્યારે મારો વ્યક્તિગત અનુભવ કહે છે કે ફેસબુકનો વિવેકપૂર્ણ ઉપયોગ સમાન રસ-રુચિ ધરાવતા મિત્રો મેળવી આપે છે અને વાસ્તવિક જીવનને સમૃદ્ધ બનાવે છે. ઑર્કુટ પર રજની અગ્રાવત, મનન ભટ્ટ જેવા સુપર શાર્પ વાચકોની મૈત્રી ફેસબુકના ફલકથી વાસ્તવિક જીવનમાં રૂબરૂ મળવા સુધી વિસ્તરી છે એને સદભાગ્ય સમજું છું. :)
કેટકેટલા શાયરો-કવિઓ વિશે કહું? ઘાયલની ગઝલોમાંથી ઘણી વખત અમૃત પ્રાપ્ત થયું છે, મરીઝને કારણે સંજોગોની ક્રૂરતા સામેની રીસ ઓછી થઈ છે, બેફામની પંક્તિઓથી બરકત થઈ છે, શૂન્યએ ભાવશૂન્ય બનતો અટકાવ્યો છે, સૈફ સંગ સેફ ફીલ કર્યું છે, અને સુરેશ દલાલના નામનો જય વસાવડાએ જે રીતે સંધિ વિગ્રહ કર્યો હતો બિલકુલ એ જ પ્રમાણે સુર-રસ-દિલ-લાલ એ ચારેય શબ્દો એમના અદભુત અછાંદસ કાવ્યો થકી મહેસૂસ કર્યા છે. ઉત્તરોઉત્તર ઉત્તમોઉત્તમ કાવ્યો માણવાનો વૈભવ જીવનમાં મળ્યો છે એ 'ગની'મત છે. છંદનું મને જ્ઞાન નથી, પરંતુ પોએટ્રીના ટ્રી નીચે નિયમિત વિસામો લેતો હોવાથી સારી-ખરાબ કવિતાઓ વચ્ચેનો ભેદ તો ચોક્કસ કરી શકું છું. ઉત્તમ અને અધમ વચ્ચેનો તફાવત ખબર છે, સંનિષ્ઠ અને કનિષ્ઠને અલગ તારવી શકું છું, બહેતર અને બદતર વચ્ચેનો ફર્ક માલૂમ છે, સોબર અને ગોબરને ઘઉં અને કાંકરાની જેમ જુદા પાડી શકું છું. દુ:ખદર્દની જ્યારે પણ દિલમાં હેલી આવે છે ત્યારે સંવેદનાથી વ્યક્ત થવા મથતા શબ્દો આપોઆપ કવિતાની થેલી લઈને આવી જાય છે. :)
મારા જીવનનો સાર બે શબ્દોમાં : લખવું અને વલખવું ! (બહારથી) નિજાનંદ માટે લખવું અને (અંદરથી) પ્રતિભાવો માટે વલખવું ! આ બ્લૉગ ગમે તો આપના પ્રતિભાવો nehalnatural@gmail.com પર નિ:સંકોચ પાઠવી શકો છો.
માનનીય નેહલભાઈ,
ReplyDeleteતમે ઉંમરમાં મારાથી થોડા જ મોટા છો, માટે નેહલભાઈ સંબોધીશ.
બીજા ગુજરાતી બ્લોગસની જેમ તમારા આ બ્લોગનો હું કાયમી વાંચક છું.
મેં પણ એક બ્લોગ બનાવ્યો છે, જેનો હેતુ શું છે તે તમોને ઈમેલ કરેલ જ છે તો ચેક કરી લેશો...
બીજું એ કે NOW SOCIAL MEDIA TRENDS, So I already sent to you FRIEND REQUEST at Your Facebook Account(Hope You will Accept it.)
Also, Add You as my friend at Google Plus also. So You can easily find me and add me as YOUR FRIEND.
Jay Shri Krishna....
(ગુજરાતી હોવાનો તથા ગુજરાતી બોલવાનો ગર્વ છે.)
સ્નેહાધીન,
પાવન જેઠવા
ઉમળકાભર્યા પ્રતિભાવ બદલ આભાર.
Delete