ગુજરાતી વાચકોના પ્રિય નવલકથાકારોમાં મોખરાનું સ્થાન ધરાવતા સ્વ.અશ્વિની ભટ્ટના સર્જન વિશે ભાગ્યે જ કોઇ વિવેચકે કશું લખ્યું હશે. સુરેશ જોષીના શિષ્ય શિરીષ પંચાલના પુસ્તક "નવલકથા: સ્વરૂપ અને વૈવિધ્ય"માં "લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર" પ્રકરણ હેઠળ પહેલી વાર મને અશ્વિની ભટ્ટના સર્જન વિશેની વિવેચના વાંચવા મળી. આખો લેખ ખૂબ અભ્યાસપૂર્ણ અને વારંવાર વાંચવો ગમે એવો રસપ્રદ લાગતાં ત્રણ ભાગોમાં મારા બ્લૉગ પર મૂકી રહ્યો છું. ઓવર ટુ ધ આર્ટિકલ:
સાહિત્ય વિવેચનની કેટલીક સંદિગ્ધ સંજ્ઞાઓમાંની એક સંજ્ઞા 'લોકપ્રિય સાહિત્ય'ની છે. લોકપ્રિયની અવેજીમાં લોકભોગ્ય, લોકાભિમુખ વગેરે સંજ્ઞાઓ પણ પ્રયોજવામાં આવે છે. એક જમાનામાં આ સંજ્ઞાઓ હકારાત્મક મૂલ્ય ધરાવતી હતી પરંતુ આજે એનું મૂલ્ય સાહિત્યવિવેચન સંદર્ભે હકારાત્મક નહીં પણ નકારાત્મક છે. જે કાળે કળા જીવનનો અનિવાર્ય અંશ હતી અથવા કહો કે જીવનનો વિસ્તાર હતી તે સમયે તો કળાના સંપર્ક વિના માનવી જીવી જ શકતો ન હતો, ત્યારે લોકપ્રિય કળા કે લોકપ્રિય સાહિત્ય જેવા શબ્દો સાવ અપ્રસ્તુત હોય એ સમજી શકાય. પરંતુ આજે જ્યારે સામાન્ય માનવી અને કળા વચ્ચે ખાસ્સું અંતર પડી ગયું હોય ત્યારે લોકપ્રિય કળા અને ઉન્નતભ્રૂ કળા એવા બે વર્ગ પડી જાય તે સ્વાભાવિક છે અને પરિણામે ઉન્નતભ્રૂ વર્ગ લોકપ્રિય કળાસાહિત્યને પોતાના ક્ષેત્રમાં પ્રવેશબંધી ફરમાવે.
પશ્ચિમમાં આ વિશેની ચર્ચાઓ પૂરતાં સાધનસામગ્રીને કારણે વ્યવસ્થિત થઈ શકી છે. કળાના સમાજશાસ્ત્ર કે સાહિત્યના સમાજશાસ્ત્ર અન્વયે આવા વિષયો ચર્ચાય છે. યુરોપ અમેરિકાની વિદ્યાપીઠોમાં માત્ર સાહિત્યના જ વિદ્યાર્થીઓને નહીં પણ સમાજવિદ્યા, મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને લોકપ્રિય સાહિત્ય ભણાવવામાં આવે છે. આ વિશે લખાયેલા નિબંધોમાં અબ્રાહમ કપ્લનનો નિબંધ 'ધ ઍસ્થેટિક્સ ઑવ ધ પોપ્યુલર આર્ટ્સ' બહુ જાણીતો છે. સૌંદર્યશાસ્ત્રનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે મહાન, વિશિષ્ટ કળાકૃતિઓ વિશેની ચર્ચાઓને જ આવરી લેવામાં આવે છે. પરિણામે સામાન્ય કક્ષાની કૃતિઓની વાત હંમેશાં બાજુ પર મૂકવામાં આવે છે. અબ્રાહમ કપ્લન આ ઉપેક્ષિત કૃતિઓના વ્યાકરણની વાત સહાનુભૂતિપૂર્વક કરવા પ્રેરાય છે. સુન્દરમે 'ગીત' વિશેના જાણીતા નિબંધમાં અવિનાશ વ્યાસ જેવાનાં ખૂબ જ લોકપ્રિય નીવડેલાં ગીતોમાં કાવ્યત્વ ક્યાં, કેવી રીતે ખૂટે છે તેની કરેલી ચર્ચા સહજ યાદ આવે છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અઢારમી સદીના આરંભથી લોકપ્રિય કળાઓનો ઉદય થયો. નવલકથાસ્વરૂપ તો પહેલેથી જ લોકપ્રિય રહ્યું છે. આ ઉદય પાછળ ઔદ્યોગિક ક્રાંતિ, મધ્યમવર્ગનો ઉદય જવાબદાર હોઈ શકે. એની સામે કાન્ટ જેવાના સૌંદર્યશાસ્ત્રને મૂકવું પડે. આમ છતાં એવું માનવાને કારણ નથી કે અઢારમી સદી પહેલાંના લોકો અમુક પ્રકારની કૃતિઓમાં, પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓમાં જ રસ લેતા હતા. સંસ્કૃત સાહિત્યમાં નાટક, પ્રકરણ જેવા પ્રકારો ઉપરાંત ભાણ જેવો નાટ્યપ્રકાર વિકસ્યો હતો. આ પ્રકાર પ્રશિષ્ટ કૃતિઓના કાવ્યશાસ્ત્રથી ઊફરાં જવાનું વધારે પસંદ કરતો હતો.
આ અને એવી બીજી ઘટનાઓ જોઈશું તો લોકપ્રિય સાહિત્ય, કળા સર્વદેશીય, સર્વકાલીન પ્રતીત થશે. કોઇ કૃતિ લોકપ્રિય કેવી રીતે બને છે, લોકોની કયા પ્રકારની અપેક્ષાઓ એમાં સંતોષાય છે, પોતાની કૃતિને વધારે પ્રભાવક બનાવવા માટે જે તે લેખક કેવા પ્રકારની યુક્તિપ્રયુક્તિઓ પ્રયોજે છે તેનો અભ્યાસ ન કરવાથી સરવાળે તો સૌંદર્યશાસ્ત્રને જ નુકસાન જાય છે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
આની ચર્ચામાં આગળ વધીએ તે પહેલાં કોઇ કૃતિ કયા ધોરણે લોકપ્રિય કહેવાય એની સ્પષ્ટતા કરવી જરૂરી છે. માત્ર સંખ્યાની દૃષ્ટિએ લોકપ્રિયતા નિયત કરવામાં જોખમો છે. આજે ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય ગણાતા અશ્વિની ભટ્ટની 'આશકા માંડલ' જેવી કૃતિની નકલો ચાર ચાર આવૃત્તિ પછી (1979-1990 સુધી) પંદર હજારથી વધારે ન હતી. એની સામે નર્મદના કાવ્યસંગ્રહની નકલો અગિયાર વર્ષમાં વીસએકવીસ હજાર જેટલી ખપી હતી, નર્મગદ્યની નકલો બાર હજાર જેટલી ખપી ગઈ હતી. દલપતરામની કૃતિઓ થોડી વધારે વેચાઈ હતી. સુધારકયુગ અને પંડિગયુગના સાક્ષરતાના ગુણોત્તરને ધ્યાનમાં રાખીશું તો આ બંને વચ્ચેનો ભેદ વધુ સ્પષ્ટ થશે. એવી જ રીતે પશ્ચિમની લોકપ્રિય કૃતિઓનો માપદંડ પણ નહીં ચાલે. અમેરિકન નવલકથાકાર જોસેફ હેલરની 'કેચ 22' એક જમાનામાં સૌથી વધારે વેચાણની યાદીમાં સ્થાન પામતી હતી. એ નવલકથાનો ગુજરાતી અનુવાદ થાય તો વર્ષે સો વાચક મળવા પણ મુશ્કેલ થઈ પડે. પશ્ચિમને બાજુ પર રાખો, બંગાળનો માપદંડ પણ નહીં ચાલે. જે વધુ સંખ્યામાં વેચાય તે લોકપ્રિય એવો નિયમ દર વખતે સાચો પડતો નથી. બંગાળમાં રવીન્દ્રનાથ ઠાકુરના સમગ્ર સાહિત્યના પચાસ હજાર સેટ વિશ્વભારતી સંસ્થાએ આગોતરા ગ્રાહકો નોંધીને વેચ્યા તો પણ હજારો લોકોએ મોડા પડ્યાની ફરિયાદો કરી હતી. ગુજરાતીમાં કનૈયાલાલ મુનશી અને રમણલાલ દેસાઈ ત્યારે લોકપ્રિય હતા અને આજે પણ છે. તેમની કૃતિઓનું વેચાણ આટલી સંખ્યામાં થાય ખરું? જે કૃતિઓ બહુસંખ્ય લોકોને આકર્ષે તે કૃતિઓનું સાહિત્યિક મૂલ્ય સામાન્ય રીતે ઓછું હશે એમ માનીને ચાલવાનાં જોખમ સ્પષ્ટ છે. સ્પેઈનના ઓર્તેગા ગેસેતે આધુનિક કળાના આગમન પછી બહુસંખ્ય અ-રસિક વર્ગ અને અલ્પસંખ્ય રસિક વર્ગ એવા બે વિભાગો આપોઆપ પડી ગયાની નોંધ લીધી હતી. એમની તાત્ત્વિક પીઠિકા સાચી હોવા છતાં એને આધારે કાઢેલાં તારણો ખોટાં હોઈ શકે. એક તારણ એ કાઢવામાં આવ્યું કે સાચી કળા કંટાળાજનક જ હોય અને ભૂલેચૂકે જો કોઇ સાહિત્યકૃતિ મનોરંજનાત્મક મૂલ્ય ધરાવે તો તેને લોકપ્રિયના ખાનામાં જ નાખી દેવાની. લોકપ્રિય કૃતિ મનોરંજન પૂરું પાડે છે અને ઉચ્ચ સાહિત્યકૃતિ કંટાળો આપે છે એ પ્રશ્ન ન હતો. જેને આપણે સાહિત્યકૃતિ કહીએ છીએ તેમાં ભાવકને સર્જક (આ શબ્દ ખૂંચે તો અનુસર્જક) બનવાની ફરજ પડે છે. વળી જે કૃતિ ભાવકને સક્રિય બનાવતી નથી એ કૃતિ રેઢિયાળ જ પુરવાર થાય. સક્રિય બનવા માટે જે પુરુષાર્થ કરવો જોઈએ તે સામાન્ય માનવી કાં તો કરવા માગતો નથી કાં તો એને એવી આદત પાડવામાં આવી નથી. જે સાહિત્યકાર માત્ર લોકાશ્રયી બની રહેવા માગતો હોય તેને માટે આ સામાન્ય માનવી તો સરળતાનો જ ચાહક હોય એવું ગણિત દર વખતે સાચું ન પડે. સાહિત્યના ઇતિહાસમાં વાચ્યાર્થની દૃષ્ટિએ સરળ અને છતાં ભાવકને સક્રિય બનવાની ફરજ પાડતી કૃતિઓનાં અસંખ્ય દૃષ્ટાંતો જોવા મળે છે.
આપણો વિષય છે લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર. સામાન્ય રીતે આમાં જાસૂસી નવલકથા, ધારાવાહી નવલકથા, વિજ્ઞાનકથા, રોમાન્સ, ધાર્મિક કથાસાહિત્ય વગેરેનો સમાવેશ કરી શકાય. લિખિત ભાષાસ્વરૂપના વિકાસ પછી આ સાહિત્યનો પ્રસાર વર્તમાનપત્રો, સામયિકો દ્વારા વિશેષ થતો હોવાને કારણે લોકપ્રિય સાહિત્યનો સંબંધ સમૂહમાધ્યમો સાથે આપોઆપ બંધાય. આ માધ્યમો સાધનો હોવા છતાં એમના દ્વારા લોકપ્રિય સાહિત્યનો પ્રચાર-પ્રસાર થતો હોઈ આ માધ્યમોની વિશિષ્ટતા-મર્યાદાની અસર પણ આ પ્રકારના સાહિત્ય ઉપર થયા વિના રહે નહીં.
નવલકથા સ્વરૂપની ઉત્ક્રાંતિ પર દૃષ્ટિપાત કરનાર એક વાત તો તરત સમજી જાય છે કે આ સ્વરૂપની મથરાવટી પહેલેથી મેલી રહી છે. અહીં તેની વિગતોમાં ન ઊતરીએ. નવલકથાના પ્રકારોમાં પણ ધારાવાહી સ્વરૂપે લખાતો અને રોમાન્સના ઢાંચાનો ઉપયોગ કરતો નવલકથાપ્રકાર સૌથી વધારે લોકપ્રિય રહ્યો છે. જગતની કેટલીક ઉત્તમ નવલકથાઓ ધારાવાહી રીતે લખાઈ છે એ કબૂલવા છતાં આ પ્રકારની કૃતિઓમાં સામાન્ય રીતે વાચકોની રુચિને પંપાળવામાં આવે છે. મોટા ભાગના વાચકો શા માટે નવલકથા ધારાવાહી રૂપે વાંચવાનું પસંદ કરતા હોય છે? ભલે દીર્ઘકાય નવલકથા એકી બેઠકે પૂરી થઈ ન શકતી હોય તો પણ નવલકથા લાંબા સમયપટમાં વંચાતી રહે એના કરતાં તે દસપંદર દિવસ દરમિયાન વંચાય તો જ તેનું હાર્દ ભાવક સમક્ષ વિશેષ માત્રામાં પ્રગટી શકે.
સળંગ નવલકથા વાંચવાનો અવકાશ આજે સામાન્ય માનવી પાસે રહ્યો નથી. નોકરીધંધા માટે રેલવેમાં કેટલા બધા લોકો દૂર દૂર સુધી આવજા કરતા હોય છે. સમય પસાર કરવા આ બધા લોકો કરે શું? લોકપ્રિય સામયિકોમાં ધારાવાહી રૂપે આવતી નવલકથાઓનું વાચન એક સીધોસાદો રસ્તો છે.
નવલકથાના પેટાપ્રકારોમાં સૌથી વધારે વંચાતો પેટાપ્રકાર રોમાન્સના ઢાંચાનો ઉપયોગ કરે છે. ગુજરાતી ભાષામાં એક જમાનામાં જાસૂસી નવલકથા (ધનશંકર ત્રિપાઠી), વિજ્ઞાનકથા (વિજયગુપ્ત મૌર્ય) સારા એવા પ્રમાણમાં લખાતી અને વંચાતી હતી. આજે વિજ્ઞાન, ટેકનોલોજીનો પુષ્કળ વિકાસ થયો હોવા છતાં તથા સમાજમાં હિંસાનું પ્રમાણ વધ્યું હોવા છતાં આ બે પ્રકારો ખાસ ખેડાતા નથી. પશ્ચિમમાં જેને જાસૂસી નવલકથા, વેસ્ટર્ન (અમેરિકન કાઉબોયની કથાઓ) કે યુદ્ધકથાઓ કહેવાય છે તેવી આપણે ત્યાં છે જે નહીં એમ કહીએ તો પણ ચાલે. ગુજરાતી નવલકથાકાર પાસે આ માટેની સજ્જતા ઓછી છે એમ કહેવા કરતાં પશ્ચિમનાં અર્થતંત્ર, વિજ્ઞાન ટેકનોલોજી, સમાજરચના, રાજકારણ આપણા સમાજમાં પ્રમાણમાં ઓછાં છે એટલે ગુજરાતી નવલકથાકાર એ દિશામાં આગળ જવા માગતો જ નથી અને એ એક રીતે સારી વાત કહેવાય. પશ્ચિમની આવી અનેક નવલકથાઓ વાંચી હોવા છતાં, એલેસ્ટર મેકલીન્સ જેવાની ઘણી બધી નવલકથાઓના અનુવાદ કર્યા હોવા છતાં અશ્વિની ભટ્ટ જેવા નવલકથાકાર પોતે જે સમાજમાં જીવે છે તેની મર્યાદાઓને સમજીવિચારીને લખે છે. એક રીતે જોઈએ તો તેમની વાત સાચી છે.
અત્યાર સુધી સાહિત્યકાર પોતાના ભાવકવર્ગને ઓળખતો હતો, કારણ કે તેનો વાચકવર્ગ સીમિત હતો. પણ વસતીવધારો, નિરક્ષરતાનું ઘટેલું પ્રમાણ જેવાં પરિબળોએ આ વાચકવર્ગને અત્યંત વિસ્તૃત બનાવી મૂક્યો. પરિણામે આજે લોકપ્રિય અને ધારાવાહી સ્વરૂપે લખાતી નવલકથાનો વાચકવર્ગ ચોક્કસપણે કયા પ્રકારનો છે તેનો ખ્યાલ લેખકને આવી શકતો નથી. આને પરિણામે તે જે લખે છે તેની પાછળ મોટે ભાગે કોઇ ચોક્કસ પ્રયોજન હોતું નથી, કોઇ પ્રતિબદ્ધતા (અસ્તિત્વવાદથી માંડીને દલિત સાહિત્ય, પ્રગતિવાદી સાહિત્ય) તેની પાસે નથી હોતી. વળી જો તેણે પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો તે કોઇ ચોક્કસ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે એવો વહેમ જવો ન જોઈએ, એટલે જ મોટે ભાગે કોમવાદી સંઘર્ષ, વર્ગસંઘર્ષ ધરાવતી સામગ્રીને પસંદગી ન પણ મળે. એક રીતે એમ કહી શકાય કે તેની કૃતિઓ વાસ્તવવાદી ઢાંચામાં ઢાળવામાં નથી આવતી. વળી આગળ જોયું તે પ્રમાણે વાચકને સહેજેય શ્રમ ન પડે એની કાળજી તે રાખે છે, સામાન્ય રીતે પાત્રોના ચિત્તમાં પ્રવેશવાનું ટાળશે. અંગ્રેજી ભાષામાં અગાથા ક્રિટીની નવલકથાઓ માત્ર કથારસ પીરસતી નથી પણ પાત્રોના મનોજગતનો ખાસ્સો પરિચય તો કરાવે છે પણ આજનો વાચક કદાચ ક્રિસ્ટી કરતાં એલેસ્ટર મેકલીન્સ, આર્થર વ્હેલી, હેરલ્ડ રોબીન્સ, રોબર્ટ લુડલમ, સિડની શેલ્ડન વધારે પસંદ કરશે, કારણ કે આ વાચકને હવે સપાટી પર બનતી ઘટનાઓમાં વધુ રસ પડે છે.
સાર્ત્રે એવા મતલબનું લખ્યું છે કે સાહિત્યકાર માત્ર સમકાલીનો માટે લખે છે. એ વાત સાચી કે ખોટી એની ચર્ચામાં ન ઊતરીએ પણ લોકપ્રિય નવલકથાકાર માટે તો આ વાત સાચી છે. એટલે એને સર્વસાધારણ (યુનિવર્સલ્સ) ઊભાં કરવાની જરૂર લાગતી નથી. મધ્યકાલીન કથાવાર્તાઓને સમકાલીન પુટ અપાતા હતા એ પણ આવા જ કોઇ કારણ હશે, જેથી વાચક માત્ર ઘટના, ચરિત્ર સાથે જ નહીં પણ કૃતિના વાતાવરણ સાથે પણ તાદાત્મ્ય અનુભવી શકે.
આગળ જે પ્રતિબદ્ધતાની વાત કરી તેમાં તો સમાજના નાના વર્ગને રસ પડે એટલે એવા વાચકવર્ગને પડતો મૂકવામાં આવે છે. આ વાચકને એક વ્યક્તિ તરીકે જોવામાં આવતો નથી એટલે પછી અંગત રુચિ જેવો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એવી જ રીતે આ નવલકથાઓના વિષયવસ્તુની પસંદગી પણ સીમિત ધોરણે કરવામાં આવે છે. કાં તો સનાતન પ્રણયત્રિકોણ, કૌટુંબિક પ્રશ્નો. અતિ ચર્ચાસ્પદ બનેલી સમકાલીન ઘટનાઓથી સાવ ઊફરા જઈને લખવાનું એ પસંદ નહીં કરે. દા.ત. આખું ગુજરાત જ્યારે નર્મદાયોજનાને રાજ્યની જીવાદોરી માનતું હોય ત્યારે મેધા પાટકર જેવી સ્ત્રીને નાયિકા રૂપે રજૂ કરતી અને પોતાના લક્ષ્યમાં સફળ થતી બતાવવાનું અશ્વિની ભટ્ટ માટે ખાસ્સું મુશ્કેલ પડે.
જે લોકપ્રિય નવલકથા લખવા માંગે તે નવલકથાકાર ભાવુકતામાં રાચવાનું જ પસંદ કરે, સાથે સાથે વાચકોને નાયક બનાવવા ઉત્તેજે, એને સ્વપ્નસેવી બનાવે. સિગ્મન્ડ ફ્રોઈડનો 'ઇચ્છાતૃપ્તિ તરીકે કળા' સિદ્ધાંત સૌથી વિશેષ આ પ્રકારની કૃતિઓને લાગુ પડે. સૌથી વધારે લોકપ્રિય નવલકથાપ્રકાર જો જાસૂસી નવલકથા કે થ્રીલર ગણાતો હોય તો એમાં નાયક શાને માટે ઝઝૂમે છે તે જુઓ. કાં તો નાયક રોબિન હૂડ પ્રકારનો હોય અથવા એ ડિટેક્ટીવ હોય. છેલ્લો પ્રકાર જુદી રીતે વિચારવો જોઈએ. આ બધી નવલકથાઓમાં પોલિસ હંમેશાં ગુનેગારને પકડવામાં નિષ્ફળ જાય છે. અગાથા ક્રિસ્ટીના હર્ક્યુલે પોઇરે, મિસ માર્પલ; અર્લ સ્ટેનલી ગાર્ડનરના પેરી મેસન-પોલ ડ્રેક, જેમ્સ હેડલી ચેઝના બધા જ નાયકો; ધનશંકર ત્રિપાઠીના હરનામસિંહ દર વખતે ગુનેગારને શોધી કાઢે છે. આમાં અપવાદરૂપ છે જ્યોર્જ સિમેનનનો ઈન્સ્પેક્ટર માઈગ્રે. આ પ્રકારની નવલકથાઓ જગતને અત્યંત સરળતાથી સારા અને ખરાબમાં વહેંચી નાખે છે; કોઇ વાચક પોતાને ખરાબ, અન્યાયી તરીકે ઓળખાવવા તૈયાર નથી હોતો એટલે વાર્તા જ્યારે પૂરી થાય છે ત્યારે ભયાનકતાનો કશો ઓથાર એમાં હોતો નથી, નરી હળવાશ પ્રવર્તે છે. એ રીતે જોઈએ તો અહીં હંમેશાં એક સુરક્ષાનું કવચ વાચકને વીંટાળવામાં આવે છે, નવલકથાકાર કદી વાચકના પગ તળિયેથી કશું ખસેડી લેવાની હિંમત કરતો નથી. આનો અર્થ સીધોસાદો એટલો જ કે અહીં અનુભૂતિના નવા પ્રદેશોની શોધ ભાગ્યે જ કરવામાં આવે છે. હા, નવી માહિતી મળે છે.
ભાગ-2 વાંચવા માટેની લિંક: http://mehtanehal.blogspot.in/2016/01/2.html
ભાગ-2 વાંચવા માટેની લિંક: http://mehtanehal.blogspot.in/2016/01/2.html
Nice posting.thanks.
ReplyDeleteખૂબ ઉપયોગી, આભાર
ReplyDelete