ગઝલના વિવિધ પાસાંઓ, અંગોની સ્વરૂપગત સમજણ વિના અર્ધદગ્ધ ગઝલિયાઓ ગઝલ સર્જન કરવા પર ઊતરી પડ્યા છે. ઘેર ઘેર માટીના ચૂલાંની જેમ ફેસબુકની દીવાલે દીવાલે ગઝલ સર્જનના ચૂલાં સળગી રહ્યા છે. કાફિયા અને કલ્પનો ખૂટે એટલે ત્રણ-ચાર શેરમાં હાંફી જઈને ગઝલ પૂરી કરી નાંખતા તીનશેરિયા કે ચારશેરિયા ગઝલકારોની જમાત ઊભી થઈ છે. એક પાન ઠૂંસ્યું હોય ત્યાં ગલોફામાં બીજા બે પાન ઠાંસીને બોલનારા માણસના મોઢામાંથી પિચકારી છૂટે એમ ફેસબુક પર ફ્રેન્ડ લિસ્ટમાં ગામના ઉતાર જેવા ચારથી પાંચ હજાર મિત્રોને ઠાંસી ઠાંસીને ભર્યા હોય તો ગમે તેવી વાહિયાત ગઝલ પર પણ લાઈક-કમેન્ટ્સની પિચકારીઓ વછૂટે છે.
છ કે સાત શેર લખ્યાં હોય તો સમ ખાવા પૂરતાં એક શેરમાં પણ તમને "વાહ" ફૅક્ટર જોવા ન મળે એવી તો કેટલી ગઝલો ગણાવવી? ઘણી ખરી ગઝલોમાં ગઝલિયતને બદલે ગલગલિયત અને શેરિયતને બદલે બોરિયતનું પરિબળ વધારે હૅવી અને હાવી થઈ જતું હોય છે. અમુક લોકોની તો ઓળખ જ તમુક છંદોમાં જ લખતાં ગઝલકારો તરીકેની થઈ જાય છે. કોઇ રમણભાઈ રમલ સિવાય એકેય છંદમાં ગઝલ લખતાં જ નથી. કોઇ રજતભાઈ રજઝમાં ગઝલો ઢસડ્યે જાય છે. કોઇ હરીશભાઈને હજઝ સિવાયના બાકીના છંદો સાથે બાપે માર્યા વેર છે.
શબ્દોનું લગાત્મક સ્વરૂપ આવડવા માત્રથી જ ગઝલો લખવાનું લાયસન્સ મળી જતું હોત તો બીજું શું જોઈએ? લગાત્મક સ્વરૂપની કાચી-પાકી જાણકારી ગઝલોને કલાત્મક બનાવવા પૂરતી નથી.
No comments:
Post a Comment