મારા જ દિલનો આ હવાલો કેમ મુજ હસ્તક નથી,
તારા વિના અન્યત્ર ઝૂકે એવું આ મસ્તક નથી.
ચાહે તો રાખી લે અમર્યાદિત મુદત માટે ભલે,
આ દિલ છે મારું, લાઈબ્રેરીનું કોઇ પુસ્તક નથી!
કંઈ તો સમજ તું સાનમાં, જે કંઈ કહું હું કાનમાં,
કહેવા બધી વાતો તને, મારી કને મુક્તક નથી!
આ આંગણું મારું સ્વયમ છે તારા ઈન્તેજારમાં,
પણ કેમ મારા દ્વાર પર તારા હજી દસ્તક નથી!
આ પ્યારનો છે મામલો, માની શકું એવીય વાત,
જે વાતને નહિતર તો કોઇ ધડ નથી, મસ્તક નથી!
મારી નજરમાં હું વસાવું અન્યને, સંભવ નથી,
તારી નજર ક્યાં છે? નજર મારી પ્રિયે તિર્યક નથી!
તારા મુખે હો શબ્દ એ સૂરાવલિથી કમ નથી,
તારા સૂરો ના હોય એ સપ્તક મધુર સપ્તક નથી!
સાથે મળીને ચાલ નયનોમાં પરસ્પર ડૂબીએ,
મારે અવર સંગે કદી રચવું તારામૈત્રક નથી!
(નેહલ મહેતા)
(નેહલ મહેતા)
No comments:
Post a Comment