હમણાં ભરૂચથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલા ટંકારિયા ગામે 18 જાન્યુઆરીએ જીવનમાં પ્રથમ વખત એક મુશાયરામાં જવાનું બન્યું હતું. મુશાયરાનો દોર સંભાળતા કવિશ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીને' મારા મનમાં ચાલી રહેલી "મુક્તક" વિશેની શબ્દરમતને આ રીતે વાચા આપી: મૂક તક... તક મળી એટલે મૂકી દો એ મુક્તક ન કહેવાય! એમાં મારો ઉમેરો કરું તો ઘણાનાં મનમાં એવો ભ્રમ હોય છે કે ગઝલ બે શેરથી આગળ ન વધે એ મુક્તક બની જાય છે. પણ એવું નથી. કૈલાસ પંડિત સંપાદિત 'અમર મુક્તકો' પુસ્તકમાં મુક્તકની વ્યાખ્યા આ રીતે અપાઈ છે: મુક્તક એટલે પૂર્ણ અર્થવાળો શ્લોક કે કાવ્ય. વ્યાખ્યા પ્રમાણે બીજા સાથે સંકળાયેલું ન હોય, જેનો અર્થ સ્વયં સંપૂર્ણ હોય એટલે કે જેમાં અર્થની આકાંક્ષા અધૂરી રહેતી ન હોય તે મુક્તક. એક વિચાર, એક મનોભાવ, એક ઊર્મિ, એક વિભાવનાને ચાર પંક્તિમાં પૂર્ણપણે વ્યક્ત કરી શકે તે મુક્તક. મૂક બનીને તકની રાહ જોયા વિના હું પણ મારા પાંચેક મુક્તકો રજૂ કરું છું:
(1)
મંદિરોમાં જો જશો તો દાન માટે બૉક્સ મળશે,
દાન પેટીમાં કશું મૂકો તેથી ના મોક્ષ મળશે.
જાળવીને ચાલજો ભક્તો ધરમ કેરી ડગર પર,
કે અહીં તમને ઘેટાનાં સ્વાંગમાં બહુ ફૉક્સ મળશે!
(2)
તું પાસે હોય ત્યારે ગાલ પર દેખાય લાલિમા,
અને દૂર હો તો ઘેરાતી ઉદાસીની આ કાલિમા.
તું સમજાઈ શકે તેથી હું શું વાંચું મને કહેને?
રહેશે ઠીક સહિયર કે પછી વાંચું હું મધુરિમા?
(3)
છે દુર્યોધન વસેલો આપણા સૌનાં હૃદયમાં એક,
સમજ છે સત્યની પણ દિલમાં એ સ્થાપી નથી શકતો.
ખબર છે કે અહિત નિજનું કરે છે કોણ કિન્તુ એ,
વિવશ છે કે બુરાઈને કદી ત્યાગી નથી શકતો.
(4)
હવે દેખાય છે ક્યાં પૂજ્ય જે લાગે એ ઓલિયો,
કુકર્મોનાં કીટાણુંથી ધરમને થયો છે પોલિયો.
હજો લ્યાનત મલિન વૃત્તિનાં તકસાધુઓ પર કે જે,
જોઈ સ્ત્રીને તરત ઢાળી દિયે છે એક ઢોલિયો.
(5)
સૂઝે તો બસ એક ગઝલ ક્યારેક સૂઝી જાય છે,
ને ન સૂઝે તો ઘણાં દિવસો એ રૂઠી જાય છે.
શેર હું મારા કહીને દાદ પામી ના શકું,
કોઇ ખૂબીથી રજૂ કરી દાદ લૂંટી જાય છે!
No comments:
Post a Comment