Wednesday, January 31, 2024

સીમિત પ્રેમનું અસીમ ગીત (સુરેશ દલાલ)

કાળ વિખેરાઈ ગયો છે કેલેન્ડરની તારીખોમાં, ઘડિયાળના કાંટાઓમાં, પાઠ્યપુસ્તકોનાં પાનાંઓમાં. વિખેરાઈ ગયો છે કાળ લગ્નના રિસેપ્શન્સમાં. ક્યાંક જડ થઈને જકડાઈ ગયો છે રંગીન તસવીરોનાં આલબમોમાં. રેશનકાડર્ઝમાં અને ડાઈનિંગ ટેબલ પર કાળ ખવાઈ ગયો છે. કાળ ઑફિસની દીવાલોમાં ચણાઈ ગયો છે. કાળ ગજવામાં ગૂંગળાઈ ગયો છે. વહી જાય છે કાળ ચેકબુકની સહીમાં. કાળે ક્યારેક શાળાની રિસેસમાં પોતાનો નિર્દોષ ચહેરો બતાવ્યો હતો. હવે ક્યારેક એક અજાણ્યા હિલસ્ટેશન પર કાળ પ્રકટ થાય છે, પણ એનો તરડાયેલો ચહેરો જોયો જોવાતો નથી. કાળ ખોવાઈ ગયો છે મેળામાં બાળકની જેમ અથવા શહેરમાં પહેલી વાર આવેલા ગામડિયાની જેમ. કાળને શોધી આપનારને ઈનામ આપવા માટે મરણ ક્યારનું સાબદું થઈને બેઠું છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

માણસને જોઈએ છે શું? થોડોક પ્રેમ, પ્રેમને પ્રકટ કરતાં શબ્દો અને ચુંબનો, હાથમાં હાથ, કોઈનો સાથ, થોડાંક આંસુ, આછાં સ્મિત, પોતે છે એની હોવાપણાની પ્રતીતિ થાય એવું કામ, પોતાની સ્વીકૃતિ, દિવસનો ઉજાસ, રાતની આકૃતિ, સૂવા માટે પથારી, અઢેલવા માટે ઓશીકું, કોઈકની ધાબળા જેવી હૂંફ, થોડાંક સપનાં, ક્યાંક હુકમ કરી શકે એવી સત્તા, મામૂલી મહત્તા, બેન્ક બેલેન્સ, રડવા માટે ખભો, થોડાક આશ્વાસનના શબ્દો - નાખો આ કુત્તાને થોડાક બ્રેડના ટુકડા. એ ભસતો બંધ થશે અને ભ્રમણામાં ને ભ્રમણામાં ફિરસ્તાની જેમ જીવી જશે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

મેં મારા પડછાયાને રોકી રાખ્યો છે. એને મના કરી દીધી છે હલવા કે ચાલવાની. હું અહીં મારી પ્રિયતમા સાથે. અમારા બન્નેનો પડછાયો એક અને એકાગ્ર. કહે છે કે પ્રેમ તો નિરાકાર અને એને પડછાયો હોતો નથી. અમારો પ્રેમ અત્યારે તો અમારા પડછાયામાં કેદ છે, જેમ રાતે શયનખંડના દર્પણમાં પ્રતિબિંબમાં કેદ હોય છે એમ. પડછાયો અને પ્રતિબિંબ અમારા પ્રેમ પર ચોકીપહેરો નથી ભરતાં. એ તો ગુંજે છે અમારા સીમિત પ્રેમનું અસીમ ગીત.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

એક દિવસ એવો ઊગશે કે જ્યારે હું આથમી ગયો હોઈશ. તમે મને મારા શબ્દોમાં શોધવા મથશો, પણ હું તો ક્યાંક પહોંચી ગયો હોઈશ અશબ્દના પ્રદેશમાં. ક્યાં સુધી તમે રમ્યા કરશો મારા માટીનાં રમકડાં જેવા શબ્દોથી? હું તો મારી રમત-મમત બધું જ અધૂરું મૂકીને ચાલી નીકળીશ. કોઈની રમત ક્યારેય પૂરી થતી નથી હોતી. બધા જ અધૂરી બાજી મૂકીને ચાલી નીકળે છે. તમારા હાથમાં તો અઢળક પત્તાં છે- એમાંથી એકાદ પત્તું ન હોય તો પણ શું? રમત ચાલુ જ રહેવી જોઈએ. એક દિવસ એવો ઊગશે કે જ્યારે તમારી રમત હશે, પણ રમનાર તરીકે હું નહીં હોઉં.

મારી એક જ વિનંતી છે કે આંસુને કદી હુકમનું પત્તું નહીં બનાવતા.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

કોણ કહે છે કે હું અહીંથી ચાલી જઈશ? ક્યારેક હું સૂર્યનું કિરણ થઈને વહેલી સવારે તમારી કાચની બારી પર ઝાકળભીના ફૂલના ટકોરા મારીશ, ક્યારેક સાંજને સમયે હું પાગલ હવાની જેમ તમને વીંટળાઈ વળીશ. ક્યારેક તમારા બગીચામાં તમે હીંચકે ઝૂલતા હશો ત્યારે એક ક્ષણ તમારી બાજુમાં તમને પણ ખબર ન પડે એમ ઝૂલી લઈશ. તમારો હીંચકો સહેજ ધીમો પડશે ત્યારે તમને હું જોયા કરીશ. તમારા જ બગીચાની મધુમાલતીની આંખે.

Sunday, January 7, 2024

કોમલ નિષાદ દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો વિશે

ये लम्हे, ये पल हम बरसों याद करेंगे 
ये मौसम चले गये तो हम फरियाद करेंगे

વડોદરામાં કોમલ નિષાદ નામની એક સંસ્થા દ્વારા વર્ષમાંં ત્રણ-ચાર વખત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. કાર્યક્રમ સાંભળ્યા પછી ઘરે પાછા ફરતી વખતે મારી મન:સ્થિતિ ઉપરની લમ્હે ફિલ્મના આનંદ બક્ષીએ લખેલા ગીતની પંક્તિઓ જેવી થતી હોય છે. માત્ર લેટેસ્ટ કાર્યક્રમ નહિ, એના બે-ચાર વર્ષ પહેલાં સાંભળેલા ગાયન-વાદનના કલાકારોએ આપેલાંં પર્ફોર્મન્સની કેટલીક યાદગાર ક્ષણો મનમાં હંમેશાં ઘૂમરાયા કરે છે અને નવો કાર્યક્રમ ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોતો રહું છું. અલગ-અલગ કલાકારોએ ગાયેલી-વગાડેલી બંદિશો જ મનમાં આવ્યા કરે છે અને દિવસો સુધી કામમાં મન લાગતું નથી. મન કાયમ એ અલૌકિક વાતાવરણમાં પાછું જવા માટે ઝંખના કર્યા કરે છે. 
 
કોમલ નિષાદ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં એવું શું ખાસ હોય છે એની આજે કેટલીક વાતો કરવી છે. અમદાવાદનો સપ્તક સંગીત સમારોહ  હોય કે કોલકતામાં આયોજિત ડોવરલેન મ્યૂઝિક કૉન્ફરન્સ હોય, આવાં ઘણાં સંંગીત સંમેલનોમાં ઘણી વખત પ્રમાણમાં નબળા કહેવાય એવા કલાકારો કોઈને કોઈ  રીતે લાગવગ લગાડીને કાર્યક્રમ આપવાની તક મેળવી લેતા હોય છે. માત્ર વડોદરાનું કોમલ નિષાદ જ એક એવું માધ્યમ છે, જ્યાં કલાકારની પોતાની મેરિટ સિવાય બીજા કોઈ માપદંડો પર વિચાર કરાતો નથી. સપ્તકમાં કલાકારોને પરફોર્મ કરવા માટે વધારે સમય અપાતો નથી. સારા સારા કલાકારો સાથે લોકલ નબળા તબલાવાદકોને ગોઠવી દેવામાં આવે છે. સાઉન્ડ સિસ્ટમવાળા કલાકારોની જરૂરિયાત સમજીને એમને ગમે એવો સાઉન્ડ પૂરો પાડવામાં ઊણા ઊતરે છે. કોમલ નિષાદ સંસ્થા આયોજન બાબતે કોઈ કચાશ છોડતી નથી. સાઉન્ડ ઉત્તમ કક્ષાનો હોય છે. કલાકારને પોતાની કમાલ દર્શાવવા માટે પૂરતી મોકળાશ આપવામાંં આવે છે. કાર્યક્રમની શરૂઆત અને અંત વખતે સંસ્થાના કર્તાહર્તા  અને ઓઍનજીસીમાં કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ  વિભાગના વડા તરીકે ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયેલા શ્રી શંકર કુમાર ઝા સાહેબ તરફથી કરવામાં આવતા ટૂંકા, ભાવવાહી, હૃદયસ્પર્શી પ્રવચન અને પુષ્પગુચ્છોથી કલાકારના સ્વાગતની પરંપરા સિવાય બીજી કોઈ ખાસ ઔપચારિકતાઓ હોતી નથી, તેથી સમયનો બગાડ થતો નથી. 

સંસ્થા દ્વારા અલગ-અલગ થીમ પ્રમાણે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચોમાસાની ઋતુ દરમિયાન મલ્હાર ફેસ્ટિવલ આયોજિત થાય છે, જેમાં ગાયન-વાદનના વિવિધ કલાકારો મલ્હાર સમૂહના રાગો પ્રસ્તુત કરે છે. યમન રાગ માટેના ખાસ યમન મહોત્સવનાં આયોજનો પણ ભૂતકાળમાં થઈ ચૂક્યાં છે. એક વખત હોળી દરમિયાન ખાસ હોળીને લગતી રચનાઓ માટે ગાયિકા રાજશ્રી પાઠકનો લાઇટ ક્લાસિકલ વોકલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ૨૦૨૨માં દિવાળીની આસપાસ સંપૂર્ણ રાત્રિનો કાર્યક્રમ હતો, જેમાં રાત્રે ૯ વાગ્યાથી માંડીને સવારે ૬ વાગ્યા સુધી વારાફરતી કુલ ચાર કલાકારોના (શાહના બેનર્જી, કુમાર મુર્દુર, પ્રત્યુષ બેનર્જી અને અશ્વિની ભીડે) કાર્યક્રમો હતા.

મેં અત્યાર સુધી કોમલ નિષાદના બેનર હેઠળ પંડિત અજય ચક્રવર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન, પંડિત અનિંદો ચેટર્જી, પંડિત સુનીલ કાંત ગુપ્તા, પંડિત કુશલ દાસ, રિતેશ-રજનીશ મિશ્રા, પ્રભાકર-દિવાકર કશ્યપ, અનોલ ચેટર્જી, ઉસ્તાદ વાસીમ અહમદ ખાન, ઓમકાર દાદરકર, પંડિત પ્રવીણ ગોડખિંડી, બ્રજેશ્વર મુખર્જી, વગેરે કલાકારોને સાંભળ્યા છે.

હજી ગઈકાલે ૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગાયિકા નવનીતા ચૌધરી અને એમના પછી સ્લાઇડ ગિટારના દિગ્ગજ કલાકાર પંડિત દેબાશિષ ભટ્ટાચાર્યનું વાદન સાંભળ્યું. પંડિતજીએ રાગ બિહાગથી શરૂઆત કરી અને ત્યારબાદ એમણે રચેલ શંકરધ્વનિ રાગ અને ત્યારબાદ જોગ અને ભૈરવીથી કાર્યક્રમ પૂરો કર્યો. એમના વાદનમાં એટલી કુશળતા હતી કે આ વાજિંત્ર જાણે ગાતું હોય એમ લાગતું હતું. હવે ૨૭ અને ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે અને સાંજે એક-એક એમ કુલ ચાર સેશનમાં જુગલબંધીના કાર્યક્રમો થવાના છે. ઝા સાહેબ કહે છે કે જુગલબંધી શબ્દમાં મને કુશ્તી જેવો ભાવ આવતો હોય એમ લાગે છે. જાણે બે કલાકારો એકબીજા સાથે સ્પર્ધા કરવા મંચ પર આવતા હોય! એના બદલે હું સહગાન, યુગલગાન, કે સહવાદન-યુગલવાદન જેવા શબ્દો વધારે પસંદ કરું. બે કાર્યક્રમો વોકલ ડ્યુએટના રહેશે અને  બે કાર્યક્રમો ઇન્સ્ટ્રુમેન્ટલ ડ્યુએટના રહેશે. 

આ કાર્યક્રમો થયાના બેએક મહિનાની અંંદર સંસ્થાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ થઈ જતા હોય છે. કોમલ નિષાદની યૂટ્યૂબ ચેનલની લિંક આ પ્રમાણે છે: https://www.youtube.com/@KomalNishadClassicalMusic

Sunday, August 6, 2023

કૂતરાંઓની શિકારીવૃત્તિ ટ્રિગર થવાનાં કારણો

26 જુલાઈ 2023ના રોજ સવારે આશરે નવ-સવા નવનો સમય હશે. અચાનક દૂરથી એક ભૂંડની કારમી ચીસો સંભળાઈ. એંસીના દાયકામાં હું એક બાળક હતો ત્યારે ભૂંડ પકડનારા સરદારજીઓ અમારી સોસાયટીમાં આવતા એ સમયે ભૂંડની આવી ચીસો સંભળાતી. મને થયું કે હવે એવાં દૃશ્યો જોવા મળતાં નથી તો ભૂંડ આવી ચીસો કેમ પાડતું હશે? હું ઘરના ઉપલા માળે હતો અને મારી પાછળ બીજી સોસાયટીમાં રહેતા એક પડોસીના ઘરની આસપાસથી અવાજ આવતો હોવાનું જણાયું. અગાસીમાં જઈને જોયું તો એ પડોસીના આંગણા સામે આવેલા ગીચ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં થોડી ચહલપહલ દેખાઈ. હું સમજી ગયો કે એ વિસ્તારનાં કૂતરાં આ ભૂંડને ફરી વળ્યાં લાગે છે.

મારા અને એ પડોસીના ઘરની વચ્ચે મોટી દીવાલ કરાવી હોવાના કારણે ત્યાંથી હું સીધો જઈ શકું એમ નહોતો. ત્યાં સુધી પહોંચવા માટે મારે લગભગ 200થી 300 મીટર ફરીને જવું પડે એમ હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને હું તરત હાથમાં એક સ્ટમ્પ લઈને જ્યૂપિટર વાહન સ્ટાર્ટ કરીને એ જગ્યાએ પહોંચી ગયો. મારું વાહન ત્યાં પાર્ક કરીને ભૂંડને ફરી વળેલાં ચાર-પાંચ કૂતરાંઓને ભગાડ્યાં. હું પહોંચ્યો ત્યાં સુધીમાં અહીં એક ફોટામાં બતાવ્યા પ્રમાણે ભૂંડની ગરદનની જમણી બાજુએ કૂતરાંઓએ બચકાં ભરીને ઠીક ઠીક ઊંડો ઘા કરી દીધો હતો.




મેં ત્યાં ઊભા રહીને આણંદ ઍનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને એ લોકોને લોકેશન મોકલ્યું. તદ્દન ખંડેર જેવી હાલતમાં ઊભેલા એક બિસ્માર મકાન પાસે આ ઘટના બની હતી. ઍનિમલ હેલ્પલાઇનવાળા આવે નહીં ત્યાં સુધી ભૂંડનું રક્ષણ કરવા માટે મારે ત્યાં ઊભા રહેવું જરૂરી હતું. દર થોડી થોડી મિનિટો પર કૂતરાં આવતાં હતાં અને હું એમને ભગાડ્યા કરતો હતો. મારી સતત હાજરીને કારણે એ કૂતરાંઓ સમજી ગયાં કે અહીં શિકાર થઈ શકશે નહીં એટલે ત્યાંથી થોડે અંતરે ફરતા બીજા એક ભૂંડ પર તેઓ તૂટી પડ્યાં. હું ઊભો હતો ત્યાં એક મોટી દીવાલ હતી અને બાજુમાં ખંડેર જેવા મકાનના બીજા રૂમની દીવાલો હોવાને કારણે બીજા ભૂંડની શું હાલત થઈ હશે એ મને દેખાયું નહીં.



ખેર, અડધા કલાકમાં ઍનિમલ હેલ્પલાઇનની ટીમ મેં whatsapp કરેલા લોકેશનના આધારે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ભૂંડ પર દવા રેડી. કૂતરાંઓના હુમલાને કારણે અધમૂઆ જેવી હાલતમાં આડું પડેલું ભૂંડ હવે થોડું હલનચલન કરી શકતું હતું. માણસોને જોઈને એ ઊઠીને ખંડેર પાછળ ઊગી નીકળેલાં ઊંચાં ઝાડી-ઝાંખરાંમાં ચાલ્યું ગયું. હેલ્પલાઇનની ટીમ પણ એની પાછળ ગઈ અને દવા લગાડી. તકલીફ એ હતી કે એ લોકો પાસે કોઈ આશ્રયસ્થાન ન હોવાથી જે તે સ્થળે ઘાયલ પ્રાણીઓને સારવાર આપીને ચાલ્યા જાય છે. પોતાની સાથે કોઈ પ્રાણીને તેઓ રાખતા નથી.

હું એ લોકોનો આભાર માનીને દસ-સવા દસની આસપાસ ઘરે પાછો આવી ગયો, પણ મનમાં આશંકા હતી કે ભૂંડ બહુ લાંબું જીવી શકશે નહીં. બીજે દિવસે વહેલી સવારે સાડા ચાર વાગ્યે મારી આંખો ખૂલી અને નીચેના માળે જવા માટે ઝાંપાનું તાળું ખોલ્યું ત્યારે ફરીથી એક ભૂંડની કરપીણ ચીસો સંભળાઈ. મેં અનુમાન કર્યું કે ગઈકાલે મેં જે ભૂંડને બચાવેલું આ એ જ ભૂંડ હશે. હવે હું લાચાર હતો. ફરીથી મદદે દોડી જવાનો કોઈ અર્થ નહોતો. થોડી મિનિટો પછી એની ચીસો શાંત થઈ એટલે સમજી ગયો કે ભૂંડનો જીવ ચાલ્યો ગયો હશે. ગઈકાલે મારા હસ્તક્ષેપને કારણે એ ભૂંડને પંદર-વીસ કલાકનું જીવતદાન મળ્યું એવો વાંઝિયો સંતોષ લઈને દુ:ખી હૃદયે દિવસ વિતાવ્યો.

મારી સોસાયટીનાં કૂતરાંઓને નિયમિતપણે ખવડાવનાર વ્યક્તિ તરીકે મારો પોતાનો અનુભવ સારો રહ્યો છે તો પેલા વિસ્તારનાં કૂતરાંઓએ કેમ આવું કર્યું હશે? ગૂગલ સર્ચ કરતાં માહિતી મળી કે ખિસકોલી, સસલાં, ભૂંડ અને નાનાં બાળકોના High pitched soundsને કારણે કૂતરાંઓમાં રહેલી શિકારીવૃત્તિ સળવળાટ કરવા લાગે છે અને પોતાનાથી નાનાં કદનાં આ પ્રાણીઓ પર ભેગાં થઈને તૂટી પડે છે.

આ ઘટના પરથી એવા તારણ પર આવ્યો છું કે આવી દુખદ ઘટનાને કારણે બધાં જ કૂતરાંઓને ખૂંખાર માની લઈને એમને એક લાકડીએ હાંકવાની જરૂર નથી. સોસાયટીના બધા સભ્યો ભેગા મળીને કૂતરાંઓને નિયમિત ખોરાક-પાણી મળે એવી વ્યવસ્થા કરે, પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓ પાસે કૂતરાંઓના રસીકરણની ઝુંબેશ ચલાવે, માણસો દ્વારા કૂતરાંઓ પ્રત્યે ક્રૂરતાપૂર્વકનાં આચરણ ઓછાં થાય તેનાથી પરિસ્થિતિમાં સુધારો આવી શકે. નસબંધીનાં ઑપરેશનથી પણ કૂતરાંઓમાં રહેલી આક્રમકતા ઓછી થાય છે. આવાં ઑપરેશનમાં કૂતરાદીઠ પાંચથી દસ હજારનો ખર્ચ થાય છે, તેથી જે તે નગર-શહેરની મ્યુનિસિપાલિટીની જવાબદારી બને છે કે પોતાને ફાળવવામાં આવેલા સરકારી બજેટમાંથી પ્રાણીઓના અનુભવી વેટની મદદ લઈને આ પ્રકારનાં ઑપરેશન કરાવે. અન્યથા, વર્ષમાં બે વખત સંવનનકાળને કારણે કૂતરાંઓની વસતી વધવામાં વાર લાગતી નથી અને એવી સ્થિતિમાં, માણસો અને અન્ય પ્રાણીઓ સાથે કૂતરાંઓનું જે ઘર્ષણ થાય છે તે વધતું જ જવાનું છે.

Monday, June 12, 2023

પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ, વીમા માટેના ફોનનો ત્રાસ અને રક્તબીજ રાક્ષસની વાર્તા

બજાજ ફાઇનાન્સ, આઇડીઍફસી વગેરે તરફથી લોન, ક્રેડિટ કાર્ડ, વીમા માટે આવતા ફોનના ત્રાસથી ભાગ્યે જ કોઈ ભાગ્યશાળી વ્યક્તિ અલિપ્ત રહી શકી હશે. આ લોકોના ફોન આવે ત્યારે એમના ફોન કૉલની યાદીમાંથી નામ કાઢી નાખવા માટેની વિનંતી તેઓ કાને ધરતા નથી.

અત્યાર સુધી આ લોકોના સેંકડો નંબરો બ્લૉક કરી ચૂક્યો હોઈશ, પણ દર વખતે નવા નવા નંબરો પરથી ફોન અહર્નિશ, અવિરત આવ્યા જ કરે છે. 

મને પુરાણના એક રાક્ષસ રક્તબીજની વાર્તા યાદ આવે છે. રક્તબીજને વરદાન હતું કે કોઈ એને મારે અને એના લોહીનાં જેટલાં ટીપાં જમીન પર પડે એટલા જ બીજા રાક્ષસો પેદા થઈ જાય. આ ફોન કૉલ્સનો ત્રાસ વર્તાવતી કંપનીઓના પણ જેટલા નંબરો બ્લૉક કરો એના જેટલા જ બીજા નંબરો પરથી એમના કૉલ્સ આવતા જ રહે. આખી જિંદગી આ લોકોના કૉલ બ્લૉક કરવામાં કાઢી નાખો તો કદાચ મૃત્યુ પછી પણ કેડો ન મૂકે.

હમણાં બજાજ ફાઇનાન્સ કંપની દ્વારા લોકોને ફોન કરીને અપાતા ત્રાસ વિશે કંપનીના ઍમડી  સંજીવ બજાજે બહુ ઉદ્દંડતાથી જવાબ આપતાં કહ્યું હતું કે લોકો ઇચ્છે તો આ કૉલમાંથી Opt Out કરી શકે છે, પણ પછી જ્યારે લોનની જરૂર પડે ત્યારે કૉલ પર વિનંતીનો સ્વીકાર થાય એવી અપેક્ષા રાખવી જોઈએ નહિ!

લો કર લો બાત! મતલબ, જ્યારે જરૂર ન હોય ત્યારે લોનની ઑફરોના ફોન કૉલ્સનો ત્રાસ વેઠ્યા કરવાનો અને એવા ફોન કૉલ્સમાંથી opt out થઈ જાઓ ત્યારે ભવિષ્યમાં લોનની જરૂર વખતે કંપની લોન આપવાની ના પાડી દે એની તૈયારી રાખવાની! લાગે છે કે આ કંપનીના વણજોઈતા કૉલ્સ જો બંધ થઈ જતા હોય તો એની સામે લોન ન મળે એ જરાયે ખોટનો સોદો ન કહેવાય, કારણ કે કંપની તરફથી આવતા ત્રાસદાયક કૉલ્સ બંધ થવાથી જે માનસિક શાંતિ મળે એની કિંમત લોનની ન મળેલી સંભવિત રકમ કરતાં ઘણી વધારે હશે!

Saturday, April 15, 2023

ટ્રીનીદાદ: એક જબરદસ્ત હથોડો

 એક જબરદસ્ત હથોડો (PJ) લઈને આવ્યો છું. ઝીલવા માટે (સૉરી, ઝેલવા માટે) તૈયાર રહેજો:

ભારત સિવાયનો એક દેશ કે જ્યાં કોઈ ગુજરાતી કે બીજી એકેય ભારતીય ભાષા જાણતી વ્યક્તિ ન હોય ત્યાં તમે પોતાની મૌલિક કવિતાનું પઠન કરો ત્યારે ત્યાંના માણસોની દાદ મળે કે ન મળે, પણ ઝાડની દાદ તો ચોક્કસ મળે જ. જાણો છો એ કયો દેશ કે પ્રદેશ છે?

ટ્રીનીદાદ!😁😁😁

Tuesday, February 28, 2023

ગમેલી ગુજરાતી ફિલ્મો વિશે

 અત્યાર સુધી જેટલી ગુજરાતી ફિલ્મો ગમી એમાં મારી પસંંદગીમાં એક પૅટર્ન મેં નોંધી છે. કાં તો ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક હોવા જોઈએ અથવા હીરો-હિરોઇન તરીકે પ્રતીક ગાંધી અને દીક્ષા જોશી હોવાં જોઈએ અથવા બેમાંથી એક હોય તો પણ ચાલે.

કૃષ્ણદેવ યાજ્ઞિક ચીલાચાલુ ફિલ્મો બનાવતા નથી. પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની ફિલ્મોની પસંદગી સારી હોય છે. યશ સોની પણ સારી ફિલ્મો કરે છે.

જેના કારણે અર્બન ફિલ્મોનો વાયરો ફુંકાયો એવી બૅટર હાફ ફિલ્મ જોવાનું બન્યું નથી અને 'કેવી રીતે જઈશ' ફિલ્મ ગમી નહિ તો દસ મિનિટમાં બંધ કરી દીધી. એ જ રીતે મલ્હાર ઠાકરની ફિલ્મ વીર-ઈશાનું સીમંત અડધેથી જોવી બંધ કરેલી ફિલ્મ હતી.

બીજી જોયેલી ફિલ્મોમાંં બહુચર્ચિત હેલ્લારો ખાસ ન ગમી.  ઓસ્કાર માટે શૉર્ટલિસ્ટ થયેલ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો જોઈને આંંખો ભીની થઈ હતી.

અન્ય ગમેલી ફિલ્મોમાં લકીરો, રેવા, છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, નાડીદોષ, ફક્ત મહિલાઓ માટે, શુભ આરંભ, શરતો લાગુ, ધૂનકી, લવની લવ સ્ટોરીઝ, બે યાર, ડિયર ફાધર, ચાસણી વગેરેનો સમાવેશ થાય છે.