Tuesday, November 11, 2014

માનું ત્યારે કે જનજીવન સાચે જ પડ્યું છે થાળે

માનું  ત્યારે  કે  જનજીવન  સાચે  જ  પડ્યું  છે  થાળે 
જોવા  પામું  પકવાન  કદી  શ્રમિક  ગરીબોના  થાળે 

આ  લોકોનાં  પ્રશ્નોમાં  કોને  પડવાનો  રસ  કોઇ  દિ, 
ખબર  તરીકે  એ  ચમકે બસ ક્યારે અખબાર મથાળે 

જોયો  છે  મેં  ક્યાંક  વિકાસ  ગગનચુંબી કોઇ મકાને, 
કેમ હજી એ આવ્યો જ નથી નીચેનાં એક પણ માળે? 

ફોકટ   જાહેરાતો   તો   બહુ   થાય   ગરીબોનાં  નામે 
કોઇ   કહેશે   કે   શું   આવ્યું  વાસ્તવમાં  એના  ફાળે? 

વાતો   થાય   ગરીબો   બાબત  ઠંડા  શીતળ  ખંડોમાં 
ને  રંક  બિચારાં  શ્રમ  કરતાં  ઊભાં  લૂ  તાપ વચાળે 

ગંદી   ગોબર  કો'  ગટરે  એ  જોખમ  લેતાં  ઊતરતાં 
સ્વચ્છતાના  આ  શિલ્પીઓના  ચરણો કોણ પખાળે? 

બદલાય  નહીં  રીત-રસમ  પોકળ  સરકારી કામોની 
સૌ   દરવાજા   છે   મોકળ   ને  ડૂચા  માર્યા  છે  ખાળે

Thursday, November 6, 2014

કવિતા અને છંદ વિષયક વિચારો

કવિતા લખવી અને પછી એને છંદમાં નિબદ્ધ કરવી એટલે લઘરવઘર છોકરીને એવી ટાપટીપ કરી આપવી કે જેથી લોકો એને ટગરટગર જોયા કરે. Writing a poetry and then setting it to a meter is like sprucing up an ungroomed woman in such an appealing way that no one can take their eyes off her. ગલી-મહોલ્લામાં મિત્રો સાથે ક્રિકેટ રમો એને આઈસીસીની માન્યતા ન મળે એમ કવિતાઓ છંદ વગર લખો તો એને સાહિત્યિક પ્રકાશનોની માન્યતા મળતી નથી.

સ્ત્રી અને કવિતામાં મને ઘણી સામ્યતા લાગે છે. સ્ત્રી એ ઈશ્વરે દૈહિક સ્વરૂપમાં સર્જેલી મરોડદાર, કમનીય કવિતા છે. A woman is a poetry in physically most aesthetic form ever. તો કવિતા એ પોતાની અભિવ્યક્તિ અને મિજાજને અનુરૂપ છંદના આભૂષણો લાવી આપે એવા કવિની સર્જકતાથી ઉદભવતી સ્ત્રી લાગે છે. સ્ત્રીને કેટલી દુકાનોમાં ફેરવીએ, સેલ્સમેન પાસે કબાટો ઉલેચાવીને જાતજાતનાં વસ્ત્રો, આભૂષણો, ઍક્સેસરીઝ જુએ ત્યારે માંડ એકાદ કૉમ્બિનેશન પસંદ પડે તો પડે એ જ રીતે આપણે રચેલી કવિતાને છંદના અસંખ્ય ઉદાહરણોમાંથી એકાદ લાગુ પડે તો પડે.

"ના કજરે કી ધાર, ના મોતિયોં કા હાર, ના કોઈ કિયા સિંગાર, ફિર ભી કિતની સુંદર હો..." મોહરા ફિલ્મના આ ગીતની જેમ ઘણી વખત છંદની ઝાંઝર કે અરુઝના આભૂષણો કે વર્ણમેળના વિશિષ્ટ વસ્ત્રો પહેર્યા વિના પણ કવિતા શોભી ઊઠતી હોય છે એમ ઘણી સ્ત્રીઓ ખાસ વસ્ત્રાભૂષણ વિના સાદગીમાં પણ ઓપી ઊઠતી હોય છે. ધસમસતી ઊર્મિઓના આવેગને છંદમાં નિબદ્ધ કરવાની કોશિશ એ જોબનવંતી કાયાને તસતસતાં કપડાં પહેરાવવા જેવું લાગે છે. આવે સમયે અનુભવાતી તાણ ઓછી કરવા માટે અછાંદસના ખુલ્લાં વસ્ત્રો પહેરાવવાથી કવિતાનો શબ્દશ્વાસ ગૂંગળાતો નથી.

હમણાં એક ફેસબુક મિત્રની વૉલ પર મુરબ્બી શ્રી દિલિપકુમાર એન. મહેતા સાથે છંદ બાબતે ટૂંકી પણ અર્થસભર ચર્ચા થઈ, એનો સ્નૅપશોટ નીચે જુઓ:



ત્રુટિ વિનાનું વ્યક્તિત્વ મળવું દુર્લભ છે તેમ છંદદોષ વિનાની ગઝલ મળવી મુશ્કેલ છે. ડાઘાં તો ચંદ્રને પણ હોય છે. કલંક સૂર્યમાં પણ ક્યાં નથી હોતાં? ગઝલને છંદનું એક નિષ્પ્રાણ ચોકઠું માત્ર બનાવતા અટકાવવી હોય તો ક્યારેક નાનીશી છૂટ લેવી પડે છે. કવિતા હોય કે સ્ત્રી, બંનેનું સ્વરૂપ જ એટલું આકર્ષક છે કે છૂટછાટ લેવા માટે મન ઉશ્કેરાટ અનુભવે!