Sunday, May 18, 2014

નીતિશ કુમારનું સ્વપ્ન : બેટા, મન મેં લડ્ડુ ફૂટાં?

16મી લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન ક્રિએટીવ અને ભેજાબાજ ટીમના સહયોગથી "So...sorry"ના બેનર હેઠળ આજ તકની ટીમે અફલાતૂન પોલિટિકલ ઍનિમેશન કાર્ટૂન્સ દર્શાવ્યા હતાં એ લગભગ બધાએ જોયાં જ હશે. આવા જ એક કાર્ટૂનનો આઈડિયા અમોને (મોડો તો મોડો) સૂઝી આવ્યો છે. આ પોસ્ટ વાંચનાર પોતપોતાની રીતે એને વિઝ્યુઅલાઈઝ કરી શકશે: 

ચૂંટણીના પરિણામો આવવાની પાછલી રાતની વાત છે. વડાપ્રધાન બનવાના સપનાં જોતાં બિહારના નીતિશ કુમાર સુખેથી નીંદર માણી રહ્યા છે. અચાનક એમને સ્વપ્ન આવે છે કે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. રુઝાન પ્રમાણે જેડી(યુ) બિહારમાં તમામ 40 બેઠકો ક્લિન સ્વીપ કરીને વિરોધીઓના સૂપડાં સાફ કરી રહ્યું છે અને મોદીથી અલગ પડીને એકલે હાથે ચૂંટણી લડવાના નિર્ણયનો ચોખ્ખો રાજકીય ફાયદો થતો એમને દેખાઈ રહ્યો છે અને એ મનમાં મુસ્કુરાઈ રહ્યા છે. ત્રીજા મોરચાના મુખ્ય પક્ષોમાં મુલાયમને 30 બેઠકો મળી છે. માયાવતી ઉત્તર પ્રદેશમાં 15 બેઠકો જીતી લાવ્યા છે પણ મુલાયમ સાથે દુશ્મનીને કારણે એ ત્રીજા મોરચામાં જોડાશે કે કેમ એ નક્કી નથી. ભાજપને 2009ની જેમ જ યુ.પીમાં 10 બેઠકોથી સંતોષ કરવો પડ્યો છે. કોંગ્રેસ ગમેતેમ કરીને 25 બેઠકો ખેંચી લાવી છે. દેશભરની બીજી પરચૂરણ પ્રાદેશિક પાર્ટીઓ કુલ મળીને 70 બેઠકો ખેંચી લાવ્યા છે. દેશભરમાં ભારે ધોવાણનો સામનો કરેલી કોંગ્રેસ ઉત્તર પ્રદેશની 25 સહિત કુલ 54 બેઠકો પરાણે જીતી શક્યું છે અને નીતિશને ટેકો આપવાની જાહેરાત કરી છે. જેડીયુની 40, મુલાયમની 30, કોંગ્રેસની 54 અને અન્ય પરચૂરણ પક્ષોની 70 બેઠકો મળીને 194 થવા જાય છે. 272ના જાદુઈ આંકડાથી 78 બેઠકોનું છેટું છે. ત્યાં નીતિશ સપનામાં શું જુએ છે?

અચાનક બારણે ટકોરા પડે છે અને નીતિશ બારણું ખૂલીને જુએ છે, સામે પ્રસન્ન ચહેરે મમતા દીદી ઊભા છે. બંગાળમાં 34 બેઠકો મેળવનારા મમતા દીદી કહે છે, "તુમ્હારી સેક્યુલર ઈમેજ હમ કો ખૂબ પોસંદ, નીતિશ ! હમ તુમ્હે સપોર્ટ દેને કો વાસ્તે તૌય્યાર હૈ! તુમ કો એકલો ચાલો, એકલો ચાલો ગાના નહિં પડેગા ! હમ તુમ્હારે સાથે ચલેગા!"

નીતિશ માની શકતાં નથી, અને ખુશીના માર્યા બારણું બંધ કરીને ટેકો દઈને ઊભા રહી જાય છે ત્યાં બૅકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, "બેટા, મન મેં લડ્ડુ ફૂટા?"

નીતિશ હા કહેવા માટે ફરી બારણું ખોલે છે ત્યાં તો મમતાની સાથે સાથે 15 બેઠકોવાળાં માયાવતી પણ જોડે ઊભેલા દેખાય છે. માયાવતી કહે છે : "નીતિશજી, સાંપ્રદાયિક તાકતોં કા આપને જો સફાયા કિયા ઉસસે હમે ઈતને પ્રભાવિત હુએ હૈ કિ દેશ કા નેતૃત્વ આપ જૈસે સચ્ચે સેક્યુલર નેતા કે હાથ મેં હી હોના ચાહિએ. હમ આપકો અપના સમર્થન દેતે હૈ."

નીતિશને સાનંદાશ્ચર્ય થાય છે, મોંમાં પાણી આવે છે અને ફરી બારણું વાસીને વિચાર કરે છે કે પોતે જોયું છે કે સત્ય છે કે ભ્રમ ત્યાં જ બૅકગ્રાઉન્ડમાંથી ફરી અવાજ આવે છે, "બેટા, મન મેં દૂસરા લડ્ડુ ફૂટા?"

મમતા અને માયાને આવકારવા માટે નીતિશ બારણું ખૂલે છે ત્યાં તો 37 બેઠકો જીતનારા ત્રીજા સન્નારી જયલલિતા ઊભેલા દેખાય છે. જયલલિતા કહે છે : "અય્યયો, નીતિશ, યેવરી પાર્ટી મેમ્બર ઑફ એડીએમકે વૉન્ટ્સ મી ટુ સપોર્ટ યુ ટુ મેઈન્ટેન સેક્યુલર ઈમેજ ઑફ ધ કન્ટ્રી ! આપ બિહાર કી સ્કૂલો કે કરિક્યુલમ મેં હિન્દી કે સાથ તામિલ ભી શામિલ કરેગા? બોલો....તો મૈં સપોર્ટ દેને કો તૈયાર હૈ!" 

નીતિશ હવે તો પાગલ બનીને નાચી ઉઠે એવી સ્થિતિમાં મૂકાય છે. 194 બેઠકોમાં દીદી, બહેનજી અને અમ્માની બેઠકો ઉમેરતાં આંકડો 280 સુધી પહોંચી જાય છે. ફોટોશૉપની મદદ વિના નીતિશ રાજીના રેડ, ગ્રીન અને બ્લૂ થઈ જાય છે. બૅકગ્રાઉન્ડમાં ત્રીજો લાડુ મનમાં ફૂટ્યો છે કે કેમ એવું પ્રેમથી પૂછતી આકાશવાણી સંભળાય છે. મોંમાં આવેલું પાણી એટલી સપાટી સુધી જાય છે કે હવે બેસિનમાં કોગળા કરવા પડે એમ છે. પણ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા કે કોગળા કરવા ન જવાય એવું એ સમજે છે. અને અહીં તો ત્રણ ત્રણ લક્ષ્મી સામેથી ચાંદલો કરીને વડાપ્રધાન પદ માટે ટેકો આપીને તિલક કરવા આવી છે ત્યારે..... એમ માનીને નીતિશ મોંમાં વધી ગયેલાં પાણીને જેમ તેમ દબાવી રાખે છે અને ત્રણેય સન્નારીઓને ઘરમાં આવકારીને આભાર માનવા માટે કંઈક બોલવા જાય છે એ પહેલાં જ....

સીઆઈડીનો દયા જાણે બારણું તોડી રહ્યો હોય એમ એક સાથે ઘણાં માણસો દરવાજો ખખડાવતાં હોય એવો અવાજ આવવાને કારણે નીતિશ ઊંઘમાંથી જાગી જાય છે. અંદર નીતિશનો નજીકનો એક જેડીયુ કાર્યકર્તા આવીને સીધું રિમોટ ઉઠાવીને ટીવી ચાલુ કરે છે અને બધી ચેનલો પર ચાલી રહેલા પરિણામો અંગે  વીલે મોઢે નીતિશનું ધ્યાન દોરે છે અને પછી આખો દિવસ ઘરમાં ભરાઈ રહીને નીતિશ બીજે દિવસે પ્રેસને બોલાવીને રાજીનામાની જાહેરાત કરે છે. અને પરિષદ પત્યા પછી પેલા કાર્યકર્તાને (પેલી ગીઝરવાળી જાહેરાતમાં બાપ બેટાને ધમકાવી નાંખે છે એવી અદામાં) ખાનગીમાં ધમકાવી નાંખતા કહે છે : "વો ટીવી ઑફ થા તો ઠીક થા. ઑન ક્યું કિયા?"

Saturday, May 17, 2014

સાયોનારા ટુ સોનિયા..ઈટ્સ અ ટાઈમ ફૉર મોદી મેનિયા...

આખરે જેની અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ 16મી લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. 1984 પછી પહેલીવાર કોઈ પક્ષે સ્પષ્ટ બહુમતી મેળવી હોય એવું બન્યું છે. તડજોડ અને જોડતોડનું વરવું રાજકારણ જોઈને ત્રાસી ગયેલી ભારતની લોકશાહીને આખરે સ્થિરતા મળી છે અને દર વખતે ત્રિશંકુના ચોખા અને કંકુ થતાં હતાં એમાંથી મુક્તિ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપના સંખ્યાબળનું વિસ્તરણ થયું છે. કોંગ્રેસનું શરમજનક હદે સંકોચન થયું છે. પરિણામે ખૂલીને મિડિયા સામે આવીને ખુલાસાઓ કરતાં સંકોચ થઈ રહ્યો છે. સંકોચન પામેલી કોંગ્રેસને હવે કોઈ સંકટમોચનની તાતી જરૂર છે.

ન્યૂઝ 24-ચાણક્યનો ઍક્ઝિટ પોલ એકદમ સચોટ નીવડતાં કહી શકાય કે એક ચાણક્યએ બીજા ચાણક્યને જનાદેશ આપ્યો. મોદીનો વેવ છે કે નહીં એવી ટીવી ચર્ચામાં ભાજપને સ્વબળે 272 તો શું 200 બેઠક માંડ મળી શકે છે એમ કહીને મજાક ઉડાવનારા લોકો રીતસર ભોંઠા પડ્યા છે. એમાં ઝી ટીવી પર વર્ષો પહેલાં બૉર્નવિટા ક્વિઝ કૉન્ટેસ્ટ જેવા લોકપ્રિય ક્વિઝ શોનું સંચાલન કરનારા અને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈને મમતાદીદીની ભક્તિમાં અંધ બની IQના મામલે દેવાળું ફૂંકનારા ડેરેક ઓ'બ્રાયન, સતત કોઈકના ઉઠમણામાં જઈને આવ્યા હોય એવું સોગિયું મોઢું લઈને ફરતાં 'આપ'ના સમર્થક અને પત્રકાર અભય કુમાર દુબે, વક્રબુદ્ધિજીવી લેખક પુરુષોત્તમ અગ્રવાલ સહિતના સેંકડો લોકોનો સમાવેશ થાય છે. (ડેરેક ઓ'બ્રાયન અને રાહુલ ગાંધીમાં મેં એક સમાનતા નોંધી છે. રાહુલને કોઈપણ પ્રશ્ન પૂછાય તો અગડમ બગડમ ગોળગોળ જવાબ આપીને એમાં વુમન એમ્પાવરમેન્ટ અથવા કોંગ્રેસમાં યુવાનોને તક આપવા જેવી વાતો જોડી દે એ જ રીતે ડેરેક ઓ'બ્રાયનની મગજની પિન મહિલા આરક્ષણ બિલ પર ચોંટેલી છે. કદાચ મમતા દીદીનો પ્રભાવ હશે!)

પુરુષોત્તમ અગ્રવાલે પરિણામોના એકાદ મહિના પહેલાં એવી ટિપ્પણી કરી હતી કે ભાજપને સત્તા પર આવવું હશે તો ABCD એટલે કે અમ્મા (જયલલિતા), બહેનજી (માયાવતી), ચંદ્રાબાબુ/ચંદ્રશેખર રાવ, દીદી (મમતા બેનરજી)નો ટેકો લીધો વિના ચાલશે નહીં. જો કે, હવે સ્વબળે બહુમતી મેળવવાને કારણે કોઈ સ્થાનિક પક્ષો ભાજપનું નાક દબાવીને ધાર્યું કામ કરાવી શકશે નહીં. 'ભાજપને ટેકો જોઈતો હોય તો અમારા નામનું નાંહી જ નાખજો' એવી અનુક્રમે હિન્દી અને તામિલમાં અલગ અલગ સૂરમાં ટિપ્પણી કરનારા માયાવતીના બીએસપી અને કરુણાનિધિના ડીએમકે પક્ષને સમ ખાવા પૂરતી એકપણ બેઠક મળી નથી.  તો સામે પક્ષે મુંબઈનું હિત જળવાય એવા ઈરાદા સાથે હોંશે હોંશે ભાજપને બહારથી શરતી ટેકો આપવાની  હાકલ કરનારા રાજ ઠાકરેના એમએનએસ પક્ષનું પણ સતત બીજી વખત ખાતું ખૂલી ન શક્યું. ભાજપ પોતાની ગણત્રીઓ પ્રમાણે ચૂંટણીમાં આગળ વધતો ગયો અને બધા પાસાં સવળા પડતાં ગયાં. ચૂંટણીમાં અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાન પર રહેનારા અમ્મા અને દીદીના ટેકાની કોઈ જરૂર રહી નથી. અમ્માએ એનડીએ સરકારમાં વાજપેયીના નાકે કેવો દમ લાવી દીધો હતો અને મમતાએ યુપીએ સરકારમાં કેવી દીદીગીરી કરી છે એ રાજકારણના ખબર-અંતર રાખતાં લોકોને ખ્યાલ હશે જ. 

બીજુ જનતાદળના ટેકાની પણ જરૂર ન રહેતાં ટેકાના બદલામાં ઓરિસ્સા માટે વિશેષ પેકેજ જાહેર કરાવવાના બ્લેકમેઈલિંગની ઘાત પણ ટળી ગઈ છે. આમ હવે ભાજપ પોતાની રીતે ખલેલ વિના શાસન કરી શકે એવી અનુકૂળ સ્થિતિ ઊભી થવાથી કોઈ ટેકણલાકડીની જરૂર રહી નથી. ઉલટું, જેઓ અગાઉ લોકોને ટેકો આપતાં હતાં પરંતુ કાળક્રમે રાજકીય વનવાસમાં જતાં રહ્યા અને રાજકારણની ક્ષિતિજ પરથી ઓઝલ થઈ ગયા હતાં એવા એલજેપીના રામવિલાસ પાસવાન અને ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુનો મોદીના કરિશ્માને કારણે ફરીથી રાજકીય ઉદય થયો છે. (ગાયના પહેલા આંચળમાં ઘણું દૂધ હોય છે અને પછી ક્રમશ: બીજા આંચળોમાં એ દૂધ ઘટતું જાય છે પણ પહેલા આંચળને કારણે બાકીના ચાર-પાંચ આંચળ પણ પૂજાય છે એવું મર્મવેધી અવલોકન કોઈની ઉછીની લોકપ્રિયતાથી ફાયદો મેળવનારા લોકો વિશે બક્ષીબાબુના એક લેખમાં વાંચ્યું હતું.)

પરિણામોના અણધારા આંકડાઓને કારણે ઘણાંને પોતાના પરંપરાગત રાજકીય બાંકડા છોડવા પડ્યા છે. જાતિવાદના રાજકારણનું ઍપિસેન્ટર ગણાતાં ઉત્તર પ્રદેશમાં મતદારોએ મોદીના વિશ્વાસુ અમિત શાહની બે વર્ષની અથાક મહેનતને સાર્થક કરતી અધધધ 71 બેઠકો ભાજપને આપીને સપા, બસપા સહિતના પક્ષોનો સફાયો કર્યો છે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ લપડાક ફરીથી વાગશે એવી ચેતવણી આપી દીધી છે. બિહારમાં મુસ્લિમ મતો જવાની બીકે મોદી સાથે છેડો ફાડીને એકલે હાથે ચૂંટણી લડનારા અને કોંગ્રેસને કદાચ વધારે બેઠકો મળે તો ટેકો આપીને બિહાર માટે વિશેષ દરજ્જાનું પેકેજ મેળવીને અથવા તો પોતે જ કોંગ્રેસ અને ત્રીજા મોરચાના ટેકાથી વડાપ્રધાન બનવાની મુરાદ પૂરી કરી શકે એવી તદ્દન તકવાદી અને તકલાદી નિયતવાળા નીતિશ કુમાર માટે હવે મોં બતાવવા જેવી સ્થિતિ રહી નથી. 

અમેરિકી પ્રમુખ ઓબામા અને ઝાંઝવાના જળ જેવી પાકિસ્તાનની ભ્રામક લોહશાહીના વડાપ્રધાન નવાઝ શરીફે મોદીને અભિનંદન આપ્યા છે અને પોતપોતાના દેશમાં મુલાકાત લેવા આમંત્રણ આપવાનો ઔચિત્ય-વિવેક દાખવ્યો છે. પરંતુ મિયા પડે તો યે ટંગડી ઊંચી  એવું ગુમાન ધરાવતાં કોંગ્રેસી મા-બેટા અને રાજદના લાલુપ્રસાદે મોદીને અભિનંદન આપવાનું સૌજન્ય હજીસુધી દાખવ્યું નથી. 

જનતાની નાડ પારખવામાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસને મતદારોએ રીતસર જાકારો આપ્યો છે. જનલોકપાલ બિલ અને કાળા નાણાં વિરુદ્ધની ચળવળોમાં અન્ના હજારે, કેજરીવાલ, બાબા રામદેવ સાથે ઉદ્દંડ વર્તન, ટેકનોલોજીકલ કનેક્ટિવિટીના જમાનામાં જનતાથી બિલકુલ વિમુખ રહીને ચલાવેલું શાસન, દિવસે દિવસે બહાર પડતાં કૌભાંડોની હારમાળા કે જેને કારણે કંટાળીને કોઈ યોજના જ જાહેર કરવાનું પડતું મૂકવું પડે એવી શરમજનક સ્થિતિ, કંટાળેલી પ્રજા દ્વારા સોશિઅલ મિડિયા પર ઉકળાટ ઠાલવવા માટે કોંગ્રેસ વિશે રોજેરોજ કરાતી મજાકો, વ્યંગબાણો, ઠઠ્ઠાચિત્રોને ગંભીરતાથી લેવાને બદલે સેવેલું દુર્લક્ષ..... કારણોની યાદી માટે દળદાર ગ્રંથ ઓછો પડે અને યુપીએ સરકારની સિદ્ધિઓ ગણાવવી હોય તો જાહેરાતના નાના ચોપાનિયામાં સમાઈ જાય !

ઍક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તકમાં સંજય બારુ લખે છે એમ એનડીએ સરકારે 2004માં અનપેક્ષિત વિદાય લીધી અને કોંગ્રેસના હાથમાં સત્તા આવી ત્યારે વાજપેયી એકદમ ફૂલગુલાબી અર્થતંત્ર આપીને ગયા હતાં. ઘણાં અવરોધો સાથે યુપીએ-1નો કાર્યકાળ પૂરો થયો ત્યાં સુધી પણ ખાસ વાંધો ન હતો. અનામત વિદેશી ભંડોળ વધ્યું હતું. અર્થતંત્રની વૃદ્ધિ-વિકાસ જળવાઈ રહ્યા હતાં. આરજેડીના જમીનથી જોડાયેલા નેતા રઘુવંશપ્રસાદ સિંહે નરેગા સ્કીમ સફળતાપૂર્વક લાગુ કરી અને એ યોજનાના જોરે 2009ની ચૂંટણીમાં ફરીથી સત્તા પર આવનાર કોંગ્રેસ એનો બધો યશ ખાટી ગયું. યુપીએ-1માં પોતાની રીતે થોડાંઘણાં સ્વતંત્ર નિર્ણયો લઈ શકનારા મનમોહનસિંહ યુપીએ-2માં વધારે નબળા પડ્યાં અને સત્તાનું રિમોટ કંટ્રોલ સોનિયા પાસે ગયું.  સત્તાનું કેન્દ્ર પોતાની પાસે રાખીને થોડાં 'બૉસી' (bossy) થવાને બદલે મનમોહન સોનિયાની 'કદમબોસી' કરતા રહ્યાં અને એમની હાલત કોઈ મોટા બિલ્ડિંગની રક્ષા ન કરી શકે એવા નબળા વૉચમેન જેવી થઈ.

ડિસેમ્બર 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 28 બેઠકો મેળવીને અને અંધાધૂંધીભર્યું શાસન કરીને અકાળે વિદાય લેનારા કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અતિઉત્સાહ અને વધુપડતા આત્મવિશ્વાસ સાથે લોકસભાની 300થી વધુ બેઠકો પર ઝુકાવ્યું, પણ જ્યાંથી એનો રાજકીય ઉદય થયો એ દિલ્હીમાં એકપણ બેઠક ન મળી અને પંજાબમાં ચાર બેઠકો મળતાં પાર્ટીની ગતિવિધિઓ અને એના નેતાઓ જેવું જ ચક્રમ પરિણામ આવ્યું! દિલ્હી વિધાનસભામાં આપને 28 બેઠકો મળી ત્યારે ભાજપ અને કોંગ્રેસના વિકલ્પના અભાવે પરેશાન જનતાને સુશાસનની આશાનો સંચાર થતો લાગ્યો, પરંતુ ભ્રષ્ટાચારના આરોપોના મામલે કોંગ્રેસ કરતાં ઘણાં ઓછા ખરાબ ભાજપને પણ કોંગ્રેસની તોલે જ ગણીને બંને પક્ષોમાં કોઈપણ ફર્ક હોવાનો સતત નનૈયો ભણતાં રહેવાનો અભિગમ ભારે પડ્યો. જનલોકપાલ બિલ લાવીને સાંસદોને પ્રજા પ્રત્યે વધારે જવાબદાર બનાવવાનો શુભ આશય કેજરીવાલનો હતો, પરંતુ શરૂઆતમાં સતત કરેલો કોંગ્રેસનો વિરોધ ધીરે ધીરે માત્ર મોદી દ્વેષમાં જ ફેરવાતો ચાલ્યો. પરિણામે, પ્રજાના સખ્ત આક્રોશનો સામનો કરી રહેલી કોંગ્રેસ સામેના જુવાળનો ફાયદો ઉઠાવીને અને મોદીને પણ કોંગ્રેસની જ મિરર ઈમેજ તરીકે ચીતરીને બને એટલી સીટો સેરવી લેવાની તકવાદી વૃત્તિ સ્પષ્ટપણે ઉજાગર થઈ છે. આપનો વિરોધ કોંગ્રેસ પૂરતો સીમિત હોત તો હજી વધારે બેઠકો મળી શકી હોત. ભાજપે કેન્દ્રમાં દસ વર્ષથી શાસન જ કર્યું નથી તો એના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સતત ટીકા કરવાથી કોઈ લાભ મળવાની શક્યતા નથી એટલી સાદી વાત કેજરીવાલ સમજી ન શક્યા. સરવાળે બાવાનાં બેય બગડ્યાં જેવી સ્થિતિ થઈ છે. એક સ્વચ્છ, નીતિમત્તા સાથેના વૈકલ્પિક રાજકારણની જે ચિનગારી કેજરીવાલે પ્રગટાવી હતી એ હાલમાં તો ક્ષીણ થતી જણાઈ રહી છે. પક્ષના આખાબોલા નેતા કુમાર વિશ્વાસે એક ટ્વિટ કરી હતી કે, "बहती नदी में अगर नाले गिरने लगेंगे तो श्रद्धालु आचमन से भी डरेगा, स्नान की तो बात ही छोडो!" આ ટ્વિટ થોડામાં ઘણું કહી જાય છે. ચર્ચાની જરૂર નથી. વ્યવસ્થિત આયોજન વિના જ્યાંથી જેનામાં થોડો પણ પ્રામાણિકતાનો આભાસ દેખાય એવા કોઈપણ વ્યક્તિને લાવીને લોકસભા બેઠકો પર ચૂંટણી લડાવવાનો જુગાર બિલકુલ નિષ્ફળ ગયો. ટૂંકમાં, અત્યાર સુધીના 'આપ'ના દેખાવને જોઈએ તો કહી શકાય કે: ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના!

રાજકારણમાં તદ્દન બાલિશ વર્તન કરીને સુવર્ણ તક વેડફી નાંખનારા કેજરીવાલ અને પરિણામો પહેલાં જ હતાશાથી હાર મારી લેનારી કોંગ્રેસને કારણે સર્જાયેલા શૂન્યાવકાશને સંખ્યાબંધ રેલીઓ સંબોધીને, જે તે પ્રદેશના સ્થાનિક મુદ્દાઓ છેડીને  નરેન્દ્ર મોદીએ આંબી ન શકાય એવા વિજયી માર્જીનથી ભરી દીધો. લેટેસ્ટ ટેકનોલોજી અને પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને દેશમાં શહેરી અને ગ્રામીણ મતદારોને મોદી મેજીકે મોહિની લગાડી.

પાંત્રીસ વર્ષ પછી દેશને એક પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મળ્યો છે અને ત્રીસ વર્ષ પછી દેશના કોઈ એક પક્ષને શુદ્ધ બહુમતી મળી છે. 1984 પછીનો રેકર્ડ જોતાં કહી શકાય કે વડાપ્રધાન પદ માટે ક્યારેય કોઈ મજબૂત, એગ્રેસિવ, પ્રો-ઍક્ટિવ ચહેરો પ્રોજેક્ટ થયો નહીં પરિણામે મૂંઝાયેલી, ભિન્ન ભિન્ન મતોમાં વહેંચાયેલી પ્રજા ખંડિત જનાદેશ આપીને થીંગડા મારીને બનાવેલી ગઠબંધન સરકારો સહન કરતી રહી. નરેન્દ્ર મોદીમાં પ્રજાને એક નિર્ણાયક, દ્રઢ મનોબળવાળા શાસક દેખાયા અને ભાજપે અભૂતપૂર્વ દેખાવ કર્યો.

ચૂંટણીમાં મત આપનારા, ન આપનારા અને ભવિષ્યમાં મત આપવા માટે પુખ્ત થવાની રાહ જોઈ રહેલાં તમામ દેશવાસીઓની આશાભરી નજર નરેન્દ્ર મોદી સામે મંડાયેલી છે. પ્રશ્નો અપાર છે. સમય ઓછો છે. યુપીએ સરકારે ડામાડોળ કરેલા અર્થતંત્રને પાટા પર ચડાવવાનું કામ, આત્મહત્યા કરતા ખેડૂતોના પ્રશ્નો, ઢીલી ખોખલી વિદેશનીતિ અને સંરક્ષણ નીતિમાં સુધારો, ભારતના ગળામાં હાડકાં પેઠે ભરાયેલી બંધારણની 370મી કલમ દૂર કરવાનો પડકાર, દેશની આંતરિક સલામતી સામે પ્રશ્નો ઊભા કરતાં નક્સલવાદીઓ, માઓવાદીઓ સામે કડક ઑપરેશન....વિરાટ દેશમાં વિકટ સમસ્યાઓ છે.

ઍક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં સંજય બારુ લખે છે કે 1984માં 400થી વધુ બેઠકો જીતનારા રાજીવ ગાંધીએ પોતાને ન ગમતાં હોય એવા મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવું પડ્યું હતું. નરસિંહા રાવ, વાજપેયી, દેવગૌડા અને ગુજરાલ જેવા વડાપ્રધાનોએ પણ રાજકીય દબાણો સામે ઝૂકીને અણગમતાં મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવું પડ્યું હતું. સ્પષ્ટ બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદીની કેબિનેટ કેવી હશે? રાજકીય દબાણને અવગણીને મોકળાશથી કામ કરી શકશે? વિદેશ નીતિ બાબતે જી. પાર્થસારથિની સલાહ લેશે? આર્થિક સલાહકાર તરીકે જગદીશ ભગવતીની નિમણૂંક કરશે? સંરક્ષણને લગતી બાબતોમાં જનરલ વી.કે સિંહના અનુભવનો લાભ લેશે? 

નરેન્દ્ર મોદી અને મનમોહન બન્ને અલગ અલગ કારણોસર વિદાય લઈ રહ્યા છે. મોદી વડાપ્રધાન બનવા માટે ગુજરાતમાંથી મુખ્યમંત્રી પદ છોડી રહ્યા છે અને મનમોહન લાચારી, નામોશી ભરેલી નિર્વિકલ્પ સ્થિતિ સાથે રાજકીય નિવૃત્તિ લઈ રહ્યા છે. બળતામાં ઘી હોમવાનું બાકી હોય એમ 21મી મે એટલે કે રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જ મોદી સરકારની તાજપોશી થવાની સંભાવના છે. મોદી સરકારના પીએમઓમાં કામ કરતી કોઈ વ્યક્તિ ભવિષ્યમાં સંજય બારુની જેમ નરેન્દ્ર મોદી વિશે પુસ્તક લખે તો એનું શીર્ષક શું હોઈ શકે? Narendra Modi, Architect of India's Growth, The man who averted accidents !

Thursday, May 15, 2014

ચૂંટણીના પરિણામો પૂર્વે થોડાં મજેદાર જોડકણાં/પંક્તિઓ

આજે સવારે ટીવી જોતાં અને છાપાં વાંચતા સવારે સૂઝેલી પંક્તિઓ/વિચારો/જોડકણાં પ્રસ્તુત છે:

સફળતાના ઘણાં બાપ હોય છે, પણ નિષ્ફળતા બિચારી અનાથ હોય છે એ જોતાં કહી શકાય કે:

कल आएंगे सोलहवीं लोकसभा चुनाव के सब नतीजे
जीतने वाले नेताओं के फूट निकलेंगे नये नये भतीजे !

ઍક્ઝિટ પોલમાં ભાજપને મળતી બહુમતી બાદ અને કોંગ્રેસનું ધોવાણ થતું જોઈને ત્રીજા મોરચા માટે પણ ખાસ આશા રહી નથી:

બનતાં પહેલાં વીખેરાઈ રહ્યા છે બીજા-ત્રીજા મોરચા
મોદી પીએમ બનશે એ વાત પર લાગે એમને મરચાં

એનડીએની સરકાર બનતાં પહેલાં મોદીને મળવા માટે ગુજરાતમાં ભાજપના નેતાઓની ચહલકદમી જોતાં કહી શકાય કે,

ભાજપના નેતાઓએ ગુજરાતમાં નાંખ્યા છે ધામા
સરકાર રચતાં પૂર્વે ચાલી રહ્યા છે બધા ઉધામા

નરેન્દ્ર મોદીની કમ્યુનલ ઈમેજને કારણે શરૂઆતમાં એનડીએ ઍલાયન્સને અછૂત ગણતાં ઘણાં રાજકીય પક્ષો હવે એનડીએમાં ભળવાના સંકેતો આપી રહ્યા છે: 

ઘણાં પક્ષો તૈયાર છે ભરાવા ભાજપની સોડમાં
શરમથી મોં છુપાવવા કોંગીઓ ભરાયા છે બોડમાં

હમણાં સોનિયાએ મનમોહનને ફેરવેલ ડિનર આપ્યું ત્યારે એક વિચાર આવ્યો કે કોંગ્રેસ સરકારે લોકોનું "વેલફેર" કર્યું હોત તો "ફેરવેલ" ડિનર યાદગાર બની શક્યું હોત, પણ એને બદલે એલફેલ શાસન કર્યું.

આવતીકાલના પરિણામો બાદ ઘણાં ઉમેદવારો ડિપોઝિટ ગુમાવશે:

ઘણાં ઉમેદવારોની આવતીકાલે થશે ડિપોઝિટ ડૂલ
પરાજય પછી મંથન થશે, ક્યાં થઈ મારી ભૂલ?

ભારતના ઈતિહાસમાં પહેલી વાર એવું થઈ રહ્યું છે કે ચૂંટણીના પરિણામો આવતા પહેલાં જ કોઈ પક્ષની જીત નક્કી થઈ ગઈ હોય: 

ચૂંટણી પહેલાં પરિણામો થઈ ગયા છે લીક
સત્તા જવી નિશ્ચિત છે, રાહુલને લાગી બીક

ઉપરાંત, સરકાર બનતાં પહેલાં ખાતાંની વહેંચણીઓના સંકેતો મળી રહ્યા છે, એવું પણ કદાચ પહેલી વાર થયું હશે:

ખાતાં વહેંચણીની શરૂ થઈ ગઈ છે કવાયત
મંત્રીપદ એને મળશે હશે જેનામાં કૌવત?

ભાજપના કયા નેતાને કઈ ભૂમિકા સોંપવામાં આવશે એની અટકળો ચાલી રહી છે ત્યારે એક ફની પંક્તિ સૂઝે છે:

भाजपा के किस नेता को सौँपी जाएगी कौन सी भूमिका ?
मोदीजी के गुणगान गा रहे है यो-यो हनी सिंह और मिका !

નરેન્દ્ર મોદીના પત્નીને SPG કક્ષાની સલામતી મળશે એવા સમાચાર આવ્યા છે:

मोदीजी के पत्नी को मिलेगी सुरक्षा SPG की 
आम आदमी को चाहिए कुछ बोतलें LPG की ! 

અને છેલ્લે, આવતીકાલે થોડાં જ કલાકોમાં કોની સરકાર બનશે એની તસ્વીર સાફ થઈ જશે ત્યારે:

किस की बनेगी सरकार यह तस्वीर कल हो जाएगी साफ
ऎसे भी आसार है कि साथ में कांग्रेस भी हो जाएगी साफ !  

Monday, May 12, 2014

અમદાવાદ નેશનલ બુક 'અફેર' 2014 !

છેલ્લી પંચવર્ષીય યોજના પૂરી થઈ ન હોય ત્યાં નવી યોજના આવી જાય, ગયા વર્ષનાં ગુજરાતી સામયિકોના દીપોત્સવી અંકો વંચાયા વિનાના પડી રહ્યા હોય ત્યાં નવા વર્ષની દિવાળી આવી જાય એમ હજી ગયા વર્ષના નેશનલ બૂક ફેઅરમાંથી લીધેલા પુસ્તકો મસ્તકમાં પૂરેપૂરા ઉતાર્યા ન હોય ત્યાં જ આ વર્ષનો બૂક ફેઅર પણ આવી ગયો ! (અમુક લોકો  પુસ્તક મેળાને બદલે બૂક ફેઅર શબ્દ વાંચે ત્યારે એમની દશા લાલ રંગને જોઈને ભડકતાં આખલા જેવી થાય છે એવું સાંભળ્યું છે! જો કે ટાઈટલમાં આ વખતે ફેઅર શબ્દને ઉલટસૂલટ કરીને અફેર શબ્દ લખ્યો છે! :P)



ઘણી ફરિયાદો સાંભળવા મળી છે કે આ વખતના મેળામાં પહેલાં જેટલી મજા ન આવી. પહેલાં બે મેળાઓની સફળતા નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રસ લીધો હતો એના કારણે હતી એવો મત એક મિત્રે વ્યક્ત કર્યો. આ વખતે સાહેબ વડાપ્રધાનપદ પામવાની હોડમાં વ્યસ્ત છે અને જનહિત માટે પ્રચારમાં રોકાયેલાં છે એ વખતે સાહિત્યનું હિત ન જળવાય એ સ્વાભાવિક છે. દિવ્ય ભાસ્કરે છાપેલાં બૂક ફેઅરવિરોધી વિવાદાસ્પદ સમાચાર અંગેનો ગણગણાટ એકાદ સ્ટૉલ આગળથી પસાર થતી વખતે કાને પડ્યો. એક હૉલમાંથી બીજા હોલમાં કે ફૂડ કૉર્ટમાં કે વૉશ-રૂમમાં જઈને પાછા પહેલાં હૉલમાં આવવું હોય તો આવી ન શકાય. લાંબું ચક્કર લગાવીને પાછા મુખ્ય પ્રવેશદ્વારથી આવવું પડે. આવી અગવડ 2015માં નહીં હોય એવી આશા રાખીએ. ગયા વર્ષે જે મફત શરબતની પરબ હતી એની ગેરહાજરી સાલી આ વખતે બહુ સાલી.



આખો હૉલ ભલે સેન્ટ્રલી એસી રહ્યો, પણ અમદાવાદ શહેર થોડું સેન્ટ્રલી એસી હતું? એટલે ગરમીનો પ્રશ્ન તો ખરો જ. આ વર્ષે ઘણાં પુસ્તકો ડોનેટ કરવાની ઈચ્છા હતી એટલે નાનું બાળક પિગી બેન્કમાં પરચૂરણ નાંખતું રહે એમ વર્ષ દરમિયાન ઘરે એક બૉક્સમાં આવા પુસ્તકો સમયે સમયે હું મૂકતો રહ્યો અને જે ભેગા થયા એ પુસ્તક પરબના કાઉન્ટર પર ભેટમાં આપ્યાં. એમાં ઈસ્કોનની બોરિંગ આધ્યાત્મિક ચોપડીઓ, ડોંગરે મહારાજની ભાગવત કથા, તારક મહેતાના ઊંધા ચશ્મા, ચંદ્રકાંત બક્ષીની એક સાંજની મુલાકાત (બક્ષીપ્રેમી મિત્ર મૌલિકા દેરાસરીએ ભેટ આપી હોવાથી મારી પાસે ડબલ થઈ હતી)નો સમાવેશ થતો હતો.

ફલક સાથે રીડિંગ કૉર્નરમાં


થેલાંનો બોજો હળવો કરીને પછી મુખ્ય હૉલમાં પ્રવેશીને અલગ અલગ સ્ટૉલ્સની મુલાકાત લેવાનું શરૂ કર્યું. નાના બાળકો માટેના સ્ટૉલ્સમાં સ્ટેશનરી, ઈન્ટરેક્ટિવ ડીવીડી, પુસ્તકોમાં બેશુમાર વૈવિધ્ય હતું. ફલક માટે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી જોડકણાંઓની થોડી ડીવીડી લીધી. હૉલમાં બાળવાર્તાઓના જાણીતાં પાત્રોના કટ-આઉટ્સ સરસ મૂક્યા હતાં.



ખેર આ વખતે જે પુસ્તકો નજરમાં વસ્યા અને ખરીદ્યા એની વર્ગવાર યાદી આ પ્રમાણે છે:

(1) ભાષા અને સાહિત્ય:

ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ (જયંત કોઠારી) : ગુજરાતી વ્યાકરણ સહિત ભાષાના બધા સ્વરૂપો પર ચર્ચા કરતું પુસ્તક. કાશ, છપાઈ વધારે સારી હોત અને લેખકે ઉંઝા જોડણીનો આગ્રહ રાખ્યો ન હોત તો વધારે મજા આવત !

ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ (દર્શના ધોળકિયા) : ચંદ્રકાન્ત બક્ષી સહિત 24 ગુજરાતી સર્જકોના પ્રાથમિક શિક્ષણની રસપ્રદ વાતો આ પુસ્તકમાં છે. છેલ્લે ગાંધીજી અને દર્શકની દ્રષ્ટિએ પ્રાથમિક શિક્ષણના વિચારો પણ આપ્યા છે.

બાળસાહિત્ય : વિચાર અને વિમર્શ (ઈશ્વર પરમાર) : ગુજરાતી બાળસાહિત્યમાં મૌલિક બાળવાર્તાઓથી આગવું પ્રદાન કરનાર ડૉ. ઈશ્વર પરમાર અહીં બાળવાર્તા લેખનની પ્રક્રિયા વિશે ઝીણવટપૂર્વક વિચાર કરે છે.

ગુજરાતી જોડણીની સમજ (સાંકળચંદ પટેલ): અનુસ્વાર, હ્રસ્વ ઇ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઊની જોડણીના નિયમો, અપવાદો વગેરે વિશે ટૂંકમાં સરસ સમજ આપી છે.

વાર્તાનું શાસ્ત્ર (ગિજુભાઈ બધેકા): આજે જેમનું ગજુ નથી એવા બધિર લોકોનો સાહિત્યમાં રાફડો ફાટ્યો છે ત્યારે એવા માહોલમાં શિક્ષણ સાહિત્યના ક્રાંતિકાર અને મૂછાળી માનું પ્રેમાળ બિરુદ મેળવનારા ગિજુભાઈ બધેકા આ પુસ્તકમાં વાર્તાકથનના અનુભવ અને વાચનનો નિચોડ આપે છે.

  
 (2) હેલ્થ ઈઝ વેલ્થ:

શું ખાવું શું ન ખાવું (પ્રીતિ દવે) : વિવિધ રોગોમાં ડાયેટનું કેવું કૉમ્બિનેશન લેવું જોઈએ એની માહિતી આપેલી છે.

વજન ઘટાડવાનો સફળ પ્રયોગ (શાંતિલાલ સાવલિયા) : ચોંકશો નહીં. આ પુસ્તક મારા માટે નથી. પત્નીના આગ્રહથી એના માટે લીધું છે. ભગવાને મને ભલે ચંદ્રકાંત બક્ષી સાથે હૉટલાઈનની જેમ ડાયરેક્ટ કનેક્ટ થઈ શકતો આત્મા આપ્યો હોય, પરંતુ શરીર જ્યોતીન્દ્ર દવે જેવું આપ્યું છે અને ભૂખ કનૈયાલાલ મુનશી જેવી આપી છે. ઢમઢોલમાંથી બેબી ડૉલ બનવા શું કરવું જોઈએ એની સમજ આ પુસ્તકમાં આપેલી છે.

Diet and Diet Reform (M. K. Gandhi) : યંગ ઈન્ડિયા અને હરિજન સાપ્તાહિકોમાં ગાંધીજીના ખોરાક વિશે પ્રગટ થયેલાં વિચારો આમાં સંકલિત કરવામાં આવ્યા છે.



(3) બાળઉછેર:

આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?/તમે અને તમારું નીરોગી બાળક/બાળઉછેરની બારાખડી (ડૉ. રઈશ મનીઆર): ઉત્તમ કવિ તરીકે જાણીતાં ડૉ. રઈશ મનીઆર ડેવલપમેન્ટ એન્ડ બિહેવિયરલ ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને એ જ્યારે કવિતા સિવાયના એમના મૂળ વિષયની વાત કરે ત્યારે એમના વિચારો જાણવાની તાલાવેલી જાગે એ સ્વાભાવિક છે. રોજ રાત્રે આ પુસ્તકોમાંથી થોડું થોડું પઠન કરીને પત્નીને સંભળાવું છું. કોઈ ભારેખમ આદર્શવાદી વિચારો નહીં. વ્યવહારુ અને ઉપયોગી બને એવી શૈલીમાં સરળ રજૂઆત !

બાળકોને Develop કેવી રીતે કરશો? (અવંતિકા ગુણવંત): જેમ ઘણાં લોકો ગુજરાત સમાચારના નેટવર્કવાળા ગુ.છો.શાહને વિચારોના વૃંદાવનવાળા ગુણવંત શાહ સાથે કન્ફ્યુઝ કરી નાંખે છે એમ અવંતિકા ગુણવંત કદાચ ગુણવંત શાહના પત્ની હશે એવો ભ્રમ મને હતો, પણ એક મિત્રે કહ્યું કે એવું નથી. લગ્ન વિશેના એમના પુસ્તકો ગમ્યા હતાં એટલે આ પુસ્તક પણ ખરીદ્યું.


(4) કવિતા:

સુરેશ વિશે વિશેષ: જેમ મિસિંગ બક્ષી પુસ્તકમાં જાણીતા ગુજરાતી સર્જકો દ્વારા બક્ષીબાબુને અંજલિ આપતાં લેખોનો સંગ્રહ છે એમ અહીં અન્ય લેખકોએ સુરેશ દલાલના જે વ્યક્તિચિત્રો આલેખ્યા છે એનો સંગ્રહ છે. કૉલેજમાં વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક કક્ષાએ ભણતો હતો ત્યારથી સુરેશ દલાલની ઝલક કૉલમને ચાતકની તરસથી માણતો આવ્યો છું. ઈમેજના ઉત્તમ પ્રકાશનો હંમેશાં મેજ પર રાખવાની મોજ આવે જ. :) (આજે પણ ચંદ્રકાંત બક્ષી અને સુરેશ દલાલનો ઉલ્લેખ કરવાનો આવે ત્યારે બંનેના નામ આગળ સ્વ. લગાવવો ગમતો નથી.)

કવિતા એટલે (સુરેશ દલાલ): સુરેશભાઈએ પ્રકાશિત કરેલી ઘણી નવતર શૈલીની પુસ્તિકાઓની જેમ આમાં પાને પાને કવિતાની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે.

ગઝલ પ્રવેશિકા (રાજેશ વ્યાસ 'મિસ્કીન'): નવોદિત ગઝલકારોને ગઝલલેખનમાં અને ઉત્તમ ગઝલોના આસ્વાદમાં ઉપયોગી નીવડે એવું પુસ્તક.

(5) હાસ્ય:

અમર હાસ્યનિબંધો (સંપાદક: વિનોદ ભટ્ટ): આર.આર. શેઠ પ્રકાશન કંપનીએ ગુજરાતી સાહિત્યનો અમર વારસો સિરીઝમાં અમર શેર, અમર ગઝલો, અમર ગીતો, અમર મુક્તકો, અમર બાલકથાઓ, રેખાચિત્રો, પ્રવાસનિબંધો જેવા કુલ અગિયાર પુસ્તકો પ્રકટ કર્યા છે એ પૈકીનું આ એક છે. આખી શ્રેણી દરેક ગુજરાતી સાહિત્યપ્રેમીએ વસાવવી જ જોઈએ એવું અદભુત સંકલન છે. જૂની પેઢીના હાસ્યલેખકો નવલરામ પંડ્યા, રમણભાઈ નીલકંઠથી માંડીને અત્યારની પેઢીના નિર્મિશ ઠાકર સુધીના હાસ્ય લેખકોના લેખો સમાવવામાં આવ્યા છે. વિનોદ ભટ્ટ જેમને સાહિત્યકાર જ ગણતાં નથી એવા અશોક દવેના લેખને પણ સમાવીને સંપાદનમાં ખેલદિલી બતાવી છે.

જ્યાં ત્યાં પડે નજર મારી!/પાનનાં બીડાં/રેતીની રોટલી/મારી નોંધપોથી (જ્યોતીન્દ્ર હ. દવે): જેમની કૉમેડી નિહાળીને સિટ ડાઉન કહેવાનું મન થાય એવા ભદ્દી અને રદ્દી સ્ટૅન્ડ-અપ કૉમેડિયનોના સ્થૂળ હાસ્યથી ટેલિવિઝનનો નાનો પડદો અને આવા કોમેડિયનોની પ્રિન્ટેડ આવૃત્તિ જેવા અટ્ટહાસ્યલેખકોની કૉલમોથી ગુજરાતી છાપાં ખદબદી રહ્યા છે ત્યારે જ્યોતીન્દ્ર દવેનું નિર્દંશ, નિર્દોષ અને વિદ્વતાપૂર્ણ સૂક્ષ્મ હાસ્ય આજે પણ ખડખડાટ હસાવી જાય છે.