Thursday, October 4, 2012

દસ કા દમ: રૅન્ડમ વિચારો, વન-લાઈનર્સ ને એવું બધું....

મગજની રીડ-ઑન્લી મેમરીમાંથી આવેલા થોડાં રૅન્ડમ વિચારોનો એક્સેસ

1. રસોઈ કરતી વખતે રસોડામાં ભેગી થયેલી અને ગૃહિણીને અકળાવતી વરાળને બહાર કાઢવા માટે ઍક્ઝોસ્ટ ફૅનની વ્યવસ્થા હોય છે. એ જ રીતે મનને સંતાપ આપતી હૈયામાં ભેગી થયેલી વરાળને બહાર કાઢવા માટે રુદન અને આંસું મને ઍક્ઝોસ્ટ જેવી રચના લાગે છે.   


2. અમુક લોકો આજીવન પોતાની લીટી દોરવાનું શીખી શકતા જ નથી. બીજાની લીટીને નાની કરીને પોતાની લીટીને મોટી કરવાની વાત તો પછી આવે. 


3. પ્રયત્ન કર્યા વગર અળખામણાં થતાં તરત આવડે છે, પણ પ્રયત્ન કરીને કોઈને પ્રિય થતાં આવડતું નથી.

 
4. કવિહૃદય અને સાહિત્યિક જીવ ધરાવતી વ્યક્તિને કોઈપણ વેદના થાય તો એ હોય એના કરતાં વધારે મોટા સ્કેલની લાગે છે. "વાઘ આવ્યો રે વાઘ"ની જેમ "વેદના આવી રે વેદના" જેવી આ સ્થિતિમાં વ્યક્તિ જ્યાં સુધી પોતાની વેદનાને કાગળ પર ઠાલવીને સેમી-સાહિત્યિક કે ફુલ્લી સાહિત્યિક સ્વરૂપ ન આપે ત્યાં સુધી એના અંતરનો વલવલાટ શમતો નથી.


5. શાળા અને કોલેજ દરમિયાન વિદ્યાર્થીકાળના મારા મરોડદાર સુવાચ્ય અક્ષરો હવે લાંબા સમયથી કી-બૉર્ડને કારણે પેનનો સથવારો છૂટી ગયા બાદ નીકળતાં ગરબડિયા, બગડી ગયેલાં અક્ષરોને જોઈને ઉપહાસભર્યું હાસ્ય વેરે છે. કોઈ નાજુક નમણી ઘાટીલી છોકરી લગ્ન પછી જાણે બેડોળ, સ્થૂળ થઈ ગઈ એવું લાગે છે. વિન્ડોઝ 7નો ઉપયોગ કર્યા બાદ વિન્ડોઝ XPમાં ડાઉનગ્રેડ થવું પડ્યું હોય એવું લાગે છે!



6. રૂમમાં એસી ચાલતું હોય પણ બારી-બારણામાં મોટી તડ હોય તો કૂલિંગ ન પકડાય અને બધી હવા બહાર પલાયન થઈ જાય ! એમ, ગમે તે પ્રવચનો કે સત્સંગોનું શ્રવણ કે પુસ્તકોનું વાચન કરતાં હો પણ ભેજામાં ગૅપ પડેલી હોય તો સઘળું જ્ઞાન અંદર આવે ન આવે એ પહેલાં જ માથા ઉપરથી ઊડી જાય !


7. લપલપિયા કાચબાને લાકડી મોંમાં રખાવીને એના ડેસ્ટિનેશન પર પહોંચાડવા માટે જતાં બે હંસોની વાર્તા ખબર હશે. પણ આજના જમાનાની વાત અલગ છે. લપલપિયો કાચબો એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી ઊડીને જવા માટે  રાજહંસ એરલાઈનની ઈકોનૉમી ટિકિટ ખરીદે છે. સફેદ ઠગ જેવા રાજહંસોની કંગાળ એરલાઈન સર્વિસ અને ટિકિટના મોંઘા ભાવથી વ્યથિત કાચબાએ હવે ઝાઝી લપલપ કરવાનું છોડી દીધું છે.


8. Operating Systemમાં Restore Point નામની એક સગવડ હોય છે. સિસ્ટમ અચાનક બગડે તો છેલ્લે જ્યારે સરસ કામ કરતી હોય એ તારીખનાં રિસ્ટોર પોઈન્ટને એપ્લાય કરવાથી તે ફરીથી મૂળ સ્થિતિમાં આવી જાય છે. માનવીય સંબંધોમાં પણ આવી Restore Pointની વ્યવસ્થા થઈ શકે તો કેવું સારું?


9. સાત્વિકતા અપનાવવાનો અતિશય દુરાગ્રહ માણસને તામસી બનાવી દે છે. 


10. આપણાં C ગ્રેડનાં નેતાઓ માટે Z+ સિક્યોરિટી શા માટે? 

પેરડી: પુન:સર્જનનો વાંઝિયો આનંદ અને કલાવિકૃતિની ગ્લાનિ

રોજીંદી ભાગદોડ ભરેલી જિંદગીમાં જ્યારે નવસર્જન કરવાની મોકળાશ ન હોય (વાંચો, દાનત ન હોય!) ત્યારે પહેલેથી સર્જાઈ ચૂકેલી બેનમૂન કાવ્યપંક્તિઓ, સાહિત્ય કૃતિઓના લીરેલીરા ઊડાડીને કંઈક નવસર્જન કર્યાનો વાંઝિયો આનંદ પ્રાપ્ત થાય છે, અલબત્ત મૂળ સર્જકની માંફી માંગીને સ્તો ! :D