Tuesday, July 4, 2017

મને ચિંતા નથી (ગઝલવિશ્વ જૂન 2017માં છપાયેલી મારી એક ગઝલ) (નેહલ મહેતા)

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ત્રૈમાસિક ગઝલવિશ્વના જૂન 2017ના અંકમાં મારી એક ગઝલ સ્વીકૃતિ પામી છે. ગઝલ મોકલતી વખતે અહીં ટાઇપ કરેલા પાંચમા શેરનો સમાવેશ કરવાનું ટાળ્યું હતું.

કોઇ શું કહે એ વિચારોની મને ચિંતા નથી,
હો હજારો મત, હજારોની મને ચિંતા નથી.

અંતરાત્મા જે કહે એ સાંભળું છું ધ્યાનથી,
બહારના બીજા પુકારોની મને ચિંતા નથી.

છે જીવનમાં અલ્પ મિત્રો એનો આ છે ફાયદો,
પીઠ પાછળનાં પ્રહારોની મને ચિંતા નથી!

રક્ષવી હો જાતને તો માત્ર મીઠ્ઠી ધારથી,
રક્તની પ્યાસી કટારોની મને ચિંતા નથી.

ફૂલ નોખું પામવામાં કંટકો વાગ્યા ભલે, 
રક્તરંજીત આ લટારોની મને ચિંતા નથી.

પાનખર બસ સાથ આપ્યે જાય છે થાક્યા વિના, 
બેવફાઈની બહારોની મને ચિંતા નથી!

કોઇ પરખંદો સમજશે મૂલ્ય મારા હીરનું,
બાકી ઊઘડતી બજારોની મને ચિંતા નથી.

(નેહલ મહેતા)


વિપરીત પરિસ્થિતિ માટેની આપણી પ્રીત

આ દુનિયામાં એક વિષમતા જોવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને પોતે જે પરિસ્થિતિમાં હોય એની વિપરીત પરિસ્થિતિ વધારે શ્રેયસ્કર જણાતી હોય છે. પરિણીત માણસોને અપરિણીત વ્યક્તિઓની સ્થિતિ આદર્શ લાગે છે. અપરિણીત વ્યક્તિ "માંહી પડ્યાં તે મહાસુખ માણે, દેખણહારા દાઝે રે લોલ" એ કાવ્યપંક્તિ વાંચીને ભડકી ઊઠે છે (એ પંક્તિ વાંચતી વખતે શયનખંડમાં શયનસુખ માણી રહેલાં પતિ-પત્નીની કલ્પના એના મનમાં તરવરી ઊઠતી હશે!). તો ઘણી વખત માંહી પડેલાં લોકો દાઝતાં હોય અને એમને દાઝતાં જોઈને દેખણહારા મહાસુખ માણતાં હોય એ સંભાવના પણ અસ્થાને નથી હોતી. ટૂંકમાં, કોણ કઈ પરિસ્થિતિમાં સુખી કે દુખી હશે એ નિશ્ચિત હોતું નથી. આનો કોઈ થમ્બ રુલ નથી. ભારતીય સમાજમાં ફિટ ન થઈ શકતા હોવાને કારણે, આવી પડનારી કથિત સાંસારિક જવાબદારીઓની જંજાળના કાલ્પનિક ભયથી બીકણ ઉંંદરડાની જેમ ડરતાં હોવાને કારણે કે પછી અસલામતીથી ભરેલા પલાયનવાદી સ્વભાવને કારણે અપરિણીત અવસ્થાનો મહિમા ગાતાં વિચારો ઓક્યા કરતાં અને લગ્નનો વિરોધ કરતાં બૅન્ડવાજાં વગાડ્યાં કરતાંં લોકો ખાનગીમાં કોઈ આત્મીય વ્યક્તિ ખભો આપે ત્યારે નાના બાળકની જેમ પોક મૂકીને રડી પડતાં હોય એવું પણ બને.

નોકરિયાતને ફ્રીલાન્સરની સ્થિતિ આદર્શ લાગે છે. ફ્રીલાન્સર સ્વતંત્રતાથી કંટાળીને ક્યારેક નિશ્ચિત સમયગાળાવાળી સલામત નોકરી ઝંખે છે. નિ:સંતાન દંપતિને સંતતિસુખ મેળવનારા યુગલો બડભાગી જણાય છે. સંતાનના ઉછેરમાં, એને ભણાવવામાં જે આર્થિક-માનસિક તાણ અને પળોજણો રહેલી હોય છે એનાથી કંટાળેલાં અમુક માતા-પિતા નિ:સંતાન દંપતિને સુખી માને છે. મુસ્લિમોમાં એકથી વધુ પત્ની કરી શકાતી હોવાથી હિન્દુને વેરાઇટીના મુદ્દે મુસ્લિમ વ્યક્તિથી જલન થતી હશે. એકથી વધારે પત્નીઓની કચકચ સામે પહોંચી વળવાની ક્ષમતાના અભાવે મુસ્લિમ પુરુષ એકપત્નીત્વ પાળતા હિન્દુને ખુશકિસ્મત સમજતો હશે. કઈ સ્થિતિ આદર્શ છે કે કઈ સ્થિતિ આદર્શ નથી એની ચર્ચા કરવાનો આશય નથી, પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે માણસો માટે પોતાની વર્તમાન પરિસ્થિતિઓમાં સંતોષકારક રીતે રહેવાનું અશક્ય બનતું હશે? પારકે ભાણે લાડુ મોટો કેમ લાગતો હશે?