Friday, June 24, 2022

વલ્લભ વિદ્યાનગરમાં મરીઝ વિશે સૌમ્ય જોશીનું એક પ્રવચન

23 જૂન 2022ના રોજ સાંજે સાત વાગ્યે વલ્લભ વિદ્યાનગરમાં કરિયર ડૅવલપમેન્ટ સેન્ટર (CDC) ખાતે ખ્યાતનામ ગુજરાતી ગઝલકાર મરીઝ વિશે સૌમ્ય જોશીનું પ્રવચન યોજાઈ ગયું.

પદ્યપરબ વલ્લભ વિદ્યાનગરના ઉપક્રમે ચાલતી અખ્ખરની પરકમ્માના છઠ્ઠા પડાવ પર જાણીતા નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશીએ "તારા 'મરીઝ', કેવા અજબ રંગઢંગ છે" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન ગુજરાતના સુપ્રસિદ્ધ શાયર મરીઝના જીવન-કવનને જાણવા-માણવાનો વિશિષ્ટ ઉપક્રમ હતું.


આ પ્રવચનની વિડીયો લિંક ફેસબૂક પર મુકાઈ છે એટલે લગભગ એકાદ કલાકનું આખું પ્રવચન અને એ પછી થયેલ પ્રશ્નોત્તરીનું રેકૉર્ડિંગ જોઈ શકાશે, પણ પ્રવચનમાં સૌમ્ય જોશીએ મરીઝ વિશે કહેલો એક કિસ્સો વિશેષ સ્પર્શી ગયો. એક વખત મરીઝનો કોઈ ઉમદા શેર સાંભળીને ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય એટલા બધા ખુશ થઈ ગયા અને કહ્યું કે, "મરીઝ, તમારા આ શેર પર તો મારું આગળનું જે જીવન છે એ તમને લાગી જાય એવી દુઆ કરું!"

મરીઝે પોતાની રમૂજશક્તિનો પરચો આપતાં કહ્યું, "પણ તમારું આગળનું જીવન કષ્ટદાયક હોય તો?" 😃

ખેર, આખું પ્રવચન આ લિંક પરથી સાંભળી શકાશે:



Saturday, June 11, 2022

શાસ્ત્રીય સંંગીતના રાગો ઓળખવામાં ક્યારેક થતી ભૂલો

 મને શાસ્ત્રીય સંગીતમાં ઊંડો રસ છે અને ઘણા રાગો એવા છે જેના સૂરો કોઈ કલાકાર છેડવાની શરૂઆત કરે કે તરત એ રાગ ઓળખી જતો હોઉં છું અને ઘણાખરા રાગ વિશેનાં મારાં અનુમાન સાચાં પડતાં હોય છે.

છતાં, ક્યારેક અમુક રાગમાં એટલો ખોવાઈ ગયો હોઉં કે એ રાગ ગાયા પછી ગાયક બીજો જ રાગ તરત શરૂ કરી દે ત્યારે આ અચાનક થતા switch overને કારણે રાગ ઓળખવામાં તકલીફ પડતી હોય છે. 2013માં મુંબઈમાં હૃદયેશ ફૅસ્ટિવલમાં હું ઉસ્તાદ અમજદ અલી ખાનનું સરોદવાદન સાંભળવા ગયો હતો ત્યારે આવું થયું હતું. એમણે કાર્યક્રમની શરૂઆતમાં જાહેરાત કરી કે હું બૈરાગીનો આલાપ, જોડ અને ઝાલા વગાડીશ જ્યારે ગતમાં આહિર ભૈરવ વગાડીશ. ગત એ એવો ભાગ છે  જેમાં તબલાવાદક સાથે સંગત કરે છે, જ્યારે આલાપ, જોડ, ઝાલામાં તબલાં વાગતાં નથી. એમણે બૈરાગી વગાડ્યો, એ  રાગની અસરમાં મન એટલું  ડૂબી ગયું કે એના પછી આહિર ભૈરવ શરૂ કર્યો ત્યારે ધ્યાન જ  ન રહ્યું કે આ બીજો રાગ પણ એમણે રજૂ કર્યો હતો.

હમણાં વડોદરામાં 10 ઍપ્રિલ 2022ના રોજ પંડિત રાજન-સાજન મિશ્રાના શિષ્યો પ્રભાકર અને દિવાકર કશ્યપ ઉર્ફે કશ્યપ બંધુઓએ લગભગ ચાળીસ મિનિટ સુધી દેસી રાગ ગાયો અને ત્યારબાદ બિલકુલ વિરામ વિના બીજી જ ક્ષણે એમણે વૃંદાવની સારંગ રાગ પ્રસ્તુત કર્યો ત્યારે પણ  હું વૃંદાવની સારંગ રાગને ઓળખવામાં ગૂંચવાઈ ગયો હતો. 

 

Thursday, June 9, 2022

मन फूला फूला फिरे जगत में कैसा नाता रे

 कबीर भजन : मन वृथा ही जगत को अपना स्थायी घर समझने लगता है। मन गर्वित होता है जो महज़ मिथ्या है। माता, पिता, बहन, भाई, स्त्री का नाता बस दिखावटी है। एक रोज चार जने मिलकर काठ की घोड़ी को जला देंगे, जैसे होली का दहन कर दिया जाता है। कोई हिमायती काम नहीं आने वाला उस रोज। दो चार दिन का शोक मनाकर सभी इसी जगत में फिर भ्रमित हो जाएंगे, जबकि उनके सामने तेरा प्रत्यक्ष उदाहरण होगा। मन को सम्बोधित करते हुए कबीर साहेब की वाणी है की इस जगत से तेरा कैसा नाता है। यह भुलावा है, छल है। भाव है की यह जगत एक सराय की भाँती है, कुछ समय का ठिकाना है। हरी के नाम का सुमिरण ही जीवन का सदुपयोग है -सत श्री कबीर साहेब।




मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रे ॥
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

माता कहे यह पुत्र हमारा,
बहन कहे बीर (भाई ) मेरा,
भाई कहे यह भुजा हमारी,
नारी कहे नर मेरा,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

पेट पकड़ के माता रोवे,
बांह पकड़ के भाई,
लपट झपट के तिरिया रोवे,
हंस अकेला जाए,
जगत में कैसा नाता रै,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

जब तक जीवे माता रोवे,
बहन रोवे दस मासा,
तेरह दिन तक तिरिया रोवे,
फेर करे घर वासा,
जगत में कैसा नाता रै,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

चारगजी चरगजी बनाई,
चढ़्यो काठ की घोड़ी,
चारो कानी आग लगाई,
फूँक दियो ज्यों होरी,
जगत में कैसा नाता रै,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

हाड जले जस लकड़ी रे,
केश जले जस घास,
सोना जैसी काया जल गई,
कोइ न आयो पास,
जगत में कैसा नाता रे,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

घर की तिरिया ढूंढन लागी,
ढुंडी फिरि चहु देशा,
कहत कबीर सुनो भई साधो,
छोड़ो जगत की आशा,
जगत में कैसा नाता रे ॥

मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रे,
मन फूला फूला फिरे,
जगत में कैसा नाता रै।

Sunday, June 5, 2022

પંડિત ભજન સોપોરી (1948-2022)

 3 જૂન 2022ના રોજ 73 વર્ષની ઉંમરે સંતૂરવાદક પંડિત ભજન સોપોરીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. કાશ્મીર ખીણના સોપોર વિસ્તારમાં પંડિતજીનો જન્મ થયો હતો, એના આધારે એમની સોપોરી અટક આવી.

આજથી લગભગ બારેક વર્ષ પહેલાં વલ્લભ વિદ્યાનગરના ભૌતિકશાસ્ત્ર વિભાગના ઑડિટોરિયમમાં પંડિતજીનો કાર્યક્રમ થયો હતો ત્યારે મેં એમાં હાજરી આપી હતી. એ કાર્યક્રમમાંં પંડિતજીએ કૌંસી કાનડા નામનો રાગ વગાડ્યો હતો અને તબલા પર દુર્જોય ભૌમિકે સંગત કરી હતી. પંડિતજીએ શ્રોતાઓને પણ  પોતાની સાથે ગાવામાં સામેલ કર્યા હતા.

કાર્યક્રમના અંતે શ્રોતાઓ સાથે સવાલ-જવાબનું સત્ર રખાયું હતું એમાં રિયાઝ કેવી રીતે કરવો જોઈએ એ વિશેના પ્રશ્નના જવાબમાં પંડિતજીએ કહ્યું હતું કે રિયાઝ માટે ત્રણ બાબતો જરૂરી છે: અગન, મગન અને લગન!

સંતૂરના તાર ખેંચીને ગાયકી અંગ દર્શાવવાની તરકીબ માટે પંડિત ભજન સોપોરી જાણીતા હતા. આ બાબતે અસંમતિ વ્યક્ત કરતા પંડિત શિવકુમાર શર્માએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલું કે સંતૂર પર ગાયકી અંગ દર્શાવવું હોય તો તે માત્ર સંતૂરની પોતાની પ્લેયિંગ ટૅકનિકથી જ કરવું જોઈએ. સંતૂરના તારને ખેંચીને ગાયકી અંગ દર્શાવવાની જે ટૅકનિક છે એ સિતારની ટૅકનિકની નકલ હોવાનું પંડિત શિવકુમાર શર્માનું મંતવ્ય હતું.

આવી ટૅકનિકલ બાબતો માટે ટોચના કળાકારો વચ્ચે મતભેદો હોવા સામાન્ય ગણાય, પરંતુ પંડિત શિવકુમાર શર્મા અને પંડિત ભજન સોપોરી બંને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કરેલા પ્રદાન બદલ હંમેશાં યાદ રહેશે.


 


Saturday, June 4, 2022

બાહ્યજીવન સાથે અંતરમાં પણ ડોકિયું તો મારો! (ડૉ. સર્વેશ વોરા)

અન્તર્યાત્રા - ડૉ.સર્વેશ પ્ર. વોરા

અંધેરીના ભવન્સ કેમ્પસની હોસ્ટેલમાં રહેતા ત્યારે એક વાર કવિ નામવરે રાત્રે સાથે ફરતાં ફરતાં જ એમને પોતાની એક રચનાનો મુખડો સ્ફુરેલો:

''હિરના મન કે સાથ બડી મજબૂરી હૈ

ચેહરા ચેહરા ખોજ રહા કસ્તુરી હૈ !''

જોકે આ અંદર ઊતરવાનાં વલણની વાત કોઈ બધાંને કામ આવી જાય એવો કે માથું દૂખતું મટાડવાની તૈયાર પડીકી કે ગોળી જેવો નુસખો નથી. આપણે ત્યાં દુકાનમાં મળતાં મંગળસૂત્ર કે તાવિજ જેમ જીવનની તમામ બાબતો પર ભારે ઠાવકાં સૂત્રો ટકે શેર ભાજી જેમ ફેંકાતાં ફરતાં હોય છે.

હા, આવાં જીવનને પાયાની અસર કરતાં સૂત્રોનો મૂળ કર્તા ખૂબ ઉમદા હેતુથી પોતાની જાત અનુભૂતિથી પ્રેરાઈને જ કહેતો હોય અને જિન્દગીની સરાણે ચડે એટલે ચકમકના પત્થર જેમ ચમકીને, અંધારામાં અજવાળું કરે ! દાખલા તરીકે આપણામાંના મોટા ભાગનાને, આપણા માનવ સંબંધો બાબત ખૂબ ફરિયાદો હોય છે. બે સલાહો અપાતી હોયઃ પેલી વ્યક્તિની જગ્યાએ જાત ને મૂકી જુઓ, અને બીજી સલાહ: અન્યને બદલવા કરતાં જાતને બદલો.

આ બન્ને સલાહો છે તો સો ટચનાં સોના જેવી ! પણ મોટે ભાગે અન્યની જગ્યાએ જાતને મૂકવાનું શક્ય નથી હોતું. બધાંના રસ્તા સમાન્તર (પેરેલલ) હોય છે. એકને રસ્તે આવેલ ઝાડી ઝાંખરાં બીજાને રસ્તે ન આવે ! એક ગૃહસ્થ વ્યક્તિ, એક એકલા રહેનાર જણને, પરસ્પર પૂરા સમજી જ ન શકે !

અને બીજી સલાહ: જાતને બદલવાની! એક વાસણમાં અવારનવાર દૂધ મૂકો, ને દૂધ બગડી જાય ! તો ડાહ્યા માણસે જોવું જોઈએ કે વાસણની અંદરની સપાટી તો બરાબર સાફ કરી છે ને ? મોટે ભાગે આપણે જ્યારે અન્ય પાસે બદલવાની અપેક્ષા રાખીએ છીએ ત્યારે આપણા પોતાના માંહ્યલાની સફાઈની તપાસ કરતા નથી ! ઘણીય વાર આપણી પોતાની આંખોની મર્યાદા નડતી હોય ! પરિણામે જાતને બદલવાની શરૂઆત થતી જ નથી ! મને ખબર પડે કે અમુક વ્યક્તિ પાસેથી અમુંક અપેક્ષા રાખવાથી, નિરાશા મળતાં પીડા થાય છે ત્યારે મારે જાતને બદલવા પ્રયાસ કરવો જોઈએ.

આ રાતોરાત થતું નથી.

ઠેંસ લાગે, નિરાશા મળે, ભોઠા પડો ત્યારે ''કદાચ'' થાય છે. ''કદાચ'' એટલા માટે કે અહીં જ ''અંદર તપાસ''ની ચાવીરૂપ વાત છે. સદ્ભાગી લોકોને પોતાની પાસે જ રહેલી આ ચાવી મળી જાય છે.

કોઈ અનુભવી વડીલ કે સંતની વાત, કોઈ સુવિચાર, કોઈ અનુભવ મંડિત સૂત્ર વાંચ્યું કે સાંભળ્યું હોય, જેને થોડી અઘરી ભાષામાં ''સત્સંગ'' કે ''સ્વાધ્યાય'' કહીએ, એ આપણી ભોઠપ કે પીડાની ક્ષણે જ બરાબર ઝબકી ઊઠે છે, અને એ ક્ષણે મળતો ઉજાશ જ આપણું ''વલણ'' બદલવામાં મદદ કરે છે. હા, અહીં ફરી એક લાલબત્તી. આવું પણ દરેકની વાતમાં નથી બનતું. આ કોઈ તૈયાર નુસખો નથી.

જો તમને પીડાની ક્ષણે આવા કોઈ ચમકારાથી માંહ્યલાને ઉજાશ મળે તો સમજી લેજો કે ''અંદર'' ઉતરવાનું વલણ કેળવાઈ રહ્યું છે.

સંજોગો વિકટ હોય ત્યારે પણ હસતા કેમ રહેવું? (ચંદ્રકાંત મહેતા, ગુફતેગો, શતદલ પૂર્તિ, ગુજરાત સમાચાર, 1 જૂન 2022)

 સંજોગો વિકટ હોય ત્યારે પણ હસતા કેમ રહેવું?

પ્રશ્નકર્તા: ગુલાબ હિંડોચા, માણાવડવાળા, તા. રાણાવાવ, જિ. પોરબંદર (સૌરાષ્ટ્ર)

જિંદગી પરિવર્તનથી બંધાએલી ઘટના છે. ધાર્યું થઈ પણ શકે અને ન પણ થાય. ધાર્યું થાય ત્યારે માણસ પ્રસન્ન રહે છે અને પોતાની આકાંક્ષા કે અપેક્ષાથી વિપરીત થાય ત્યારે એ હતાશ-નિરાશ, ઉદાસ કે રુદનકર્તા પણ થઈ જાય છે. દેવ હોય કે દાનવ આફતોનો સામનો દરેકે કરવો પડયો છે: સંજોગ એટલે પરિસ્થિતિ. સંજોગને દૈવયોગ તરીકે પણ ઘટાવવામાં આવે છે. આફત, આપત્તિ, વિપત્તિ વગેરે જીવનની અગ્નિ-કસોટીઓ છે, જે તમે ધારો તેમ નિવારી ન પણ શકો. એવી પરિસ્થિતિમાં હળવા રહેવા માટે આત્મવિશ્વાસ, આત્મબળ અને આધ્યાત્મિક મનોવૃત્તિ મદદરૂપ બને છે. 'વિપત પડે નવ વલખીઓ વલખે વિપત્ત ન જાય' એ મહાન સત્ય છે. જેમ આકાશમાં વાદળો વિખરાઈ જાય છે તેમ આફત પણ જતી રહેવાની જ છે, એવી આત્મશ્રદ્ધા માણસની હામને ટકાવી રાખે છે.

નરસિંહ મહેતાએ ઉચિત જ ગાયું છે કે 'સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીઆં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીઆં'. રામ હોય કે રાવણ, કૃષ્ણ હોય કે કંસ, રાજા હોય કે રંક સંજોગોનો શિકાર તેમણે થવું જ પડયું છે. પાંડવોએ પણ પારાવાર તકલીફોનો સામનો કરવો પડયો છે. જેમ માણસ સુખનું સ્વાગત કરે છે, તેમ દુઃખને પણ સહન કરવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે. બદલાતી પરિસ્થિતિમાં જીવનમાં સાહસ અને શાન્તિની ભાવના સુરક્ષિત રાખવામાં જ સાર છે. અહીં માનનીય કવિ રાજેન્દ્ર શાહની 'આપણા દુઃખનું કેટલું જોર'ની ખુમારી ભરી કવિતા પ્રેરક બની શકે છે: ''ભાઈ રે, આપણા દુઃખનું કેેટલું જોર ? નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર''. કવિ માને છે કે

''નિબિડ રાતનાં કાજળ પાછળ

પ્રગટે અરુણ ભોર''

માણસને લાચાર કે ખાલી હૈયાવાળો ભગવાને બનાવ્યો જ નથી. રાજેન્દ્ર શાહ વિકટ પરિસ્થિતિમાં મનને હિંમતવાન રહેવાની સલાહ આપતા કહે છે -

''આપણે ના કંઈ રંક

ભર્યો ભર્યો માંહ્યલો

કોશ અપાર,

આવવા દો જેને આવવું હોય

આપણા મૂુલવશું નિરધાર

આભ ઝરે ભલે આગ,

હસી-હસી ફૂલ ઝરે

ગુલમ્હોર

ભાઈ રે ! આપણા દુઃખનું

કેટલું જોર.''

આકરા તાપમાં બીજાં બધાં ફૂલો કરમાઈ જાય છે પરંતુ ગુલમ્હોરનાં વૃક્ષનાં ફૂલો જેમ તડકો પડે તેમ વધુને વધુ ખીલતાં જાય છે. આ વાતમાં દુઃખમાં પ્રસન્ન કેમ રહેવું એનો સંદેશો વણી લેવામાં આવ્યો છે.

દુઃખો કદી બે-ચારની સંખ્યામાં ન પણ આવે, એ પછી આખું લશ્કર પણ આવી શકે. જલન માતરી 

કહે છે -

''દુઃખો આવ્યા છે હમણાં તો

ફક્ત બે-ચારની સંખ્યામાં

ભલા શી ખાતરી કે એ પછી

લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી

વ્હેંચીને પી નાખો,

જગતનાં ઝેર પીવાને

હવે શંકર નહીં આવે.''

ઘણી બધી વિપત્તિઓ આપણી તૃષ્ણાનું સંતાન હોય છે એ વાત ભગવાન બુદ્ધે સમજાવી છે. જેટલા અંશે તમે તૃષ્ણાઓ ઘટાડો તેટલા અંશે પ્રસન્ન રહેવાના દ્વાર ખુલતા જશે.

ભગવદ્ગીતાનો બીજો અધ્યાય સ્થિતપ્રજ્ઞાનાં જે લક્ષણો દર્શાવે છે તેમાં વિપરીત સંજોગોને હસતા મોંઢે સહેવાની વાત સુંદર રીતે સમાએલી છે. શ્લોક ૫૬નો સારાંશ એ છે કે દુઃખોની પ્રાપ્તિમાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે નિસ્પૃહ હોય છે અંતે જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે તે સ્થિતપ્રજ્ઞા એટલે સ્થિર બુદ્ધિનો છે. શ્લોક: ૬૪ મુજબ સ્વાધીન અંતઃકરણનો સાધક (માનવી) પોતાના વશમાં કરેલી ઈન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતાં મનુષ્યનાં સર્વ દુઃખોનાં અભાવ થઈ જાય છે.

માણસ દુઃખની પરિસ્થિતિમાં ખુશ કેમ રહેવું એનું ચિંતન કર્યા કરતા દુઃખની સ્થિતિની ચિંતા કરે છે પરિણામે એ વધુ દુઃખી થાય છે. માણસ સકારાત્મક વિચારણાને બદલે નકારાત્મક વિચારોમાં વ્યસ્ત રહે છે ત્યારે નકારાત્મક્તા તેનામાં નિરાશાના ઢગલા ખડકવા માંડે છે. 'હું દુઃખી નથી કે મને કોઈ દુઃખી કરી શકતું નથી,' એવી માનસિક સ્વસ્થતા જ મનને આનંદમાં રાખવાનું અમોધ ઔષધ છે.

આનંદમાં રહેવાની કે હસતા રહેવાની ઔષધિ બજારમાં વેચાતી મળતી નથી. એ ઔષધિ માણસે જાતે તૈયાર કરવી પડે છે. શ્રદ્ધાનું રસાયણ, આત્મબળ, આત્મવિશ્વાસ, પરમ શક્તિ પર ભરોસો, હિંમત અને આંતરિક મસ્તી અને જીવન પ્રત્યે આશાવાદી દ્રષ્ટિકોણ- આટલાં ઔષધો એકઠાં કરો એટલે જીવનમાં આનંદિત રહેવાનું મહાઔષધ તૈયાર.

દુઃખોને જીવનનો એક અનિવાર્ય હિસ્સો માનવાથી જીવન પ્રત્યેની શ્રદ્ધા ડગી જતી નથી. કબીરની વાત સાંભળો તેઓ કહે છે

''દેહ ધરે કા રોગ હૈ,

સબ કાહુ કો હોય,

જ્ઞાાની ભૂગતે જ્ઞાાન સે

મૂરખ ભુગતે રોય.''

દુઃખના સમયે આંસુ એ દુઃખનો વિદાય સમારંભ નથી, પણ વધુ દુઃખી થવાનું બહાનું છે. દુઃખને હરાવવાના ઉપાયો શોધવા એ જીવનમાં આનંદને આપવાનું 'ઈન્વીટેશન કાર્ડ' છે. દુઃખની પરિસ્થિતિને હસી કાઢવી અને એની શરણાગતિ ન સ્વીકારવી એનું નામ આત્મજ્ઞાાન પત્ની, પુત્ર-પુત્રી વગેરે સઘળું ગુમાવ્યા છતાં નરસિંહ મહેતા કહે છે

''બેટો, બેટી વળાવિયાં રે !

મેં તો વળાવી ઘર કેરી નાર રે

શામળા ગિરિધારી.''

આફતો માણસને એ સમજાવે છે કે તમે કાચી માટીના છો કે પાકી માટીના આનંદના મૂળમાં છે સંતોષ. દુઃખની ઘડીએ એવી ફરિયાદ ભગવાનને નકરાય કે તેં આટલું બધું દુઃખ આપ્યું ? એના બદલે એમ વિચારવું કે તેં આટલું જ આપ્યું તે બદલ આભાર. આનંદ પ્રાપ્તિ માટે પરિશ્રમ અને સંયમ મદદરૂપ આવતીકાલને વધુ સારી બનાવવા માટે જિંદગી એ દુઃખનું 'સેમ્પલ' મોકલ્યું છે એવું તમે તમારા મનને આશ્વાસન આપી શકો તો જ તમે હસતા રહી શકો. ઉપનિષદો આનંદને બ્રહ્મની પદવી આપે છે. આફત માણસને ઈન્સાન બનાવે છે અને વધુ પડતી દોલત દાનવતા માટેનો માર્ગ ખોલે છે. એટલે 'થોડામાં ઘણું' વાળી જીવન દ્રષ્ટિ જ સુખદાયક છે. આનંદ એ અત્તર છે, જે છાંટવાથી તમને જ નહીં તમારી આસપાસના લોકોને પણ સુગંધથી તરબતર રહેવાની તક મળે. માણસનું મન જ આનંદ નામના 'પ્રોડક્ટ'ની ફેકટરી છે એમ માનનાર આનંદના ઉત્પાદનની વૃદ્ધિની આકાંક્ષા રાખી શકે. દીવો જેમ ઘરને અજવાળાથી ઝગમગાવી દે છે તેમ માનસિક શાન્તિ, ઈશ્વર પર વિશ્વાસ અને સહનશીલતા જીવનની જડતાને દૂર કરી પ્રસન્નતા પ્રગટાવે છે. જિંદગીમાં ત્યાગ, સમર્પણ, નિસ્વાર્થ પ્રેમ અને સેવાભાવના વિકસિત કરશો તો દુઃખને વાગોળવાનો તમને સમય જ નહીં મળે. કર્મભૂમિમાં સંતોષનાં બી અને ધર્મન જપનું સિંચન કરો તો તેના ફળ રૂપે આનંદ મળશે. એક શેર મુજબ

''શમા ઔર પરવાને કી હાલત સે યહ જાહિર હુઆ

જિંદગી કા લુત્ફ (આનંદ) જલ-જલ કે મર જાને મેં હૈ''