Friday, March 29, 2013

કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ.... જૂનાં અને નવાં


જૂની કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ
નવી કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ
ઓછું પાત્ર અદકું ભણ્યો,
વઢકણી વહુએ દીકરો જણ્યો
ઓછું વાંચન ને બ્રાઉઝિંગ બહુ,
FB પર કમેન્ટ કરવા ચાલ્યા સહુ
ઉલમાંથી ચૂલમાં....
आसमान से गिरा, ख़ज़ूर पे अटका
ફેસબુકમાંથી હટ્યા તો Whatsappમાં ભરાયાં
કાણાંને કાણો ન કહીએ...
કાણાંને કાણો ન કહીએ. એક આંખવાળો દ્રષ્ટા કહીએ.
ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે
ડાહી પાસવર્ડ ન બદલે અને ગાંડીને શિખામણ આપે
તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ.
બ્લૉગિંગ કરતાં બાવન થયાં, કમ્પ્યૂટરના પાર્ટ્સ ઘસાણાં
તોય ના લાધ્યું સાયબર જ્ઞાન, ખુદની ચાલમાં ખુદ ફસાણાં
બોલે એના બોર વેચાય
બહુ બોલે એ બીજાને બોર પણ કરે
ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,
જોવીતી કોતરો ને જોવીતી કંદરા,
GPS વિના મારે કરવું'તું નેવિગેશન,
ઘૂમવી'તી સ્ટ્રીટ્સ ને શોધવું'તું લોકેશન....
માણસ મૃત્યુ પામે તો એવું કહેવાય કે, "એણે ફાની દુનિયામાંથી વિદાય લીધી..."
જંગલમાં પ્રાણી મરી જાય તો કહેવાય કે, "એણે "રાની" દુનિયામાંથી વિદાય લીધી.."
માંગ્યા વગર તો માં પણ ન પીરસે
માંગ્યા વગર તો સર્વર પણ ડેટા ન મોકલે

વાંદરાને નિસરણી મળવી
હૅકરને સ્ક્રિપ્ટ મળવી
HANDLE WITH CARE
(કોઈ નાજુક વસ્તુના બૉક્સ પર લખેલી સૂચના)
HANDLE WITH CARESS
(સુંદર સ્ત્રીઓના શરીર પર લખાયેલી અદ્રશ્ય સૂચના)


Thursday, March 28, 2013

દુખિયારાં મહાનવલ (ભાવ) ભૂખિયારાં વાચકની નજરે

સૌપ્રથમ તો વિક્ટર હ્યુગો લિખિત અને મૂળશંકર મો ભટ્ટ દ્વારા અનુદિત વિખ્યાત મહાનવલ "લે મિઝરાબ" (દુખિયારાં) વાંચવાનું સૌ ચાહકોને સૂચન કરનાર અને ઉત્સુકતા જગાવનાર લેખકશ્રી જય વસાવડાનો આભારી છું. નવલકથા સાહિત્યનો એક એવો પ્રકાર છે જે વાંચવા, સમજવા, પચાવવા માટે શાંતિ, સમય અને ધીરજ માંગી લે છે. વ્યસ્તતાવાળી જિંદગીમાં રોજબરોજનાં વાંચનમાં ફિક્શન પરનું ફોકસ ઓછું થતું જાય છે ત્યારે, દુખિયારાં મંગાવ્યા પછી ખરેખર પૂરી થશે કે કેમ તેની દુવિધા હતી. પણ શરૂઆતથી જ સાવ નગણ્ય ગુનાની સજા પૂરી કરીને છૂટેલાં જિન વાલજિનને સમાજમાં ચારેબાજુથી મળતાં તિરસ્કારને કારણે આ પાત્ર સાથે સહાનુભૂતિનો સેતુ બંધાયો અને એ સેતુ પર ચાલીને સંપૂર્ણ કથાસરિતા પાર કરવી સરળ બની.

અપાર લોકચાહના ધરાવતાં લેખક કોઈ અપ્રાપ્ય પુસ્તક વાંચવાનું સૂચન કરે અને વાચકોમાં એની જબ્બર માંગ ઊભી થવાને કારણે પ્રકાશક તાત્કાલિક એ મુદ્રિત કરીને તરતું મૂકી દે એ ઘટના આપણાં વાંચનવિરોધી કહેવાતાં (પણ હકીકતમાં છે નહીં) સમાજ માટે એક સુખદ સીમાચિહ્નરૂપ છે. ગુણવત્તાસભર સર્જન કરીને અને આલોચના પ્રત્યે બેખબર રહીને સર્જક પોતાનું કર્મ કરતો રહે તો લોકપ્રિયતા આપોઆપ સર્જકની આસપાસ ચકરાવા લેતી થઈ જશે. લોકપ્રિય કૃતિ ચાલુ અને સસ્તી જ હોય એવા ભ્રમનું વહેલીતકે નિરસન કરવું જરૂરી બન્યું છે. માત્ર સાહિત્ય જ નહીં પરંતુ જીવનનાં સ્પંદનો ઝીલતી કોઈપણ કળા માટે હવે લોકપ્રિયતાની નવી તાજગીસભર વિશાળ વ્યાખ્યા બાંધવી આવશ્યક બની ગઈ છે.

વિક્ટર હ્યુગોની 2453 પાનાંની ગંજાવર કૃતિને શ્રી મૂળશંકર ભટ્ટ સાહેબે પાંચમાં ભાગ જેટલું કદ સંકોચન કરીને 460 પાનાનાં રસાળ ભાવાનુવાદ તરીકે ગુજરાતી વાચકો સમક્ષ મૂકી આપીને એક કાબિલ-એ-તારીફ કાર્ય કર્યું છે. HD રિઝોલ્યુશન ધરાવતાં ફોટાને મૂળ કદનાં 20% પર લાવ્યા પછી પણ બધી ડિટેઈલ્સ ક્લિયર દેખાય એના જેવું છે. ભાષાંતરમાં ભાષા વચ્ચે અંતર પડી જવાને બદલે અહીં તો મૂળ કૃતિને સાંગોપાંગ ન્યાય આપતાં અર્કનું અત્તર આપણને પ્રાપ્ત થયું છે એ આપણી ખુશકિસ્મતી છે.

"ગુજરાતી ભાષા અને સાહિત્ય -2" પુસ્તકમાં ગોવર્ધનરામ ત્રિપાઠી વિશેના લેખમાં ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે કોઈપણ લેખક જો તીવ્ર ભાવો-પ્રતિભાવો પ્રકટાવી શકે અને પેઢીઓ પછી પણ પ્રકટાવી શકે તો મારી દ્રષ્ટિએ લેખકને માટે એ ઉચ્ચતમ સાહિત્યિક સિદ્ધિ છે. મહાન કૃતિકાર એવું લખી શકે છે જે દરેક ભાવકને પોતાનું નિજી અર્થઘટન કરવાનો અનાયાસ વ્યાયામ કરવા આક્રોશિત કરી શકે છે."  દુખિયારાં એ જીવનમાં તરેહ તરેહનો સંઘર્ષ પણ સહર્ષ કરતાં હોય એવા કોઈપણ સંવેદનશીલ ઈમાનદાર માણસને પાત્રોમાં પોતાનું પ્રતિબિંબ જોઈને નિજી અર્થઘટન કરવા મજબૂર કરે એવી સશક્ત કૃતિ છે.



આ મહાનવલમાંથી મને ગમેલાં અવતરણો, વર્ણનો, પ્રતીકાત્મક ભાષાની ચમત્કૃતિ બતાવતાં પેરેગ્રાફ્સ વાંચીને ગમતાંનો ગુલાલ કરીએ :


1. ગામને મોઢે ગળણું ન બંધાય. લોકોને જીભ વાપરવી જેટલી ગમે છે તેટલું મગજ વાપરવું નથી ગમતું. નિંદારસ એવો મીઠો છે કે ગામના લોકોએ તે રસ પીવા માટે આ પાદરીને પણ છોડ્યો નહિ - અથવા કહો કે તે પાદરી હતો માટે જ તેમાં વધારે રસ પડ્યો. તેની આસપાસ એક પછી એક વાતોની જાળ ગૂંથાવા લાગી, પણ નવ વરસ સુધી પાદરીના કંચન જેવા શુદ્ધ ચારિત્ર્યના તેજે આ જાળને છિન્નભિન્ન કરી નાખી, એટલું જ નહિ, પણ લોકો પાદરીને પૂજવા લાગ્યા.

(પૃષ્ઠ: 11)

2. ઝાડને મૂળમાંથી કાપી નાખવામાં આવે ત્યારે ઉપરનાં કૂણાં પાંદડાંઓનું શું થતું હશે? એમાં કાંઈ નવી વાત નથી. આ માનવજાતની 'પ્રગતિ'માં આવા કેટલાક ક્ષુદ્ર જીવો સમુદ્રમાં તરતાં તણખલાંની જેમ નિરાધાર હાલતમાં કોઈ ઊંડી-અંધારી મૃત્યુની ખાઈમાં ગરક થઈ જાય છે, એના તરફ નજર કરવાની કોને પડી છે! 
(પૃષ્ઠ: 21)

3. તેણે ચોરી કરી હતી, પણ શું તે એટલી બધી ભયંકર હતી કે તેના બદલામાં સમાજ તેનાં સુખ-સર્વસ્વને આ પ્રમાણે સદાને માટે ખૂંચવી લે? અને આ ચોરી પણ તેણે ક્યાં શોખ માટે કરી હતી કે કોઈને નુકસાન કરવા કરી હતી? પણ સમાજે તેનો વિચાર ન કર્યો. સમાજ એક બાજુથી પોતાનાં ગરીબ બાળકો તરફ અસહ્ય બેદરકારી બતાવે છે અને એ બેદરકારીને પરિણામે થતા ગુનાઓ ઉપર નિર્દયપણે કાળજી બતાવે છે. સમાજને રોટલો આપવા કરતાં સજા આપવામાં વધારે મજા આવે છે અને આ બધું સહન કરવાનું ગરીબોને જ હોય છે. આ બધા વિચારો કરતો કરતો જિન-વાલજિન આ સમાજને જ ગુનેગાર ગણવા લાગ્યો. તે તેનો ન્યાયાધીશ બન્યો. તેણે સમાજને ભયંકરમાં ભયંકર શિક્ષા કરી - અને તે પોતાના દિલના ઊંડા ધિક્કારની. આ ધિક્કાર ઓગણીસ વરસ સુધી તેના દિલમાં પડ્યોપડ્યો ઊંડોઊંડો ઊતરતો ગયો. તેને મન, આનંદ, પ્રેમ, દયા, ઉલ્લાસ - એવા કોઈ ભાવો હયાતી જ ધરાવતા ન હતા. જગતમાં એકમાત્ર ભાવ સર્વોપરી હતો, અને તે ધિક્કાર. ઓગણીસ વરસ સુધી પીઠ પર કોરડા, ગાળો, લોઢાની સાંકળો, કલાકોના કલાકો સુધી વહાણના નીચેના અંધારિયા ભંડકિયામાં યંત્રની જેમ હલેસાં મારવાની ક્રિયા, ટાઢ, તડકો, ભૂખ - આ બધાંએ તેના દિલમાં ખૂણે-ખાંચરે છુપાઈ રહેલી કોઈ કોમળ લાગણી હોય તો તેને પણ કચરી નાખી હતી.

મધદરિયે વહાણ ચાલ્યું જાય છે. એક માણસને તેમાંથી ઊંચકીને દરિયામાં ફેંકી દેવામાં આવે છે. વહાણ પોતાના માર્ગે ચાલ્યું જ હોય છે - જાણે કે કંઈ બન્યું જ નથી. પાણીમાં પડતાંવેંત પહેલાં તો તે મુસાફર પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે. પાછો ઘડીક બહાર દેખાય છે. પાછો ડૂબકી મારી જાય છે. વળી હાથનાં તરફડિયાં મારતો બહાર દેખાય છે. તે દૂરદૂર ચાલ્યા જતા વહાણ તરફ નજર નાખીને બૂમ મારે છે. વહાણ પવનથી ફૂલેલા સઢના જોરે વેગથી ચાલ્યું જાય છે. વહાણના ઉતારુઓ અને ખલાસીઓ દરિયામાં ઊછળતાં મોજાંઓની અંદર એક નાનકડું બેબાકળું મોઢું જુએ છે. ડૂબતો માણસ વહાણ તરફ એક છેલ્લી કરુણ દ્રષ્ટિ નાખી હૃદયફાટ ચીસ પાડે છે. વહાણ ચાલ્યું જાય છે - ક્ષિતિજના વળાંકમાં સરતું જાય છે. સઢના થાંભલાની ટોચ પણ હવે તો દેખાતી બંધ થાય છે. હજી તો થોડાક જ વખત પહેલાં આ મુસાફર વહાણ ઉપર બીજા બધા ઉતારુઓની વચ્ચે તેમનામાંનો એક થઈને જીવતો હતો, પણ તેનો પગ લપસ્યો, કોઈએ તેને ધક્કો માર્યો, તે પડ્યો... બસ... ખલાસ! તેની નીચે અતાગ પાણી છે. ચારે બાજુથી ઊછળતાં મોજાંની ભીંસ આવે છે. ને બકરાંને જેમ અજગર ગળી જાય તેમ ગળી જાય છે. મૃત્યુ તેને પોતાની ગુફામાં ઊંડે ને ઊંડે ખેંચી જાય છે. મોજાં બિલાડી ઉંદરને રમાડે તેમ તેને ઘડીક ઉછાળે છે - પછાડે છે, ઘડીક દૂર ફંગોળે છે :એમ લાગે છે જાણે દુનિયા આખીની નિર્દયતાએ અહીં પ્રવાહીરૂપ ધારણ કર્યું છે.

આમ છતાં પણ આ માણસ આ ઘોર કુદરત સામે પૂરા ઝનૂનથી ઝઝૂમે છે. તે પોતાનો બચાવ કરે છે. સમુદ્રની સપાટી પર ટકી રહેવાનો ભગીરથ પ્રયત્ન કરે છે. આવી મોટી પ્રંચડ વિનાશશક્તિ સામે તે બાથ ભીડે છે. પણ આખરે તે થાકે છે- હારે છે. પોતાની ઝાંખી પડતી જતી આંખોથી છેલ્લી વાર ક્ષિતિજ તરફ અદ્રશ્ય થતા વહાણને તે જુએ છે: ઊંચે જુએ છે, આસપાસ જુએ છે, ઉપર આભ અને નીચે પાણી દેખાય છે. પણ તે બંને જાણે એક બનીને તેને પોતાના કબ્રસ્તાનમાં ઉપાડી જાય છે. ધીરેધીરે આ માનવી પણ પોતાની જાતને આ સમુદ્રનું જ એક મોજું ગણવા લાગે છે. દરિયાનું ગાંડપણ તે ગાંડપણ જ બની જાય છે. રાત પડે છે, કલાકોના કલાકો સુધી તરફડિયાં મારીને તેનું બળ ખલાસ થઈ ગયું છે. આખી સૃષ્ટિમાં તેની ધાને હોંકારો દેનાર કોઈ નથી. છેલ્લો મરણિયો પ્રયત્ન કરીને તે બૂમ મારે છે : 'કોઈ બચાવો!' કોઈ કાળા માથાનો માનવી છે નહિ. તે ઈશ્વરને બૂમ મારે છે. તે ક્યાં છે? કોઈ જવાબ આપતું નથી. સૃષ્ટિ મૌન છે. આકાશ હોઠ બીડીને બેઠેલું છે. અંધકાર, તોફાન, નિશ્ચેતન છતાં ભયંકર ઊછળતાં પાણી, હિમ જેવો જોરથી ફૂંકાતો પવન - આ બધાંની વચ્ચે તેનાં અંગ ખોટાં પડી જાય છે. શરીરનાં બધાં અંગ તેના પ્રાણને કામ કરવાની ના પાડે છે. પુરુષાર્થ હારે છે. પ્રાણ પોતાના દેહને હવે સમુદ્રને સોંપી દે છે - જેમ હારેલો રાજા પોતાના શત્રુને તરવાર સોંપી દે તેમ. અને આ રીતે એક જીવનનો છેલ્લો કરુણ અંક પૂરો થાય છે. 

અને સમાજ તો પ્રગતિના પંથે છે! આવા કેટલાય નિર્દોષ જીવોનાં મૃત્યુ એ જાણે કે પ્રગતિના માર્ગમાં માર્ગસૂચક સ્તંભો છે. સમાજના કાયદા અને નીતિ જેટલાને આવી રીતે મધદરિયે સમુદ્રમાં ધકેલી દે છે તે બધાય તેના પેટાળમાં સમાઈ જાય છે અને મડદાં થઈને સપાટી પર તર્યા કરે છે. આ મડદાંમાં કોણ પ્રાણ પૂરશે? 
(પૃષ્ઠ: 22થી 24)

4. દુષ્ટ વાસનાના સમુદ્રને તળિયે પડેલા તારા આત્માના મોતીને મેં બહાર આણ્યું છે. એ મોતી હું આજે ઈશ્વરને ચરણે અર્પણ કરું છું. 
(પૃ. 31)

5. કેટલાક ચહેરાઓ જ એવા હોય છે કે તેને જેમ વધારે ને વધારે ધારીધારીને જોતાં જાઓ તેમ તેમાંથી ભેદનાં પડની નીચે પડ નીકળતાં જાય. 
(પૃ. 46 )

6. સમાજનો એક વર્ગ એવો હોય છે જે હંમેશાં કોઈ પણ બનાવની પાછળ રહેલા દુષ્ટ હેતુને પકડવામાં ભારે કુશળ હોય છે. આવો દુષ્ટ હેતુ બધી વાર સહેલાઈથી પકડાઈ જતો નથી હોતો, એવે વખતે આવો હેતુ ઉપજાવી કાઢવામાં પણ તેઓની કુશળતા એટલી જ હોય છે. કોઈપણ માણસ શુભ હેતુથી કાંઈ પણ કરે તેમ માનવા તેમની અનુભવી અને વ્યવહારનિપુણ બુદ્ધિ ઘસીને ના પાડે છે. 

મેડેલીનનું વર્તન તેમની બુદ્ધિની કસોટીરૂપ બન્યું. પણ જ્યારે તેની મુખી તરીકેની નિમણૂક થઈ ત્યારે આ બાબતમાં પ્રકાશ પડ્યો : જોયું ને - આ બધો પરોપકાર અને દયાબુદ્ધિ શા માટે હતાં તે? બસ ! મુખી બનવા માટેની આ બધી યુક્તિઓ હતી!

પણ મેડેલીને જ્યારે આ મુખીપદનો વિનયપૂર્વક અસ્વીકાર કરતો પત્ર લખ્યો ત્યારે વળી પાછા બધા મૂંઝાયા. વળી પારીસના મોટા ઔદ્યોગિક પ્રદર્શનમાં મેડેલીનને રંગ બાબતની શોધને માટે સોનાનો ચાંદ મળ્યો અને તે પણ તેણે પાછો મોકલાવ્યો ત્યારે વળી મેડેલીન વધારે ભેદી બન્યો. તે ગરીબોમાં છૂટે હાથે પૈસા વેરતો, પણ પોતાના અંગ ઉપર તે સાવ મજૂર જેવાં કપડાં પહેરતો. ભદ્ર લોકોનાં કુટુંબમાં ચા-પાણી માટે તેને ઉપરાઉપરી આમંત્રણ આવતાં, પણ તે જતો જ નહિ. તેનું કારણ તો આ ભદ્ર લોકોને માટે સ્પષ્ટ હતું: 'બિચારો કારીગર છે! પૈસા એકઠા થઈ ગયા, પણ સંસ્કાર ક્યાંથી કાઢવા? પાંચ માણસમાં બેસીને સારી વાત કરતાંય આવડે નહિ ને શું જાય? એ તો બાંધી મૂઠી લાખની!' તે કમાવા લાગ્યો ત્યારે લોકોએ કહ્યું કે આ પાકો વેપારી છે; તે કમાણીને છૂટે હાથે દાનમાં વાપરવા લાગ્યો ત્યારે આ લોકો કહેવા લાગ્યા કે પૈસા કમાઈને હવે જશ કમાવા લાગ્યો; જ્યારે તેને મળતું માન તે નકારવા લાગ્યો ત્યારે તેને માટે અભિપ્રાય મળ્યો કે મોટો ખેલાડી લાગે છે; સમાજમાં તે અતડો રહેતો તે માટે તેને બુડથલ તરીકેનું માન મળવા લાગ્યું. પણ આ અભિપ્રાય ધરાવનારો વર્ગ ઘણો જ નાનો હતો. સામાન્ય લોકો તો તેને દેવ માનીને પૂજતા. આખા ગામમાં ભાગ્યે જ કોઈ માણસ એવો હશે જે આ મેડેલીનના અહેસાન નીચે ન આવ્યો હોય. પાંચ વરસમાં તો આ સમાજના ઉપલા થરમાંથી પણ દુષ્ટહેતુવાદી ફિલસૂફો મેડેલીનની બાબતમાં પોતાની ફિલસૂફી બદલવા માંડ્યા હતા. મેડેલીને મુખીપદનો ઈનકાર કર્યો ત્યાર પછી ગામના બધા પ્રતિષ્ઠિત માણસો તેને વારંવાર આ પદને સ્વીકારવા માટે આગ્રહભર્યું દબાણ કરવા લાગ્યા. કારખાનાના મજૂરો પણ આ બાબતમાં તેની પાછળ લાગ્યા હતા. મેડેલીન આ આગ્રહ સામે વધારે ટક્કર ઝીલી ન શક્યો. તે જરાક ઢીલો પડ્યો. એમાં વળી ગામની એક ડોશીએ એક વાર તેને બરાબર ધધડાવ્યો: 'એમ આદમી માણસ થઈને શું કામ બીઓ છો? ગામનો મુખી સારો હોય એમાં ગામની શોભા છે ને? આપણામાં આવડત ને લાયકાત હોય તે ચોરવી શું કામ?' આ છેલ્લા વાક્યે મેડેલીનને સચેત કરી દીધો. તેણે મુખીપદ સ્વીકાર્યું.
 (પૃ. 52-53)

7. માખી જેમ દુર્ગંધની વાસ ગમે ત્યાંથી શોધી કાઢે છે અને તરત જ તેના પર જઈને બેસે છે, તે જ પ્રમાણે કેટલીક વ્યક્તિઓ જ એવી હોય છે કે તેઓ ગમે ત્યાંથી 'ખાનગી' શોધી કાઢે છે અને માખી જેમ ગૂમડાંને આવી-આવીને ખણે છે તેમ તે પણ 'ખાનગી'ની ખણખોદ કરવામાં પોતાનો વખત જ નહિ પણ પૈસા પણ ખરચતાં પાછી પાની કરતી નથી; એટલું જ નહિ, પણ તેમાં જ તેમને જિંદગીનો પરમ સંતોષ લાગે છે. જેમ પરોપકારને માટે સત્પુરુષોની તમામ વિભૂતિઓ હોય છે તેમ આ પર-છિદ્રાન્વેષણ માટે જ આ વ્યક્તિઓની બધી વિભૂતિઓ હોય છે. કોઈનું ઘર ભાંગવાની, કોઈની બદનામીની, કોઈને થયેલ નુકસાનીની વાતો કરવામાં, સાંભળવામાં અને શોધી કાઢવામાં તેઓ નિરંતર રાચ્યા કરે છે.

(પૃ. 62)

8. આપણે આ માણસના અંતરમાંના અનેક ઝંઝાવાત જોયા છે, પણ આજનો ઝંઝાવાત સૌને ટપી જાય તેવો હતો. આ નાનકડા મગજમાં ઊઠેલા તોફાનને જોતાં આપણાથી આપણ ધ્રૂજી ઉઠાય છે. આપણને ઘડીભર એમ થઈ જાય છે કે આપણી આસપાસની કુદરતમાં - આકાશમાં કે સમુદ્રમાં ઊઠતાં તોફાનો આની પાસે કાંઈ વિસાતમાં પણ નથી. 

અંતરનાં ઊંડાણો અતાગ છે. અરે, એક સામાન્ય માણસના અંતરમાં પણ આપણે ઊતરીને જોઈ શકતા હોઈએ તો અનેક મહાકાવ્યો માટેના વિષયો તેમાં ભર્યાં છે. તેમાં અનેક કામનાઓનાં મહાયુદ્ધો ખેલાઈ રહ્યાં છે, અનેક સ્વપ્નાંના મોટા દાવાનળો સળગી રહ્યા હોય છે, જેનાથી શરમના માર્યા આપણે ઊંચું માથું ન કરીએ એવા વિચારોની મોટી ગુફાઓ ત્યાં પથરાઈને પડી હોય છે. દાનવો, વિચારમગ્ન માણસના મુખ સામું જુઓ - તેના અંતરની અંદર ઊતરવા પ્રયત્ન કરો - તેમાં બધું મળી રહેશે.
(પૃ. 87)

9. સમુદ્રને તમે કિનારે આવતો અટકાવી શકો તો મનને પાછું મૂળ વિચાર પર આવતું અટકાવી શકાય. સમુદ્રને માટે ત્યાં ભરતી શબ્દ વપરાય છે- મનને માટે પશ્ચાતાપ શબ્દ વપરાય છે. ઈશ્વર સમુદ્રની માફક જ જીવને હેલે ચડાવે છે.
(પૃ. 91)

10. કાળા ઝભ્ભા પહેરેલા વકીલો અંદરઅંદર ટોળાં બાંધીને ગુસપુસ કરી રહ્યા હતા. ન્યાયમંદિરનાં પગથિયાં પાસે કાળા ઝભ્ભાવાળા માણસોનું ટોળું આપણા મન ઉપર એક કંપારીની લહર લાવી દે છે. ત્યાં થતી વાતચીતોમાં દયા-ઉદારતાનું નામ દેખાતું નથી. અહીં તો કલમોની પટ્ટાબાજી, સજાઓના વરતારા અને બુદ્ધિના દાવપેચો જોવા મળે છે - જાણે કે કોઈ ભૂતાવળ સમી મધમાખીઓનાં ટોળાં ઝેરના પૂડા બાંધી રહ્યા હોય એવું લાગે છે.
(પૃ. 104)

11. વકીલનો ને આ અમલદારનો તદ્દન સાદી રીતે બોલાયેલો એક એક શબ્દ આ જિગરમાં બરફની અણીદાર કરચોની જેમ ઘૂસી જતો હતો.
 (પૃ. 106)

12. પારીસ એક અજબ નગરી છે. દુનિયા આખીની અજાયબીઓનું તે સંગ્રહસ્થાન છે, પણ તે સંગ્રહસ્થાન જેવી જડ ગોઠવેલી સૃષ્ટિ નથી, પરંતુ જીવતી-જાગતી એક નાનકડી દુનિયા જ છે. અહીં દુનિયાની તમામ વિચિત્રતાઓ, વિશિષ્ટતાઓ, સુખો, દુ:ખો, સંતો, દુષ્ટો, દાતાઓ, ચોરો, અમીરો, ગરીબો, મહેલાતો ગંધાતી કોટડીઓ, વિશાળ રાજમાર્ગો, સાંકડી અંધારી ગલીઓ, અભ્યાસ-પરાયણ દેશ-પરદેશના વિદ્યાર્થીઓ, રેઢિયાળ છોકરા આ બધુંયે એકીસાથે આપણને જોવા મળે. બધાંય શહેરોમાં ઓછેવત્તે અંશે આ બધું હોય છે, પણ જેમ શહેર મોટું તેમ આ બધાં દ્વંદ્વ્રો વધારે પ્રમાણમાં જોવા મળે. પારીસ તે કાળે દુનિયાની સંસ્કૃતિનું પાટનગર ગણાતું. તેમાં આ સંસ્કૃતિનાં તમામ સર્જનો ઉપર ગણાવ્યાં તે જોવા મળતાં. 
(પૃ. 199)

13. બાર વરસની ઉંમરનો એક છોકરો એક ફિલસૂફની તટસ્થતાથી જીવનના દરેક પ્રસંગોમાંથી આનંદ ચૂસી શકે છે. 
(પૃ. 199)

14. સૂર્યના પ્રકાશ વિના જેમ લીલો કુમળો છોડ હિજરાઈ જાય તેમ આ છોકરો માબાપના પ્રેમ વગર ઠીંગરાઈ ગયો હતો.
(પૃ. 202)

15. મેરિયસ આ એક જ શબ્દ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેનો ઉત્સાહ જાણે કે ઓસરી ગયો. તેના આખા વ્યાખ્યાનની ઈમારતને આ શબ્દે તોપના ગોળાની જેમ છિન્નભિન્ન કરી નાખી.
(પૃ. 219)

16. બીજ વાવતાં પહેલાં ખેડાતી જમીનની જેમ તેના ચિત્તમાં ચાસ પડવા લાગ્યા હતા. બે ધર્મોની વચ્ચે તેની બુદ્ધિ હીંચોળા લેવા લાગી હતી. તેના હૃદયમાં યૌવનકાળનું મંથન શરૂ થઈ ગયું. તેનું હૃદય તેને પોતાની જૂની માન્યતા છોડવા ના પાડતું હતું. બુદ્ધિ તેને આગળ ખેંચવા મથતી હતી.
(પૃ. 220)

 17. મેરિયસ હવે કિશોર-અવસ્થા વટાવીને યૌવનમાં પ્રવેશી ચૂક્યો હતો. યૌવનની વસંતે તેના શરીરમાં મર્દાનગી, લાલિત્ય, માર્દવ વગેરેને સપ્રમાણ રીતે ખીલવ્યાં હતાં.

(પૃ. 225)

18. ભય જેવી વસ્તુ તો તેનામાં હતી જ નહિ. તેનામાં જેમ દયા હતી તેમ અન્યાય પ્રત્યે ભયંકર તિરસ્કાર હતો. દેડકું કચરાતું તે નહોતો જોઈ શકતો, પણ સર્પને તો છૂંદી નાખે તેવો હતો. 
(પૃ. 245)

19. સુખ એ પણ કેટલી ભયંકર વસ્તુ છે! આપણને તે કેટલા બધા ઊંડા ખેંચી જાય છે - જાણે કે દુનિયામાં પોતાના સિવાય બીજું કોઈ નથી એવું ભાન આ સુખના ઊંડા કૂવામાં ઊતરી ગયા પછી લાગે છે.
(પૃ. 435)

Tuesday, March 26, 2013

હોલિકા "દહન" નિમિત્તે થોડાં વિચારોનું "દોહન"

હોળી અને દિવાળી એટલે પ્રાથમિક શાળામાં ગુજરાતીનાં પ્રશ્નપત્રમાં રોકડાં ગુણ અપાવતા સુપરહિટ તહેવારો! અમારા નગરની એક શાળાનાં શિક્ષકોમાં એક રમૂજી સૂત્ર જાણીતું હતું: "હોળીના આઠ અને દિવાળીના દસ!" મતલબ કે હોળી વિશે નિબંધ લખો એટલે આઠ ગુણ મળે અને દિવાળી વિશે લખો એટલે દસ ગુણ મળે! ફિક્સ્ડ રેટની જેમ ફિક્સ્ડ ગુણ (દોષ) ! :P

ઍની વે જોક્સ અપાર્ટ, આજે સોસાયટીથી નજીકનાં એક કૉમન પ્લૉટમાં હોળીની સહકુટુંબ પ્રદક્ષિણા કરી આવ્યા બાદ કેટલાંક ગંભીર-રમૂજી વિચારો સૂઝ્યા છે:

1. હિરણ્યકશિપુ જેવા રાક્ષસને ત્યાં પ્રહલાદ જેવી ભક્તિભાવભરી ઓલાદ અવતરે એ બતાવે છે કે દરેક  સંતાનમાં કોઈક રહસ્યમય જન્મજાત શક્તિ ઢબૂરાયેલી પડી હોય છે જે માતાપિતાના બેકગ્રાઉન્ડની ઝાઝી અસર વિના પોતાનો અલગ ચોકો ઊભો કરી બતાવી શકે. ક્યાંક દીવા પાછળ અંધારું હોય તો ક્યાંય દીવાની રોશનીને ઝાંખી કરી દે એવી સૂર્યસમાન તેજસ્વી પ્રતિભા પણ અવતરી શકે.

2. વિષ્ણુની ભક્તિ કરવા બદલ પુત્રથી નારાજ પિતાએ પુત્રને મારવા માટે ઘણાં નિષ્ફળ પ્રયાસો અજમાવી જોયા બાદ પ્રહલાદની ફાયરપ્રૂફ ફોઈ હોલિકાના ખોળામાં પુત્રને બેસાડીને "નર સતી" બનાવવાનો કારસો રચ્યો.. હોલિકાના "લૅપ"માં પ્રહલાદ "નિર્લેપ" રહ્યો અને હોલિકા દુનિયામાંથી અલોપ થઈ ગઈ. વિષ્ણુની સાચા હૃદયથી કરેલી ભક્તિએ પ્રહલાદને ફાયરપ્રૂફ બનાવી દીધો અને હોલિકા flammable પદાર્થની માફક સળગી ગઈ.

3. પોતાના સંનિષ્ઠ ભક્ત સામેના કાવતરાઓથી ખફા થઈને વિષ્ણુ ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુનો અંત આણ્યો. આજના જમાનામાં પ્રહલાદથી પણ વધારે ગંભીર પ્રશ્નોમાં પીસાતી પ્રજાને હિરણ્યકશિપુ રાક્ષસ જેવા ભ્રષ્ટ નેતાઓથી બચાવવા માટે કોઈ ભગવાન અવતાર લેતા નથી, ત્યારે એવો વિચાર આવે છે કે આ બધાં નેતાઓને વાસ્તવિક સિહોનાં જડબામાં કોળિયો બનવા માટે ગીરના જંગલોમાં રઝળતા મૂકી દેવાની યોજના અમલ કરવા જેવી ખરી કે નહીં?