Sunday, April 28, 2013

લગ્ન, ડાયનોસોર અને જુરાસિક પાર્ક

ઘણાં વર્ષો પહેલાં ઈ ટીવી પર બપોરે આવતાં રસોઈ શોમાં હાસ્ય લેખક અશોક દવે ગેસ્ટ તરીકે આવેલાં અને એમણે "અશોક વડાં"ની રેસિપી બતાવી હતી. કાર્યક્રમના અંત ભાગ તરફ એમણે એક વાક્ય કહેલું કે સુખી લગ્નજીવન ડાયનોસોર જેવું છે, એનું ક્યાંય અસ્તિત્વ નથી ! :)

આમાં થોડો સુધારો-વધારો કરીને તાજેતરમાં મેં ડાયરીમાં અંગ્રેજી ક્વોટ લખ્યું છે: 

A woman not demanding time, money and attention is as rare as a dinosaur of prehistoric era existing in modern times!  મતલબ કે સમય, પૈસા અને દેખરેખ ન માંગતી સ્ત્રી એ આધુનિક સમયમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાગ-ઐતિહાસિક કાળનાં દુર્લભ ડાયનોસોર જેવી છે. :))

7મી એપ્રિલે ડાયનોસોર કરતાં ક્યાંય ઓછાં શિસ્તબદ્ધ અને કમેન્ટશૂરાં અરસિકો વચ્ચે આણંદમાં ફેમ સિનેમામાં જુરાસિક પાર્કની થ્રીડી આવૃત્તિ જોવાની બિલકુલ મજા ન આવી, પણ ઉપરના વિચારોનાં અનુસંધાનમાં Whatsapp પર વડીલ મિત્ર પૃથુભાઈ લખપતવાલાએ મોકલેલ એક મેસેજ યાદ આવી ગયો:

Married life is so easy, its just like a walk in the park. But the problem is that the park is Jurassic Park !! :))

Tuesday, April 23, 2013

સમરમાં વરસાદની થોડી સમરી

અધૂરાં મહિને જન્મેલા બાળકની જેમ વરસાદ ગુજરાતમાં ઘણી જગ્યાએ સમય કરતાં વહેલો વરસી ગયો છે. પર્યાવરણનું ચાર હાથે નિકંદન કાઢવાની માનવીની ઘાતક વૃત્તિ-પ્રવૃત્તિને કારણે કુદરતને "માઠું" લાગે ત્યારે જ "માવઠું" આવતું હશે? 

ઋતુઓનું ચક્ર મનફાવે તે રીતે કાયમી ધોરણે ફરવા માંડે તો શું શું થઈ શકે એની કલ્પના કરવી રહી. ઋતુ પ્રમાણે પ્રકૃતિને અનુકૂળ આવતી ચીજો ખાવાનો આગ્રહ કરતાં આયુર્વેદ અને નેચરોપથીના સિદ્ધાંતો ફેરવવાની જરૂર પડે નહીંતર પથ્ય-અપથ્ય કદાચ કથ્ય-અકથ્ય બની જાય ! સવારે ઠંડક, બપોરે ગરમી અને સાંજે વરસાદનું વાતાવરણ હોય એવો ઈંગ્લેન્ડનાં મોસમ જેવો ત્રિરંગી મિજાજ જોઈને ગર્વથી કહી શકાય કે હવે આપણે હવામાનની બાબતમાં પણ ગ્લોબલાઈઝેશન અપનાવી રહ્યા છીએ.

શાળામાં ભણાવવામાં આવતી વરસાદી કવિતાઓને પણ હવે સીઝનની મોહતાજ રહેવાની જરૂર રહી નથી. હવામાનનાં મૂડ પ્રમાણેની કવિતા ભણાવવાની શિક્ષકને છૂટ અપાય તો બાળકનો કદાચ ભણવામાં રસ વધે. 

ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક ખાવાનું મન થાય તો હવે જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળાની રાહ જોવાની જરૂર નથી. જો કે ઉનાળું પાક માટે ખેડૂતે જે તૈયારી કરી રાખી હોય એના પર કમોસમી વરસાદને કારણે પાણી ફરી જાય એ મોટો માઈનસ પોઈન્ટ."જાના થા જાપાન, પહુંચ ગયે ચીન"ની જેમ કેરી ખાવા માટે અદકેરી તાલાવેલી જાગી હોય ત્યાં તો વરસાદી સીઝનનાં જાંબુથી ચલાવી લેવું પડે. શાસ્ત્રિય સંગીતના ગાયકને ઉનાળા કે શિયાળામાં પણ મલ્હાર રાગ ગાવો હોય તો કોઈ પાબંદી નડે નહીં. 

પ્રશ્ન એ છે કે Monsoon અને Winter ભેગાં થાય એવી સંયુક્ત ઋતુને Monster કહેવાય તો Summer અને Monsoon ભેગાં થાય એવી ઋતુને શું કહી શકાય? ગુજરાતીમાં ગ્રીષ્મ અને વર્ષાનું સંયોજન કરીને ગ્રીષ્મવર્ષા જેવો શબ્દ બનાવી શકાય પણ અંગ્રેજીમાં સંતોષકારક પર્યાય જડતો નથી. ગરમીમાં આ બ્લૉગ પોસ્ટમાં વિચારોનું માવઠું વરસી ગયા પછી કદાચ શબ્દોનો દુકાળ પડતો હશે ! :)

Sunday, April 21, 2013

રેન્ડમ વિચારોનાં થોડાં વધુ પડઘમ

લગ્ન પ્રસંગોમાં ફુગ્ગાં લઈને દોડાદોડ કરતાં બાળકોનું દ્રશ્ય બહુ સામાન્ય હોય છે. ફુગ્ગો લઈને દોડતાં બાળક સાથે મસ્તી કરવાના ઈરાદાથી ક્યારેક કોઈક મોટેરાં ટાંકણી કે સળી ઘોંચીને ફુગ્ગો ફોડી નાંખે છે અને બાળકની રમતનો અંત આવે છે. આપણે પણ ઈચ્છા, આકાંક્ષા, તૃષ્ણા, અરમાનના રંગબેરંગી ફુગ્ગાં ભરીને દોડતાં-હરખાતાં બાળકો જેવા જ છીએ ને? ફુગ્ગામાં સમાઈ શકે એનાથી વધારે હવા ભરવાની કોશિશમાં આખું જીવન પસાર થાય છે અને ભગવાનને લાગે કે "બસ, હવે બહુ થયું" ત્યારે ટાંકણી ઘોંચીને ફુગ્ગો ફોડી નાખે છે અને આપણી સાર વિનાની સંસાર-રમતનો અંત આવે છે.


નાનપણમાં રાજા, રાણી, રાજકુમાર, ગરીબ બ્રાહ્મણ, રીંછ, સસલું, વાઘ, હંસ, કાગડો, શિયાળ વગેરે પાત્રો-પ્રાણીઓને સાંકળી લઈને જે મોરલ સ્ટોરીઝ કહેવામાં આવે છે એમાં બાળક માટે બોધપાઠ ગ્રહણ કરવો ગૌણ બની જતો હોય છે અને એને તો વાર્તાના કાલ્પનિક પાત્રોની દુનિયામાં ખોવાઈ જવું અને સ્ટૉરી ટેલિંગની રીતની મજા લેવાનું વધારે ગમતું હોય છે. જ્યારે એ જ બાળક મોટો થઈને પોતાના બાળકને આ વાર્તા કહે ત્યારે કાલ્પનિક પાત્રો અને સ્ટોરી ટૅલિંગ એના માટે ગૌણ બની જાય છે અને વાર્તામાંથી શીખવા મળતો સાર વધારે મહત્વનો બને છે. બધું ડહાપણ જો નાની વયે આવી જતું હોય તો બાળપણ અને ઘડપણમાં શું ફર્ક? એનાથી કદાચ મોટા થવાની અને ઘડાવાની પ્રક્રિયાનો ચાર્મ ઓસરી જાય. આસપાસના સંજોગો અને અનુભવથી ક્રમશ: આવતું શાણપણ શ્રેષ્ઠ છે.


મગજમાં જેનો પિંડ બંધાઈ ચૂક્યો હોય એવા ઘૂમરાયા કરતાં અવ્યક્ત વિચારો અને યોગ્ય સ્ત્રીની કૂખમાં ગોઠવાઈને જન્મ લેવા ઈચ્છતાં અવકાશમાં ઘૂમતાં આત્માઓ વચ્ચે મને ઘણી સામ્યતા લાગે છે. અવ્યક્ત વિચારોને પ્રકટ થવા માટે પ્રકાશક અને અવકાશી આત્માને માનવ શરીરનું ઠોસ માધ્યમ ન મળે ત્યાં સુધી આ બંને સમાજમાં કોઈ સ્પંદનો સર્જી શકતાં નથી. 


ગુસ્સાને હું ઘણેખરે અંશે મગજમાં ઉઠતા વાવાઝોડા-આંધી સાથે સરખાવું છું. આંધી આવે ત્યારે ધૂળની ડમરીને કારણે ચોખ્ખું દ્રશ્ય જોઈ ન શકાય એમ ગુસ્સો આવે ત્યારે આવેશ અને આક્રોશના પડથી ધૂંધળી બનેલી નજરથી પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરી શકાતું નથી. તોફાન શમવાની રાહ જોવી હિતાવહ છે, એમ ગુસ્સો ઓસરી ગયા પછી જ કોઈ પ્રતિક્રિયા આપવી જોઈએ.


ઈર્ષ્યાના ઝેરથી ભરેલાં પૂર્વગ્રહોથી ખદબદતી વ્યક્તિ અને મીઠાઈ પર બણબણ્યા કરતી માખીઓમાં કોઈ ખાસ તાત્વિક ફર્ક નથી. મીઠાઈ મનમોહક દેખાતી હોય તો પણ એની ઉપર "રોગ-પ્રસારક" શક્તિ ધરાવતી માખીઓ બેઠી હોવાને કારણે એ ખાવા માટે યોગ્ય રહેતી નથી, એમ આવી વ્યક્તિ પણ બહારથી ખૂબસૂરત દેખાતી હોય તો પણ મગજમાં પૂર્વગ્રહોનું ભૂસું ભરાયેલું હોવાને કારણે એ સોબત માટે યોગ્ય નથી. માખીએ મીઠાઈ પર છોડેલાં વિષાણુઓ અને મગજમાં ભરેલાં પૂર્વગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી, એ માટે સૂક્ષ્મ સંવેદનાની માઈક્રોસ્કોપિક દ્રષ્ટિ હોવી જરૂરી છે.

Wednesday, April 10, 2013

દોકડાનાં મહત્વ પર ભાર મૂકતી એક મૌલિક રચના

પૈસો પૈસાને ખેંચે છે એવું કહેવાય છે પણ પૈસો પોતાની સાથે કૌટુંબિક ઝઘડાંનાં કળણ, ભ્રષ્ટાચારના ભોરિંગ, ખટપટોનાં ખટરાગ અને કાવદાવાના કાંપને પણ ખેંચી લાવે છે. જીવનમાં દરેક તબક્કે દોકડાનું મહત્વ કેટલું બધું છે એ સમજાવતી "આંકડા"ની કવિતા મેં રીડગુજરાતી વેબસાઈટને આજથી સાતેક વર્ષ પહેલાં મોકલી આપી હતી, એ અહીં રજૂ કરું છું:

આંકડા રે આંકડા, ખૂબ ચગ્યાં છે આ આંકડા
હોય ના કોડી ફૂટી તો મન બને છે સાંકડા

ફાઈલોને આવે પગ ને હાથોહાથ કામો પતે
ઉદાર દિલથી જો રેલાય બધે આ આંકડા
 
 દામ, દ્રવ્ય, મૂલ્ય, ધન, વૈભવ ને લક્ષ્મી
ચલણ છે આ શબ્દોનું ને અર્થ લાગે ફાંકડા
 
 ગર્દભ બની બોજો ઊંચકે, ખાતો નિરાંતે ડફણાં
માટી વિના ફર્યા કરે જેમ કુંભારના આ ચાકડા
 
નામ બનાવવા મહેનત કરો, કોણ કહે છે એમ?
દાન આપો માતબર અને દીપી ઉઠે બાંકડા
 
રેલ-ભૂકંપ-દુકાળ, આફત બને છે જ્યાફત
મૃતકનાં વળતરથી રાહત પમાડે આ આંકડા
 
 શૂન્યોનો સરવાળો કરતાં શૂન્ય થઈ જતો માનવી
રાખમાં ભળ્યા પછી અંગાર થઈ જતાં આંકડા!

નીચેની લિંક પર પણ આ કવિતા વાંચી શકાશે:



Saturday, April 6, 2013

બાળવાર્તાઓને કાવ્યસ્વરૂપમાં ઝીલી લેતી અનોખી ગઝલ

કાવ્યમર્મજ્ઞ ડૉ. રશીદ મીરે સંપાદિત કરેલાં વિવિધ કવિઓની રચનાનાં પુસ્તક "સુરાલય"માં હમણાં ઉદયન ઠક્કરની એક ગઝલ વાંચવામાં આવી જે સાત જેટલી બાળવાર્તાઓને સાત શેરમાં આવરી લે છે. 

બે હંસ અને કાચબો, દ્રાક્ષ ખાવા માટે નિષ્ફળ હવાતિયાં મારનાર લોમડી, શેરડીના ખેતરમાં ગાવાની ઈચ્છા વ્યક્ત કરીને ઉપાધિ વહોરી લેતો ગધેડો, અંતરાત્માના અવાજને દબાવીને વાડીમાંથી દસ-બાર રીંગણાં તોડી લેતો દલા તરવાડી, પોતાના પ્રતિબિંબને પ્રતિસ્પર્ધી માનીને સસલાંનાં બહેકાવામાં આવી જઈને કૂવામાં કૂદી પડીને મોત નોતરતો સિંહ, અબુધ આશ્રમકન્યા શકુંતલા અને રાજા દુષ્યંત વચ્ચે "સ્ટેટસ"ની આડખીલી વિનાનો પ્રેમ અને ગધેડાને ઊંચકીને જતાં બાપ-બેટાની લોકો દ્વારા થતી આલોચના એમ સાત વાર્તાઓને કવિશ્રી ઉદયન ઠક્કરે સહજતાથી કાવ્યબાનીમાં વણી લીધી છે: 

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે 
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ 
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી જે ગમે તે ધાર, જેવી વાત છે

એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા 
ના, હું તો ગાઈશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે 

લીલીછમ વાડીએ જઈને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે?
આજુબાજુ જોઈ પોતાને કહ્યું, રાખને દસ-બાર...જેવી વાત છે 

વાતે-વાતે ગર્જના શાનો કરે? સિંહ જેવો થઈને છાયાથી ડરે? 
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે 

દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા? 
આંખમાં આંખો પરોવાઈ ગઈ, બે અને બે ચાર જેવી વાત છે 

જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે 
મત બધાના લે તો બીજું થાય શું? આપણી સરકાર જેવી વાત છે.

Monday, April 1, 2013

ગૂડ ન્યુઝ ઈઝ રેર ન્યુઝ !!

બક્ષીબાબુનાં બ્લૉગ પર "ગૂડ ન્યુઝ ઈઝ નો ન્યુઝ" શીર્ષક હેઠળ એક પોસ્ટ હમણાં મૂકી હતી જેનો કેન્દ્રધ્વનિ એ હતો કે સારા સમાચારોને અખબારમાં અગ્રતાક્રમ આપવાનો રિવાજ નથી. પરિસ્થિતિ આજે પણ ખાસ બદલાઈ નથી. એટલે ઈદના ચાંદની જેમ ક્યારેક ક્યારેક આવા સારા સમાચારો અખબારમાં ચમકી જાય છે. ગઈ કાલે આવા જ એક સમાચાર વાંચીને શાસ્ત્રિય સંગીતના એક અદના ચાહક તરીકે ખૂબ આનંદ થયો. જે તે રાગની રોગ પર સકારાત્મક અસર થતી હોય છે અને રાગ શ્રવણ દ્વારા રોગ નિવારણ કરી શકાય છે એ સંગીત થેરપીના સિદ્ધાંત પર આધારિત કાર્યક્રમનું જૂનાગઢમાં આયોજન થયું હતું એને લગતા સમાચાર અહીં સ્કૅન કરીને મૂક્યા છે. સાથે સાથે આ જ સમાચારમાંથી તારવેલી માહિતીના આધારે કયો રાગ કયા રોગમાં અસરકારક નીવડે છે એ ટૅબ્યુલર ફૉર્મમાં રજૂ કર્યું છે. આના પરથી કહી શકાય કે અંગત જિંદગીમાં કોઈના માટે રાગ(દ્વેષ) રાખવા કરતાં શાસ્ત્રિય સંગીતનાં રાગ સાંભળવા વધારે સારા ! :) હવે એ દિવસો દૂર નથી કે મ્યુઝિક થેરપીનું જ્ઞાન ધરાવતાં કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રીપ્શનમાં અસ્થમા માટે મૅડ્રોલ લેવાને બદલે માલકૌંસ સાંભળવાનું કહે અને ડાયાબિટીસ માટે જેનુવિયાને બદલે જયજયવંતી સાંભળવાનું કહે !

Source: Gujarat Samachar, Ahmedabad Edition, 31st March 2013

 

રોગ
રાગ
અસ્થમા
પૂરિયા, માલકૌંસ, યમન, કેદાર
કેન્સર
નાયકી કાનડા, સિંધ ભૈરવી, રાગેશ્રી
હૃદયરોગ
ભૈરવી, શિવરંજની, અલ્હૈયા બિલાવલ
હાઈ બ્લડપ્રેશર
હિંડોલ, પૂરિયા, કૌંસી કાનડા
એસીડીટી
મારવા, કલાવતી
અલ્સર
મધુવંતી
ડાયાબિટીસ
જયજયવંતી, જોનપુરી
રતાંધણાપણું
કૌંસી કાનડા, મુલતાની
અનિદ્રા
ભૈરવી, બાગેશ્રી, કાફી, પીલુ, દરબારી કાનડા, દીપક
તાવ, જ્વર
માલકૌંસ, બસંતબહાર