Wednesday, January 28, 2015

મહેફિલ-એ-મુક્તક

હમણાં ભરૂચથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલા ટંકારિયા ગામે 18 જાન્યુઆરીએ જીવનમાં પ્રથમ વખત એક મુશાયરામાં જવાનું બન્યું હતું. મુશાયરાનો દોર સંભાળતા કવિશ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીને' મારા મનમાં ચાલી રહેલી "મુક્તક" વિશેની શબ્દરમતને આ રીતે વાચા આપી: મૂક તક... તક મળી એટલે મૂકી દો એ મુક્તક ન કહેવાય! એમાં મારો ઉમેરો કરું તો ઘણાનાં મનમાં એવો ભ્રમ હોય છે કે ગઝલ બે શેરથી આગળ ન વધે એ મુક્તક બની જાય છે. પણ એવું નથી. કૈલાસ પંડિત સંપાદિત 'અમર મુક્તકો' પુસ્તકમાં મુક્તકની વ્યાખ્યા આ રીતે અપાઈ છે: મુક્તક એટલે પૂર્ણ અર્થવાળો શ્લોક કે કાવ્ય. વ્યાખ્યા પ્રમાણે બીજા સાથે સંકળાયેલું ન હોય, જેનો અર્થ સ્વયં સંપૂર્ણ હોય એટલે કે જેમાં અર્થની આકાંક્ષા અધૂરી રહેતી ન હોય તે મુક્તક. એક વિચાર, એક મનોભાવ, એક ઊર્મિ, એક વિભાવનાને ચાર પંક્તિમાં પૂર્ણપણે વ્યક્ત કરી શકે તે મુક્તક. મૂક બનીને તકની રાહ જોયા વિના હું પણ મારા પાંચેક મુક્તકો રજૂ કરું છું:

(1)
મંદિરોમાં  જો  જશો  તો  દાન  માટે બૉક્સ મળશે,
દાન  પેટીમાં  કશું   મૂકો   તેથી   ના  મોક્ષ મળશે.
જાળવીને  ચાલજો  ભક્તો  ધરમ  કેરી  ડગર પર,
કે અહીં તમને ઘેટાનાં સ્વાંગમાં બહુ ફૉક્સ મળશે!

(2)
તું પાસે હોય ત્યારે ગાલ પર દેખાય લાલિમા,
અને દૂર હો તો ઘેરાતી ઉદાસીની આ કાલિમા.
તું  સમજાઈ  શકે  તેથી  હું શું વાંચું મને કહેને?
રહેશે  ઠીક  સહિયર કે પછી વાંચું હું મધુરિમા?

(3)
છે   દુર્યોધન   વસેલો   આપણા   સૌનાં હૃદયમાં એક,
સમજ છે સત્યની પણ દિલમાં એ સ્થાપી નથી શકતો.
ખબર   છે  કે  અહિત   નિજનું  કરે  છે  કોણ  કિન્તુ એ,
વિવશ   છે   કે  બુરાઈને  કદી   ત્યાગી   નથી  શકતો.

(4)
હવે  દેખાય  છે   ક્યાં  પૂજ્ય  જે  લાગે એ ઓલિયો,
કુકર્મોનાં     કીટાણુંથી   ધરમને  થયો છે   પોલિયો.
હજો લ્યાનત મલિન વૃત્તિનાં તકસાધુઓ પર કે જે,
જોઈ   સ્ત્રીને   તરત  ઢાળી   દિયે  છે  એક ઢોલિયો.

(5)
સૂઝે તો બસ એક ગઝલ ક્યારેક સૂઝી જાય છે,
ને  ન  સૂઝે   તો   ઘણાં દિવસો એ રૂઠી જાય છે.
શેર    હું    મારા   કહીને   દાદ  પામી ના શકું, 
કોઇ  ખૂબીથી   રજૂ  કરી   દાદ   લૂંટી જાય છે!


Thursday, January 22, 2015

લખું છંદમાં તો પણ છવાઈ નથી શકતો...(નેહલ મહેતા)

લખું  છંદમાં  તો  પણ  છવાઈ નથી શકતો,
કશે  સ્થાન  પામું નહિ, છપાઈ નથી શકતો!

ગગન આ નિરાળું છે, ગઝલ કેરી દુનિયાનું,
ન  ઊડી   શકું  ઊંચે,   કપાઈ   નથી શકતો!

ભલે  કષ્ટનાં  વાદળ    મને    ઘેરવા આવે,
હું  છું  સૂર્ય   જે  ડરથી લપાઈ નથી શકતો!

રખડવું  ભટકવું   બસ   લલાટે    લખાયું છે,
ઠરીઠામ   થઈ ક્યાંયે સ્થપાઈ નથી  શકતો.

હૃદયમાં  કદી  તારા  પ્રિયે  તું  વસાવી  જો,
શું   છે  એટલું  કદ   કે સમાઈ નથી શકતો?

મને માપશો શી રીતથી સંકુચિત ગજ લઈ?
ગહન   એટલો  છું  કે   મપાઈ નથી શકતો!

જગતથી  સહન  થાઉં નહીં તો નવાઈ શી?
સ્વયમ  હું જ મારાથી ખમાઈ નથી શકતો!

નિરાશા, અજંપો, આપદા, અશ્રુઓ છે બસ,
વધારે   કશી  પૂંજી  કમાઈ   નથી   શકતો!

નિરાંતે   સ્વયમની   ઊગવાનું  મને  ફાવે,
પરાણે   પ્રયત્ને  હું  વવાઈ   નથી   શકતો!

મળે ચીજ નાણાં આપતાં શક્ય તો છે પણ, 
કદી   આપલેથી  હું   અપાઈ  નથી  શકતો!

(નેહલ મહેતા)

Wednesday, January 21, 2015

અંગ્રેજી કાફિયા સાથેની એક રચના

શી  રીતે  એ  કરે  છે નિજ કલાને કાયમી maintain,
અવિરત  એ  કર્યા  જ  કરે  છે શ્રોતાઓને entertain.

ખબર  તો  છે  કે  દુનિયામાં  ઘણુંયે  છે  uncertain,
કરી  નિશ્ચિત  જગ્યા  એમણે  દિલમાં એ છે certain.

શું  આવ્યા  છે  લઈને  કોઇ અક્ષયપાત્ર પ્રતિભાનું?
સદાયે  ફૂટતો  રહે  એવો  છે  પ્રતિભાનો fountain.

કૂવામાંથી    હવાડે    એમ   બારોબાર   ના   આવે,
ચકાસીને   મહીં  જોવું  કરે  શું  પાત્ર  આ  contain?

સતત  એ  ધાર  કાઢે છે સ્વયમની બુદ્ધિની કાયમ,
સમય બગડે એવી પ્રવૃત્તિઓથી રહે છે એ abstain.

ભરાતું   રહે  ટીપેટીપે  સરોવર  એ  ખબર  તો  છે,
કરી ભેગી એણે રજ રજ બનાવ્યો મસ્ત mountain.

Monday, January 12, 2015

યાદચ્છિક વિચારો...

હું જે કંઈપણ લખું કે કહું એના પ્રવાહમાં, એની સરવાણીમાં તું ઘડી બે ઘડી તારા હાથથી મોં પર છાલક મારી લે કે પગ બોળીને લઈ લે તો કોઇ વાંધો નથી. પણ એ પ્રવાહમાં માથાબોળ સ્નાન કરવા ઉતરે કે એ પ્રવાહના વેગમાં તારી જાતને તણાવા કે વહેવા દે પછી એમાંથી કેમ બચી નીકળવું એ મને ન પૂછીશ.

*     *     *     *     *     *     *     *    *     *     * 

જનસૂના અવાવરુ બ્લૉગ પર વર્ચ્યુઅલ કાગડાં ઊડતાં હોય એવી ઍનિમેટેડ થીમ બનાવી આપનાર કોઇ પ્રોગ્રામર આ દુનિયામાં મળે ખરો?

*     *     *     *     *     *     *     *    *     *     * 

બહારથી પ્રૉફેટ (prophet) જેવા લાગતાં માણસો અંદરખાનેથી પ્રૉફિટના (profit)માણસો નીકળે ત્યારે આપણી શ્રદ્ધા અને વિશ્વાસના પાયા ડગમગી જતાં હોય છે.

Friday, January 2, 2015

જળની સાથે તેલની માફક જ ભળતો રહું (નેહલ મહેતા)

જળની સાથે તેલની માફક જ ભળતો રહું,
હું મળ્યા વિના જ સૌને એમ મળતો રહું.

કેમ સમરસ થઈ ન શકતો ક્ષીર ને નીર સમ,
આ અલગતાનો સદાયે મર્મ કળતો રહું.

આમ એવો સાવ થીજેલો બરફ તો નથી,
હૂંફ સાચી જો મળે તો હું ય ગળતો રહું.

હા, નથી પામી શક્યો આકાર ચોક્કસ, છતાં,
પાત્ર ગમતું હો તો ઢાળો એમ ઢળતો રહું.

ગાડરિયા વ્હેણની બાંધી નથી ગઠરિયા,
વ્હેણ જે ખેંચે સહજ એ બાજુ વળતો રહું.

કાચ જેવું વિશ્વ ઝીલે સૂર્ય મારા ઉરે,
જીવ હો કાગળ એવી રીતે હું બળતો રહું.

હર્ષ સાથે શોક, સ્મિત સાથે ઉદાસી મળે,
પૂંજી જીવનના અનુભવની હું રળતો રહું.

પાણ મારો વૃક્ષને તો પણ મળે ફળ સદા, 
કાશ! હું પણ અન્ય માટે એમ ફળતો રહું.

સિદ્ધિ પામું કોઇ તો હુંપદ પ્રવેશે નહીં,
ફળ સભર એક ડાળની માફક હું લળતો રહું. 

સ્વર્ગથી જો અપ્સરા આવે ફરીથી અહીં,
તપ ભલે ભાંગે, ઋષિની જેમ ચળતો રહું.

(નેહલ મહેતા)