Pages

Monday, July 29, 2013

સમિતિ : કાળા કાગડાંઓને દૂધે ધોઈને આબરૂ પાછી અપાવવાનું તરકટ !

ઈન્ડિયન પ્રોસ્ટિટ્યુટ લીગ ઉપ્સ.... ઈન્ડિયન પ્રિમિયર લીગને ઈન્ડિયન પ્રોસ્ટિટ્યુટ લીગ કહેવામાં પ્રામાણિકતાથી પેટિયું રળીને ધંધો કરતી બિચારી પ્રોસ્ટિટ્યુટ્સની પવિત્રતા જોખમાવાનો ભય છે. આઈપીએલનાં કામચલાઉ હાંસિયામાં ધકેલાયેલા પ્રમુખ શ્રીનિવાસન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિકને બદલે શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે ઓળખાતાં રાજ કુન્દ્રાને હાઈકોર્ટના બે ભૂતપૂર્વ જજોએ ક્લિન ચીટ આપીને ગુમાવેલી આબરૂ અને ઑક્યુપેશન પાછા મેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. બક્ષીસાહેબે લખ્યું છે કે " હિન્દુસ્તાનનાં નગરોમાં ક્રિકેટ એ મધ્યવર્ગી મધ્યબુદ્ધિ અને નિમ્નવર્ગી નિમ્નબુદ્ધિ વયસ્કો અને સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ફેલ થતાં બચ્ચાંઓ જેટલો આઈ-ક્યુ ધરાવનારા મર્દો માટે નશો છે." આવા મંદબુદ્ધિ ચાહકોની બહુમતી હશે ત્યાં સુધી કૌભાંડોની હારમાળાં સર્જાય તો પણ ક્રિકેટની રમતનો વાળ વાંકો થવાના કોઈ આસાર દેખાતા નથી.

જો કે, કેટલાંક પ્રશ્નો ઊભા થયા વિના રહેતા નથી. સૌપ્રથમ તો એ કે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે હંમેશા કોઈને કોઈ કૉર્ટના નિવૃત્ત થયેલાં (વાંચો: નવરાં, નકામા, અને વસૂકી ગયેલાં) જજ જ કેમ દરેક સમિતિની અધ્યક્ષતા કરતાં હોય છે? ભૂતપૂર્વ જજની આવી દરેક સમિતિ ક્યારેક કોઈ અભૂતપૂર્વ ફેંસલો કેમ સુણાવતી નથી? કલંકિત માણસોને ક્લિન ચીટ આપીને દૂધે ધોયાં સિવાય આવી સમિતિનું બીજું કોઈ કામ જ નથી? આઠ-નવ વર્ષ પહેલાં કોઈક મેગેઝિન (કદાચ, અભિયાન)નાં છેલ્લાં પાને સમિતિ વિશે ફ્રેડ એલનનું એક ચોટદાર ક્વોટ વાંચ્યું હતું, એ યાદ આવે છે : "સમિતિ એટલે એવા માણસોનું ટોળું કે જે પોતે કશું કરી શકતું નથી અને પછી ભેગા મળીને નક્કી કરે છે કે કશું જ થઈ શકે એમ નથી!" A committee is a group of people who individually can do nothing, but who, as a group, can meet and decide that nothing can be done.


જેમ સ્વિઝ બેન્કમાં જમા કરાવેલા કાણા નાણાં દેશના કાનૂનનાં કહેવાતાં લાંબા હાથની પકડથી દૂર છટકીને સલામત બની જાય છે એ જ રીતે નવરાં, નકામા, અને વસૂકી ગયેલાં જજોની બનેલી સમિતિનો તપાસ અહેવાલ પ્રગટ થતાંની સાથે જ કાળાં કાગડાંઓ દૂધે ધોવાઈને પોતાની ગુમાવેલી આબરૂ પાછી મેળવે છે. બે-ચાર રીંગણાં લેવાની જાત પાસે મંજૂરી માંગીને દસ-બાર રીંગણાં તોડી લેતાં દલા તરવાડીની માફક સમિતિ જાતે જ પોતાને પૂછતી હશે કે "નિર્દોષ જાહેર કરું આરોપી બે-ચાર?"..... જેનો જવાબ એવો મળતો હશે કે "કરો ને તમતમારે નિર્દોષ જાહેર આરોપી દસ-બાર!". દલા તરવાડીની માફક દલ્લો લૂંટનારા લોકોથી આપણો દેશ ખદબદી રહ્યો છે એટલે કાયદાના સકંજામાંથી છૂટ્યા પછી અંતરાત્માનાં અવાજને સિફતપૂર્વક દબાવી દેવામાં આવા લોકો કાબેલ હોવા જોઈએ.


છેલ્લે, અનુક્રમે બેફામ અને એમનાં શિષ્ય દિનેશ ડોંગરે 'નાદાન'નાં એક-એક શેર ટાંકીને વિરમું છું:


રહે અણદીઠ એનો ન્યાય તો શંકા નહીં કરજો,
કે સૌ છાના ગુનાહોની સજા એવી જ છાની છે.

*                         *                      *                           *

ફરિયાદ, સાબિતી કે ગમે તે દલીલ હો,
આરોપ સાચો હોય તો ક્યાં કૈં બચાવ છે?

Tuesday, July 23, 2013

હું, ચંદ્રકાંત બક્ષી.....

નાટક.... કળાનો મેં અત્યાર સુધી સૌથી ઓછો માણેલો એક પ્રકાર... પૃથ્વીના પેટાળમાં પ્લેટિનમ જેમ અત્યંત અલ્પ પ્રમાણમાં છે તેમ મેં મારા જીવનમાં જોયેલાં "તખ્તા પરના નાટકો"ની સંખ્યા વાંચેલી સાહિત્યકૃતિઓ કે જોયેલી ફિલ્મોની સંખ્યાની સરખામણીએ નહિવત છે. નાનપણમાં સરદાર પટેલ યુનિવર્સિટીના હિન્દી વિભાગનાં પ્રૉફેસર નવનીત ચૌહાણે દિગ્દર્શિત કરેલું "ખયાલ ભારમલી" નામનું નાટક એ મેં જોયેલું જીવનનું સૌપ્રથમ નાટક હતું. પણ એ વખતે સાહિત્ય કે કળા તો શું જીવનનાં જ સ્વરૂપની પૂરી સમજણ ન હોય એટલી કાચી વય હતી એટલે નાટક સમજાવવાનો કે યાદ રહેવાનો ખાસ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. (એમ તો હજી પણ ક્યાં કળા-સાહિત્ય કે જીવનના સ્વરૂપને સમજવાની સમજણ વિકસી છે? એવો આડસવાલ કે આડો સવાલ અણિયાળો અંતરાત્મા ઉઠાવી રહ્યો છે.)

1 મે 2013ના રોજ ગુજરાત સ્થાપના દિને આણંદમાં કલાકાર દામોદર રામદાસી દ્વારા ભજવાયેલું "યોદ્ધા સન્યાસી સ્વામી વિવેકાનંદ" જોયું હતું. એ પછી અઢી મહિનાનાં ગાળામાં 21 જુલાઈએ અમદાવાદમાં "હું, ચંદ્રકાંત બક્ષી" નાટક જોવા ગયો. યોગાનુયોગ બંને નાટકો મોનો-ઍક્ટ હતાં. આજે ચંદ્રકાંત બક્ષીના જીવન પર આધારિત નાટક વિશે વાત કરવી છે.ચંદ્રકાંત બક્ષી... આનંદથી ઝૂમી જવાય અને આદરથી ઝૂકી જવાય એવું એક ખમતીધર નામ. વર્ષોથી એકનાં એક બીબાઢાળ સાહિત્યવર્ણનોને કારણે ક્રિએટીવિટીનો શૂન્યાવકાશ સર્જતા કૉમામાં સરી પડેલાં ગુજરાતી સાહિત્યને શૉક ટ્રીટમેન્ટ આપીને મૌલિક વિચારોનો ટ્રૉમા આપનાર લેખક એટલે ચંદ્રકાંત બક્ષી. એમનો પરિચય આપવાની કોશિશ કરવી એટલે આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ અથવા હેમિંગ્વેને અસ્તિત્વવાદ સમજાવવાની હિંમત કરવી. એક સાથે અમુક ગ્રહોની દુર્લભ યુતિ સર્જાય અને અદભુત ખગોળીય ઘટના આકાર લે એમ દિગ્દર્શક, લેખક, અભિનેતા (મનોજ શાહ, શિશિર રામાવત, પ્રતીક ગાંધી)નું યોગ્ય કૉમ્બિનેશન થતાં એક કાયમી સ્મૃતિના બીજ રોપી જતું નાટક જોવાનો લહાવો મળ્યો. જેઓ ચંદ્રકાંત બક્ષીના નામથી અજાણ હોય અથવા એમનું સાહિત્ય બિલકુલ ન વાંચ્યું હોય એવા નવી પેઢીના લોકો સમક્ષ અભિનેતા પ્રતીક ગાંધીએ અત્યંત સફાઈથી અને સરળતાથી ચંદ્રકાંત બક્ષીના સમગ્ર જીવનની ઝરમર એક પછી એક પર્તની જેમ સહજતાથી ઊઘાડી આપીને સમગ્ર ઑડિયન્સને બક્ષીમય બનાવી દીધું. નાટક જોયા પછી ચંદ્રકાંત બક્ષી સાથે નવી પેઢીના ઘણાં નવા વાચકો ઈન્સ્ટન્ટ કનેક્ટ થઈ ચૂક્યા હશે એમાં કોઈ બેમત નથી. 

ચંદ્રકાંત બક્ષીનો જન્મ, ફૅમિલી બેકગ્રાઉન્ડ, પાલનપુર અને કોલકતા વચ્ચે ફંગોળાઈને ઠરીઠામ થવા મથતી જિંદગી, સાહિત્યમાં પ્રવેશ, પત્ની બકુલાબહેન સાથે લગ્ન નક્કી થયાની પળ, માર્ક્સિસ્ટ વિચારધારાનો પ્રભાવ, માતા સાથે થતાં મતભેદ અને મનભેદ, કોલકતા છોડીને અમદાવાદ આવ્યા પછી રમખાણોને કારણે રાતોરાત ખોલ્યા વિનાનો સામાન લઈને મુંબઈની પકડેલી વાટ, કુત્તી વાર્તાનો કેસ, પેરેલિસિસ જેવી ક્લાસિક કૃતિએ આપેલાં સુખ અને દુ:ખ, ઈનામ વિતરણ કમિટિ સામેનો આક્રોશ, તૂટન અને ઘૂટન સામે નાહિમ્મત થયા વિના ખુદ્દારી અને ખુમારીથી આપેલી લડત, અન્ય લેખકોની જેમ મૂડ અને માહોલના ચેનચાળા અને નખરા કર્યા વિના અને ક્યારેય બ્રેક પાડ્યા વિના અવિરતપણે  લખવામાં જાળવેલી સ્વયંશિસ્ત, પ્રિન્સિપાલ અમૃતલાલ યાજ્ઞિક દ્વારા સાધના કૉલેજના પ્રિન્સિપાલ તરીકે કાઢી મૂકવામાં આવ્યા બાદ શરૂ થયેલો કાનૂની સંગ્રામ, ગુજરાતી લેખકને શૅરિફના હોદ્દા સુધી પહોંચાડતો અકસ્માત, સેક્સ-સ્ત્રી-દારૂબંધી વિશેના નેવર-બીફોર નિર્ભીક વિચારો, જીવનનાં છેલ્લાં તબક્કામાં અમદાવાદમાં પુત્રી સાથે સ્થળાંતર, પત્નીના અવસાન બાદ જીવનમાં વ્યાપેલો ખાલીપો, અહંકાર અને ઓમકારને એક જ કક્ષાએ મૂકીને ગુજરાતી સાહિત્યની સલ્તનતનાં બાદશાહ તરીકે ખુદને બિનહરીફ રીતે નિ:સંકોચ જાહેર કરવાનો હુંકાર... વેદના, સંવેદના, અપમાનબોધ, સિદ્ધિ, પ્રસિદ્ધિ, કામિયાબી, ખુદ્દારીના સંમિશ્રણથી ભરપૂર ઘટનાપ્રચૂર જીવનમાં છેલ્લે કહેવું કે It was a lark ! મજા પડી ગઈ! બાલ્કનીના તડકામાં તરતા સલ્ફ્યુરિક મિજાજની વિખ્યાત પંક્તિ સાથે નાટક પૂરું થયું ત્યારે બક્ષીબાબુના જલદ વિચારોથી તરબતર થઈ ગયેલાં મનમાં વિચારોનાં પડઘા ડૂબી જવાને બદલે ગૂંજી રહ્યા હતાં.

લેખક શ્રી શિશિર રામાવતે બક્ષીબાબુની વિરાટ અને વિરલ પ્રતિભાને ન્યાય મળે એવી બખૂબી રીતે ઉપરની બધી જ ઘટનાઓની વટપૂર્વક અને ચીવટપૂર્વક ગૂંથણી કરી છે. આજે પણ ચંદ્રકાંત બક્ષીનું ચલણી નામ ચિક્કાર સંખ્યામાં આટલી મેદનીને ચુંબકની જેમ ખેંચી લાવી શકે છે એનો અહેસાસ આ નાટક જોઈને વધારે બળવત્તર થયો. બક્ષીના પંચલાઈન સમાં ડાયલોગ્ઝ પર થતો તાળીઓનો ગડગડાટ અને હજીપણ કેટલાંક વિરોધીઓના પેટમાં રેડાતાં તેજોદ્વેષના ઉકળતા તેલના કડકડાટનું સમાંતર અને સમસામયિક અસ્તિત્વ ટકી રહેશે... બહરહાલ, ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી બક્ષીનું સાહિત્ય જીવશે.

Tuesday, July 9, 2013

અમારા તો બધાં વેલેન્ટાઈન્સ ડે કોરેકોરાં !

કેળાંની સીઝન જેમ બારેમાસ હોય છે, અને શાસ્ત્રિય સંગીતમાં અમુક રાગો ગાવા માટે સમયનું કોઈ બંધન નડતું નથી એમ પ્રેમ વિશે લખવામાં ક્યારેય કોઈ સીઝનનો બાધ હોતો નથી. પ્રેમ વિશે લખવામાં લેખકોએ અત્યાર સુધી રેલાવેલી શાહી અને પ્રેમમાં નિષ્ફળ ગયેલાં પાત્રોએ અત્યાર સુધી વહાવેલા આંસુઓને ભેગા કરીને ક્યાંક ઠાલવવામાં આવે તો નદીઓની નદી ભરાય અને આ બંનેનું કદ સરખું હોવાની શક્યતા ભારોભાર ! 

ખેર, વેલેન્ટાઈન્સ ડેને જ્યારે ગણત્રીનાં દિવસો બાકી હોય અને જેમ જેમ એ દિવસ નજીક આવતો જાય ત્યારે પ્રેમમાં નિષ્ફળ એવી સિંગલ અને ફ્રસ્ટ્રેટેડ વ્યક્તિના સ્વાભિમાનમાં ક્રમશ: કેવો ઘટાડો થાય છે અને આલ્કોહૉલના સેવનનાં પ્રમાણમાં કેવો વધારો થાય છે એ ફેસબુક પરથી ઘણાં સમય પહેલાં સેવ કરેલાં નીચેનાં ગ્રાફમાં રમૂજી રીતે આલેખવામાં આવ્યું છે:


સાથે સાથે, પ્રેમમાં નિષ્ફળ ગયેલાં લોકોની હાલત વિશે મેં રમૂજી શૈલીમાં એક કવિતા લખવાનો પ્રયાસ કર્યો છે:

 

પ્રપોઝ કરીએ તો આબરૂના ઊડે લીરેલીરાં
અમારા તો બધાં વેલેન્ટાઈન્સ ડે કોરેકોરાં !

હતું જે કંઈ મારી પાસે સંવેદનાનું પ્રવાહી
નિંદકો સદા કાઢતાં રહ્યાં એમાંથી પોરેપોરાં !

વરસી ગયો એનો પ્રેમ ધોધમાર બીજે ક્યાંક
ને આવ્યા મારા ભાગે લુખ્ખાં-સૂકાં ફોરેફોરાં !

બાળક અને યુવાનમાં જખ્મનો એક ફર્ક મેં જોયો
એકનું છોલાય ઘૂંટણ ને બીજાનું દિલ ચૂરેચૂરાં !

પ્રભુની જેમ પ્રિયાને પામવાનો મારગ પણ શૂરાનો
અચ્છા અચ્છાનાં હાલ થતાં મેં જોયાં છે બૂરેબૂરાં !

તરસું હું કે ક્યારે પડે એની અમીદ્રષ્ટિ મુજ પર, 
ઝલક એની પામવા મંડાય લોકોનાં ડોળેડોળાં !

મુજ જખ્મી દિલની વેદનાની કોને કંઈ પડી હોય?
આંસું એના લોહવાં રૂમાલ ધરી ધસતાં ટોળેટોળાં !

વર્ણવ્યવસ્થા સાબૂત છે એનો છે આ એક સબૂત
કાળાંની સાથે કાળાં અને જોશો સાથે ગોરેગોરાં !

લાગ્યું કે વ્યર્થ ગયા એની પાછળનાં મારા ફેરાં
જોઈ મેં જ્યારે ફરતી એને અન્યની સાથે મંગળફેરાં !

પ્રેમનું છે પારાયણ એટલે ચાલ્યું આટલું લાંબું,
જુઓ લખ્યાં છે મેં શેર કુલ દસ અંકે પૂરેપૂરાં ! 

(નોંધ: બાળક અને યુવાનમાં જખ્મનો એક ફર્ક મેં જોયો.....એકનું છોલાય ઘૂંટણ ને બીજાનું દિલ ચૂરેચૂરાં ! આ પંક્તિઓ લખવાની પ્રેરણા આ ક્વોટમાંથી મળી છે: When we were kids we were eager to grow up and fall in love. Today we are grown up and now we realize that wounded knees were much better than broken hearts !!)

એક જ માળાનાં મણકાં અથવા એક જ સીલિંગના પંખા જેવી સમાનધર્મી કાવ્યપંક્તિઓ

નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.... એમ ઘણીવાર મૂળભૂત સંવેદનાઓ એક જ હોય પણ એને વ્યક્ત કરવાનો અંદાઝ-એ-બયાં અલગ અલગ હોય છે. કવિતા સિવાય આનું બીજું ઉત્તમ ઉદાહરણ કયું હોઈ શકે? કવિતા અંગેની ઘણી ગુજરાતી કૉલમોમાં એક જ વિષય પર અલગ અલગ કાવ્યપંક્તિઓનો રસાસ્વાદ માણ્યો છે. એક જ માળાનાં મણકાં અથવા એક જ ડાળનાં પંખી અથવા એક જ સીલિંગના પંખા જેવી સમાનધર્મી કાવ્યપંક્તિઓ મને થોડી જડી આવી છે એના વિશે આજે લખવું છે. કેટલીક પંક્તિઓ સ્મૃતિઓના આધારે, કેટલીક સભાનપણે શોધી છે,  તો ક્યારેક અમુક કવિઓની રચનાઓમાંથી પસાર થતી વખતે દિમાગમાં બત્તી થાય કે આ મતલબની કોઈ પંક્તિ અન્ય કવિની રચનામાં જુદી રીતે વાંચી ચૂક્યો છું.

(1) વહેવાર :
ગઈકાલ સુધી કોઈને ચાહતાં હો અને કોઈ કારણસર સંબંધોમાં ઓટ આવે ત્યારે પરિસ્થિતિ આખી બદલાઈ જતી હોય છે. બક્ષીબાબુએ ક્યાંક લખ્યું છે કે માણસો જીવનભર એકબીજાને પ્રેમ કરવાના વચનો આપે છે અને પછી "કેમ છો?"નો પણ જવાબ આપતા નથી.

ગઈકાલ જ્યાં પ્રેમ હતો ત્યાં આજે ઔપચારિક ઠાલો વહેવાર થઈ જાય ત્યારે પ્રેમની મધૂરી પાયલના ઝણકારનું સ્થાન પ્રેમ વિના બંધન જેવી લાગતી  સાંકળના રણકારે લીધું છે એ વાત બરકત વીરાણી 'બેફામ; બખૂબી વ્યક્ત કરે છે:


વહેવાર નિહાળું છું આજે, ગઈકાલ સુધી જ્યાં પ્યાર હતો;
રણકાર સૂણું છું સાંકળનો જ્યાં પાયલનો ઝણકાર હતો

આજ વાત આપણાં ગઝલ શિરોમણિ મરીઝ કંઈક અલગ રીતે કરે છે. બેફામે તો પ્યાર ગુમાવ્યા પછીની બદલાયેલી પરિસ્થિતિમાં પ્યારને બદલે વહેવાર નિહાળ્યો, જ્યારે મરીઝ એથી પણ આગળ વધીને કહે છે પ્રેમ ન મળ્યો એ તો ઠીક, પણ પ્રેમ પામવા ગયો એમાં જે થોડોઘણો પહેલાં વહેવાર પણ ચાલતો હતો એનો માર્ગ પણ બંધ થઈ ગયો. પ્રિય પાત્રને પામી ન શક્યાની નિરાશા કરતાં એની સાથેનો ઔપચારિક સંપર્ક ગુમાવવાની નોબત આવી એનું દુ:ખ આ શેરમાં વ્યક્ત થાય છે:

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો;
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

(2) રોગ - દરદ - સારવાર:

વ્યક્તિની સાચી સમસ્યાના મૂળ સુધી જઈને નિદાન કર્યા વિના આડેધડ સલાહ-સારવાર આપ્યા કરતાં સમાજને અર્પણ કરવાનું મન થાય એવી કેટલીક પંક્તિઓનું ચયન કર્યું છે.

ઈલાજ કરી શકાય એવા રોગોની સાથે સાથે માણસને લાઈલાજ કરીને લાચાર બનાવી દે એવા રોગો પણ હોય છે. જેનું સચોટ નિદાન કરવું તબીબોના ગજાની વાત હોતી નથી. રોગ પણ બહુ લાંબા સમયથી કોઠે પડી જાય ત્યારે દર્દીને પણ કદાચ એ રોગ પ્રત્યે રાગ થઈ જતો હશે.

દરદનો પરિચય અને દવાની ઓળખાણ ધરાવતાં અનોખી લાગવગવાળાં 'શૂન્ય' બેધડક કહી દે છે:
 
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે


કવિ અનિલ ચાવડાની જેમ ખુમારીથી જો સારવાર ઠુકરાવતાં આવડતું હોય તો રોગની પસંદગીની બાબતમાં પણ વ્યક્તિ સ્વાવલંબી બની શકે છે જે દાસ્તાન-એ-ડિસીઝ અનટ્રીટેબલ એટલે કે ઉપચાર ન થઈ શકે એવા રોગની દાસ્તાન બખૂબી વર્ણવે છે :

જાતે જ પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને?


આવી જ લાગણીનો પડઘો પાડતાં એક શેરમાં કવિ અમૃત ઘાયલ પણ સમગ્ર અસ્તિત્વને ઘેરી વળેલા લાઈલાજ રોગ સામે હાથ ઊંચા કરીને કહી દે છે:  

એક જગાએ દર્દ હો તો થાય કંઈ એની દવા !
હોય જો રગરગ મહીં અંગાર, કોઈ શું કરે !

તબીબો પાસેથી દિલની દવા લઈને નીકળ્યાં પછી નવાં જખ્મો આપવા ટાંપીને બેઠેલાં જગતનો સામનો કરવા મને-કમને સજ્જ થયેલાં 'બેફામ'નું જીવન પ્રહાર સામે ઝીંક ઝીલવામાં અને અને સારવારથી શાતા મેળવવામાં વીતે છે:

અડધું જીવન વીત્યું છે જગતના પ્રહારમાં;
બાકી છે એ વીતે છે હવે સારવારમાં. 

(3) સમુદ્રમંથન: 

દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથનમાં અમૃત પામવાની હોડ જામી હતી એ પ્રસંગથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમૃત તો જેના ભાગે આવવાનું હશે ત્યારે આવશે, પરંતુ જગતમાં ઝેર પ્રસરી ન જાય એ માટે શંકર ભગવાને પોતે ઝેર ગળે ઉતારી ગયાં.

આ પ્રસંગને અનુલક્ષીને આજની માણસ-માણસ વચ્ચેની તણાવથી ભરેલી વેરઝેરવાળી પરિસ્થિતિ જોઈને ઘાયલ પ્રશ્ન કરે છે :

સમુદ્રમંથન કરી જનારા, જવાબ દે આ સવાલ કેરો!
ગયું હતું પી કોઈ તો ક્યાંથી, હળાહળ આવી ભળ્યું જીવનમાં?


આ શેરનો જવાબ શૂન્ય પોતાની આગવી રીતે સવા-શેરમાં આપે છે:

શંકર પી ન શક્યાં બધું તેથી,
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ...

(4) અસ્તિત્વ:
न था कुछ, तो ख़ुदा था, कुछ न होता तो ख़ुदा होता
डूबोया मुझ को होने ने, न होता में तो क्या होता....

મિર્ઝા ગાલિબનાં આ શેરનાં દીપક સોલિયાએ એમના એક લેખમાં આપેલી સમજૂતીના શબ્દો ઉધાર લઉં તો, "મારી પાસે આ નામ -રૂપ-શરીર-ઓળખ નહોતાં ત્યારે હું ઈશ્વર-ચેતના-આત્મા જ હતો, કંઇ ન હોત તો હું ભગવાન હોત. આ તો જન્મ થયો, અસ્તિત્વ મળ્યું એમાં હું ડૂબ્યો, બાકી જો ‘હું’ હોત જ નહીં તો શું હોત! ચેતના પર શરીર, ઓળખ, અસ્તિત્વના આવરણો લપેટાવાને કારણે આપણે ઈશ્વરત્વ ‘ગુમાવી’ બેસીએ છીએ, બાકી તો આપણે ઈશ્વર જ છીએ." (Link: http://www.divyabhaskar.co.in/article/100109125109_classic_dipak_soliya.html)

ગુજરાતીમાં મને અમૃત ઘાયલનો આ એક શેર મિર્ઝા ગાલિબના ઉપરોક્ત શેરની સાથે સામ્યતા ધરાવતો લાગે છે :

હું કંઈ નથી, તો કેમ નથી? હું છું તો કોણ છું?
આખર કઈ વિસાતમાં મારી વિસાત છે?

(5) નિર્ભયતા-બેફિકરાઈ-અલિપ્તતા:

પારાવાર દુ:ખદર્દો નિર્લેપભાવે સહન કરીને માણસ એક એવી પરિસ્થિતિ પર પહોંચી શકે છે જ્યાં વધુ દુ:ખદર્દોથી મનમાં ગ્લાનિનું એકપણ સ્પંદન આવતું નથી. ગાલિબનો એક શેર છે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज।
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं।


આવી જ લાગણીનો પ્રાદેશિક પડઘો પાડતાં શેરમાં ઘાયલ કહે છે કે ભયની પરિસ્થિતિમાં સતત ફેંકાતા રહેવું અને એનો સામનો કરવો એ જ નિર્ભય બનવાની ગુરૂચાવી છે: 

છે એટલી ફિકર કે જાણે નથી ફિકર કંઈ
નિર્ભય બની ગયો છું આવી અનેક ભયમાં

(6) આંધળો પ્રેમ: 

પ્રેમમાં પડ્યા પછી પ્રેમીપાત્રથી એક ક્ષણનો પણ અલગાવ ગમતો નથી અને સતત એનું સાંનિધ્ય ઝંખતા રહેવાનો તલસાટ વધી જાય છે; ગેરહાજરીમાં પણ પ્રિયપાત્રની હાજરી દેખાતી હોય ત્યારે બેફામનો એક શેર યાદ આવે છે:
વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે

રૂપ એ યુવકને યુવતીના પ્રેમમાં પાડવા માટેની રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનું કામ કરે છે? રૂપ જોઈને આંખો ચકાચૌંધ થઈ ગયા પછી પ્રેમને આંધળો કહેનારા લોકોની વાતને સાચી ઠેરવતાં બેફામ કહે છે: 

પ્રણયને જે કહે છે આંધળો એ લોક સાચાં છે,
તમારું રૂપ જોયું એ પછી ન્હોતી રહી આંખો

(7) દ્વાર પર ટકોરા:
મદદની તાતી જરૂર હોય ત્યારે બધાં પરિચિતો મોં ફેરવી લે, હાથ ઊંચા કરી દે અને આપણી મુશ્કેલી પ્રત્યે આંખ આંડા કાન કરી દે ત્યારે કેવી લાગણી થાય એ બેફામનાં એક શેરમાં જુઓ:

બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને

આ જ પ્રકારનો મરીઝનો એક વિખ્યાત શેર છે. બેફામે દ્વાર ખખડાવવાની કોશિશ કરી જોઈ અને તૂટેલાં ટેરવાં લઈને પાછાં ફર્યાં. જ્યારે મરીઝને તો દ્વાર ખખડાવવામાં પણ એટલો સંકોચ થાય છે કે સંકોચવશ દ્વાર એમનાં ટકોરાનાં ટંકાર વિના કોરું રહી જાય છે:

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે

કવિ ભાવેશ ભટ્ટ રોજીંદી બોલચાલના રદ્દીફનો ઉપયોગ કરીને આ જ વાત જુદી રીતે કરે છે:

એક સરખા ટકોરા ભલે હોય પણ
દ્વાર સૌના ખૂલે! એવું ના હોય બે  

Saturday, July 6, 2013

સ્વ. મનોજ ખંડેરિયાની ક્ષમા સાથે એક કૃતિની પેરડી

કોઈ નવું સર્જન કરવાને બદલે ક્યારેક અગાઉ સર્જાઈ ચૂકી હોય એવી કૃતિની પથારી ફેરવવી પ્રમાણમાં વધારે સરળ જણાતી કવાયત છે. જૂના ફિલ્મી ગીતોની નવી નવી રિમિક્સ આવ્યા કરે એમ પેરડી એટલે જૂની સાહિત્યકૃતિની કરેલી રિમિક્સ. જો કે આવું કરતી વખતે મારા દિલમાં કોઈ મલિન ઈરાદો ન હોવાને કારણે ગંભીર સજાપાત્ર ગુનો કર્યાના અપરાધભાવથી અંતરાત્મા ડંખતો નથી. તેમ છતાં, નાનો તો નાનો એવો ગુનો કર્યાની અવેરનેસ મનમાં રાખીને સ્વ. મનોજ ખંડેરિયાની માફી સાથે તેમની એક રચનાની પેરડી રજૂ કરું છું:

મૂળ કૃતિ આ પ્રમાણે છે:

પૂછ એને કે જે શતાયુ છે, 
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે. 
શ્રી સવા બારણે લખ્યા કર તું, 
શબ્દથી બીજું શું સવાયું છે. 
આંખમાં કીકી જેમ સાચવ તું, 
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે. 
આપણો દેશ છે દશાનનનો, 
આપણો માંહ્યલો જટાયુ છે. 
તારે કાજે ગઝલ મનોરંજન, 
ને મારે માટે તો પ્રાણવાયુ છે.


મેં લખેલી પેરડી આ પ્રમાણે છે:


પૂછ એને જેણે શોધ્યો હાસ્યનો વાયુ છે 
એથી કેટલું ક્યારે ક્યાં કોનાથી હસાયું છે

બ્લૅક બૉર્ડ પર સમીકરણો લખ્યા કર તું
વિજ્ઞાન ખાલી ફોકટ સૂત્રોમાં ફસાયું છે?

અધૂરી માહિતીને જ્યાં જ્ઞાન માની લીધું
જ્ઞાન ત્યાં ત્યાં હંમેશાં થોડું થોડું ઘસાયું છે

નેતા ઓકી શકે ઝેર જે ક્ષમતાથી સતત
સાપથી કોઈ માણસને એવું ડસાયું છે?

ગડદાપાટુંના મારમાં આવે ક્યારેક રુઝ,
ખમે માર મોંઘવારીનો, ડીલ એવું કસાયું છે?


જતાં જતાં:

પેરડી લખીને અટકી ન જતાં, એથી પણ આગળ વધીને પેરડી વિશે એક મૌલિક હાઈકુ રજૂ કરીને વિરમું છું. (હાઈકુ કાઈકુ એવું ન પૂછતાં!) :
લખી પેરડી 
વાંચી આંખો ન હસી
બલકે રડી

Tuesday, July 2, 2013

ઊંઘ ન આવે તો એ કરે પણ શું?

तारों का गो शुमार में आना मुहाल है 
लेकिन किसी को नीन्द न आये तो क्या करे?

(આકાશનાં તારા ગણવા મુશ્કેલ છે, પણ કોઈને ઊંઘ ન આવે તો એ કરે શું?)


ચિત્રલેખાની ઝલક કૉલમમાં વર્ષો પહેલાં સુરેશ દલાલના એક લેખમાં કોઈ અજ્ઞાત શાયરનો આ શેર વાંચ્યો હતો. (લેખનું જે શીર્ષક  હતું એ જ આ બ્લૉગ પોસ્ટનું શીર્ષક રાખ્યું છે.) ઊંઘ જેવી સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી બાબત ક્યારેક કામચલાઉ રીતે છીનવાઈ જાય ત્યારે ઊંઘ ઊડી જવી સ્વાભાવિક છે. હમણાં અમુક રાતો ઊંઘ ન આવવાને કારણે પડખાં ફેરવવાના હવાતિયા મારવામાં વીતી ત્યારે ઊંઘ વિશે અછાંદસ કવિતા સૂઝી. (આને કહેવાય આપત્તિને અવસરમાં પલટવી !).. પ્રસ્તુત છે એક અછાંદસ કવિતા :

સાલી આ ઊંઘ... 
આ ઊંઘ આટલો બધો ભાવ કેમ ખાય છે?
ને પછી અનિદ્રા માટે અભાવ કેમ થાય છે?

પડખાં ઘસી ઘસીને પણ જ્યારે ઊંઘ ન આવે ત્યારે
ખૂબીથી બિછાવેલું બિસ્તર 
મારા ઊંઘવાનાં ઉધામા સામે 
ઉપહાસ કરતું હોય એવું લાગે

ફૂટપાથ પર ગાઢ નિદ્રામાં સૂતેલા ગરીબને જોઈ
સડક થઈ જવાય કે મારી મખમલી પથારી 
ફૂટપાથ કરતાં પણ વધારે કાંટાળી?

આવનારા મૃત્યુનું રિહર્સલ મનાતી ઊંઘ
ન આવવાના બહાના કરે ત્યારે 
મૃત્યુની રાહ જોતાં મરણાસન્ન દર્દીની જેમ 
હું વિસ્ફારિત નયને રાહ જોયા કરું કે
આખર ક્યારે આવશે 
આ ઊંઘ?

અલભ્ય પક્ષીની જેમ મનમાં ઊડી આવેલી એક કવિતા

વેદનાથી સુજાઈ ગયા પછી આજકાલ કવિતાઓ સૂઝવાનું પૂરબહારમાં શરૂ થયું છે. વરસાદમાં ચારે બાજુ ઊગી નીકળતા ઘાસની જેમ મગજની ગ્રૅ મૅટર-યુક્ત ભૂમિ પર કવિતાના થોડાંક છાંટણાં આજે થયા છે. સાહિત્ય સર્જનનો કોઈપણ પ્રકાર જે તે સમયે વધારે સૂઝતો હોય અને દૂઝતો હોય તો એટલા સમય પૂરતી એ જ પ્રકારમાં વધારે કલમ ચલાવીને ખેડાણ કરવું જોઈએ એવું હું માનું છું, પછી કોણ જાણે ક્યારે સર્જનાત્મકતાનો દુકાળ આવી જાય અને લાંબો સમય લખ્યા વિના કલમ ઘસતાં બેસી રહેવું પડે! આઉટ ઑફ વર્ક ઍક્ટર, આઉટ ઑફ પ્લૉટ વાર્તાકાર, આઉટ ઑફ ફૉર્મ બેટ્સમેન અને આઉટ ઑફ ટૉપિક કૉલમિસ્ટ - આ બધાંના કાર્યક્ષેત્રો અલગ છે પણ જે તે સમયે મગજમાં વ્યાપી જતો એન્ટી-પરફોર્મન્સ સૂનકાર અને સર્જનાત્મકતાનો હંગામી શૂન્યાવકાશ બાબતે આ બધાં વચ્ચે ભારોભાર સામ્ય છે. 

પ્રસ્તુત છે આજે એક એક્ઝોટિક પંખીની જેમ અચાનક આવીને મને અવાચક કરી ગયેલી મીઠાં પાણીનાં ઝરણાં જેવી સ્વયંસ્ફૂર્ત કવિતા:     
 
પ્રેમ ક્યારેક ઓસરી જાય એમ નફરત પણ ઓસરી જાય
ગઈ ગુજરી ભૂલીને લોકો વેરભાવ જો વિસરી જાય 

રાગ-દ્વેષ ક્રોધ ઈર્ષ્યા આ બધાં જ "માનલેવા" રોગો છે
ઈલાજ ન થાય તાકીદે તો સમાજ આખામાં પ્રસરી જાય

રોશની સંબંધોનાં ચંદ્રની હું પામવા-પકડવા મથ્યા કરું
આવું દીવાનખંડમાં ત્યારે એ પરસાળમાં ઓસરી જાય

ક્ષણેક્ષણે નવો લ્હાવો આપવા ટાંપીને બેઠી છે જિંદગી
નાહક નકામા વાદ-વિવાદમાં હર પળ પળ સરી જાય

આજે ચિંતાનું ચોમાસું છે તો કાલે ઉચાટનો હો ઉનાળો
શ્રદ્ધાનો શિયાળો ય આવશે, ઋતુ તો ગમે ત્યારે ફરી જાય