Thursday, December 31, 2015

અછાંદસ કવિતાઓના કાવ્યોત્સવ વિશે અછાંદસ કવિતા

ગઈકાલે એક અછાંદસ કવિતાઓના કાવ્યપઠનનો કાર્યક્રમ યોજાઈ ગયો, મારા શહેરમાં.
કાર્યક્રમની શરૂઆતમાં એક ઉદઘોષકે એક કવિયત્રીને ભૂલથી કવિ તરીકે સંબોધિત કર્યાં, પછી ભૂલ સમજાતાં સુધારો કર્યો.

પણ મારા મતે કોઇપણ માણસના નામ આગળ 'કવિ' લાગે પછી લૈંગિક તફાવતોના બધાં લક્ષણો આપોઆપ ખરી પડે છે. કવિયત્રી તો કવિયત્રી જ હોય છે, પણ મોટાભાગનાં કવિઓ પણ કવિયત્રીઓ જેવા જ હોય છે.
આ બાબતને ધ્યાનમાં લેતાં, કવિયત્રી અને કવિ એ બંને માટે કવિ જેવું સમાન સંબોધન જ કરીએ તો લૈંગિક સમાનતાની સ્થાપના તરફ એક મોટું પગલું ભર્યું હોવાનું કહેવાશે.

થોડાં નામી, અનામી ગુજરાતી કવિઓ અને બહારથી આયાત કરેલાં એક હિન્દી કવિની હાજરી સાથે અછાંદસ કવિતાઓનો કંટાળાજનક દોર ચાલતો રહ્યો.

અછાંદસ કવિતાઓની ભરમાર વચ્ચે બે-ત્રણ ગઝલો રજૂ થઈ તો જાણે 2.50ના ધીમા રનરેટથી આગળ ધપતી ટેસ્ટમૅચની ઈનિંગમાં કોઇ સ્ફોટક બૅટ્સમૅન આવીને પચાસ દડામાં 100 રન ફટકારી ગયો હોય એવી ઉત્તેજનાનો માહોલ સર્જાયો. પછી ફરી અછાંદસ અને કંટાળાનું પુનરાવર્તન.

રાત્રે માતા-પિતા પાસેથી જિજ્ઞાસાવશ રસપ્રદ વાર્તા સાંભળતાં સાંભળતાં ઊંઘમાં સરી પડતાં બાળક અને કાવ્યોત્સવમાં કંટાળાજનક અછાંદસ કવિતા સાંભળીને બગાસા ખાતાં શ્રોતા વચ્ચે ઘણો ફર્ક છે. 

બાળક પેદા કરવાની તીવ્ર ઇચ્છા ન હોય તો જાતિય સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ હિતાવહ છે, એ જ રીતે કંટાળાજનક અછાંદસ કવિતાઓના પઠન દરમિયાન માથાના દુ:ખાવાથી બચવા માટે ક્રોસિન જેવી એકાદ દવા ખિસ્સામાં રાખવી હિતાવહ છે.

આવા સમયે, સ્વાસ્થ્યસભાન લોકોએ ઍલોપથિક દવાઓની આડઅસરની બહુ ચિંતા નહીં કરવી, કારણ કે કંટાળાજનક અછાંદસ કવિતાથી થતી આડઅસરો વધારે ખતરનાક હોય છે!