Pages

Friday, January 1, 2016

લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર (શિરીષ પંચાલ): ભાગ-3

અશ્વિની ભટ્ટની બીજી નવલકથા 'ઓથાર' (1984) બે ભાગમાં લખાયેલી છે. અહીં પૃષ્ઠભૂમાં હિંદુસ્તાનનો કંપની સરકાર સામેનો બળવો છે. આ નવલકથા પણ જાનોરના રાજકુમાર સેજલસિંહના મોઢે કહેવડાવી છે. આવા કથનકેન્દ્રને કારણે પણ વાચકોને ધરપત રહે કે નાયક છેલ્લે સુધી જીવતો રહેશે. લેખક આપણને સોસવાસો વરસ પહેલાંના જગતમાં ઘણીબધી રીતે લઈ જાય છે. દસ્તાવેજી વિગતો ઉપરનું પ્રભુત્વ પ્રશંસનીય કહી શકાય. પણ ભાષાને વાસ્તવિક બનાવવા માટે થોડી ઉર્દૂ છાંટ ઉમેરી છે. જ્હોન બાર્થ 'સોટવીડ ફેક્ટર'માં સો વર્ષ જૂની ભાષા પ્રયોજે છે, કદાચ આપણા વાચકોને નર્મદના સમયની ભાષા પ્રતિકૂળ આવે. એટલે એવું સાહસ અહીં કરવામાં આવ્યું નથી.

અહીં નવલકથાના આરંભે સેજલસિંહની આગળ તેના પિતાની રહસ્યમય છબિ પ્રગટે છે. હિંદુસ્તાનના વિપ્લવમાં અંગ્રેજોને પડખે રહીને વિક્રમસિંહે દેશને દગો કર્યો હતો, સેજલસિંહ એ વિશે વધુ જાણવા માગે છે - પોતાનો રહસ્યમય નોકર ધાનોજી, માતા રાજેશ્વરી કે મંત્રી બાલીરામ કશું કહેવા તૈયાર નથી. જેવી રીતે મુંજાલ, મીનળદેવી જયદેવને અપરિપક્વ માનતા હતા તેવી જ રીતે અહીં પણ કોઇ સેજલસિંહને ગંભીરતાથી લેતું નથી. પણ પોતાની જાતને પ્રભાવક બનાવવા માગતા નાયક પાસે લેખક એક પછી એક ઉત્તેજક કાર્યો કરાવતા રહે છે, પણ ઘટના સાથે માનવચરિત્રને સાંકળવાનું લેખક ટાળે છે, કારણ કે તેમણે અપનાવેલો ઢાંચો રોમાંસનો છે. હા, લેખક અસામાન્ય વાતાવરણ સર્જે છે, ઘટનાઓના રહસ્યમય અંકોડા એક પછી એક રજૂ કરતા રહે છે.

જમાનાઓ પહેલાં લખાયેલી બંકિમચંદ્ર ચટોપાધ્યાયની બંગાળી નવલકથા 'આનંદમઠ' અને આપણે ત્યાં રમણલાલ દેસાઈની 'ભારેલો અગ્નિ' આ વિપ્લવને કેન્દ્રમાં રાખીને લખાયેલી કૃતિઓ છે. બંકિમચંદ્રની કૃતિએ તો અનુગામી દાયકાઓમાં દેશભક્તિનો જુવાળ પ્રગટાવ્યો હતો અને ભારતમાતાની વિભાવના દેશવાસીઓ આગળ મૂકી આપી હતી. 'ઓથાર' સામાન્ય સાહસકથા બની રહેવાને બદલે એક અદભુત રહસ્યકથા બની રહે છે. વિપ્લવના ઇતિહાસની મેળવેલી જાણકારી વાતાવરણ ઊભું કરવા સિવાય ખાસ કામ લાગતી નથી. પ્રથમ પુરુષના કથનકેન્દ્રમાં લખાયેલી હોવા છતાં એમાં કેન્દ્રોની ભેળસેળ થતી રહે છે. મેકલીન્સની ઘણી કૃતિઓ પ્રથમ પુરુષમાં લખાયેલી છે પણ ત્યાં એવી કશી ભેળસેળ થતી નથી. કદાચ આપણા વાચકવર્ગને આનો ખ્યાલ પણ ન આવે.

વાચકને કથામાં જકડી રાખવાને માટે અને સાથે સાથે તેમને અવારનવાર કશાક અપરિચિત વાતાવરણમાં રમતા કરવા માટે સ્થળ બદલાતાં રહે છે. અંગ્રેજોનો જમાનો છે એટલે બહુ વિગતે અંગ્રેજ અમલદારોનાં ચિત્રણ કરવામાં આવ્યાં છે. વાર્તાને વધારે રોમાંચક બનાવવા અંગ્રેજ યુવતી ગ્રેસ નાયકને ચાહતી થાય છે અને નાયક સેના બારનીશ નામની અગ્નિશિખા સમી યુવતીને ચાહે છે. અંગ્રેજો વિરુદ્ધના કાવતરામાં મદદરૂપ થવાને માટે નાયક અંગ્રેજ યુવતી જીનાના અપહરણનું કાવત્રું ઘડી કાઢે છે, અને પછી તો જાસૂસી નવલકથાના ઢાંચાનો ઉપયોગ કરીને એક ઘટના શમે નહીં તે પહેલાં બીજી ઘટના આવી ચઢે છે.

ધીમે ધીમે નાયકની સાથે સાથે વાચકને પણ ખબર પડવા માંડે છે કે રાજેશ્વરી અને બાલીરામ તો મહાન દેશભક્તો હતા. વાચકોની નાડ લેખક બરાબર પારખી શક્યા છે. નાયકના મિત્રવર્તુળમાં જેમનો જેમનો સમાવેશ થતો હોય તે બધા કદી અસદના ખાનામાં ગોઠવાઈ ન શકે. જો નાયક પોતાના બાપને ગદ્દાર કહે તો એની સજા તરીકે રાજમાતા પોતાના એકના એક દીકરાને ફટકાની સજા કરી શકે છે. આવું અતિરંજિત દૃશ્ય આવે એટલે વાચકો એ પાત્રને ઊંચે જ સ્થાપે.

પછી તો માફકસરની હિંસા, જેલ તોડવાની ઘટના, બે અંગ્રેજ અમલદારોને જ એકબીજા સાથે અથડાવી મારવાની યોજના, અંગ્રેજ અધિકારી સર પોવેલનું રહસ્યમય ખૂન (પાછળથી ખબર પડે કે એ ખૂન રાજેશ્વરીની સૂચનાથી કરવામાં આવ્યું હતું), એક ભારતીય રાજકુમાર પર વારી જતી બબ્બે અંગ્રેજ યુવતીઓ, નવલકથાને વધુ રહસ્યમય બનાવવા માટે એક બાજુ બાબા હરિભજનસિંહનો પ્રવેશ અને બીજી બાજુએ સંતોજી બારનીશનો ઇતિહાસ; વચ્ચે વચ્ચે મારામારીની ઘટનાઓ, ભારતીય દેશભક્તો અને અંગ્રેજ સૈન્ય વચ્ચે ખેલાયેલો જંગ (વાચકને તો વિશ્વયુદ્ધનું જ વાતાવરણ લાગે) જાનોરનો ખજાનો છૂપી રીતે જબલપુર રવાના થયાની ઘટના અને એ બધાં પાછળ રાજેશ્વરી અને બાલીરામનો હાથ છે એવો ધીમે ધીમે આવતો ખ્યાલ. આ બધું વાર્તાને રોમાંચક બનાવે છે. પાસાં ફેંકવાની લેખકની શક્તિ માટે વાચકને માન થાય. પરાકાષ્ઠા રૂપ ઘટના ભયાનક આગની છે, એમાં નાયક ભયંકર રીતે દાઝી જાય છે, પોતાનો કદરૂપો ચહેરો લઈને તે પ્રગટ થવા માગતો નથી. ભિખારી તરીકે પોતાની જ પત્ની અને માતા પાસેથી દાન લે છે પણ વિચક્ષણ બાલીરામ પાછળથી એને પારખી લે છે. આવા લોકપ્રિય નવલકથાકારે વાચકોને ન ગમે એવો અંત યોજીને પડકાર ઝીલ્યો છે (રાજ કપૂર અને નિગાર સુલતાનાને ચમકાવતી 'આગ' ફિલ્મમાં પણ નાયક દાઝી જાય છે પણ નાયિકા તેનો સ્વીકાર કરે છે, 'જેન આયર'માં નાયિકા અંધ થયેલા નાયકને સ્વીકારી લે છે.).

લોકપ્રિય નવલકથા/નાટક/ફિલ્મમાં મોટે ભાગે સિગ્મંડ ફ્રોઈડ કથિત ઇચ્છાતૃપ્તિનો સિદ્ધાંત કારગત નીવડતો હોય છે એ વાત શરૂઆતમાં જોઈ ગયા. વાચકોને માત્ર મનોરંજનથીય વિશેષ સાંપડે છે. પોતાની જાતને નાયકનાયિકામાં ઢાળીને એક વૈકલ્પિક સર્જકત્વનો સંતોષ તે મેળવી લે છે. મોટા ભાગની લોકપ્રિય નવલકથાઓમાં નાયક એટલે પુરુષ કેન્દ્રમાં હોય છે, જોકે અગાથા ક્રિસ્ટીએ કેટલી બધી નવલકથાઓમાં નાયિકા તરીકે પ્રૌઢા મિસ માર્પલને પસંદ કરી હતી.

લોકપ્રિય નવલકથાઓએ સિનેમા જેવા બીજાં કળામાધ્યમોને માર્ગ દેખાડ્યો એમ કહીએ તો ચાલે. અઢારમી સદીથી પ્રચલિત થયેલી નવલકથાઓને સિનેમામાં તો છેક વીસમી સદીમાં ઢાળવામાં આવી હતી. એમાંય પ્રશિષ્ટ કૃતિઓની નિકટ જઈ પહોંચેલી નવલકથાઓનો સમાવેશ થતો હતો, એન્થની ક્વીનની ભૂમિકા ધરાવતી 'ધ હંચબેક ઑવ્ ધ નોત્રદેમ' (જેના પરથી છઠ્ઠા દાયકાની શરૂઆતમાં માલા સિંહા અને પ્રદીપકુમાર, કે.એન.સિંઘને ચમકાવતી અને 'આ નીલ ગગન તલે પ્યાર હમ કરે' જેવું અદભુત સૂરીલું ગીત ધરાવતી 'બાદશાહ' ફિલ્મ ઊતરી હતી) તથા વિક્ટર હ્યુગોની 'લા મિઝરેબલ' (ગુજરાતીમાં રૂપાંતર કરનાર મૂળશંકર ભટ્ટ, આ નવલકથા પરથી ઊતરેલી 'કુંદન' ફિલ્મમાં સોહરાબ મોદી, સુનીલ દત્ત અને નિમ્મી હતા) જેવી કૃતિઓએ સાહિત્યજગતમાં અને પછી એના પરથી ઊતરેલી ફિલ્મોએ ભારે નામના મેળવી હતી.

લોકપ્રિય નવલકથાઓમાં જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય. સામાન્ય રીતે રોમાન્સ (રંજનકથા, સાહસકથા)ના નામે ઓળખાતી બધી કૃતિઓ લોકપ્રિય તો હોવાની. પણ એલેક્ઝાંડર ડૂમાની 'થ્રી મસ્કેટિયર્સ' શ્રેણીની લોકપ્રિયતા અને 'પાટણની પ્રભુતા' શ્રેણીની લોકપ્રિયતા એક જ કે જુદા પ્રકારની? કનૈયાલાલ મુનશીની કૃતિઓએ ગુજરાતી નવલકથાના વિકાસમાં, ગુજરાતી સર્જનાત્મક ગદ્યના ઘડતરમાં બહુ મોટો ફાળો આપ્યો હતો એવી રીતે ડૂમાએ કે રવીન્દ્રનાથ ઠાકુરના માનીતા રેનોલ્ડ્ઝની કૃતિઓએ કશો ફાળો આપ્યો હતો? વળી એવી પણ શક્યતાનો સ્વીકાર કરવાનો કે એક સમયે જે કૃતિઓ લોકપ્રિય નીવડી હોય તે બીજા સમયે લોકપ્રિય રહેતી નથી. ઓગણીસમી સદીમાં 'પિલગ્રીમ્સ પ્રોગ્રેસ' જેવી કૃતિઓ લગભગ બધી જ ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે વંચાતી હતી, આજે એવી કૃતિઓ સાવ વિસરાઈ ગઈ છે.

ઓલિવર સ્ટ્રેન્જ ('સડન' નામના નાયકને ચમકાવતી)ની નવલકથામાઓ વીસમી સદીના ચોથા દાયકામાં આવી હતી, આ લેખકે સમસામયિક વાસ્તવનું આલેખન ન કર્યું પણ અમેરિકામાં જે સમયે યુરોપીય વસાહતીઓ આવવા માંડ્યા હતા તે સમય પસંદ કર્યો, અમેરિકાના દક્ષિણ વિસ્તારની પૃષ્ઠભૂ રાખી; રેડ ઈન્ડીઅનો તથા ગોરા ગોપાલકોની વસાહતોને સ્થાન આપ્યું. ગાયોના અપહરણની વાતો તો જમાનાઓ જૂની છે. અને એ રીતે ખલનાયકો, પોલિસ, સામાન્ય પ્રજાજનો, માફકસરની માત્રામાં પ્રેમનિરૂપણ (ઉઘાડો શૃંગાર જરાય નહીં) ધરાવતી આ કૃતિઓ ભારે લોકપ્રિય થઈ હતી. એમાં પ્રાદેશિક વાતાવરણે, પ્રાકૃતિક પરિવેશે પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો (વર્તમાન પેઢીને 'મેકાન્નાઝ ગોલ્ડ' ફિલ્મ યાદ કરાવવી પડે.) આપણા ચિરપરિચિત જગતને બદલે સાવ અજાણ્યા વાતાવરણનું આકર્ષણ સૌને હોય છે અને એને કારણે પણ તે લોકપ્રિય બને છે.

વીસમી સદીમાં સાહસકથાઓ કે રોમાન્સનો આવો પ્રકાર 'વેસ્ટર્ન'ના નામે ઓળખાયો (ફિલ્મો પણ વેસ્ટર્ન કહેવાઈ, 1950ની આસપાસ તો આવી 'વેસ્ટર્ન' કૃતિઓ 'નવલકથા' કે 'ફિલ્મ'નો પર્યાય બની ગઈ; એ સમયના કૉલેજિયનો ઘોડો, બંદૂક અને રૂપાળી સ્ત્રીઓ જોવા આવી ફિલ્મોમાં રસ લેતા હતા. આવી જ કેટલીક સાહસકથાઓ પરથી ફિલ્મો બનાવવામાં આવી હતી અને એ નિર્માતાઓએ એમને રિપબ્લીકન સિરીયલ તરીકે ઓળખાવી, 'કેપ્ટન માર્વેલ' એ ગાળામાં બહુ જાણીતી થઈ હતી. આપણે ત્યાં નાદિયા, જોન કાવસને ચમકાવતી ફિલ્મો (દા.ત. 'હ્ંટરવાલી') ખૂબ લોકપ્રિય નીવડી હતી.

કેટલીક વખત અતિશૃંગાર કૃતિની લોકપ્રિયતામાં વધારો કરે છે, ક્યારેક આ શૃંગાર અશ્લીલતાની હદે જઈ પહોંચે છે, ઘણી વખત માત્ર સફળતા મેળવવા ખાતર પણ કૃતિમાં અમર્યાદ જાતિય નિરૂપણો કરવામાં આવે છે, કદાચ આજની તારીખે પણ ભારતમાં પ્રતિબંધિત 'લેડી ચેટરલીઝ લવર' (મોહમ્મદ માંકડની 'કાયર'ના મૂળમાં આ જ હતી ને?)માં આલેખાતા શૃંગાર કરતાંય જ્હોન બાર્થ કે જ્હોન ફાઉલેસની સાહિત્યિક કૃતિઓમાં તથા મનોરંજનાત્મક નવલકથાકાર હેરલ્ડ રોબીન્સની કૃતિઓમાં અનેકગણો શૃંગાર પડેલો છે; જાણીતા ફ્રેન્ચ કવિ આપોલીનેરની એક આવી જ નવલકથામાંથી હું પસાર થયો ત્યારે નરી જુગુપ્સા થઈ હતી.

કેટલીક વખત આવી કુખ્યાત બનેલી નવલકથાઓ કરતાં તેમની બીજી નવલકથાઓ ગુણવત્તાની દૃષ્ટિએ ચઢિયાતી હોય છે, દા.ત. ડી.એચ. લોરેન્સની 'સન્સ ઍન્ડ લવર્સ'; નોબોકોવની 'પેલ ફાયર'. પેલી કુખ્યાત નવલકથાઓ વિસરાઈ ગઈ જ્યારે આ નવલકથાઓ આજેય ચર્ચાતી રહી છે.

લોકપ્રિય નવલકથાનો એક વર્ગ યુદ્ધકથાનો છે, યુરોપમાં ઓગણીસમી વીસમી સદીની યુદ્ધકથાઓ નવલકથારૂપે તો જાણીતી થઈ; ઘણાબધા અમેરિકી લેખકો યુરોપમાં પ્રત્યક્ષ/પરોક્ષ રીતે સંડોવાયેલા હતા. આવી કૃતિઓ પણ બે સ્તરે આલેખાતી રહી: એક, અર્નેસ્ટ હેમિંગ્વે જેવાની (ફેરવેલ ટુ આર્મ્સ, રોક હડસનની ભૂમિકાવાળી ફિલ્મ પણ) અને બીજી એલેસ્ટર મેકલીન્સ જેવાની (ગન્સ ઑવ નેવેરોન કે વ્હેર ઈગલ્સ ડેર જેવી ફિલ્મો) બંનેની નવલકથાઓ અને ફિલ્મો સરખાવી શકાય.

એવી જ રીતે રહસ્યકથાઓ પણ લોકપ્રિય બની. ગુજરાતીમાં પણ શેરલોક હોમ્સની જેમ ડિટેક્ટીવ હરનામસિંહ, ચિત્રગુપ્ત વકીલ, દેવેન્દ્રનાં પાત્રો દંતકથા સમા બની ગયાં હતાં. હરનામસિંહને ચમકાવતી કૃતિઓના લેખક હતા ધનશંકર ત્રિપાઠી, તેમની અઢળક નવલકથાઓની પૃષ્ઠભૂ હતી રાવિના કાંઠે આવેલું લાહોર (જેમને આ લેખકમાં રસ હોય તેમણે નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીનો કે હસિત મહેતાનો સંપર્ક સાધવો). દુર્ભાગ્યે આ અદભુત નવલકથાઓ પરથી ભાગ્યે જ કોઇ ફિલ્મ ઊતરી હતી; ચંદુલાલ વ્યાસ એક જમાનામાં 'બહુરૂપી' નામના સામયિકમાં ચિત્રગુપ્ત વકીલ અને મનહરનાં પાત્રોને ચમકાવતી નવલકથાઓ ધારાવાહી રૂપે આપતા હતા અને પાછળથી તે કૃતિઓ ગ્રંથાકારે પ્રગટ થઈ હતી. જ્યારે આર્થર કોનન ડોયલની કૃતિ 'હાઉન્ડ્ઝ ઑવ બાસ્કરવિલે' પરથી હિન્દીમાં 'બીસ સાલ બાદ' અને Daphane du Maurierની નવલકથા પરથી હિચકોકની ફિલ્મ 'રેબેક્કા' ઊતરી હતી; એ જ કૃતિ પરથી ગુજરાતી નાટક 'તિલોત્તમા' અને હિન્દી ફિલ્મ 'કોહરા'નું નિર્માણ થયું હતું. આ ફિલ્મનો અંત પણ કેટલો કૃત્રિમ લાગે છે! ભારતીય વાચકોના મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે નવલકથાનો નાયક ખૂન કરે જ નહીં! વળી, પશ્ચિમની કેટલીક ઉત્તમ નવલકથાઓના અનુવાદ કરવામાં જોખમ રહેલાં છે. ધારો કે દોસ્તોએવ્સ્કીની 'ધ ઈડિયટ' નવલકથાનો અનુવાદ કરવામાં આવે તો કદાચ ગુજરાતી વાચકો રશિયન પૃષ્ઠભૂમિને ન પણ સ્વીકારી શકે, એટલે ક.મા.મુનશીની કૃતિઓ કરતાંય બહુ ઊંચી કક્ષાનો કથાવેગ હોવા છતાં વાચકો એને ન સ્વીકારે, એટલે તમારે એવી કૃતિઓનું રૂપાંતર કરવું પડે!

બાર્થ અને ફાઉલેસની નવલકથાઓમાં લોકપ્રિય નવલકથાઓનો ઢાંચો પસંદ કરવામાં આવ્યો હતો, તેમણે જાણે પડકાર ઝીલી લીધો, વાચકોને જો ઉઘાડો શૃંગાર અને હિંસકતા ગમે છે તો અમે એ આપીશું અને છતાં અમારું જ ધાર્યું કરીશું.

ગુજરાતી ભાષામાં સાહિત્યના ઇતિહાસમાં સ્થાન પામતા લોકપ્રિય નવલકથાકારો (ક.મા. મુનશી, દર્શક, ર.વ.દેસાઈ, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ચંદ્રકાંત બક્ષી) અને એવા ઇતિહાસમાં સ્થાન ન પામતા નવલકથાકારો ('યોગિનીકુમારી'ના સર્જક છોટાલાલ માસ્તર, 'ચંદ્રકાંત'ના સર્જક ઇચ્છારામ દેસાઈ, મોહનલાલ ચુનીલાલ ધામી, 'રમકડાં વહુ'ના લેખક વજુ કોટક, જગ્ગા ડાકુના ચરિત્રસર્જક હરકિસન મહેતા, સારંગ બારોટ, વિઠ્ઠ્લ પંડ્યા, ભદ્રકુમાર યાજ્ઞિક, કોલક, રજનીકુમાર પંડ્યા) (હિન્દીમાં 'ચંદ્રકાંતા'ના સર્જક દેવકીનંદન ખત્રી, 'કટી પતંગ'ના સર્જક ગુલશન નંદા): આ બે વચ્ચેની સમાનતા-અસમાનતા ચર્ચાવી જોઈએ. એક જમાનામાં તો કોલક 'નવલકથા' નામનું સામયિક પણ પ્રગટ કરતા હતા.

અને આ બધું હોવા છતાં લોકપ્રિય નવલકથા આપણને ભાવનાઓનાં, ઊર્મિઓનાં, આદર્શોનાં નવાં પ્રતિરૂપ આપતી નથી. એ સાવ જુદા અર્થમાં આપણું કેથાર્સિસ કરે છે. છેલ્લા દોઢબે દાયકાથી આપણી પ્રજાને ટીવી સિરીયલોએ કાલ્પનિક, અવેજીરૂપ જગત દેખાડ્યું અને આપણાં સ્વપ્નજગતોને પરદા પર સાચાં કરી બતાવ્યાં અને બીજી બાજુએ ટીવીની ચાંપ બંધ થઈ જતાં ફરી પાછા અનેક પ્રકારના અંધકારમાં, હતાશાનિરાશાના અતલ ઊંડાણમાં આપણને ધકેલી દીધા; આ કૃતિઓ આપણો જીવનરસ ઓછો કરી નાખે છે, વ્યવહારજીવનમાં અનેક પ્રકારના અસંતોષ વધવા માંડે છે. જ્હોન રસ્કીને એક જમાનામાં કહ્યું હતું કે જ્યારે કોઇ સમાજ લાંબા ગાળા સુધી પ્રાણશક્તિ અને કલ્પનાવિહોણી કળાને જણ્યા કરે અને મોટા ભાગનો સમાજ એને સ્વીકારી લે ત્યારે માનવું જોઈએ કે એ સમાજ ખોટકાઈ ગયો છે.*

(*બેઅઢી દાયકા પહેલાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં નીતિન મહેતાએ 'લોકપ્રિય કળા' વિશે યોજેલા પરિસંવાદમાં રજૂ કરેલું વક્તવ્ય અહીં સુધારાવધારા સાથે.)

2 comments:

  1. લોકપ્રિય નવલકથાનું સૌંદર્યશાસ્ત્ર (શિરીષ પંચાલ): ભાગ-૧,૨,૩ વાંચતા અશ્વિની ભટ્ટની સાહિત્ય સ્રુષ્ટિમાં સહેલગાહ કરવા સાથે વૈષ્વિક સાહિત્યમાં પણ લટાર મરાવી દીધી તે બદલ શિરીષ ભાઈ સાથે ब्लोगर किनारे નો ખૂબ-ખૂબ આભાર.

    ReplyDelete
    Replies
    1. Thank you very much ma'am for your encouraging words and sparing time to read lengthy articles. My efforts haven't gone wasted. :)

      Delete