Pages

Friday, May 31, 2013

બર્થ-ડેનું બખડજંતર

ગઈકાલે 30મી મેનાં રોજ બ્રહ્માંડમાં આવેલી અબજો આકાશગંગાઓ પૈકીની એકની બાહરી સરહદમાં આવેલા એક અત્યંત સામાન્ય સરેરાશ તારાના એક પૃથ્વી નામનાં નગણ્ય ગ્રહ પર અસ્તિત્વના 33 વર્ષ પૂરા કર્યાં. શતાયુ થવાનાં કે 100 વર્ષ પૂરા કરવાનાં બમ્પર બોનાન્ઝા ઑફર જેવા વડીલોનાં આશીર્વાદ આપણને બાળપણમાં 100થી વધુ વખત મળી ચૂક્યા હોય છે, એટલે 100 વર્ષનાં આયુષ્યનું એક બૅન્ચમાર્ક જેવું ધોરણ રાખીએ તો કહી શકાય કે મારું એક તૃતીયાંશ આયુષ્ય પૂરું થયું. બે તૃતીયાંશ આયુષ્ય બાકી છે એવું નહીં કહું કારણ કે મને હંમેશા ઊંચે ઊડવા માટે વિમાનની શોધ કરનાર આશાવાદી માણસ કરતાં નીચે હેમખેમ ઉતરાણ કરાવનાર પેરેશૂટની શોધ કરનાર નિરાશાવાદી વધારે મહાન લાગ્યો છે. ભાઈ, એ તો જેવી જેની માનસિકતા. કોઈને અડધો ભરેલો ગ્લાસ જોવો હોય, કોઈની નજર અડધા ખાલી ગ્લાસ પર હોય. નરેન્દ્ર મોદીની જેમ પાણી ઉપરાંત હવાનું વધારાનું ફેક્ટર જોતી સુપર સકારાત્મક દ્રષ્ટિ બધાં પાસે થોડી હોય? (બાય ધ વે, એક આડવાત: ત્રણ મહિનાં પહેલાં SRCC ખાતેની નરેન્દ્ર મોદીની સ્પીચ સાંભળ્યા પછી બાલાજી વેફર્સની પેકેટમાં ભરવામાં આવતી અડધી હવા સામેની મારી ફરિયાદ દૂર થઈ ગઈ છે!).

મારા જેવા હંમેશાં લો-પ્રોફાઈલ, એકાંતપ્રિય અને બિન-સામાજીક તત્વ તરીકે કુટુંબીજનોમાં પંકાયેલાં જીવને કશું પણ રંગેચંગે ઉજવવાનું ન ગમે એ સ્વાભાવિક છે.  પછી એ લગ્ન હોય કે જન્મદિવસ! :P. લગ્ન અને જન્મદિવસ બંનેમાં સામ્ય એ છે કે જે વ્યક્તિ આ પ્રસંગનાં કેન્દ્રસ્થાનમાં હોય એ ગમે તેટલી સાદાઈથી અને શાંતિથી દિવસ ગુજારવા ચાહે, પણ આસપાસના કોલાહલપ્રિય ઉત્પાતિયા જીવોની માંગણીને માન આપીને સેલિબ્રેશનમાં ઘણી વખત પરાણે ખેંચાવું પડતું હોય છે. 

જન્મદિવસની બાબતમાં બહુમતી લોકો બહુ ઈમોશનલ હોય છે. અટેન્શન સીકિંગ (ધ્યાનખેંચુંવૃત્તિ)નાં આ જમાનામાં અમુકને બર્થ-ડે વિશ ન મળે તો નાના બાળકની જેમ રિસાઈ જાય છે. કોણેકોણે મને આ વખતે વિશ કર્યું કે ન કર્યું એની કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ જેવી ઝીણવટપૂર્વકની યાદી મનમાં સંઘરી રાખે છે અને જેમણે વિશ કર્યું હોય એટલા લોકોને જ વળતી વિશ મોકલવી એ એમની ગ્રીટિંગ પેટર્ન હોય છે. 5 વર્ષની ઉંમરે 55 માણસોના ટોળાં વચ્ચે મીણબત્તીઓ હોલવીને રંગેચંગે ઉજવેલા જન્મદિનનું એ ઉંમરે એક આગવું સ્થાન હશે. પણ પાકટ ઉંમરે આવું બધું કરવું નરી બાલિશતા લાગે છે. બાળસહજ જિજ્ઞાસાવૃત્તિ અને વિસ્મયકારક દ્રષ્ટિને હૃદયનાં એક ખૂણામાં અકબંધ રાખીને વ્યક્તિત્વમાં ક્રમશ: કેટલો ઠહરાવ, પ્રગલ્ભતા (મેચ્યોરિટી) આવી? જીવનમાં ઊભા થતાં પ્રશ્નો અને સંઘર્ષોના સમાધાન માટે કોઈ નવી દ્રષ્ટિ કે અભિગમ વિકસ્યો? માંહ્યલાંને ઢંઢોળતા આવા સવાલોનું સરવૈયું કાઢતાં સ્મિતની જેટલી વધારે સિલક મળે તેટલું જીવ્યું સાર્થક ગણાય!

જતાં જતાં....

પૂછ એને કે જે શતાયુ છે, 
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે. 
શ્રી સવા બારણે લખ્યા કર તું, 
શબ્દથી બીજું શું સવાયું છે. 
આંખમાં કીકી જેમ સાચવ તું, 
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે. 
આપણો દેશ છે દશાનનનો, 
આપણો માંહ્યલો જટાયુ છે. 
તારે કાજે ગઝલ મનોરંજન, 
ને મારે માટે તો પ્રાણવાયુ છે.

                                                                   -મનોજ ખંડેરિયા

Thursday, May 16, 2013

શાશ્વત ભ્રષ્ટાચાર : રાજીવ ગાંધીથી રાજીવ શુક્લા સુધી...

સની લિઓનનું નામ પડે અને મેનફોર્સ કોન્ડોમની જાહેરાત યાદ આવે એમ રાજીવ ગાંધીનું નામ લેવાય ત્યારે કુખ્યાત બોફોર્સ કૌભાંડ યાદ આવે. કોંગ્રેસનાં રાજીવરત્ન ગાંધી વડાપ્રધાન પદે હતાં ત્યારે તોપ બનાવતી સ્વીડિશ કંપની બોફોર્સે ડિફેન્સ ડીલ માટે રાજીવ ગાંધી સહિતના ટોચના રાજકારણીઓને કટકી ખવડાવી હોવાનો અહેવાલ સોદાના એકાદ વર્ષ બાદ આવ્યો અને કૌભાંડ બરાબર ગાજ્યું. કેટલાંય પત્રકારો બોફોર્સ કૌભાંડ વખતે બાલ્યાવસ્થામાં હોય અને પછી અભ્યાસ પૂરો કરીને પત્રકાર બને ત્યારે કેસને લગતાં કાનૂની દાવપેચોનું રિપોર્ટિંગ કરતાં હોય એવું બન્યું છે. 

લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે પણ કૌભાંડ પછી કરવામાં આવતી લૂલી-મામૂલી કાનૂની કાર્યવાહી લાંબીલચક હોય છે એટલે જેમ અવગતે ગયેલાં અમુક જીવોનો લાંબા સમય સુધી મોક્ષ થતો નથી તેમ કેટલાંક કૌભાંડ જનમાનસની સ્મૃતિમાં લાંબી આવરદા ભોગવવા સર્જાયા હોય છે.

ભ્રષ્ટાચારનો ભોરિંગ કરડવાના કારણે આપણું બંધારણ મૂર્ચ્છામાં સરી ગયું છે. લોકસભામાં ચૂંટાઈ આવનારાઓને લોકલાજની કોઈ પડી નથી. કુમારપાળ દેસાઈના એક લેખમાં વાંચ્યું હતું કે આપણો ભ્રષ્ટાચાર ભવ્ય છે. તે કટગુંદીના ઠળિયા જેવો છે. એક હાથેથી ઉખેડો એટલે બીજા હાથની આંગળી પર ચોંટે. એમ બાબુના ઘરમાંથી પકડો તો કાળુના ઘરમાં ભરાય. ત્યાંથી પકડો તો સોમાના ઘરમાં સગડ મળે... તેના સગડ ચાલતાં જ રહે. દુ:ખની વાત એ છે કે આ ભ્રષ્ટાચારનો ભોરિંગ જેને કરડ્યો હોય એ નેતા મરતો નથી પણ બમણાં જોરે ફેણ ચડાવીને નવું કૌભાંડ કરવા માટે સજ્જ થઈ જાય છે.

આંગળીનાં વેઢે ગણી ન શકાય એટલા ક્ષેત્રોને ભ્રષ્ટાચાર આભડી ચૂક્યો છે પણ આપણે રાજકારણ પછી ક્રિકેટ પૂરતી વાત સીમિત રાખીએ.

16મે 2013નાં રોજ કોંગ્રેસનાં જ સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન અને આઈપીએલનાં ચેરમેનનાં ગેરવ્યાજબી રીતે ડબલ હોદ્દા ભોગવતાં રાજીવ શુક્લના કાર્યકાળમાં સ્પૉટ ફિક્સિંગનું કૌભાંડ ગાજ્યું છે જેમાં રાજસ્થાન રોયલ્સ ટીમનાં બૉલર શ્રીસંથ અને અન્ય બે ક્રિકેટરોની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજીવ શુક્લા સાથે રાજીવ ગાંધીને યાદ કરવાનું કારણ એ કે બંને રાજીવનો જીવ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં રાજી છે. કોંગ્રેસ અને ભ્રષ્ટાચારનો ચોલી-દામન જેવો સંબંધ તો છે જ પણ કોંગ્રેસી વહીવટકાળમાં ચોરી અને દમન પણ એટલું જ સર્વવ્યાપક છે! 

લોકોની યાદદાસ્ત હોય કે, ચિયરલીડર્સના વસ્ત્રો હોય કે પછી ક્રિકેટનું ટી20 ફૉર્મેટ હોય, બધે જ આજકાલ "ટૂંકું ને ટચ"નો જમાનો ચાલે છે. એક સમયે ક્રિકેટનાં 20-20 ફૉર્મેટને "ચડ્ડી ક્રિકેટ" કહીને તુચ્છકારતાં નવજોત સિદ્ધુ સૂટ-ટાઈ-પાઘડીના અવનવાં સંયોજનોની ચમકદમક અને તર્ક-વિતર્ક-સતર્કતા સાથે શબ્દોની કુમક લઈને હોંશેહોંશે ટી-20 મેચો પર પોતાનું ભાષ્ય આપવા પહોંચી જાય છે. બિચારું ટેસ્ટ ક્રિકેટ સફેદ સાડલો પહેરીને ખૂણો પાળતી વિધવાની જેમ ઓરમાયું અને એકલવાયું થઈ ગયું છે. 


સ્પૉટ ફિક્સિંગમાં ઝડપાયેલાં ખેલાડીઓએ દર્શકો-ચાહકોના દિલ સાથે ખેલીને ખેલદિલીની નવી કુવ્યાખ્યા આપી છે. ચિયરલીડર્સ તો અંગમરોડનાં કરતબ અને જાતજાતનાં નાચથી દર્શકોનું મનોરંજન કરવા માટે હોય છે પણ આ ક્રિકેટરો તો એમના કરતાં પણ એક ડગલું આગળ વધીને સ્ટ્રિપટીઝ કરવા સુધી પહોંચી ગયા છે !

Monday, May 6, 2013

મારે પણ એક બ્લૉગ હોય !

કોઈક ને કોઈક રીતે લાગણીઓની અભિવ્યક્તિ કરવી એ આહાર-નિદ્રા-મૈથુન (કે પછી રોટી- કપડાં-મકાન કે પૈસો-પ્રતિષ્ઠા-પત્ની?) ઉપરાંતની માનવીની એક સવિશેષ જરૂરિયાત હંમેશા બની રહી છે અને લખવું એ અભિવ્યક્તિના એક ઉત્તમ પ્રકારમાં સ્થાન પામે છે. ફેસબુક, ટ્વિટર, બ્લૉગ, એસએમએસ, મેસેન્જર, ઈ-મેઈલ, WhatsApp - પ્લેટફૉર્મ ગમે તે હોય, દિમાગરૂપી ટ્રેનમાંથી પ્રેરણાદાયક સુવિચારો, વેજ-નૉનવેજ જોક્સ, Anecdotes સહિતના અલગ અલગ ડબ્બાઓમાંથી ઉતરતાં પેસેન્જર્સ જેવા વિચારોની અભિવ્યક્તિનો કાફલો બિલકુલ વિરામ લેતો નથી.

લખવું ઘણાંને હોય છે, કારણ કે વિચારો એ દિમાગની ખંજવાળ છે અને કલમ વડે કાગળ પર લખવાથી અથવા કીબૉર્ડ વડે સ્ક્રીન પર ટાઈપ કરવું એ કદાચ ખંજવાળ મટાડતાં Itch Guard ક્રીમ જેવું કામ કરતું હશે. રેલ્વેમાં જેમ આરક્ષિત (reserved) કરતાં અનારક્ષિત (general) મુસાફરોની સંખ્યા હંમેશા વધારે હોવાની એમ, અભિવ્યક્તિનું માધ્યમ સમાવી શકે, ખમી શકે અને સહન કરી શકે એના કરતાં એમાં વ્યક્ત થવા માટે આતુર લોકોની સંખ્યા હંમેશા વધારે રહેવાની. વ્યાપક ફેલાવો ધરાવતું માધ્યમ બધાને નસીબ થતું નથી. (હર કિસી કો નહીં મિલતી યહાં કૉલમ અખબાર મેં...). આવા સંજોગોમાં બ્લૉગ અવગતે ગયેલાં સેંકડો અપ્રકાશિત જીવો માટે વાસનામોક્ષની તક પૂરી પાડે છે. પ્રસિદ્ધિની ઘેલછા વિના નિજાનંદ અને શેરિંગનાં હેતુ માટે લખતાં લોકોને આમાં અપવાદ ગણવાં.    

બ્લૉગ એટલે પોતાના વિચારોને મર્યાદિત કે નગણ્ય પહોંચ ધરાવતી ડાયરીના પાનાઓની જંજીરમાંથી મુક્ત કરીને ઈન્ટરનેટના ઈન્ફર્મેશન હાઈ-વે પર ડિજિટલ પગલાં પાડીને પોતાની વેબ-પ્રેઝન્સનો અહેસાસ કરાવવાની એક પદ્ધત્તિ. (આડી વાત: વેબ-પ્રેઝન્સ ધરાવનાર દરેક વ્યક્તિ પાસે પ્રેઝન્સ ઑફ માઈન્ડ હોય એ જરૂરી નથી !). બ્લૉગ શબ્દ વેબ લૉગનો પૉર્ટમેન્ટ્યુ શબ્દ (portmanteau word) છે એટલે કે બે કે વધુ શબ્દોનું સંયોજન છે. (અમુક બ્લૉગ પર નજર નાંખતા એ "બાબા લોગ" (બાબા+લોગ) શબ્દનો સમાસ લાગે એ અલગ વાત છે!). 

ગુજરાતી બ્લૉગ વિશ્વ અને બ્લૉગર્સની ઑનલાઈન પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કરવાથી ઘણી રસપ્રદ બાબતો ખૂલે છે. ઘણાંખરાં પ્રસિદ્ધ અને એસ્ટાબ્લિશ્ડ ગુજ્જુ લેખકોનાં બ્લૉગ એ પોતાના દર અઠવાડિયે છાપામાં એક-બે-ત્રણ દિવસ કે રોજેરોજ પ્રકટ થતાં લેખોને અખબારની વેબસાઈટ પરથી કૉપી-પેસ્ટ કરીને ચડાવી દેવામાં આવતાં દસ્તાવેજોનો રેકર્ડ રાખવા માટેનાં ક્રોનિકલ જેવા વધારે લાગે છે. જેમ કેબીસીમાં પૈસાનાં આકર્ષણને કારણે જનરલ નૉલેજ તરફ લોકોનો પ્રેમ વધ્યો એમ હવે ગુજરાતી બ્લૉગ જગતમાં દર વર્ષે શ્રેષ્ઠ બ્લૉગ જાહેર કરવાની સ્પર્ધાને કારણે ઘણાં લોકોને બ્લૉગ લખવાનું પ્રોત્સાહન મળ્યું છે. 

બ્લૉગ અને ફેસબુક વચ્ચે ચોલી-દામન અથવા ભીંત અને વેલી જેવો પ્રગાઢ સંબંધ છે. વ્યવસાયે ડૉક્ટર એવા મહાન રશિયન નાટ્યકાર-વાર્તાકાર એન્ટોન ચેખોવે લખ્યું છે કે દવા મારી ધર્મપત્ની છે, પણ સાહિત્ય મારી પ્રિયા છે. જ્યારે હું એકથી થાકી જઉં છું ત્યારે જઈને બીજી સાથે સૂઈ જઉં છું. (Medicine is my lawful wife and literature my mistress; when I get tired of one, I spend the night with the other.) 

બ્લૉગ અને ફેસબુકને આ તર્ક લાગુ પાડીએ તો બ્લૉગને ધર્મપત્ની અને ફેસબુકને મિસ્ટ્રેસ કહી શકાય. બ્લૉગ ઘણાં અંશે પ્રેડિક્ટિવ છે અને ફેસબુક એડિક્ટિવ છે. બ્લૉગમાં મર્યાદિત interaction કે એકલવાયાપણાંથી કંટાળેલા લોકો રિલેક્સ અને ચિલ આઉટ થવા માટે ફેસબુક પર જાય છે.  આધુનિક જમાનાનાં હેન્રી ડેવિડ થોરોને બ્લૉગ જંગલના એકાંતમાં થતાં કલરવ કરતાં ફેસબુક પર જમા થયેલી મેદનીનો કોલાહલ વધારે માફક આવે છે. :) ફેસબુક પર પ્રચાર કરવામાં ન આવે તો જે તે બ્લૉગ પોસ્ટ વંચાવાની કે નોટિસ થવાની શક્યતા કેટલી? જેમ ધર્મ વિનાનું વિજ્ઞાન પંગુ છે એમ ફેસબુક પર પ્રચાર થયા વિનાની બ્લૉગ પોસ્ટ પાંગળી છે. લંગડાઈને ચાલતાં બ્લૉગ માટે ફેસબુક કાખઘોડીની ગરજ સારે છે. આયર્નથી ભરપૂર ખોરાકથી જેમ બ્લડ કાઉન્ટ વધે તેમ ફેસબુક પર મૂકેલી બ્લૉગ પોસ્ટની લિંકથી વ્યૂ-કાઉન્ટ વધે છે.

અને બીજી તરફ  ઝનૂની પ્રચારનો અતિરેક કરતાં બ્લૉગર્સની એક આખી જમાત છે. મૌકો જોઈને ચોકો મારવાની જેમ તક મળી નથી કે લિંકનો ઘા આવ્યો નથી! ફેસબુક પર કોઈનો જન્મ દિન છે? એને શુભેચ્છાઓની સાથે પોતાના બ્લૉગની લિંક ભેટ પણ આપો! વણમાંગી સલાહ (unsolicited advice) અને unwanted phone-callsની જેમ અનસોલિસિટેડ લિંક્સનો ત્રાસ પણ જેવો તેવો નથી. :)

પણ લખીને અભિવ્યક્તિ કરવાની મજા જુદી છે. 'કૃષ્ણનું જીવનસંગીત'ની પ્રસ્તાવનામાં ગુણવંત શાહ લખે છે કે, "શિવલિંગ પર ઘણાંબધાં પુષ્પો હાજર હોય તો પણ આપણી ભાવનાનાં સંકેત સમું એક પુષ્પ આપણે અર્પણ કરીએ છીએ." એમ ગુજરાતી બ્લૉગ જગતમાં ઘણાંબધાં બ્લૉગ પહેલેથી હાજર હોય તો પણ ખુદનો બ્લૉગ શરૂ કરવામાં કંઈ ખોટું નથી. :)

ટીપે ટીપે સરોવર ભરાય એમ લિખતે લિખતે બ્લૉગ બન જાયે ! :) 

Happy Blogging !

Sunday, May 5, 2013

અમદાવાદ "સેન્શેશનલ" બુક ફેઅર : રસપ્રદ, રોચક, રોમાંચક !

શનિવારે 4થી મેનાં રોજ અમદાવાદમાં આયોજીત નેશનલ બુક ફેઅરમાં જવાનું બન્યું. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી પ્રકાશકોના 300થી વધુ સ્ટૉલ્સ, ક્યાંય કશી અગવડ ન પડે એવું સ્વીડિશ બૉલબેરિંગ જેવું સફાઈદાર આયોજન, મેળામાં ફરતાં ફરતાં તરસ્યા થયેલાં વાચકો માટે મફત શરબત ("મફત" શબ્દ ઑપરેટિવ છે!) પીરસતી પરબ, પુસ્તક-પ્રચાર, કેમ્પેઈનિંગ માટે હાથમાં પ્રેમથી પેમ્પલેટ્સ અને સૂચિપત્રો થમાવતાં રીડર-ફ્રેન્ડલી વૉલંટિયર્સ મારા માટે આ મેળાનાં મુખ્ય આકર્ષણો હતાં. પ્રમુખ પ્રકાશકોના સ્ટૉલ્સ પર ડૅબિટ/ક્રેડિટ કાર્ડથી પુસ્તકો ખરીદી શકવાની સરાહનીય સગવડ હતી.

ગુજરાતી પ્રકાશકોમાં નવભારત સાહિત્ય મંદિર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, આર. આર.શેઠ, ઈમેજ, અરુણોદય, નવજીવન ટ્રસ્ટ, પ્રવીણ પ્રકાશન, રન્નાદે પ્રકાશન, ગુજરાતી સાહિત્ય પરિષદ મુખ્ય હોવા ઉપરાંત, અભિયાન, ચિત્રલેખા અને સાયબર સફર મેગેઝિન્સનાં સ્ટોર તથા ઘણી વખત સફારી મેગેઝિનમાં જેની જાહેરાત જોવા મળતી હોય છે એ ખગોળશાસ્ત્રના રસિકો માટેના સાધનો વેચતાં અંકુર હૉબી સેન્ટરના સ્ટૉલ નોંધનીય હતાં.

બેશુમાર વૈવિધ્ય ધરાવતાં આ બુક ફેઅરમાં બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધીની ત્રણ કલાકની ટૂંકી મુલાકાતનો સમય લઈને આવ્યાનો ઘણો અફસોસ થયો. રન્નાદે, નવજીવન, ઈમેજ, પ્રવીણ પ્રકાશન જેવા સ્ટૉલ્સ પર વધારે સમય વીતાવી ન શક્યાનો વસવસો છે. ત્રણેક કલાકની લટારમાં જે થોડાંઘણાં પુસ્તકો આંખમાં વસી ગયા અને ખરીદ્યાં એ આ પ્રમાણે છે: (સૂચિની સાથે કેટલાંક પુસ્તકોનું ટૂંકું વિવરણ કૌંસમાં લખ્યું છે)


1. પ્રથમ પુરુષ એકવચન (સુરેશ જોષી) (અવર્ણનીય અદભુત લલિત નિબંધો)
 
2. સ્વામી આનંદ (ચંદ્રકાંત શેઠ)
 
3. ચંદ્રકાંત બક્ષી અને મધુરાયની નવલકથાઓમાં નગરજીવન (ડૉ. ગિરિજાશંકર જોષી) 

4. સ્વામી અને સાંઈ (હિમાંશી શેલત) (સ્વામી આનંદ - મકરંદ દવેના પત્રો)
 
5. ગુજરાતી આત્મકથાલેખન (ચંદ્રકાંત ટોપીવાળા) (40થી વધુ ગુજરાતી લેખકોના આત્મકથનાત્મક સંસ્મરણોનાં અંશોનું સંકલન)
 
6. અનુવાદ : સિદ્ધાંત અને સમીક્ષા (રમણ સોની) (બિનસાહિત્યિક વિષયોનું ભાષાંતર કરતો હોવા છતાં એક ટ્રાન્સલેટર તરીકે મને રસ પડે એ સ્વાભાવિક છે)
 
7. નિબંધવિશ્વ (સુરેશ દલાલ) (લલિત, પ્રવાસ, હાસ્ય, ચરિત્ર, સ્મૃતિચિત્રો, આત્મકથનાત્મક, આરોગ્ય, સાહિત્ય, પત્રકારત્વ, સામાજિક, આધ્યત્મ, ચિંતન, દર્શન વગેરે વર્ગો હેઠળ સેંકડો પ્રથમકક્ષ ગુજરાતી લેખકોના નિબંધોનું અફલાતૂન સુપર દળદાર કલેક્શન)
 
8. વિજ્ઞાનને હજુ ઘણી વાર લાગશે (ભાલચંદ્ર દવે) (જી. આઈ ગુર્જિફના મનોવિજ્ઞાન વિષયક લેખો)
 
9. સુરેશ જોષી : કેટલીક નવલિકાઓ (નીતિન મહેતા)
 
10. અવિસ્મરણીય 1 અને 2 (ઈશા-કુન્દનિકા) (સમર્પણ સાથે ટાઈ-અપ થયા અગાઉ જ્યારે માત્ર નવનીત નામનું સામયિક હતું ત્યારે તેમાં સંગ્રહાયેલી અવિસ્મરણીય વાચન સામગ્રીનો રસથાળ, બે ભાગ પ્રકટ થયાં છે, કુલ 7 ભાગ પ્રકટ કરવાનો ઉપક્રમ છે)
 
11. છીપનો ચહેરો ગઝલ (અમૃત ઘાયલ, મકરન્દ દવે) (ગઝલનું સ્વરૂપ, પરંપરા, ગઝલ વિશેના અભ્યાસલેખો, છંદશાસ્ત્ર, ચુનંદા ગઝલકારોની રચનાઓથી સમૃદ્ધ અને તરબતર કરી મૂકે એવું પુસ્તક)
 
12. ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (ચીનુ મોદી) (ચીનુ મોદીના ઊંચા અને કડક ટેસ્ટની પરીક્ષામાંથી પાર થયેલી ગઝલોનું માતબર કલેક્શન)
 
13. અતૃપ્તિ ભીતરની (સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજી) (અનેક ભૌતિક સગવડો વચ્ચે ખાલીપો અનુભવતા માણસ માટે માર્ગદર્શન, ઓશોના શિષ્યની કલમે)
 
14. ગુલાબદાસ બ્રોકરની વાર્તાસૃષ્ટિ (ભરત પરીખ)
 
15. ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ (વિનોદ અધ્વર્યુ) (29 ગુજરાતી સર્જકોની વાર્તાઓનું સંપાદન)
 
16. ગઝલ લોક (ડૉ. રશીદ મીર) (ગઝલ વિષયક અભ્યાસ લેખોનું સંકલન)
 
17. ગઝલ: રૂપ અને રંગ (રઈશ મનીઆર) (ગઝલના સ્વરૂપનો પરિચય મેળવવા ઈચ્છતા નવોદિતો માટે)

"મોટીવેશનલ"નાં નામે મોટા મોટા વેશ લઈને સુફિયાણી પણ અમલબજાવણી માટે અવ્યાવહારિક હોય એવી વાતો પીરસતાં ગ્લોસી મુખપૃષ્ઠોથી ખડકાયેલાં આંખ આજી દેતા પુસ્તકોના સ્ટૉલ્સને મેં દૂરથી જ નમસ્કાર કર્યાં. આવા પુસ્તકો માટે હવે Withdrawal Symptom બહુ તીવ્રતાથી વિકસી ચૂક્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પર ગમી જાય એવા દુર્લભ પુસ્તકોનું કલેક્શન મળી જશે એવી આશા ઠગારી નીવડી અને "લતા શું બોલે" વાર્તા વાંચવાની વર્ષોથી રહેલી ઉત્સુકતાને સંતોષવા માટે "ગુલાબદાસ બ્રોકરની વાર્તાસૃષ્ટિ" એ એકમાત્ર પુસ્તક આ સ્ટૉલ પરથી ખરીદીને આગળ વધી ગયો. ભગવતીકુમાર શર્માના પુસ્તક "સમયદ્વીપ" તરફ નજર પડતાં જ ચંદ્રકાંત બક્ષીએ ગુજરાતી સાહિત્યના નવાં પુસ્તકો વિશે લખેલા એક કટાક્ષ લેખમાં ઉલ્લેખ કરેલ કાલ્પનિક પુસ્તક "મયદ્વિપકલ્પ"ની યાદ આવતાં ચહેરાં પર સ્મિત રેલાયું.

ઈમેજ પબ્લિકેશન્સના સ્ટૉલના પ્રવેશદ્વાર પાસે રાખેલ એલસીડી સ્ક્રીન પર સુરેશ દલાલનાં એક જૂના પ્રવચનનો વિડિયો નિહાળવાની મજા આવી. લગભગ દરેક પ્રમુખ પ્રકાશકો, સંસ્થાઓ, ટ્રસ્ટનાં સ્ટૉલની બહાર પોતપોતાના વિષયને અનુરૂપ મલ્ટીમિડિયા પ્રેઝન્ટેશન ધ્યાન ખેંચતું હતું. ઈમેજ પબ્લિકેશન્સ તરફથી બુકમાર્ક તરીકે સુરેશ દલાલનાં મને બહુ જ ગમતાં અને હલબલાવી નાંખતા પેરેગ્રાફનું બુકમાર્ક મેળવીને બુક ફેઅરની મુલાકાત સાર્થક થઈ હોવાની લાગણી થઈ.


આ પુસ્તક મેળામાં શરબત સિવાય મફત મળતી બીજી વસ્તુ એ બાયબલ સોસાયટી ઑફ ઈન્ડિયા દ્વારા ખ્રિસ્તી ધર્મનાં પ્રચાર-પ્રસાર માટે અપાતી કેટલીક પુસ્તિકાઓ છે. હું Agnostic ખરો પણ મારો અભિગમ બહુધા non-blasphemous હોય છે એટલે ધાર્મિક બાબતો વિશે વધારે લખવાનું જોખમ ખેડતો નથી. (:p)


ગુજરાતી પ્રાઈડ વેબસાઈટનાં (www.gujaratipride.com અને www.nichetechsolutions.com) સ્ટાફ  દ્વારા એન્ડ્રોઈડ અને આઈફોન માટે વિકસાવાયેલી ગુજરાતી ઍપ્લિકેશન્સ (જેમ કે વાર્તા, ઉખાણા, શાયરી, કવિતા, કહેવત, સુવાક્ય) ડાઉનલોડ કરવાની માહિતી આપતું બ્રોશર મેળવીને આનંદ થયો કે બદલાતી ટેકનોલોજી સાથે અપગ્રેડ થઈને કદમ મિલાવવામાં ગુજરાતી પ્રકાશન ઉદ્યોગ પાછળ નથી. આ સિવાય ટેકનોલોજી અને જ્ઞાનનો સમન્વય કરતી ગુજરાતની સર્વપ્રથમ સંપૂર્ણ ઑનલાઈન ઈ-બુક લાયબ્રેરી (www.ebookpublisher.in) વિશે પણ ઉપયોગી માહિતી મેળવી. અમદાવાદમાં આવેલી બ્રિટિશ લાયબ્રેરી દૂર રહેતાં લોકો માટે પણ સુલભ બની શકે તે માટે www.library.britishcouncil.org.in પર મુકરર ફી ભરીને ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા વિવિધ વિષયોની 70,000થી વધુ ઈ-બુક્સ, 7,000 ફુલ-ટેક્ષ્ટ ઈ-જર્નલ્સ અને 7000 જર્નલ ઍબ્સ્ટ્રેક્ટ્સ ઍક્સેસ કરી શકાય તે માટે ભરીને આપવાના ફૉર્મનું પણ વિતરણ થઈ રહ્યું છે.

છેલ્લે, મારી સાડા ત્રણેક કલાકની બુક ફેઅરની વિઝિટને એક જ વાક્યમાં આટોપી લેતો સાર આપવો હોય તો કહી શકાય કે, અમદાવાદનો નેશનલ બુક ફેઅર fairly sensational ("fair enough to create sensations") છે અને કંઈપણ ખરીદવાના આશય વિના માત્ર લટાર મારવા આવનારને પણ પોતાની સાથે કંઈક ભાથું લઈને જવા માટે મજબૂર કરે એવો રસપ્રદ, રોચક અને રોમાંચક છે. 

ફિલહાલ તો, અગલે બરસ તૂ જલદી આ ! :)