Saturday, June 4, 2022

સંજોગો વિકટ હોય ત્યારે પણ હસતા કેમ રહેવું? (ચંદ્રકાંત મહેતા, ગુફતેગો, શતદલ પૂર્તિ, ગુજરાત સમાચાર, 1 જૂન 2022)

 સંજોગો વિકટ હોય ત્યારે પણ હસતા કેમ રહેવું?

પ્રશ્નકર્તા: ગુલાબ હિંડોચા, માણાવડવાળા, તા. રાણાવાવ, જિ. પોરબંદર (સૌરાષ્ટ્ર)

જિંદગી પરિવર્તનથી બંધાએલી ઘટના છે. ધાર્યું થઈ પણ શકે અને ન પણ થાય. ધાર્યું થાય ત્યારે માણસ પ્રસન્ન રહે છે અને પોતાની આકાંક્ષા કે અપેક્ષાથી વિપરીત થાય ત્યારે એ હતાશ-નિરાશ, ઉદાસ કે રુદનકર્તા પણ થઈ જાય છે. દેવ હોય કે દાનવ આફતોનો સામનો દરેકે કરવો પડયો છે: સંજોગ એટલે પરિસ્થિતિ. સંજોગને દૈવયોગ તરીકે પણ ઘટાવવામાં આવે છે. આફત, આપત્તિ, વિપત્તિ વગેરે જીવનની અગ્નિ-કસોટીઓ છે, જે તમે ધારો તેમ નિવારી ન પણ શકો. એવી પરિસ્થિતિમાં હળવા રહેવા માટે આત્મવિશ્વાસ, આત્મબળ અને આધ્યાત્મિક મનોવૃત્તિ મદદરૂપ બને છે. 'વિપત પડે નવ વલખીઓ વલખે વિપત્ત ન જાય' એ મહાન સત્ય છે. જેમ આકાશમાં વાદળો વિખરાઈ જાય છે તેમ આફત પણ જતી રહેવાની જ છે, એવી આત્મશ્રદ્ધા માણસની હામને ટકાવી રાખે છે.

નરસિંહ મહેતાએ ઉચિત જ ગાયું છે કે 'સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીઆં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડીઆં'. રામ હોય કે રાવણ, કૃષ્ણ હોય કે કંસ, રાજા હોય કે રંક સંજોગોનો શિકાર તેમણે થવું જ પડયું છે. પાંડવોએ પણ પારાવાર તકલીફોનો સામનો કરવો પડયો છે. જેમ માણસ સુખનું સ્વાગત કરે છે, તેમ દુઃખને પણ સહન કરવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે. બદલાતી પરિસ્થિતિમાં જીવનમાં સાહસ અને શાન્તિની ભાવના સુરક્ષિત રાખવામાં જ સાર છે. અહીં માનનીય કવિ રાજેન્દ્ર શાહની 'આપણા દુઃખનું કેટલું જોર'ની ખુમારી ભરી કવિતા પ્રેરક બની શકે છે: ''ભાઈ રે, આપણા દુઃખનું કેેટલું જોર ? નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર''. કવિ માને છે કે

''નિબિડ રાતનાં કાજળ પાછળ

પ્રગટે અરુણ ભોર''

માણસને લાચાર કે ખાલી હૈયાવાળો ભગવાને બનાવ્યો જ નથી. રાજેન્દ્ર શાહ વિકટ પરિસ્થિતિમાં મનને હિંમતવાન રહેવાની સલાહ આપતા કહે છે -

''આપણે ના કંઈ રંક

ભર્યો ભર્યો માંહ્યલો

કોશ અપાર,

આવવા દો જેને આવવું હોય

આપણા મૂુલવશું નિરધાર

આભ ઝરે ભલે આગ,

હસી-હસી ફૂલ ઝરે

ગુલમ્હોર

ભાઈ રે ! આપણા દુઃખનું

કેટલું જોર.''

આકરા તાપમાં બીજાં બધાં ફૂલો કરમાઈ જાય છે પરંતુ ગુલમ્હોરનાં વૃક્ષનાં ફૂલો જેમ તડકો પડે તેમ વધુને વધુ ખીલતાં જાય છે. આ વાતમાં દુઃખમાં પ્રસન્ન કેમ રહેવું એનો સંદેશો વણી લેવામાં આવ્યો છે.

દુઃખો કદી બે-ચારની સંખ્યામાં ન પણ આવે, એ પછી આખું લશ્કર પણ આવી શકે. જલન માતરી 

કહે છે -

''દુઃખો આવ્યા છે હમણાં તો

ફક્ત બે-ચારની સંખ્યામાં

ભલા શી ખાતરી કે એ પછી

લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી

વ્હેંચીને પી નાખો,

જગતનાં ઝેર પીવાને

હવે શંકર નહીં આવે.''

ઘણી બધી વિપત્તિઓ આપણી તૃષ્ણાનું સંતાન હોય છે એ વાત ભગવાન બુદ્ધે સમજાવી છે. જેટલા અંશે તમે તૃષ્ણાઓ ઘટાડો તેટલા અંશે પ્રસન્ન રહેવાના દ્વાર ખુલતા જશે.

ભગવદ્ગીતાનો બીજો અધ્યાય સ્થિતપ્રજ્ઞાનાં જે લક્ષણો દર્શાવે છે તેમાં વિપરીત સંજોગોને હસતા મોંઢે સહેવાની વાત સુંદર રીતે સમાએલી છે. શ્લોક ૫૬નો સારાંશ એ છે કે દુઃખોની પ્રાપ્તિમાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે નિસ્પૃહ હોય છે અંતે જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે તે સ્થિતપ્રજ્ઞા એટલે સ્થિર બુદ્ધિનો છે. શ્લોક: ૬૪ મુજબ સ્વાધીન અંતઃકરણનો સાધક (માનવી) પોતાના વશમાં કરેલી ઈન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતાં મનુષ્યનાં સર્વ દુઃખોનાં અભાવ થઈ જાય છે.

માણસ દુઃખની પરિસ્થિતિમાં ખુશ કેમ રહેવું એનું ચિંતન કર્યા કરતા દુઃખની સ્થિતિની ચિંતા કરે છે પરિણામે એ વધુ દુઃખી થાય છે. માણસ સકારાત્મક વિચારણાને બદલે નકારાત્મક વિચારોમાં વ્યસ્ત રહે છે ત્યારે નકારાત્મક્તા તેનામાં નિરાશાના ઢગલા ખડકવા માંડે છે. 'હું દુઃખી નથી કે મને કોઈ દુઃખી કરી શકતું નથી,' એવી માનસિક સ્વસ્થતા જ મનને આનંદમાં રાખવાનું અમોધ ઔષધ છે.

આનંદમાં રહેવાની કે હસતા રહેવાની ઔષધિ બજારમાં વેચાતી મળતી નથી. એ ઔષધિ માણસે જાતે તૈયાર કરવી પડે છે. શ્રદ્ધાનું રસાયણ, આત્મબળ, આત્મવિશ્વાસ, પરમ શક્તિ પર ભરોસો, હિંમત અને આંતરિક મસ્તી અને જીવન પ્રત્યે આશાવાદી દ્રષ્ટિકોણ- આટલાં ઔષધો એકઠાં કરો એટલે જીવનમાં આનંદિત રહેવાનું મહાઔષધ તૈયાર.

દુઃખોને જીવનનો એક અનિવાર્ય હિસ્સો માનવાથી જીવન પ્રત્યેની શ્રદ્ધા ડગી જતી નથી. કબીરની વાત સાંભળો તેઓ કહે છે

''દેહ ધરે કા રોગ હૈ,

સબ કાહુ કો હોય,

જ્ઞાાની ભૂગતે જ્ઞાાન સે

મૂરખ ભુગતે રોય.''

દુઃખના સમયે આંસુ એ દુઃખનો વિદાય સમારંભ નથી, પણ વધુ દુઃખી થવાનું બહાનું છે. દુઃખને હરાવવાના ઉપાયો શોધવા એ જીવનમાં આનંદને આપવાનું 'ઈન્વીટેશન કાર્ડ' છે. દુઃખની પરિસ્થિતિને હસી કાઢવી અને એની શરણાગતિ ન સ્વીકારવી એનું નામ આત્મજ્ઞાાન પત્ની, પુત્ર-પુત્રી વગેરે સઘળું ગુમાવ્યા છતાં નરસિંહ મહેતા કહે છે

''બેટો, બેટી વળાવિયાં રે !

મેં તો વળાવી ઘર કેરી નાર રે

શામળા ગિરિધારી.''

આફતો માણસને એ સમજાવે છે કે તમે કાચી માટીના છો કે પાકી માટીના આનંદના મૂળમાં છે સંતોષ. દુઃખની ઘડીએ એવી ફરિયાદ ભગવાનને નકરાય કે તેં આટલું બધું દુઃખ આપ્યું ? એના બદલે એમ વિચારવું કે તેં આટલું જ આપ્યું તે બદલ આભાર. આનંદ પ્રાપ્તિ માટે પરિશ્રમ અને સંયમ મદદરૂપ આવતીકાલને વધુ સારી બનાવવા માટે જિંદગી એ દુઃખનું 'સેમ્પલ' મોકલ્યું છે એવું તમે તમારા મનને આશ્વાસન આપી શકો તો જ તમે હસતા રહી શકો. ઉપનિષદો આનંદને બ્રહ્મની પદવી આપે છે. આફત માણસને ઈન્સાન બનાવે છે અને વધુ પડતી દોલત દાનવતા માટેનો માર્ગ ખોલે છે. એટલે 'થોડામાં ઘણું' વાળી જીવન દ્રષ્ટિ જ સુખદાયક છે. આનંદ એ અત્તર છે, જે છાંટવાથી તમને જ નહીં તમારી આસપાસના લોકોને પણ સુગંધથી તરબતર રહેવાની તક મળે. માણસનું મન જ આનંદ નામના 'પ્રોડક્ટ'ની ફેકટરી છે એમ માનનાર આનંદના ઉત્પાદનની વૃદ્ધિની આકાંક્ષા રાખી શકે. દીવો જેમ ઘરને અજવાળાથી ઝગમગાવી દે છે તેમ માનસિક શાન્તિ, ઈશ્વર પર વિશ્વાસ અને સહનશીલતા જીવનની જડતાને દૂર કરી પ્રસન્નતા પ્રગટાવે છે. જિંદગીમાં ત્યાગ, સમર્પણ, નિસ્વાર્થ પ્રેમ અને સેવાભાવના વિકસિત કરશો તો દુઃખને વાગોળવાનો તમને સમય જ નહીં મળે. કર્મભૂમિમાં સંતોષનાં બી અને ધર્મન જપનું સિંચન કરો તો તેના ફળ રૂપે આનંદ મળશે. એક શેર મુજબ

''શમા ઔર પરવાને કી હાલત સે યહ જાહિર હુઆ

જિંદગી કા લુત્ફ (આનંદ) જલ-જલ કે મર જાને મેં હૈ''

No comments:

Post a Comment