આખરે જેની અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ 16મી લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. 1984 પછી પહેલીવાર કોઈ પક્ષે સ્પષ્ટ બહુમતી મેળવી હોય એવું બન્યું છે. તડજોડ અને જોડતોડનું વરવું રાજકારણ જોઈને ત્રાસી ગયેલી ભારતની લોકશાહીને આખરે સ્થિરતા મળી છે અને દર વખતે ત્રિશંકુના ચોખા અને કંકુ થતાં હતાં એમાંથી મુક્તિ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપના સંખ્યાબળનું વિસ્તરણ થયું છે. કોંગ્રેસનું શરમજનક હદે સંકોચન થયું છે. પરિણામે ખૂલીને મિડિયા સામે આવીને ખુલાસાઓ કરતાં સંકોચ થઈ રહ્યો છે. સંકોચન પામેલી કોંગ્રેસને હવે કોઈ સંકટમોચનની તાતી જરૂર છે.
ન્યૂઝ 24-ચાણક્યનો ઍક્ઝિટ પોલ એકદમ સચોટ નીવડતાં કહી શકાય કે એક ચાણક્યએ બીજા ચાણક્યને જનાદેશ આપ્યો. મોદીનો વેવ છે કે નહીં એવી ટીવી ચર્ચામાં ભાજપને સ્વબળે 272 તો શું 200 બેઠક માંડ મળી શકે છે એમ કહીને મજાક ઉડાવનારા લોકો રીતસર ભોંઠા પડ્યા છે. એમાં ઝી ટીવી પર વર્ષો પહેલાં બૉર્નવિટા ક્વિઝ કૉન્ટેસ્ટ જેવા લોકપ્રિય ક્વિઝ શોનું સંચાલન કરનારા અને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈને મમતાદીદીની ભક્તિમાં અંધ બની IQના મામલે દેવાળું ફૂંકનારા ડેરેક ઓ'બ્રાયન, સતત કોઈકના ઉઠમણામાં જઈને આવ્યા હોય એવું સોગિયું મોઢું લઈને ફરતાં 'આપ'ના સમર્થક અને પત્રકાર અભય કુમાર દુબે, વક્રબુદ્ધિજીવી લેખક પુરુષોત્તમ અગ્રવાલ સહિતના સેંકડો લોકોનો સમાવેશ થાય છે. (ડેરેક ઓ'બ્રાયન અને રાહુલ ગાંધીમાં મેં એક સમાનતા નોંધી છે. રાહુલને કોઈપણ પ્રશ્ન પૂછાય તો અગડમ બગડમ ગોળગોળ જવાબ આપીને એમાં વુમન એમ્પાવરમેન્ટ અથવા કોંગ્રેસમાં યુવાનોને તક આપવા જેવી વાતો જોડી દે એ જ રીતે ડેરેક ઓ'બ્રાયનની મગજની પિન મહિલા આરક્ષણ બિલ પર ચોંટેલી છે. કદાચ મમતા દીદીનો પ્રભાવ હશે!)
પુરુષોત્તમ અગ્રવાલે પરિણામોના એકાદ મહિના પહેલાં એવી ટિપ્પણી કરી હતી કે ભાજપને સત્તા પર આવવું હશે તો ABCD એટલે કે અમ્મા (જયલલિતા), બહેનજી (માયાવતી), ચંદ્રાબાબુ/ચંદ્રશેખર રાવ, દીદી (મમતા બેનરજી)નો ટેકો લીધો વિના ચાલશે નહીં. જો કે, હવે સ્વબળે બહુમતી મેળવવાને કારણે કોઈ સ્થાનિક પક્ષો ભાજપનું નાક દબાવીને ધાર્યું કામ કરાવી શકશે નહીં. 'ભાજપને ટેકો જોઈતો હોય તો અમારા નામનું નાંહી જ નાખજો' એવી અનુક્રમે હિન્દી અને તામિલમાં અલગ અલગ સૂરમાં ટિપ્પણી કરનારા માયાવતીના બીએસપી અને કરુણાનિધિના ડીએમકે પક્ષને સમ ખાવા પૂરતી એકપણ બેઠક મળી નથી. તો સામે પક્ષે મુંબઈનું હિત જળવાય એવા ઈરાદા સાથે હોંશે હોંશે ભાજપને બહારથી શરતી ટેકો આપવાની હાકલ કરનારા રાજ ઠાકરેના એમએનએસ પક્ષનું પણ સતત બીજી વખત ખાતું ખૂલી ન શક્યું. ભાજપ પોતાની ગણત્રીઓ પ્રમાણે ચૂંટણીમાં આગળ વધતો ગયો અને બધા પાસાં સવળા પડતાં ગયાં. ચૂંટણીમાં અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાન પર રહેનારા અમ્મા અને દીદીના ટેકાની કોઈ જરૂર રહી નથી. અમ્માએ એનડીએ સરકારમાં વાજપેયીના નાકે કેવો દમ લાવી દીધો હતો અને મમતાએ યુપીએ સરકારમાં કેવી દીદીગીરી કરી છે એ રાજકારણના ખબર-અંતર રાખતાં લોકોને ખ્યાલ હશે જ.
બીજુ જનતાદળના ટેકાની પણ જરૂર ન રહેતાં ટેકાના બદલામાં ઓરિસ્સા માટે વિશેષ પેકેજ જાહેર કરાવવાના બ્લેકમેઈલિંગની ઘાત પણ ટળી ગઈ છે. આમ હવે ભાજપ પોતાની રીતે ખલેલ વિના શાસન કરી શકે એવી અનુકૂળ સ્થિતિ ઊભી થવાથી કોઈ ટેકણલાકડીની જરૂર રહી નથી. ઉલટું, જેઓ અગાઉ લોકોને ટેકો આપતાં હતાં પરંતુ કાળક્રમે રાજકીય વનવાસમાં જતાં રહ્યા અને રાજકારણની ક્ષિતિજ પરથી ઓઝલ થઈ ગયા હતાં એવા એલજેપીના રામવિલાસ પાસવાન અને ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુનો મોદીના કરિશ્માને કારણે ફરીથી રાજકીય ઉદય થયો છે. (ગાયના પહેલા આંચળમાં ઘણું દૂધ હોય છે અને પછી ક્રમશ: બીજા આંચળોમાં એ દૂધ ઘટતું જાય છે પણ પહેલા આંચળને કારણે બાકીના ચાર-પાંચ આંચળ પણ પૂજાય છે એવું મર્મવેધી અવલોકન કોઈની ઉછીની લોકપ્રિયતાથી ફાયદો મેળવનારા લોકો વિશે બક્ષીબાબુના એક લેખમાં વાંચ્યું હતું.)
પરિણામોના અણધારા આંકડાઓને કારણે ઘણાંને પોતાના પરંપરાગત રાજકીય બાંકડા છોડવા પડ્યા છે. જાતિવાદના રાજકારણનું ઍપિસેન્ટર ગણાતાં ઉત્તર પ્રદેશમાં મતદારોએ મોદીના વિશ્વાસુ અમિત શાહની બે વર્ષની અથાક મહેનતને સાર્થક કરતી અધધધ 71 બેઠકો ભાજપને આપીને સપા, બસપા સહિતના પક્ષોનો સફાયો કર્યો છે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ લપડાક ફરીથી વાગશે એવી ચેતવણી આપી દીધી છે. બિહારમાં મુસ્લિમ મતો જવાની બીકે મોદી સાથે છેડો ફાડીને એકલે હાથે ચૂંટણી લડનારા અને કોંગ્રેસને કદાચ વધારે બેઠકો મળે તો ટેકો આપીને બિહાર માટે વિશેષ દરજ્જાનું પેકેજ મેળવીને અથવા તો પોતે જ કોંગ્રેસ અને ત્રીજા મોરચાના ટેકાથી વડાપ્રધાન બનવાની મુરાદ પૂરી કરી શકે એવી તદ્દન તકવાદી અને તકલાદી નિયતવાળા નીતિશ કુમાર માટે હવે મોં બતાવવા જેવી સ્થિતિ રહી નથી.
અમેરિકી પ્રમુખ ઓબામા અને ઝાંઝવાના જળ જેવી પાકિસ્તાનની ભ્રામક લોહશાહીના વડાપ્રધાન નવાઝ શરીફે મોદીને અભિનંદન આપ્યા છે અને પોતપોતાના દેશમાં મુલાકાત લેવા આમંત્રણ આપવાનો ઔચિત્ય-વિવેક દાખવ્યો છે. પરંતુ મિયા પડે તો યે ટંગડી ઊંચી એવું ગુમાન ધરાવતાં કોંગ્રેસી મા-બેટા અને રાજદના લાલુપ્રસાદે મોદીને અભિનંદન આપવાનું સૌજન્ય હજીસુધી દાખવ્યું નથી.
જનતાની નાડ પારખવામાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસને મતદારોએ રીતસર જાકારો આપ્યો છે. જનલોકપાલ બિલ અને કાળા નાણાં વિરુદ્ધની ચળવળોમાં અન્ના હજારે, કેજરીવાલ, બાબા રામદેવ સાથે ઉદ્દંડ વર્તન, ટેકનોલોજીકલ કનેક્ટિવિટીના જમાનામાં જનતાથી બિલકુલ વિમુખ રહીને ચલાવેલું શાસન, દિવસે દિવસે બહાર પડતાં કૌભાંડોની હારમાળા કે જેને કારણે કંટાળીને કોઈ યોજના જ જાહેર કરવાનું પડતું મૂકવું પડે એવી શરમજનક સ્થિતિ, કંટાળેલી પ્રજા દ્વારા સોશિઅલ મિડિયા પર ઉકળાટ ઠાલવવા માટે કોંગ્રેસ વિશે રોજેરોજ કરાતી મજાકો, વ્યંગબાણો, ઠઠ્ઠાચિત્રોને ગંભીરતાથી લેવાને બદલે સેવેલું દુર્લક્ષ..... કારણોની યાદી માટે દળદાર ગ્રંથ ઓછો પડે અને યુપીએ સરકારની સિદ્ધિઓ ગણાવવી હોય તો જાહેરાતના નાના ચોપાનિયામાં સમાઈ જાય !
ઍક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તકમાં સંજય બારુ લખે છે એમ એનડીએ સરકારે 2004માં અનપેક્ષિત વિદાય લીધી અને કોંગ્રેસના હાથમાં સત્તા આવી ત્યારે વાજપેયી એકદમ ફૂલગુલાબી અર્થતંત્ર આપીને ગયા હતાં. ઘણાં અવરોધો સાથે યુપીએ-1નો કાર્યકાળ પૂરો થયો ત્યાં સુધી પણ ખાસ વાંધો ન હતો. અનામત વિદેશી ભંડોળ વધ્યું હતું. અર્થતંત્રની વૃદ્ધિ-વિકાસ જળવાઈ રહ્યા હતાં. આરજેડીના જમીનથી જોડાયેલા નેતા રઘુવંશપ્રસાદ સિંહે નરેગા સ્કીમ સફળતાપૂર્વક લાગુ કરી અને એ યોજનાના જોરે 2009ની ચૂંટણીમાં ફરીથી સત્તા પર આવનાર કોંગ્રેસ એનો બધો યશ ખાટી ગયું. યુપીએ-1માં પોતાની રીતે થોડાંઘણાં સ્વતંત્ર નિર્ણયો લઈ શકનારા મનમોહનસિંહ યુપીએ-2માં વધારે નબળા પડ્યાં અને સત્તાનું રિમોટ કંટ્રોલ સોનિયા પાસે ગયું. સત્તાનું કેન્દ્ર પોતાની પાસે રાખીને થોડાં 'બૉસી' (bossy) થવાને બદલે મનમોહન સોનિયાની 'કદમબોસી' કરતા રહ્યાં અને એમની હાલત કોઈ મોટા બિલ્ડિંગની રક્ષા ન કરી શકે એવા નબળા વૉચમેન જેવી થઈ.
ડિસેમ્બર 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 28 બેઠકો મેળવીને અને અંધાધૂંધીભર્યું શાસન કરીને અકાળે વિદાય લેનારા કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અતિઉત્સાહ અને વધુપડતા આત્મવિશ્વાસ સાથે લોકસભાની 300થી વધુ બેઠકો પર ઝુકાવ્યું, પણ જ્યાંથી એનો રાજકીય ઉદય થયો એ દિલ્હીમાં એકપણ બેઠક ન મળી અને પંજાબમાં ચાર બેઠકો મળતાં પાર્ટીની ગતિવિધિઓ અને એના નેતાઓ જેવું જ ચક્રમ પરિણામ આવ્યું! દિલ્હી વિધાનસભામાં આપને 28 બેઠકો મળી ત્યારે ભાજપ અને કોંગ્રેસના વિકલ્પના અભાવે પરેશાન જનતાને સુશાસનની આશાનો સંચાર થતો લાગ્યો, પરંતુ ભ્રષ્ટાચારના આરોપોના મામલે કોંગ્રેસ કરતાં ઘણાં ઓછા ખરાબ ભાજપને પણ કોંગ્રેસની તોલે જ ગણીને બંને પક્ષોમાં કોઈપણ ફર્ક હોવાનો સતત નનૈયો ભણતાં રહેવાનો અભિગમ ભારે પડ્યો. જનલોકપાલ બિલ લાવીને સાંસદોને પ્રજા પ્રત્યે વધારે જવાબદાર બનાવવાનો શુભ આશય કેજરીવાલનો હતો, પરંતુ શરૂઆતમાં સતત કરેલો કોંગ્રેસનો વિરોધ ધીરે ધીરે માત્ર મોદી દ્વેષમાં જ ફેરવાતો ચાલ્યો. પરિણામે, પ્રજાના સખ્ત આક્રોશનો સામનો કરી રહેલી કોંગ્રેસ સામેના જુવાળનો ફાયદો ઉઠાવીને અને મોદીને પણ કોંગ્રેસની જ મિરર ઈમેજ તરીકે ચીતરીને બને એટલી સીટો સેરવી લેવાની તકવાદી વૃત્તિ સ્પષ્ટપણે ઉજાગર થઈ છે. આપનો વિરોધ કોંગ્રેસ પૂરતો સીમિત હોત તો હજી વધારે બેઠકો મળી શકી હોત. ભાજપે કેન્દ્રમાં દસ વર્ષથી શાસન જ કર્યું નથી તો એના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સતત ટીકા કરવાથી કોઈ લાભ મળવાની શક્યતા નથી એટલી સાદી વાત કેજરીવાલ સમજી ન શક્યા. સરવાળે બાવાનાં બેય બગડ્યાં જેવી સ્થિતિ થઈ છે. એક સ્વચ્છ, નીતિમત્તા સાથેના વૈકલ્પિક રાજકારણની જે ચિનગારી કેજરીવાલે પ્રગટાવી હતી એ હાલમાં તો ક્ષીણ થતી જણાઈ રહી છે. પક્ષના આખાબોલા નેતા કુમાર વિશ્વાસે એક ટ્વિટ કરી હતી કે, "बहती नदी में अगर नाले गिरने लगेंगे तो श्रद्धालु आचमन से भी डरेगा, स्नान की तो बात ही छोडो!" આ ટ્વિટ થોડામાં ઘણું કહી જાય છે. ચર્ચાની જરૂર નથી. વ્યવસ્થિત આયોજન વિના જ્યાંથી જેનામાં થોડો પણ પ્રામાણિકતાનો આભાસ દેખાય એવા કોઈપણ વ્યક્તિને લાવીને લોકસભા બેઠકો પર ચૂંટણી લડાવવાનો જુગાર બિલકુલ નિષ્ફળ ગયો. ટૂંકમાં, અત્યાર સુધીના 'આપ'ના દેખાવને જોઈએ તો કહી શકાય કે: ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના!
રાજકારણમાં તદ્દન બાલિશ વર્તન કરીને સુવર્ણ તક વેડફી નાંખનારા કેજરીવાલ અને પરિણામો પહેલાં જ હતાશાથી હાર મારી લેનારી કોંગ્રેસને કારણે સર્જાયેલા શૂન્યાવકાશને સંખ્યાબંધ રેલીઓ સંબોધીને, જે તે પ્રદેશના સ્થાનિક મુદ્દાઓ છેડીને નરેન્દ્ર મોદીએ આંબી ન શકાય એવા વિજયી માર્જીનથી ભરી દીધો. લેટેસ્ટ ટેકનોલોજી અને પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને દેશમાં શહેરી અને ગ્રામીણ મતદારોને મોદી મેજીકે મોહિની લગાડી.
પાંત્રીસ વર્ષ પછી દેશને એક પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મળ્યો છે અને ત્રીસ વર્ષ પછી દેશના કોઈ એક પક્ષને શુદ્ધ બહુમતી મળી છે. 1984 પછીનો રેકર્ડ જોતાં કહી શકાય કે વડાપ્રધાન પદ માટે ક્યારેય કોઈ મજબૂત, એગ્રેસિવ, પ્રો-ઍક્ટિવ ચહેરો પ્રોજેક્ટ થયો નહીં પરિણામે મૂંઝાયેલી, ભિન્ન ભિન્ન મતોમાં વહેંચાયેલી પ્રજા ખંડિત જનાદેશ આપીને થીંગડા મારીને બનાવેલી ગઠબંધન સરકારો સહન કરતી રહી. નરેન્દ્ર મોદીમાં પ્રજાને એક નિર્ણાયક, દ્રઢ મનોબળવાળા શાસક દેખાયા અને ભાજપે અભૂતપૂર્વ દેખાવ કર્યો.
ચૂંટણીમાં મત આપનારા, ન આપનારા અને ભવિષ્યમાં મત આપવા માટે પુખ્ત થવાની રાહ જોઈ રહેલાં તમામ દેશવાસીઓની આશાભરી નજર નરેન્દ્ર મોદી સામે મંડાયેલી છે. પ્રશ્નો અપાર છે. સમય ઓછો છે. યુપીએ સરકારે ડામાડોળ કરેલા અર્થતંત્રને પાટા પર ચડાવવાનું કામ, આત્મહત્યા કરતા ખેડૂતોના પ્રશ્નો, ઢીલી ખોખલી વિદેશનીતિ અને સંરક્ષણ નીતિમાં સુધારો, ભારતના ગળામાં હાડકાં પેઠે ભરાયેલી બંધારણની 370મી કલમ દૂર કરવાનો પડકાર, દેશની આંતરિક સલામતી સામે પ્રશ્નો ઊભા કરતાં નક્સલવાદીઓ, માઓવાદીઓ સામે કડક ઑપરેશન....વિરાટ દેશમાં વિકટ સમસ્યાઓ છે.
ઍક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં સંજય બારુ લખે છે કે 1984માં 400થી વધુ બેઠકો જીતનારા રાજીવ ગાંધીએ પોતાને ન ગમતાં હોય એવા મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવું પડ્યું હતું. નરસિંહા રાવ, વાજપેયી, દેવગૌડા અને ગુજરાલ જેવા વડાપ્રધાનોએ પણ રાજકીય દબાણો સામે ઝૂકીને અણગમતાં મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવું પડ્યું હતું. સ્પષ્ટ બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદીની કેબિનેટ કેવી હશે? રાજકીય દબાણને અવગણીને મોકળાશથી કામ કરી શકશે? વિદેશ નીતિ બાબતે જી. પાર્થસારથિની સલાહ લેશે? આર્થિક સલાહકાર તરીકે જગદીશ ભગવતીની નિમણૂંક કરશે? સંરક્ષણને લગતી બાબતોમાં જનરલ વી.કે સિંહના અનુભવનો લાભ લેશે?
નરેન્દ્ર મોદી અને મનમોહન બન્ને અલગ અલગ કારણોસર વિદાય લઈ રહ્યા છે. મોદી વડાપ્રધાન બનવા માટે ગુજરાતમાંથી મુખ્યમંત્રી પદ છોડી રહ્યા છે અને મનમોહન લાચારી, નામોશી ભરેલી નિર્વિકલ્પ સ્થિતિ સાથે રાજકીય નિવૃત્તિ લઈ રહ્યા છે. બળતામાં ઘી હોમવાનું બાકી હોય એમ 21મી મે એટલે કે રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જ મોદી સરકારની તાજપોશી થવાની સંભાવના છે. મોદી સરકારના પીએમઓમાં કામ કરતી કોઈ વ્યક્તિ ભવિષ્યમાં સંજય બારુની જેમ નરેન્દ્ર મોદી વિશે પુસ્તક લખે તો એનું શીર્ષક શું હોઈ શકે? Narendra Modi, Architect of India's Growth, The man who averted accidents !