બાપુ, તમે બહુ યાદ આવો છો...ના, હું તમારા વિશે 500થી 1000 કે 1500 કે 2000 શબ્દોમાં દર વર્ષે 30મી જાન્યુઆરી અને 2જી ઑક્ટૉબરે નિયમિતપણે કટાર લેખો ઘસી કાઢતો લેખક નથી. તમારી જેમ જ અંદરુની નબળાઈઓને જીતીને વ્યક્તિત્વને મઠારવા મથતા એક સામાન્ય માણસ તરીકે વાત કરી રહ્યો છું.
એક વખત પ્રાથમિક શાળામાં કોઈ બહેન મારી હોમવર્કની નોટબુક જોઈને દાઢમાં બોલેલાં કે તારા અક્ષર ગાંધીજી જેવા છે. એ વખતે ગાંધીજીના અક્ષર એટલે ખરાબ અક્ષર એવી ખબર ન હતી, એટલે તમારી સાથેની સરખામણીથી મને નિર્દોષ રોમાંચ થયેલો. પણ હકીકત ખબર પડ્યા પછી પણ સરખામણીનો રોમાંચ એવો જ અકબંધ રહેલો. ખરાબ માણસની સારાઈ જોડે સરખામણી થાય એના કરતાં સારા માણસની ખરાબી જોડે તુલના થાય એમાં વધારે આનંદ આવે.
જે ગુજરાતની ધરતી પર તમારો જન્મ થયો એ જ ગુજરાતમાંથી તમને મહત્તમ ગાળો આપવાની પ્રથા આજે પણ ચાલુ છે. તમારા જીવનનાં આદર્શો, સિદ્ધાંતો, નીતિનિયમો વગેરેમાં સ્વાભાવિક રીતે ઘણાને રસ ન પડતો હોઈ તમારા અંગત જીવન પર પાયા વગરના આક્ષેપો કરતા "સ્કૂપ"ના શોખીન "સ્કૂપમંડૂક" લેખકો તરફથી મસાલેદાર પુસ્તકો આવતાં રહે છે, હીન કક્ષાનાં નાટકો ભજવાતાં રહે છે. એમાં કહેવાતી સત્ય હકીકતો પર પ્રકાશ પાડવાના નામે એ લેખકો એમના દિમાગની અંધારી બાજુ જ પ્રગટ કરતા હોય છે.
માંસાહાર કરતા ન હોય પણ નૉન-વેજ જોક્સના શોખીન હોય એવા શાકાહારીઓ તમારા નામની બીભત્સ રમૂજો ફૉરવર્ડ કરતાં રહે છે અને તમે કરેલી ઐતિહાસિક ભૂલોથી ભારતને કેટલું નુકસાન થયું છે એની એકની એક એકાંગી વાતો રિવાઈન્ડ કર્યા કરે છે. નેહરુ-સરદાર બેમાંથી એકની પસંદગી બાબતે તમે લીધેલા નિર્ણય અને બીજી કેટલીક ઐતિહાસિક ઘટનાઓને લઈને કકળાટ કરનારા હજી મળી આવે છે.
માન્યું કે તમારા બ્રહ્મચર્ય વિશેના વિચારો અવ્યવહારુ અને અસ્વીકાર્ય હતા, પણ સાથે સાથે બાળકો અને બાળાઓને કામશાસ્ત્રનું શિક્ષણ આપવું જોઈએ એવું પણ તમે લખેલું જ ને? ભૂલો બધાથી થાય પણ તમારા વ્યક્તિત્વની મહાનતા જોતાં તમારી ભૂલો આખા શરીરને કેન્સરગ્રસ્ત બનાવી દે એવા મેલિગ્નન્ટ ટ્યુમર જેવી રોગકારક નહીં પણ શરીરના કોઈ ભાગમાં થયેલા બિનાઈન (benign) ટ્યુમર જેવી સૌમ્ય અને ક્ષમ્ય લાગે છે.
તમે જે સર્વોદયની વાત કરતાં હતાં એ સર્વોદયના નામે મારા આણંદ-વિદ્યાનગર શહેરમાં આઈસક્રીમ દુકાન ધમધોકાર ચાલે છે. કોને ખબર, ભવિષ્યમાં અંત્યોદય આઈસક્રીમ પાર્લર પણ ખૂલે. અમે તો હવે એટલા નીંભર થઈ ગયા છીએ કે તમે નેચરોપથી અને સ્વાસ્થ્ય વિશે લખેલા વિચારોના કાગળિયામાં જંક ફૂડ લપેટીને બિંદાસ ખાઈ શકીએ.
દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોએ તમને ફર્સ્ટ ક્લાસના ડબ્બાની બહાર ફેંકી દીધા હતાં એમ તમારા આદર્શોને કચરાના ડબ્બામાં ફેંકીને અમારા દિમાગને થર્ડ ક્લાસ બનાવવાની અમારી "ગાંડી કૂચ" અમે જારી રાખી છે. મીઠા પરના અન્યાયી કરવેરાને નાબૂદ કરવા માટે તમે દાંડીકૂચ કરી પણ તમારા આદર્શો અને સિદ્ધાંતોનું પાલન કરવા જેટલું મીઠું હવે અમારા વ્યક્તિત્વમાં બાકી રહ્યું નથી. અમારી સમગ્ર જીવનશૈલીને જ લૂણો લાગ્યો છે.
તમારો ચહેરો જેમાં છપાય છે એવી રૂપિયાની નોટોથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, દાનપુણ્ય, ગરીબોને સહાય જેવી પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સુધી ઠીક છે પણ આ જ નોટોથી લાંચ રિશ્વતનું આદાન-પ્રદાન થાય છે અને આ જ નોટોથી મોડલ બનીને રોલ મેળવવા તડપતી આજની રોલ-મોડલના દેહને ભોગવવા માટેની પેરવી થાય છે. જોયું તમે? તમારી વિદાયની સાથે ક્રમશ: અમારી રોલ-મોડલની વ્યાખ્યામાં પણ કેવું વિકૃત પરિવર્તન આવી ગયું છે?
ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યનની છાશવારે બૂમરાણ મચતી રહે છે, પણ એ રૂપિયાની નોટ પર જેની તસ્વીર છે એ મહાત્માના આદર્શોના અમે કરેલા અવમૂલ્યન વિશે કોઈના પેટનું પાણી હાલતું નથી. તમારું સરળ, નિખાલસ, પારદર્શક વ્યક્તિત્વ અને રૂપિયાની નોટ પર તમારા અસ્તિત્વ વચ્ચેની વિસંગતિ જોઈને અમારા રુદિયામાં કાંટા ભોંકાય છે.
ઈચ્છાશક્તિ ધરાવતો કોઈ લોખંડી મનોબળનો શાસક ભારતની ધુરા સંભાળે તેનાથી અમુક અંશે ફરક પડી શકે, પણ સામાજિક સ્તર પર જાગૃતિ લાવવામાં અને લોકોને જવાબદાર નાગરિક બનાવવા માટે એ શાસક એકલા હાથે કેટલા મોરચે લડી શકે? કોઈપણ પ્રકારના રાજકીય પીઠબળ, વિચારધારાથી અલિપ્ત, કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠનથી સ્વતંત્ર અને માત્ર નિ:સ્વાર્થ સેવાભાવનાથી સામાજીક કલ્યાણના કાર્યો કરે, લોકોને નૈતિક મૂલ્યોના અધ:પતન સામે લડવા માટે દોરીસંચાર આપી શકે એવી કોઈ સશક્ત કરિશ્માઈ સખ્શિયત તો જોઈશે ને?
'મારું જીવન એ જ મારો સંદેશ' એવું કહીને પછી અંદરખાનેથી સ્થાપિત હિતો સાથે મળીને લાભ-લોભનાં રસગુલ્લાં ખાતાં દોગલા માણસો અમે બહુ જોયા છે. તમારી હયાતીમાં તમારી સાથે સ્વાતંત્ર્ય ચળવળમાં હોંશેહોશે ભાગ લઈને અને તમારી વિદાય પછી સત્તાલાલસાથી ભૂરાયા બનેલા એ જ લોકો સામે તમારાથી પ્રભાવિત જયપ્રકાશ નારાયણે ચળવળ કરી અને પછી વર્ષો બાદ અણ્ણા હજારે-અરવિંદ કેજરીવાલે અવાજ ઉઠાવ્યો. પણ આ બધા લોકસેવકો ભ્રષ્ટાચારના કાળાડિબાંગ જંગલમાં ક્ષણિક ઝબકી જતાં આગિયાની જેમ ક્ષણિક જુવાળને કાયમી જનચેતનામાં તબદીલ ન કરી શક્યા. જે ધ્યેયહીનતા અને દિશાહીનતા વર્ષો પહેલાં હતી, એ જ આજે પણ છે. જે અસ્પૃશ્યતા અને દીનતા ગઈ કાલે હતી એ આજે પણ છે. હતાશા, નિરાશાનાં કાળાડિબાંગ વાદળોને વિખેરીને આશાના કિરણોનો સંચાર કરતાં સોનેરી સૂર્ય બનીને તમે ફરીથી આવશો, બાપુ?
'મારું જીવન એ જ મારો સંદેશ' એવું કહીને પછી અંદરખાનેથી સ્થાપિત હિતો સાથે મળીને લાભ-લોભનાં રસગુલ્લાં ખાતાં દોગલા માણસો અમે બહુ જોયા છે. તમારી હયાતીમાં તમારી સાથે સ્વાતંત્ર્ય ચળવળમાં હોંશેહોશે ભાગ લઈને અને તમારી વિદાય પછી સત્તાલાલસાથી ભૂરાયા બનેલા એ જ લોકો સામે તમારાથી પ્રભાવિત જયપ્રકાશ નારાયણે ચળવળ કરી અને પછી વર્ષો બાદ અણ્ણા હજારે-અરવિંદ કેજરીવાલે અવાજ ઉઠાવ્યો. પણ આ બધા લોકસેવકો ભ્રષ્ટાચારના કાળાડિબાંગ જંગલમાં ક્ષણિક ઝબકી જતાં આગિયાની જેમ ક્ષણિક જુવાળને કાયમી જનચેતનામાં તબદીલ ન કરી શક્યા. જે ધ્યેયહીનતા અને દિશાહીનતા વર્ષો પહેલાં હતી, એ જ આજે પણ છે. જે અસ્પૃશ્યતા અને દીનતા ગઈ કાલે હતી એ આજે પણ છે. હતાશા, નિરાશાનાં કાળાડિબાંગ વાદળોને વિખેરીને આશાના કિરણોનો સંચાર કરતાં સોનેરી સૂર્ય બનીને તમે ફરીથી આવશો, બાપુ?
No comments:
Post a Comment