માનું ત્યારે જ કે જનજીવન સાચે જ પડ્યું છે થાળે
જોવા પામું પકવાન કદી જો મહેનતુ ગરીબોના થાળે
આ લોકોના પ્રશ્નોમાં કોને પડવાનો રસ કોઇ દિ,
ખબર તરીકે એ ચમકે બસ ક્યારે અખબાર મથાળે
જોયો છે મેં ક્યાંક વિકાસ ગગનચુંબી કોઇ મકાને,
કેમ હજી એ આવ્યો જ નથી નીચેનાં એક પણ માળે?
ફોકટ જાહેરાતો તો બહુ થાય ગરીબોના નામે
કોઇ કહેશે કે શું આવ્યું વાસ્તવમાં એમના ફાળે?
વાતો થાય ગરીબો બાબત વાતાનુકૂલિત ખંડોમાં
ને ગરીબો બિચારા શ્રમ કરતાં ઊભા લૂ તાપ વચાળે
ગંદી ગોબરી ગટરોમાં એ જોખમ લઈને ઊતરતા
સ્વચ્છતાના આ શિલ્પીઓના ચરણો કોણ પખાળે?
બદલાય નહીં રીત-રસમ પોકળ સરકારી કામોની
સૌ દરવાજા છે મોકળા ને ડૂચા માર્યા છે ખાળે