જળની સાથે તેલની માફક જ ભળતો રહું,
હું મળ્યા વિના જ સૌને એમ મળતો રહું.
કેમ સમરસ થઈ ન શકતો ક્ષીર ને નીર સમ,
આ અલગતાનો સદાયે મર્મ કળતો રહું.
આમ એવો સાવ થીજેલો બરફ તો નથી,
હૂંફ સાચી જો મળે તો હું ય ગળતો રહું.
હા, નથી પામી શક્યો આકાર ચોક્કસ, છતાં,
પાત્ર ગમતું હો તો ઢાળો એમ ઢળતો રહું.
ગાડરિયા વ્હેણની બાંધી નથી ગઠરિયા,
વ્હેણ જે ખેંચે સહજ એ બાજુ વળતો રહું.
કાચ જેવું વિશ્વ ઝીલે સૂર્ય મારા ઉરે,
જીવ હો કાગળ એવી રીતે હું બળતો રહું.
હર્ષ સાથે શોક, સ્મિત સાથે ઉદાસી મળે,
પૂંજી જીવનના અનુભવની હું રળતો રહું.
પાણ મારો વૃક્ષને તો પણ મળે ફળ સદા,
કાશ! હું પણ અન્ય માટે એમ ફળતો રહું.
સિદ્ધિ પામું કોઇ તો હુંપદ પ્રવેશે નહીં,
ફળ સભર એક ડાળની માફક હું લળતો રહું.
સ્વર્ગથી જો અપ્સરા આવે ફરીથી અહીં,
તપ ભલે ભાંગે, ઋષિની જેમ ચળતો રહું.
(નેહલ મહેતા)
(નેહલ મહેતા)
nice .
ReplyDelete