Wednesday, March 25, 2015

મિસિંગ બક્ષી એ પુસ્તક નહીં પણ વાસ્તવિકતા છે!

ચંદ્રકાંત બક્ષી.... સરકારી બાબુઓ પ્રત્યે આપણો આક્રોશ જાણીતો છે. પણ બક્ષીજી એમના પરિચિતો અને મિત્રોના નામ પાછળ બાબુ લગાવીને સંબોધન કરે ત્યારે લોકોને આત્મીયતાનો અહેસાસ થતો હશે.

જે હાથેથી એ ઉષ્માસભર શેકહેન્ડ કરતાં એ જ હાથમાં જ્યારે કલમ આવતી ત્યારે ઉષ્માનું સ્થાન ઉચાટ લેતો અને બક્ષીબાબુના એ જ હાથે પકડેલી કલમમાંથી આગઝરતું લખાણ ઝરવા લાગતું. વાઈસે વર્સા પણ એટલું જ લાગુ પડે છે. ગુજરાતી સાહિત્યમાં ઘણાંની કીર્તિના ઊંચે ઊડતા વિમાનોને બક્ષીબાબુએ એમની આલોચનાનાં રડારમાં ટપકાં સ્વરૂપે ઝીલીને શબ્દોની ગાઈડેડ મિસાઈલથી ટપકાવીને સર્જેલા ગમખ્વાર સાહિત્યિક અકસ્માતોનું તો અલગ સંપાદન થઈ શકે.

બક્ષીની નવલકથાના બધા પાત્રો બક્ષીની જ ભાષા બોલે છે એવો આક્ષેપ થતો, પણ બક્ષીના ચાહકો પણ તેમના અંગત જીવનમાં બક્ષીની ભાષા બોલતા થઈ જતા હોય, બક્ષીનુમા વિવાદાસ્પદ વર્તન કરતાં હોય તો પછી એમના પાત્રોનો શું વાંક? 

ધારો કે એમના મૃત્યુ પછી પ્રકટ થયેલા બે સંપાદનો "મિસિંગ બક્ષી" અને "બક્ષી અને અમે" વાંચવા પૂરતાં બક્ષીબાબુ સજીવન થાય તો આ બંને પુસ્તકોને કદાચ હાસ્યના પુસ્તકોમાં ખપાવી દે એવું એમને અંજલિ આપતા ઘણાંખરાં લેખો વાંચીને લાગે. એમની શખ્સિયતને અનુરૂપ બે શબ્દો લખવા એ પણ પડકાર માંગી લેતું કામ છે. સાહિત્ય અકાદમીનું કામ સાહિત્યને જીવંત રાખવાનું, એનો પ્રચાર કરવાનું છે, પણ અકાદમી ન કરી શકે એવું કામ એકલે હાથે આ  'એક આદમી'એ કરી બતાવ્યું!

ઝનૂનથી સુકૂન સુધીના બહુવિધ ભાવોની સહેલગાહ કરાવતી બક્ષીસાહેબની કલમ વિશે વધારે તો શું લખું? પક્ષીવિદ સલીમ અલીનો જેવો પક્ષી પ્રેમ છે એવો મારા સહિતના ઘણાં ચાહકોનો અનન્ય બક્ષી પ્રેમ છે અને રહેશે!

No comments:

Post a Comment