અત્યાર સુધી જેટલી ગુજરાતી ફિલ્મો ગમી એમાં મારી પસંંદગીમાં એક પૅટર્ન મેં નોંધી છે. કાં તો ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક હોવા જોઈએ અથવા હીરો-હિરોઇન તરીકે પ્રતીક ગાંધી અને દીક્ષા જોશી હોવાં જોઈએ અથવા બેમાંથી એક હોય તો પણ ચાલે.
કૃષ્ણદેવ યાજ્ઞિક ચીલાચાલુ ફિલ્મો બનાવતા નથી. પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની ફિલ્મોની પસંદગી સારી હોય છે. યશ સોની પણ સારી ફિલ્મો કરે છે.
જેના કારણે અર્બન ફિલ્મોનો વાયરો ફુંકાયો એવી બૅટર હાફ ફિલ્મ જોવાનું બન્યું નથી અને 'કેવી રીતે જઈશ' ફિલ્મ ગમી નહિ તો દસ મિનિટમાં બંધ કરી દીધી. એ જ રીતે મલ્હાર ઠાકરની ફિલ્મ વીર-ઈશાનું સીમંત અડધેથી જોવી બંધ કરેલી ફિલ્મ હતી.
બીજી જોયેલી ફિલ્મોમાંં બહુચર્ચિત હેલ્લારો ખાસ ન ગમી. ઓસ્કાર માટે શૉર્ટલિસ્ટ થયેલ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો જોઈને આંંખો ભીની થઈ હતી.
અન્ય ગમેલી ફિલ્મોમાં લકીરો, રેવા, છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, નાડીદોષ, ફક્ત મહિલાઓ માટે, શુભ આરંભ, શરતો લાગુ, ધૂનકી, લવની લવ સ્ટોરીઝ, બે યાર, ડિયર ફાધર, ચાસણી વગેરેનો સમાવેશ થાય છે.